ગુજરાત પાસેના દરિયામાં એવું શું થાય છે કે છેક હિમાલયના વિસ્તારોમાં જીવલેણ વરસાદ પડે છે?

ઇમેજ સ્રોત, SHARAD BADE/BBC
- લેેખક, મયૂરેશ કોણ્ણૂર
- પદ, બીબીસી સંવાદદાતા. હિમાચલ પ્રદેશમાંથી પાછા આવીને
7 ઑક્ટોબરની રાત્રે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પહાડી વિસ્તારમાંથી એક ખાનગી બસ પસાર થઈ રહી હતી. અચાનક ભૂસ્ખલન થયું અને બસ તેની ઝપટમાં આવી ગઈ. તેમાં 15 લોકોનાં મૃત્યુ થયાં અને 18 લોકો ઘાયલ થયા.
આ દુર્ઘટના રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં થયેલી અનેક દુઃખદ ઘટનાઓની વધુ એક કડી હતી. આવા બનાવો અટકવાનું નામ નથી લેતા.
હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર, અતિપ્રતિકૂળ હવામાન કારણે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે માત્ર હિમાચલમાં જ 141 લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે, સ્થાનિક લોકોનું માનવું છે કે સાચો આંકડો આના કરતાં ઘણો વધુ હશે.
આવી દુર્ઘટનાઓ ફક્ત હિમાચલ પૂરતી સીમિત નથી, ચાલુ વર્ષના ચોમાસામાં ભારતના ઘણા હિમાલિયન વિસ્તારોમાં ભારે વિનાશ થયો.
મીડિયા રિપોર્ટ્સ અને રાજ્ય સરકારોના આંકડાના આધારે હવામાન વિભાગે ડેટા એકત્રિત કર્યો છે. તેના આધારે જોઈએ તો જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે અતિ પ્રતિકૂળ હવામાનના કારણે 1,528 લોકોનાં મૃત્યુ થયાં છે.
પરંતુ હિમાલયના વિસ્તારોમાં વિનાશ સૌથી ભયાનક છે.
ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ઘણી વાર અતિભારે વરસાદ પડ્યો. હવામાને અત્યંત જોખમી સ્વરૂપ બતાવ્યું. તાજેતરનું એક બીજું ઉદાહરણ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગનું છે.
આ બધાની વચ્ચે દર વર્ષે એક પ્રશ્ન ચોક્કસપણે પુછાતો રહ્યો છે– હિમાલયના વિસ્તારોમાં આટલો જીવલેણ વરસાદ શા માટે પડે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભયંકર દુર્ઘટના પછીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે બીબીસીની ટીમ 24થી 28 સપ્ટેમ્બર વચ્ચે હિમાચલ પ્રદેશમાં હતી. અમે ત્યાંના સ્થાનિક લોકોની તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી. પર્યાવરણના નિષ્ણાતો સાથે વાત કરી. એટલું જ નહીં, આ પરિસ્થિતિમાંથી ઊભા થતા પ્રશ્નો અંગે અમે હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂને પણ પ્રશ્નો પૂછ્યા.
હિમાચલની વાસ્તવિક સ્થિતિ

ઇમેજ સ્રોત, SHARAD BADE/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના જંજૈહલીમાં અમે એક મેદાનમાં ઊભા છીએ. અહીં ચારેબાજુ મોટા મોટા પથ્થરો વીખરાયેલા પડ્યા છે. નજીકમાં એક નાનું એવું ઝરણું વહી રહ્યું છે.
બહારના કોઈ વ્યક્તિને આ કોઈ હિમાલિયન નદીનો ભાગ લાગી શકે, પરંતુ એવું નથી.
ત્રણ મહિના પહેલાં આ જ જમીન પર બહુમાળી ઘરો હતાં. આજુબાજુ ખેતી થતી હતી. આજે એ વાત પર વિશ્વાસ કરવો કોઈના પણ માટે મુશ્કેલ હશે. 30 જૂનની રાત્રી પહેલાં ચંદ્રાદેવી અને તેમના ઘરના સભ્યો માટે પણ આવી કોઈ વાત ઉપર વિશ્વાસ કરવાનું શક્ય નહોતું.
ચંદ્રા વિહ્વળ આંખોથી નિહાળતાં જણાવે છે, "અહીં ખેતરમાં અમે મકાન બનાવ્યું હતું. બાજુમાં કરિયાણાની દુકાન પણ બનાવી હતી."
ચંદ્રાદેવી અને તેમના પતિએ આઠ વર્ષ પહેલાં જંજૈહલીની આ વસાહતમાં પોતાના સપનાનું ઘર બનાવ્યું હતું. આઠ રૂમ બનાવવામાં તેમણે પોતાના જીવનભરની કમાણી ખર્ચી નાખી હતી. પૂર આવ્યું અને બધું તાણીને લઈ ગયું.
ચંદ્રા જણાવે છે કે એ રાત્રે આકાશમાંથી એ રીતે પાણી વરસતું હતું, જાણે વાદળ ફાટ્યું હોય. ચંદ્રાના ઘરના લોકો કોઈક રીતે પોતાના જીવ બચાવી શક્યા. તેમની 19 વર્ષની પુત્રી ઋતિકા શારીરિક અને માનસિક રીતે અસક્ષમ છે. ચંદ્રાએ તેને પોતાની પીઠ પર બાંધી અને નજીકના ઊંચા પહાડ પર લઈ ગયાં ત્યારે તેનો જીવ બચ્યો.
ક્યારેક નદીની પાસે રહેતાં ચંદ્રા, બીજા ઘણા લોકોની જેમ હવે પહાડ પર અસ્થાયી ઘરમાં રહે છે. તેઓ હંમેશાં ભયના ઓથારમાં રહે છે.
આ વિસ્તાર સેરાઝ ઘાટી નામથી જાણીતો છે. આ ઘાટીએ 30 જૂનની રાત્રી પહેલાં ક્યારેય આવું જોયું નહોતું. ભૂસ્ખલન, તૂટેલા રસ્તા અને પડલાં, તણાઈ ગયેલાં, કાટમાળથી ભરેલાં ઘર – આવા વિનાશનાં પ્રતીકો અહીં દરેક જગ્યાએ જોવા મળે છે.
મંડીના થુનાગ કસ્બામાં પણ જનજીવન થાળે નથી પડ્યું.
સાંકડી ગલીઓમાંથી પસાર થતાં અમને ઘણી બધી તૂટેલી ઇમારતોનાં માળખાં જ જોવા મળે છે. તેમાં કાટમાળ ભરાઈ ગયો છે.
થુનાગના રહેવાસી ખીમી ચૌહાને જણાવ્યું, "રાતના લગભગ 10:30 વાગ્યે અમે ઘરમાં હતા. મુશળધાર વરસાદની સાથે કાટમાળ આવવાનું શરૂ થયું. રાત્રીના અઢી વાગ્યા સુધી આવતો જ રહ્યો. ઘર, દુકાનો, બધું તણાઈ ગયું. કેટલાક લોકો પાસે તો માત્ર પહેરેલાં કપડાં જ બચ્યાં." આ લોકોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો.
આ પહાડોની વચ્ચે વસેલી અનેક નાની વસ્તીઓને ભૂસ્ખલનના કારણે ઘણું નુકસાન થયું છે. થુનાડી ગામ પણ પાણીના વેગીલા પ્રવાહ અને ભૂસ્ખલન વચ્ચે ફસાઈ ગયું હતું.
ત્યાં રહેતા 90 વર્ષના જયરામે જણાવ્યું કે જીવનમાં આવો ભયંકર વિનાશ ક્યારેય નથી જોયો.
જયરામ કહે છે, "અમે આખી રાત અહીં જ રહ્યા. પછી ઉપર જતા રહ્યા. બે મહિના ઉપર રહ્યા. બે મહિના પછી જ્યારે વહીવટી તંત્રએ કહ્યું કે તમે નીચે જાઓ, ત્યારે અમે નીચે આવ્યા. ઘરબાર સાફ કરી રહ્યા છીએ. હજુ સુધી કાટમાળના ઢગલા ખડકાયેલા છે.
આવો વિનાશ શા માટે વધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, SHARAD BADE/BBC
હિમાલિયન વિસ્તારો છેલ્લાં ઘણાં વર્ષોથી આવી આફતો સામે ઝઝૂમી રહ્યા છે.
હવામાનશાસ્ત્રીઓ માને છે કે જળવાયુ પરિવર્તનના કારણે વરસાદનું ઋતુચક્ર બદલાઈ ગયું છે. હવે લાંબા શુષ્ક સમયગાળા પછી અચાનક અતિભારે વરસાદ પડી રહ્યો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મેટિયરોલૉજી (આઇઆઇટીએમ), પુણેના વૈજ્ઞાનિક ડૉ. રૉક્સી મૅથ્યૂ કૉલ અનુસાર, 1950થી 2025 સુધીમાં ભારતમાં પૂરની 325 ઘટનાઓ નોંધાઈ છે. તેનાથી લગભગ 92 કરોડ લોકો પ્રભાવિત થયા. લગભગ 1.9 કરોડ લોકો બેઘર બન્યા અને 81 હજાર લોકોનાં મૃત્યુ થયાં.
હવે વાદળ ફાટવા જેવી ઘટનાઓ, એટલે કે એક કલાકમાં 100 મિલીથી વધારે વરસાદ સામાન્ય થતો જાય છે. છેલ્લાં પાંચ વર્ષના આઇએમડીના આંકડા જોઈએ તો 'અતિભારે વરસાદ' (204.5 મિમીથી વધુ)ની ઘટનાઓ સતત વધી છે.
આનો સીધો સંબંધ ગ્લોબલ વૉર્મિંગના કારણે સમુદ્રોના વધતા તાપમાન સાથે છે.
આઇઆઇટી, મુંબઈના જળવાયુ વિજ્ઞાન વિભાગનાં સહાયક પ્રોફેસર ડૉ. અક્ષયા નિકુંભે બીબીસીને જણાવ્યું, "અરબ સાગર અને બંગાળની ખાડી ઝડપભેર ગરમ થઈ રહ્યાં છે. જ્યારે તાપમાન વધુ હોય છે, ત્યારે વાતાવરણમાં ભેજ પણ વધુ હોય છે. અને વધુ ભેજનો મતલબ છે, વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા."
તેમણે જણાવ્યું, "તેથી જ્યાં અચાનક આવી પર્વતીય સંરચના આવે છે, ત્યાં ભેજ ઉપરની તરફ ધસી જાય છે. પછી અચાનક વરસાદ પડે છે. હવે વાતાવરણમાં પહેલાં કરતાં વધુ ભેજ છે. વાતાવરણમાં વધુ ભેજ છે તેથી વાદળ ફાટવાની ઘટનાઓ વધી છે."
ચાલુ વર્ષે યુરોપમાં 'હીટ વેવ'ના કારણે 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ની અસર હતી. તેણે આ સમસ્યાને ઘણી વધારી દીધી.
ડૉ. અક્ષયાએ કહ્યું, 'આ વર્ષે ફક્ત પહાડોની સંરચનાના કારણે જ આવું નથી થયું, પરંતુ ઉપરની તરફ પહેલાંથી જ એક સિસ્ટમ બનેલી હતી. તે 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ના કારણે આવતી ઠંડી હવાઓના કારણે બન્યું હતું. તેના લીધે ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો. કદાચ તેથી આ વખતે વધુ વાદળ ફાટ્યાં."
પહાડોની સ્થિતિ

ઇમેજ સ્રોત, SHARAD BADE/BBC
વાદળ ફાટવાની સાથે જ, ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધે છે. આઇઆઇટી, મંડીના સંશોધકોએ છેલ્લાં 30 વર્ષના વરસાદના ડેટાનો અભ્યાસ કર્યો.
તેમને જોવા મળ્યું કે, ખાસ કરીને હિમાલયના વિસ્તારોમાં 'ડ્રાય સિઝન' અને 'વેટ સિઝન' વચ્ચેનો સમયગાળો ખૂબ ઘટી ગયો છે. બે ચોમાસા વચ્ચેના સમયગાળાને 'ડ્રાય સિઝન' કહેવામાં આવે છે. તેના કારણે હવે પહાડોના ઢોળાવો મોટા ભાગે ભીના રહે છે. તેનાથી ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે.
આઇઆઇટી, મંડીના જિયોટેક્નિકલ એન્જિનિયરિંગ વિભાગના ડૉ. આશુતોષકુમારે બીબીસીને જણાવ્યું, "જો હવામાનના 'વેટ પીરિયડ' અને 'ડ્રાય પીરિયડ' જુદા નથી, તો એનો અર્થ એ કે આપણા પહાડોના ઢોળાવો વધારે સમય સુધી ભીના રહેશે." "જો ઢોળાવો ભીના હોય, તો જ્યારે ભારે વરસાદ પડે, ત્યારે તેનાથી ભૂસ્ખલનની આશંકા વધી જશે. આપણને હવે આવું વારંવાર થતું જોવા મળે છે."
મનુષ્યની ભૂલ પણ ઓછી નથી

ઇમેજ સ્રોત, SHARAD BADE/BBC
નિષ્ણાતો માને છે જળવાયુમાં તો પરિવર્તન થઈ જ રહ્યું છે, પરંતુ, માણસોએ પણ હિમાલયની સાથે જે ચેડાં કર્યાં છે, તે પણ આવા નુકસાન માટે એટલાં જ જવાબદાર છે. આડેધડ નિર્માણ, હાઈવે, ટનલ, હાઈડ્રોપાવર પ્રોજક્ટ માટે થઈ રહેલાં કામો હિમાલયના પહાડોને નબળા પાડી રહ્યાં છે.
જ્યારે અમે હિમાચલ પ્રદેશમાં મંડીથી કુલ્લુ-મનાલી વચ્ચે બની રહેલા પહોળા રસ્તા પરથી પસાર થતા હતા, ત્યારે રસ્તામાં અનેક જગ્યાએ અમને પહાડના તૂટેલા પથ્થરો પડેલા જોવા મળ્યા. ઘણી જગ્યાએ રસ્તામાં ખાડા પડ્યા છે.
હિમાલયના પહાડોમાં અત્યારે ચાલી રહેલા કેટલાક મોટા પ્રોજેક્ટ્સ જેના વિશે પર્યાવરણવિદો ચિંતા વ્યક્ત કરે છે:
- ઉત્તરાખંડની ચારધામ પરિયોજના
- કેદારનાથ–બદ્રીનાથ–યમુનોત્રી–ગંગોત્રીને જોડતો હાઈવે: 889 કિમી
- દિલ્હી–સહારનપુર–દહેરાદૂન એક્સ્પ્રેસ-વે: 210 કિમી
- હૃષીકેશ–કર્ણપ્રયાગ રેલવે લાઇન: 125 કિમી. આમાં 105 કિમી ટનલ છે.
- કે–રંગપો રેલવે લાઇન, સિક્કિમ: 45 કિમી. આમાં 39 કિમી ટનલ છે.
બીબીસી સાથે વાત કરતાં 'પીપલ્સ ઍસોસિયેશન ફૉર હિમાલિયન એરિયા રિસર્ચ'ના સંસ્થાપક શેખર પાઠક સવાલ કરે છે, "આખા દેશમાં જે સ્તરના હાઈવે બને છે, એવા રસ્તા હિમાલયના પહાડોમાં બનાવવાની આપણને જરૂર જ શા માટે છે?"
તેઓ ધ્યાન દોરે છે કે નિર્માણનાં મોટાં મોટાં કામથી ખૂબ જ મોટા પ્રમાણમાં કાટમાળ નીકળી રહ્યો છે. આ કાટમાળ ચોમાસાના દિવસોમાં ગંભીર સમસ્યા ઊભી કરી રહ્યો છે.
તેઓ કહે છે, "જ્યારે ભારે વરસાદ પડે છે, ત્યારે બધો જ કાટમાળ નદીમાં ખેંચાઈ આવે છે. કાટમાળની એ વિશેષતા છે કે તે પાણીની જેમ તરતો નથી, તળિયે બેસી જાય છે. અને તળિયે બેસી જાય છે ત્યારે નદીની જગ્યા રોકે છે. પછી નદી ઊંચી આવે છે એટલે બાજુમાં આપણે જે હાઈવે બનાવ્યા છે, ઘર બનાવ્યાં છે, તેનો નાશ થાય છે અને તેની કિંમત ચૂકવવી પડે છે."
શેખર પાઠક કહે છે, "આનું સૌથી મોટું ઉદાહરણ આપણે ઉત્તરાખંડ સિવાય કુલ્લુ ઘાટીમાં જોઈ શકીએ છીએ. સતત ચાર વર્ષ કરુણાંતિકા થઈ તે વિસ્તાર કુલ્લુ ઘાટી છે."
આ સંદર્ભમાં બીબીસીએ 'સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ ઍન્ડ પીપલ'ના હિમાંશુ ઠક્કર સાથે વાત કરી. તેઓ પણ આવી જ વાત કહે છે.
હિમાંશુ ઠક્કર અનુસાર, "ઉત્તરાખંડમાંનું ધરાલી ઉદાહરણરૂપ છે. આફત આવી અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. આ એ જ ધરાલી છે, જ્યાં 2013માં પણ આફત આવેલી. લોકો તણાઈ ગયા હતા. તેમાંથી આપણે કશું ન શીખ્યા. લોકો ફરી પાછા ત્યાં રહેવા લાગ્યા."
"ચાલુ વર્ષે ફરી આપણે એવા જ સંકટનો સામનો કરવો પડ્યો. જો આપણે પહેલા પ્રકોપમાંથી કશું શીખ્યા હોત, તો ત્યાં કોઈને વસવાટની મંજૂરી ન આપત. પરંતુ તેમાંથી આપણે કશું ન શીખ્યા. આવું આપણે બધી કુદરતી આફતો વિશે કહી શકીએ."
હિમાંશુ કહે છે, "થોડાંક વરસો પહેલાં આવી જ એક ઘટના પછી અમે લખ્યું હતું કે આ માત્ર એક ટ્રેલર છે; પિક્ચર હજુ બાકી છે. હવે આપણને તેનાં પ્રમાણ મળી રહ્યાં છે."
હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી શું કહે છે?

હિમાલયના પહાડી વિસ્તારોમાં વિકાસના મૉડલ વિશે અમે હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂ સાથે વાત કરી.
મુખ્ય મંત્રી માને છે, "નીતિગત પરિવર્તનની આવશ્યકતા છે. માનીએ કે ન માનીએ, પણ નીતિગત ફેરફારોમાં ખામી છે."
તેમનું કહેવું છે, "લૅંડસ્લાઇડ પહાડના સ્વભાવમાં છે. તેમ જ્યારે સડક બનાવો છો, તમે 90 અંશના ખૂણે પહાડને કાપી નાખો છો, એ સ્થિતિમાં તેના સ્તરોને સ્થિર થવામાં ચારથી છ વર્ષનો સમય લાગે છે."
"હવે શું થયું છે, જ્યારથી એનએચઆઇનો ફોર લેન બન્યો છે, તેમાં મોટાં મોટાં મશીનો આવી ગયાં. તેણે પહાડને, તેના સ્તરોને હલાવી નાખ્યા. અને તે પડતા રહે છે. જ્યારે પણ નવા રસ્તા બનશે, તેને સ્થિર થવામાં ચારથી પાંચ વર્ષ લાગશે."
મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂનો મત છે કે, "માત્ર હિમાલય નહીં, આખા દેશમાં પહાડી રાજ્યો માટે અલગ નીતિઓ બનાવવી પડશે."
બધું જોતાં આપણે કહી શકીએ છીએ કે, હિમાલય હવે પહેલાં જેવો નથી રહ્યો. જળવાયુ પરિવર્તને આ વિસ્તારમાં વરસાદની પૅટર્ન બદલી નાખી છે. મનુષ્યોની દખલગીરીએ પહાડોની મજબૂતી કે સ્થિરતાને તોડી નાખી છે.
અને આપણે દર વર્ષે એકનો એક પ્રશ્ન પૂછતા રહીએ છીએ: શું આ વખતે આપણે કશુંક શીખીશું?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












