ગુજરાત સરકાર માવઠાથી પાકને કેટલું નુકસાન થયું છે એ કેવી રીતે નક્કી કરે છે, સર્વેનું કામ કેટલે પહોંચ્યું?

બીબીસી ગુજરાતી, મગફળી, કપાસ, જીરું, ખેતીને નુકસાન, ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતની ખેતી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા

ઇમેજ સ્રોત, Bhupendra Patel/FB

ઇમેજ કૅપ્શન, જૂનાગઢમાં પાકને થયેલા નુકસાનનું સોમવારે નિરીક્ષણ કરી રહેલ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં 25 ઑક્ટોબરથી ચાલુ થયેલો કમોસમી વરસાદ દસમે દિવસે એટલે કે નવેમ્બર ત્રણના રોજ પણ ચાલુ રહ્યો હતો અને કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાનના સમાચાર વચ્ચે પરિસ્થિતિનો તાગ મેળવવા સોમવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં ગામોની મુલાકાતે આવ્યા હતા.

પાકોને વ્યાપક નુકસાનની ફરિયાદો અને સરકાર ઝડપથી રહેમરાહે વળતર આપે તેવી ખેડૂતોની માગણીઓ વચ્ચે પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવાની કામગીરીની ઝડપી બનાવવના હેતુથી શનિવારે રાજ્ય સરકારે તેનો અગાઉનો નિર્ણય બદલી નાખ્યો હતો.

બદલાયેલ નિર્ણય અનુસાર ખેડૂતોના ખેતરને એકમ ન ગણાતા આખા ગામને જ એ એકમ ગણી સર્વે કરવા સૂચના આપી છે.

સોમવાર સુધીમાં મોટા ભાગના જિલ્લાઓમાં આ કામગીરી પૂર્ણ થઈ હોવાનું સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું.

સરકારે સર્વે પ્રક્રિયામાં શું ફેરફાર કર્યો છે?

બીબીસી ગુજરાતી, મગફળી, કપાસ, જીરું, ખેતીને નુકસાન, ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતની ખેતી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા

ઇમેજ સ્રોત, Information Department, Gujarat

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રીની મુલાકાત દરમિયાન મુખ્ય મંત્રીને સોમવારે પ્રશ્ન પૂછી રહેલા એક ખેડૂત

લગભગ આખા રાજ્યમાં કમોસમી વરસાદ પડતા ચોમાસું સિઝનના મગફળી, કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકો જે કાપણી-લણણી માટે તૈયાર હતા તેના પર માઠી અસર પડી હતી.

ખેતીવાડી ખાતાના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે ગુરુવારથી તેમણે કૃષિપ્રગતિ પોર્ટલના માધ્યમથી પાકોને નુકસાનીનો ડિજિટલ સર્વે કરવાની પ્રક્રિયા આરંભી હતી. આ પ્રક્રિયામાં દરેક ખેડૂતના ખેતરને એકમ ગણવાનું હતું અને વિલેજ કમ્પ્યુટર એન્ટ્રોપ્રિનિયર (ટૂંકમાં, વીસીઇ) કે અન્ય ટેકનિકલ માણસો દ્વારા ખેડૂતના ખેતરે ખેતરે જઈ, નુકસાન પામેલ પાકના ફોટા પાડી પોર્ટલ પર અપલોડ કરવાના હતા. જોકે આ ડિજિટલ સર્વેનો કેટલાક ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ઝડપથી વળતર આપવાની માગણી કરી હતી.

આવા દરમિયાન શનિવારે મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સિનિયર અધિકારીઓની એક બેઠકમાં સર્વેની પદ્ધતિ બદલવાનો નિર્ણય કરાયો હતો.

રાજ્ય સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું, "રાજ્યમાં આ વર્ષે સાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાનહિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે. એટલું જ નહીં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા-સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારમત મદદ માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે."

યાદીમાં વધારે જણાવાયું હતું કે, "રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી, જરૂરી કાર્યવાહી કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામકાજ પૂરું થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવાની સૂચના અપાઈ છે."

સરકારના આ નિર્ણય બાદ સર્વેની કામગીરી માટે ખેતરના બદલે આખા ગામને જ એકમ ગણી ખેતીવાડી ખાતાના કે મહેસૂલી ખાતાના સ્થાનિક કર્મચારીઓએ જે-તે ગામના સરપંચ તેમજ ખેડૂતોની હાજરીમાં જે-તે ગામમાં પાકને થયેલ નુકસાન અંગે પંચરોજકામ કરવાની પ્રક્રિયા રવિવારથી જ આરંભી હતી.

અહીં, એ યાદ રહે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નામની કેન્દ્ર સરકારની પાક વીમા યોજનામાં ઉત્પાદકતા (પ્રતિ વીઘે કે હેકટરે મળતું ઉત્પાદન) તેમજ અસામાન્ય સંજોગોને કારણે પાકને થયેલ નુકસાનનું પ્રમાણ જાણવા ખેડૂતના ખેતરને એકમ ગણવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકાર 2020માં આ યોજનામાંથી નીકળી ગઈ હતી અને ત્યારથી રાજ્યના ખેડૂતોને કોઈ પાક વીમાનો લાભ મળતો નથી.

પાકના નુકસાનનું સર્વેનું કામ ક્યાં પહોંચ્યું છે?

બીબીસી ગુજરાતી, મગફળી, કપાસ, જીરું, ખેતીને નુકસાન, ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતની ખેતી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા

ઇમેજ સ્રોત, Office of DAO, Amreli

ઇમેજ કૅપ્શન, અમરેલીના ખાંભા તાલુકાના અનિડા ગામે પાક નુકસાનની શનિવારે થઈ રહેલી કામગીરી

કામગીરી કયા તબ્બકે પહોંચી છે તે જાણવા માટે બીબીસીએ સોમવારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને રાજકોટ, દક્ષિણ ગુજરાતના વલસાડ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાઓમાં સરકારી અધિકારીઓનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે મોટા ભાગના જિલ્લાઓમાં આ કામગીરી સોમવાર સાંજ સુધી પૂરી થઈ ગઈ હતી.

ભાવનગર જિલ્લાના કલેક્ટર મનીષકુમારે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "ભાવનગર જિલ્લાનાં 699 ગામોમાંથી બધાં જ ગામોમાં કમોસમી વરસાદથી પાકને થયેલ નુકસાનનો પ્રાથમિક સર્વે આજે પૂરો કરી દેવામાં આવ્યો છે. અમારા જિલ્લામાં 4.07 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર નોંધાયું હતું અને તેમાંથી 3.85 લાખ હેક્ટર એટલે કે લગભગ 95 ટકા વિસ્તારમાં પાકોને નુકસાન થયું છે. સર્વે અનુસાર મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. સર્વે પૂરો થઈ ગયો છે અને અમે હવે અહેવાલ રાજ્ય સરકારને મોકલીશું."

ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારી મોહમ્મદ રિઝવાન ઘાંચીએ બીબીસીને કહ્યું કે ભાવનગરના કુલ વાવેતર વિસ્તારમાંથી 80 ટકા વિસ્તારમાં તો કપાસ અને મગફળીનું જ વાવેતર નોંધાયેલ છે.

તેમણે ઉમેર્યું, "આ ઉપરાંત ડુંગળી અને અન્ય બાગાયતી પાકોનું પણ વાવેતર છે, પરંતુ મગફળી અને કપાસ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે તેવો મત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે."

અમરેલી જિલ્લાના ખેતીવાડી અધિકારી જિજ્ઞેશ કાનાણીએ પણ કહ્યું કે અમરેલીનાં 626 ગામોમાંથી બધાં જ ગામોમાંથી નુકસાની અંગેના પંચરોજકામની કામગીરી સોમવાર બપોર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી.

તેમણે કહ્યું, "આ કામગીરી માટે ગ્રામસેવક, તલાટી-મંત્રીઓ તેમજ ખેતીનું તાંત્રિક જ્ઞાન ધરાવતા કર્મચારીઓ સહિતના 236 કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ ગામડેગામડે ગયા, સરપંચ તેમજ ખેડૂતોની હાજરીમાં નુકસાનનું તારણ કર્યું અને એ તારણના આધારે પંચરોજકામ કરી જિલ્લા કચેરીને મોકલી આપ્યા છે. જિલ્લામાં કુલ 5.12 લાખ હેક્ટરમાં પાકોને નુકસાન થયાના અહેવાલ છે અને ગામડાંમાંથી મળેલ અહેવાલમાં નુકસાનીનું પ્રમાણ 33 ટકાથી વધારે હોવાનો ઉલ્લેખ છે."

બીબીસી ગુજરાતી, મગફળી, કપાસ, જીરું, ખેતીને નુકસાન, ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતની ખેતી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અમરેલીના ચંપાથળ ગામના ખેડૂત મુકેશ વઘાસિયા કહે છે કે જે કપાસ વીણવા માટે તૈયાર હતો અને વરસાદના નુકસાન થયું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદે જણાવ્યું કે જિલ્લામાં 5.17 લાખ હેક્ટરમાં નોંધાયેલા ચોમાસુ વાવેતર વિસ્તારમાંથી 84 ટકા એટલે કે 4.34 લાખ હેક્ટર કરતાં પણ વધારે વિસ્તારમાં પાકોને નુકસાન થયાના અહેવાલ છે.

તેમણે કહ્યું, "સરકારની લૅટેસ્ટ સૂચના મુજબ 102 ટીમોએ રવિવાર સુધીમાં 35 ટકા કામગરી પૂર્ણ કરી દીધી હતી અને આજે સોમવાર સાંજ સુધીમાં અમે સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે. અમે લોકલ ગવર્ન્મેન્ટ ડિરેક્ટરીમાં આપેલાં ગામોના કોડ મુજબ ગામોની યાદી તૈયાર કરી છે અને દરેક ગામમાં નોંધાયેલા નુકસાનની ટકાવારી સાથેનો અહેવાલ તૈયાર કરી રહ્યા છીએ."

વલસાડ જિલ્લના નિવાસી અધિક કલેક્ટર મહીપાલ ચુડાસમાએ જણાવ્યું કે જિલ્લામાં એક લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું તેમાંથી 73800 હેક્ટરમાં તો ડાંગરનું જ વાવેતર નોંધાયું છે.

તેમણે કહ્યું, "ડાંગરના પાકને વ્યાપક નુકસાનની ફરિયાદો છે. વલસાડ જિલ્લામાં 315 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે અને 54 ગામોમાં બાકી છે જે આવતી કાલ (4 નવેમ્બર) સુધીમાં પૂર્ણ કરી રાજ્ય સરકારને અહેવાલ માકલી આપીશું."

બનાસકાંઠાના ખેતીવાડી અધિકારી મયૂર પટેલ પણ કહ્યું કે ખાસ કરીને ડીસા તાલુકામાં વધારે કમોસમી વરસાદ પડતા મગફળીના પાકને નુકસાનના અહેવાલ છે.

તેમણે કહ્યું, "અમે કર્મચારીઓની 189 ટીમો બનાવી છે અને આવતી કાલ (4 નવેમ્બર) સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાશે. ડીસા તાલુકાના ખેડૂતો શિયાળામાં બટાટાનો પાક સમયસર વવાય તે માટે મોટે ભાગે મગફળીની વહેલી પાકતી જાતો ચોમાસામાં વાવે છે. પરિણામે, ઘણા ખેડૂતોએ તેમની મગફળીની મોસમ લઈ લીધી હતી."

પંચરોજકામ કઈ રીતે થયાં?

બીબીસી ગુજરાતી, મગફળી, કપાસ, જીરું, ખેતીને નુકસાન, ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતની ખેતી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ નજીક સરપદડ ગામે મગફળીના પાકમાં થયેલ નુકસાનની રવિવારે લેવાયેલ તસવીર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી માંડરડી ગામના ખેડૂત રમેશ વસોયાએ કહ્યું કે તેમના ગામમાં નુકસાન અંગેનું પંચરોજકામ રવિવારે સવારે જ કરી લેવામાં આવ્યું.

તેમણે જણાવ્યું, "અમે ગામના આગેવાનો એકઠા થયા અને તલાટી-કમ-મંત્રી આવતા તેમને નુકસાનનું સેમ્પલ બતાવવા એક વાડીએ લઈ ગયા. ત્યાર બાદ રોજકામનું લખાણ કર્યું. મંત્રીનું સૂચન હતું કે '33 ટકાથી વધારે નુકસાન' તેવું દર્શાવીએ, પરંતુ અમે જણાવ્યું કે 85 ટકા કરતાં પણ વધારે નુકસાન છે અને રોજકામમાં પણ તેવો જ ઉલ્લેખ કરવામાં આવે. છેવટે પંચરોજકામમાં તે મુજબનું લખાણ કરી અમે સિત્તેરેક ખેડૂતોએ તેમાં સહી કરી."

મોટા આગરિયા ગામના આગેવાન પ્રકાશ ખુમાણે કહ્યું કે તેમના ગામમાં પણ રવિવારે જ ગ્રામસેવક અને તલાટી-કમ-મંત્રી આવ્યા અને સરપંચ તેમજ ખેડૂતોની હાજરીમાં પંચરોજકામ કરવામાં આવ્યું અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે પાકોમાં 91 ટકા સુધીનું નુકસાન છે.

જોકે રાજ્ય સરકારે ખેડૂતોને કેટલી સહાય કરાશે તે બાબતની કોઈ જાહેરાત સોમવાર સાંજ સુધી કરી ન હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન