કચ્છમાંથી જેના અવશેષો મળ્યા તે હિમાલય કરતાં પણ જૂનો અને 49 ફૂટ લાંબો વિશાળ 'વાસુકિ ઇન્ડિકસ' સાપ કેવી રીતે શોધાયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કે. શુભગુણમ
- પદ, બીબીસી તામિલ
પેલિયોન્ટોલૉજિસ્ટ એટલે કે જીવાશ્મશાસ્ત્રજ્ઞ ડૉ. સુનીલ વાજપેયી પ્રાચીન વ્હેલનો અભ્યાસ કરવા માટે 2005માં ગુજરાતના કચ્છ જિલ્લામાં ગયા હતા.
તેઓ ત્યાં કોલસાની ખાણમાં વ્હેલના અવશેષો શોધી રહ્યા હતા ત્યારે તેમને બીજા એક વિશાળ પ્રાણીની કરોડરજ્જુના ટુકડા મળી આવ્યા હતા.
એ સમયે તેમને ખ્યાલ ન હતો કે તે અવશેષો કયા પ્રાણીના છે. એ અવશેષો 47 લાખ વર્ષ પહેલાં ભારતની મુખ્ય ભૂમિ પર રહેતા 49 ફૂટ લાંબા એક વિશાળ સાપના છે, એની કલ્પના પણ ન હતી.
ડૉ. સુનીલ વાજપેયીએ બીબીસીને કહ્યું હતું, "શરૂઆતમાં 18 વર્ષ સુધી અમે અવશેષોને બાજુ પર રાખ્યા હતા. અમને એમ હતું કે તે મગરના અવશેષો છે. પછી એક દિવસ અચાનક સંશોધક દેબજીત દત્તા અને મેં અવશેષોની તપાસ કરી તો અમને જાણવા મળ્યું હતું કે તે સાપના અવશેષો છે."
એ પછી તેમણે અવશેષોનો વિગતવાર અભ્યાસ શરૂ કર્યો હતો. તેમણે તેને 'વાસુકિ ઇન્ડિક્સ' નામ આપ્યું હતું.
વાસુકિ સાપનું જીવન ચક્ર કેવું હતું? શું તે વિશ્વની સૌથી લાંબી સાપ પ્રજાતિ હતી? ડૉ. સુનીલ વાજપેયી અને દેબજીત દત્તાએ આ સંદર્ભે બીબીસીને વિગતવાર માહિતી આપી હતી.
18 વર્ષ સુધી ઉપેક્ષિત રહેલા અવશેષો

વાસુકિ સાપનાં હાડકાં મળી આવ્યાં ત્યારે સુનીલ વાજપેયીને લાગ્યું હતું કે મગરના અવશેષો હોઈ શકે છે. તેથી તેમણે તેનો અભ્યાસ કર્યા વિના પોતાના સંગ્રહમાં રાખી મૂક્યા હતા.
સુનીલ વાજપેયીએ કહ્યું હતું, "18 વર્ષ પછી એક દિવસ અમે જૂના થોલે સંગ્રહની તપાસ કરી રહ્યા હતા ત્યારે દત્તાએ અને મેં અવશેષો જોયા હતા. અવશેષો પર ખૂબ જ સૂક્ષ્મ નિશાન અને પૅટર્ન હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના કહેવા મુજબ, "તેમાંથી સર્જાયેલી જિજ્ઞાસાને કારણે અમે અવશેષો વિશે વ્યાપક સંશોધન કર્યું અને પરિણામે અમને વાસુકિ સાપની શરીર રચના, તેના ઇતિહાસ અથવા જીવનચક્ર અને તે કયા પ્રકારના રહેઠાણમાં રહેતો હશે તેના વિશે પેલિયોન્ટોલૉજિકલ દૃષ્ટિએ ઘણી માહિતી મળી હતી."
એટલું જ નહીં, તેમણે એ પણ શોધી કાઢ્યું હતું કે ઈઓસીન સમયગાળાના એ સાપની કરોડરજ્જુ 4.7 કરોડ વર્ષ જૂની છે અને તે પૃથ્વી પર જોવા મળતા સૌથી લાંબા સાપ પૈકીનો એક છે.
વાસુકિ સાપની શિકાર પદ્ધતિ અજગર જેવી જ
ભારતની મુખ્ય ભૂમિ પર લાખો વર્ષ પહેલાં રહેતા આ વિશાળકાય સાપનું જીવન કેવું હતું? એ સાપ કેવી રીતે શિકાર કરતો હતો?
આ સવાલોનો જવાબ આપતા દેબજીત દત્તાએ કહ્યું હતું, "અમને સાપના મધ્ય ભાગના અવશેષો જ મળ્યા હતા. તેના કરોડરજ્જુનાં હાડકાંનો આકાર દર્શાવે છે કે વાસુકિ સાપની શરીરરચના પર્વતોમાં જોવા મળતા આધુનિક સાપ જેવી જ હતી."
તેમણે ઉમેર્યું હતું કે,"એટલા માટે જ અમને લાગે છે કે પ્રાચીન વાસુકિ સાપની શિકાર કરવાની પદ્ધતિ અને આજે ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળતા સાપની શિકાર કરવાની પદ્ધતિ ખૂબ સમાન હશે."
આજે ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળતી સાપની પ્રજાતિઓ સક્રિય શિકારી નથી. તેઓ તેમના શિકારનો પીછો કરતા નથી. તેના બદલે તેઓ સૂઈ જાય છે અને તેમના શિકારના નજીક આવવાની રાહ જુએ છે.
એ પછી તેઓ શિકારને ભીંસમાં લે છે અને તેને કચડી નાખવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે.

ઇમેજ સ્રોત, S. Bajpai, D. Datta & P. Verma
દેબજીત દત્તાએ કહ્યું હતું, "વાસુકિ ઇન્ડિક્સ પ્રજાતિએ પણ શિકારની આવી પદ્ધતિ અપનાવી હશે. વાસુકિ પોતાના શિકારની રાહ જોતા હતા અને તેનું ભક્ષણ કરવાના તબક્કે તેને ભીંસમાં લેતા હતા. તેને કચડી નાખતા હતા અને પછી તેને ગળી જતા હતા."
તેમણે ઉમેર્યું હતું, "વાસુકિ સાપના અવશેષો મળ્યા હતા તે સ્થળનું નિરીક્ષણ પણ સંશોધકોએ કર્યું હતું. ત્યાં કળણ અથવા ભીની જમીન હોવી જોઈએ, તેવું તારણ તેમણે કાઢ્યું હતું."
"આજના પર્વતીય સાપની માફક વાસુકિ સાપ પણ તેમની આસપાસ જે મળે તેનો શિકાર કરતા હતા અને તેને ખાતા હતા."
વાસુકિ સાપ ઉભયજીવી હતા કે કેમ, એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વાસુકિની જીવનશૈલી મુખ્યત્વે પાર્થિવ હોવા છતાં તે જળાશયો, તળાવો અને ભીની જમીનમાં રહેતા હતા.
હિમાલય કરતાં પણ જૂનો સાપ
સુનીલ વાજપેયીના જણાવ્યા અનુસાર, ડાયનોસૉર લુપ્ત થયાનાં 1.8 કરોડ વર્ષ પછી સાપની આ પ્રજાતિ પૃથ્વી પર વિચરતી હતી.
તેમણે નોંધ્યું હતું કે, "આ સાપ માનવજાતની ઉત્ક્રાંતિના સમયગાળા સાથે સંબંધિત ન હોય તો પણ પ્રાઇમેટ્સ તરીકે ઓળખાતા માનવોની પૂર્વજ મોટી જૈવિક પ્રજાતિઓ પૈકીના કેટલાક જીવો અથવા પ્રાણીઓની સાથે વાસુકિ સાપનું અસ્તિત્વ હશે."
એટલું જ નહીં, આ સાપ પૃથ્વી પર વિચરતા હતા ત્યારે હિમાલય પણ સંપૂર્ણપણે અસ્તિત્વમાં આવ્યો ન હતો. તેની ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયા ચાલુ હતી, એમ તેમણે જણાવ્યું હતું.
તેમના મતાનુસાર, વિશાળ વાસુકિ સાપના સમયગાળા દરમિયાન ગોંડવાના ખંડથી અલગ થયેલા ભારતીય ખંડના એશિયન ખંડમાં વિલિનીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી. અલબત, "તે પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી."
તેનો અર્થ એ થયો કે હિમાલય અસ્તિત્વમાં આવ્યો એ પહેલાંથી જ ભારતની મુખ્ય ભૂમિ પર સાપની વાસુકિ પ્રજાતિઓ અસ્તિત્વમાં હતી.

ઇમેજ સ્રોત, S. Bajpai, D. Datta & P. Verma
ડૉ. સુનીલ વાજપેયીના જણાવ્યા મુજબ, વાસુકિ સાપ મત્સુઓડિયા પ્રજાતિનો હતો અને ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં રહેતો હતો.
"તે એવો સમય હતો, જ્યારે ગોંડવાનાથી અલગ થયેલો ભારતીય ખંડ એશિયા ખંડ સાથે લગભગ જોડાઈ ગયો હતો. એટલે કે ગોંડવાનાથી અલગ થયેલો આ ભૂમિભાગ પાંચ કરોડ વર્ષ પહેલાં એશિયા ખંડ સાથે અથડાઈ ગયો હતો."
"તેના પરિણામે હિમાલય બનવાનું શરૂ થયું હતું, પણ સંપૂર્ણ હિમાલયનું નિર્માણ થયું ન હતું. એ સમયગાળા દરમિયાન વાસુકિ સાપ હાલના ગુજરાત પ્રદેશમાં રહેતા હતા."
દેવજીત દત્તાએ જણાવ્યું હતું કે વાસુકિ સાપના અશ્મિઓની સાથે પ્રાચીન વ્હેલ, શાર્ક, મગર અને કાચબાના અવશેષો પણ મળી આવ્યા હતા.
ડૉ. સુનીલ વાજપેયી માને છે કે આ પ્રદેશમાં અગાઉ સમુદ્ર હતો. તેથી સમુદ્રમાં રહેતા અન્ય જીવો સાથે વાસુકિ સાપના અવશેષો મળી આવ્યા હતા.
વાસુકિ વિશ્વનો સૌથી લાંબો સાપ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાસુકિ સાપને વિશ્વનો સૌથી લાંબો સાપ માની શકાય કે નહીં, એવા સવાલના જવાબમાં ડૉ. સુનીલ વાજપેયીએ કહ્યું હતું, "વાસુકિ નિશ્ચિત રીતે વિશ્વના સૌથી લાંબા સાપમાંનો એક છે, પરંતુ તે વિશ્વનો સૌથી લાંબો સાપ છે, એવું કહી ન શકાય."
2004માં કોલંબિયામાં ટાઇટેનોબોઆ નામના પ્રાચીન સાપના અશ્મિ મળી આવ્યા હતા. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તે વિશ્વનો સૌથી લાંબો સાપ હતો.
ડૉ. સુનિલ વાજપેયીએ કહ્યું હતું કે, "વાસુકિ સાપ ટાઇટેનોબોઆ સાપ જેટલો જ લાંબો હોવો જોઈએ, તે સ્પષ્ટ છે."
તેમણે વાસુકિ સાપની લઘુતમ અને મહત્તમ લંબાઈનો અભ્યાસ કર્યો છે. તેના આધારે એવું તારણ કાઢ્યું છે કે આ સાપની લંબાઈ "11 મીટરથી 15 મીટર" સુધીની હોઈ શકે છે. એટલે કે વાસુકિ સાપની લંબાઈ 36 ફૂટથી 49.2 ફૂટ સુધીની હોઈ શકે છે.
ટાઇટનોબોઆ સાપના સંદર્ભમાં તેની લંબાઈ 42.7 ફૂટ છે. તેથી જ સંશોધકોએ તારણ કાઢ્યું છે કે વાસુકિ સાપની લંબાઈ પણ ટાઇટનોબોઆ જેટલી અથવા તેનાથી વધુ હોઈ શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, "જોકે તે ઓછામાં ઓછો 36 ફૂટ લાંબો હોય તે શક્ય છે. અમને સાપના શરીરના મધ્યભાગના અવશેષો જ મળ્યા છે. તેથી વાસુકિ ખરેખર કેટલો લાંબો હશે તે અમે કહી શકતા નથી."
"તેના સંપૂર્ણ કદને ખાતરીપૂર્વક સમજવા માટે આપણે વધુ અવશેષો એકત્રિત કરવાની અને અભ્યાસ કરવાની જરૂર છે."
વાસુકિ સાપની લંબાઈને ધ્યાનમાં લેતાં ડૉ. સુનિલ વાજપેયીએ કહ્યું હતું કે, "તેનું વજન લગભગ એક ટન હોવું જોઈએ. જોકે, ટાઇટેનોબોઆનું વજન સવા ટન હતું. તેથી તે મોટો હતો."
તેમણે એમ પણ કહ્યું હતું કે "ભારતીય ઉપખંડમાં વાસુકિ સાપ ક્યાં ફેલાયેલા હતા તેની તેમજ તેમના વિશે વધુ માહિતી મેળવવા માટે વધુ સંશોધનની જરૂર છે. તેથી અમે વધુ સંશોધન માટે કચ્છ ફરી જવાની યોજના બનાવી છે."
તેમણે કહ્યું હતું કે, "જોકે, ચિંતાજનક બાબત એ છે કે વાસુકિ સાપના અશ્મિ જ્યાંથી મળી આવ્યા હતા ત્યાં કોલસાની ખાણ છે. ત્યાંની માટી ઘણી બદલાઈ ગઈ હશે. તેથી અન્ય સ્થળોએ વાસુકિ ઇન્ડિક્સના અવશેષો શોધી અને એકત્રિત કરીએ તો તેમના વિશે આપણને ઘણી નવી બાબતોની માહિતી મળી શકે તેમ છે."
આ બંને સંશોધકોએ વાસુકિ સાપના સમયગાળા, ઈઓસીન દરમિયાન રહેતાં જળચર પ્રાણીઓના અવશેષો પણ શોધી કાઢ્યા છે.
બંને સંશોધકો વાસુકિ વિશે વધુ સંશોધન કરી રહ્યા છે. ભારતીય ઉપખંડમાંનાં જે અન્ય સ્થળોએ વાસુકિ સાપ અને તેના શરીરના અવશેષો મળી આવ્યા હતા ત્યાં તેમણે સંશોધન ચાલુ રાખ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












