સાપ પગ ન હોવા છતાં કેટલી ઝડપે ચાલી શકે અને એ ખોરાકને ચાવતા કેમ નથી?

બીબીસી ગુજરાતી સાપ અજગર સરિસૃપ ભારત કોલંબિયા બ્રાઝિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયાના પહાડો અને જંગલોમાં ઝેરી સાપ મળી આવે છે.
    • લેેખક, પારા પડૈયા
    • પદ, બીબીસી તેલુગુ

મોટા ભાગના લોકોને સાપનો ડર લાગે છે. તેના ઝેરી દાંત, અચાનક હુમલો અને ફૂંફાડો બધાને ડરાવે છે. જોકે, બધા સાપ ઝેરી નથી હોતા, છતાં કેટલાક બહુ ખતરનાક હોય છે.

જીવવૈવિધ્યના સંરક્ષણમાં સાપ સક્રિય ભૂમિકા ભજવે છે. પગ ન હોવા છતાં સાપ બહુ ઝડપથી ચાલે છે. બ્લૅક મામ્બાની ઝડપ 19 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે એક બાજુથી સરકતા રેટલસ્નેકની ઝડપ 29 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

સાપ પોતાના શિકારને ચાવતા નથી પણ આખેઆખો ગળી જાય છે અને પછી ધીમે ધીમે પચાવે છે. સાપની કેટલીક પ્રજાતિઓ મગર જેવાં મોટાં જનાવરને પણ ગળી શકે છે. દુનિયામાં સાપની 4,000થી વધુ પ્રજાતિઓ છે, તેમાંથી 600 ઝેરી છે. રેપ્ટાઈલ ડેટાબેઝ પ્રમાણે તેમાંથી માત્ર 200 પ્રજાતિઓ એવી છે જે માનવીનો જીવ લઈ શકે છે.

તમામ સાપોમાં સૌથી ખતરનાક અને ઝેરી સાપ સૉ-સ્કેલ્ડ વાઇપર છે. તે પશ્ચિમ એશિયાના કેટલાક ભાગો ઉપરાંત આફ્રિકા અને એશિયન દેશોમાં પણ મળી આવે છે.

ફ્રેન્ડ્સ ઑફ સ્નેક્સ સોસાયટીના મહામંત્રી અવિનાશે બીબીસીને જણાવ્યું કે આ સાપના દંશથી દુનિયામાં દર વર્ષે 60 હજાર લોકો માર્યા જાય છે. ઝેરી સાપોના લિસ્ટમાં તે સૌથી ઉપર છે.

સાપની ગણતરી કેવી રીતે થાય છે?

બીબીસી ગુજરાતી સાપ અજગર સરિસૃપ ભારત કોલંબિયા બ્રાઝિલ

ઇમેજ સ્રોત, Roger Hamling

ઇમેજ કૅપ્શન, સાપની વસતી ગણતરી કરવી બહુ મુશ્કેલ છે (પ્રતીકાત્મક તસવીર)

સાપની સંખ્યાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, કારણ કે તે એકાંતપ્રિય સ્વભાવ ધરાવતું પ્રાણી છે. દુનિયામાં સાપની ચોક્કસ સંખ્યા સ્પષ્ટ નથી, પરંતુ કયા દેશમાં કેટલી સાપની પ્રજાતિઓ છે તેના આધારે આંકડા એકત્ર કરવામાં આવ્યા છે.

અન્ય સ્તનધારીઓ અને પક્ષીઓથી વિપરીત વન્ય ક્ષેત્રમાં સાપની વસતી ગણતરી કરવી મુશ્કેલ છે. સરીસૃપ વૈજ્ઞાનિકો ક્ષેત્ર સર્વેક્ષણ અને જીવવૈવિધ્યની યાદીનો ઉપયોગ કરીને સાપની ગણતરી કરે છે.

આ ઉપરાંત વિવિધ પ્રજાતિઓના વિતરણ નકશા, સ્થાનિક લોકો પાસેથી એકઠી થયેલી માહિતી અને સર્પદંશના કેસની ગણતરી પર તેનો આધાર રહે છે. આ ગણતરીના આધારે વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ વેબસાઈટે જણાવ્યું છે કે મૅક્સિકોમાં સાપની સૌથી વધારે પ્રજાતિઓ જોવા મળે છે.

મૅક્સિકો

બીબીસી ગુજરાતી સાપ અજગર સરિસૃપ ભારત કોલંબિયા બ્રાઝિલ

ઇમેજ સ્રોત, Sylvain CORDIER

ઇમેજ કૅપ્શન, એમેઝોનના રેઇન ફોરેસ્ટમાં એનાકોન્ડા સાપ જોવા મળે છે.

મૅક્સિકોમાં સાપની લગભગ 438 પ્રજાતિઓ છે. આ દેશમાં સૌથી વધુ સાપની વસતી ધરાવતા વિસ્તારોમાં દર દસ ફૂટે એક સાપ હોય છે. એકલા મૅક્સિકોમાં જ રેટલસ્નેકની 20થી વધુ પ્રજાતિઓ છે.

મૅક્સિકોમાં દરિયાકાંઠાના મેન્ગ્રૂવ જંગલો, ગાઢ જંગલો, સૂકા ઉચ્ચપ્રદેશો અને રણનાં મેદાનોએ સાપની વસતીમાં વધારો કર્યો છે. મૅક્સિકોમાં સાપ ન હોય તેવો કોઈ વિસ્તાર નથી. દેશનાં 32 રાજ્યોમાં તમે જ્યાં પણ જાવ ત્યાં સાપ જોઈ શકાય છે.

અહીં સાપની સંખ્યા વધુ હોવાનું કારણ મૅક્સિકોનું અનુકૂળ હવામાન અને ખોરાકની વ્યાપક ઉપલબ્ધતા છે. મૅક્સિકોના પશ્ચિમ કિનારે જોવા મળતો રેટલસ્નેક, ક્રોટાલસ બેસિલિસ્કસ એ વિશ્વના સૌથી લાંબા સાપ પૈકી એક છે. તેની લંબાઈ છ ફૂટ સુધી પહોંચે છે. મૅક્સિકોમાં શિકારીઓથી સાપને બચાવવા માટે ખાસ કાયદા પણ છે.

બ્રાઝિલ

બીબીસી ગુજરાતી સાપ અજગર સરિસૃપ ભારત કોલંબિયા બ્રાઝિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રાઇમેરેસુરસ ઇંસુલારિસ સાપ લીલા, પીળા અને વાદળી રંગમાં જોવા મળે છે.

બ્રાઝિલ આ યાદીમાં સામેલ હોય તે જરાય આશ્ચર્યજનક નથી, કારણ કે અહીં એમેઝોનના વર્ષાવનમાં પુષ્કળ સાપ છે. આ દેશમાં સાપની 420 પ્રજાતિઓ છે. એમેઝોન રેઈનફૉરેસ્ટ વિશ્વમાં સાપ માટે સૌથી મોટું સંવર્ધન સ્થળ ગણાય છે. આ જંગલો ઘણાં વર્ષોથી વિવિધ પ્રાણીઓનું ઘર રહ્યાં છે.

બ્રાઝિલમાં ઝેરી સાપની 30 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં એરિથ્રોલેમ્પ્રસ જીનસનો સમાવેશ થાય છે. આ એક લાંબો, પાતળો સાપ છે જેમાં બે કે ત્રણ અલગ અલગ રંગો અને હળવાં ઝેર હોય છે. બ્રાઝિલમાં શહેરો સહિત ગમે ત્યાં સાપ મળી શકે છે. સ્થાનિક લોકો કહે છે કે જમીન પર આંધળા સાપ, ઝાડ પર પોપટ સાપ અને છત પર ઉંદર સાપ જોવા મળે છે. વિશ્વના બીજા સૌથી લાંબા સાપ તરીકે ઓળખાતા એનાકોન્ડા પણ બ્રાઝિલમાં જોવા મળે છે. તેની જાડી ચામડી અને મોટું કદ તેને ડરામણા બનાવે છે.

ઇન્ડોનેશિયા

બીબીસી ગુજરાતી સાપ અજગર સરિસૃપ ભારત કોલંબિયા બ્રાઝિલ

ઇમેજ સ્રોત, SSPCA

પર્વતોમાં ટ્રેકિંગ કરવું એ સાહસિકો માટે સ્વપ્ન સમાન હોય છે. અન્ય દેશોમાં તે એટલું મુશ્કેલ નહીં હોય, પરંતુ જાવા અથવા સુમાત્રા, ઇન્ડોનેશિયામાં આવા સાહસની શરૂઆત અને પૂર્ણ કરવું લગભગ અશક્ય છે.

તમે ટેકરી પર ચઢો કે આ વિસ્તારોમાં જંગલોમાંથી મુસાફરી શરૂ કરો, તમારા ગંતવ્યસ્થાન પર પહોંચતા પહેલાં તમને અનેક પ્રકારનાં જોખમોનો સામનો કરવો પડશે. અહીંના ખતરનાક સાપ તમારા શરીરની રક્તવાહિનીઓમાં ખતરનાક ઝેર દાખલ કરે છે.

રૉક સ્નેક ખૂબ જ શક્તિશાળી અને જીવલેણ હોય છે. કોરલ સ્નેકના ઝેરથી આખા શરીરની પેશીઓ ખતમ થઈ જાય છે. આ વાત અતિશયોક્તિભરી લાગશે પરંતુ ઇન્ડોનેશિયામાં સાપની 376 પ્રજાતિઓ છે. તેમાંથી કેટલાક સાપ લોકો વચ્ચે શાંતિથી રહે છે, જ્યારે અન્ય સાપથી કાળજી રાખવાની જરૂર છે. જોકે, ઇન્ડોનેશિયાના સાપની મોટા ભાગની પ્રજાતિઓ ભાગ્યે જ જોવા મળે છે.

હાઇપ્સિસ્કોપસ ઇન્ડોનેસિનિસ એ દુર્લભ ગણાતો પાણીનો સાપ છે, જે સૌપ્રથમ 2024માં ઉત્તર સુલાવેસીના એક તળાવમાં મળી આવ્યો હતો.

ભારત

બીબીસી ગુજરાતી સાપ અજગર સરિસૃપ ભારત કોલંબિયા બ્રાઝિલ કોબ્રા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતની ભૌગોલિક સ્થિતિ સાપ માટે અનુકૂળ ગણવામાં આવે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ યાદીમાં ભારતનો સમાવેશ થાય છે તે સ્વાભાવિક છે. હકીકતમાં, ભારત આ યાદીમાં ઘણું ઉપર હોવું જોઈએ. કારણ કે ભારત સમશીતોષ્ણ પ્રદેશમાં આવેલો દેશ છે. ભારતમાં એક તરફ રણ, બીજી તરફ બરફીલા પર્વતો, દેશની મધ્યમાં વિશાળ પર્વતમાળાઓ અને વિશાળ સપાટ મેદાનોનાં કારણે આ દેશ ભૌગોલિક વિવિધતાનું કેન્દ્ર છે.

ભારતમાં સાપની 305 પ્રજાતિઓ છે. ભારતમાં સાપની કેટલીક પ્રજાતિઓ હજુ સુધી ઓળખાઈ નથી. 2020માં પશ્ચિમ ઘાટમાં એક કાદવનો સાપ મળી આવ્યો હતો. 2021માં હિમાલયના મારુ મુલા ગામમાં ચુરા ખીણમાં કુકરી સાપ જોવા મળ્યો હતો.

ભારતમાં દરેક જગ્યાએ સાપ જોવા મળે છે. અહીં ઘણા ઝેરી સાપ છે જેમાં ગ્રે કીલબેક પ્રજાતિનો પણ સમાવેશ થાય છે. રેટલસ્નેક ખુલ્લી જગ્યાઓમાં ફરતા હોય છે. તેઓ સૌપ્રથમ 1758માં મળી આવ્યા હતા. ભારતના સૌથી ખતરનાક ઝેરી સાપ પૈકીના એક, સૉ-સ્કેલ્ડ વાઇપર 1801માં મળી આવ્યો હતો. ખતરનાક રસેલ વાઇપર જેવા ઝેરી સાપને પણ ભારતના કોબ્રા સાથે સરખાવી શકાય નહીં. સૌથી ઝેરી સાપ પૈકીનો એક કોબ્રા કલાકો સુધી સ્થિર અને ગતિહીન રહી શકે છે. આનો બીજો ખતરો એ છે કે તે મોટાભાગે ખેતરોમાં જોવા મળે છે.

કોલંબિયા

ભયાનકતાની દૃષ્ટિએ કોલંબિયાના સાપ ડ્રગ કાર્ટેલ્સને ટક્કર આપે છે. કોલંબિયા એ વાદળો, ધુમ્મસ અને કાદવવાળા જંગલોનો દેશ છે. અહીં જંગલમાં દરેક વળાંક પર સાપનો સિસકારો સંભળાય છે. જંગલના કોઈપણ ખૂણામાં અથવા વળાંકવાળા રસ્તાઓ પર સાપ છુપાયેલા હોઈ શકે છે.

કોલંબિયામાં એન્ડીઝ પર્વતમાળા આવેલી છે જે આ દેશને બે ભાગમાં વહેંચે છે. બ્રાઝિલની જેમ જ પૂર્વ કોલંબિયામાં એનાકોન્ડા સાપ મોટી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ પશ્ચિમ કોલંબિયામાં એક પણ નથી. એન્ડીઝ પર્વતમાળાની બંને બાજુએ સાપની પ્રજાતિઓએ એક મજબૂત અવરોધ ઊભો કર્યો છે જે તેમને એકબીજાને મળતા અટકાવે છે.

લોકોમાં સાપ અંગે જાગૃતિ વધી

બીબીસી ગુજરાતી સાપ અજગર સરિસૃપ ભારત કોલંબિયા બ્રાઝિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયામાં મળી આવતા બોઈગા ડેન્ડ્રોફીલા નામના સાપમાં હળવું ઝેર હોય છે.

ફ્રેન્ડ્સ ઑફ સ્નેક્સ સોસાયટીના મહામંત્રી અવિનાશે જણાવ્યું કે સાપ વિશે લોકોમાં હજુ પણ ગેરમાન્યતાઓ અને ભય છે, પરંતુ કેટલીક સંસ્થાઓ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમોને કારણે લોકોમાં જાગૃતિ વધી છે.

અવિનાશે બીબીસીને જણાવ્યું કે, "અગાઉ અમને સાપ વિશે જાણવા અને તેમને પકડવા માટે દિવસમાં માંડ સો ફોન આવતા હતા. હવે અમને દરરોજ 300 ફોન આવે છે."

કેટલાક દેશો એવા છે જ્યાં એક પણ સાપ નથી. જેમ કે ન્યૂઝીલૅન્ડ, આયર્લૅન્ડ, આઇસલૅન્ડ, ગ્રીનલૅન્ડ, એન્ટાર્કટિકા અને પેસિફિક મહાસાગરમાં આવેલા કિરીબાટી ટાપુ પર કોઈ સાપ નથી.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન