ઘર કે ખેતરની આસપાસ આ છોડ ઊગેલા હોય તો સાપ ન આવે? શું છે હકીકત?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી સંવાદદાતા
સોશિયલ મીડિયા પર આપણે ઘણી વાર 'જો તમારી પાસે આ છોડ હશે, તો સાપ તમારા ઘરની નજીક નહીં આવે', 'એક છોડ જે તમારા ખેતરમાંથી સાપને ભગાડી દેશે' જેવાં હેડિંગ્સ અને થંબનેલ્સ સાથેની ઘણી પોસ્ટ્સ જોઈએ છીએ, એટલું જ નહીં, આપણા રોજિંદા જીવનમાં પણ ક્યારેક ક્યારેક આવા છોડ વિશે સાંભળીએ છીએ.
આવા કિસ્સામાં, છોડનાં નામ શણપુષ્પી (સફેદ ઈશ્વરી–White Eswari plant, નોળવેલ), નાની નોળવેલ (ઈશ્વરમૂલ, Aristolochia indica), નાગફણી, પેડ્ડાપીડ કહેવાય છે. શું આવા છોડ હોય ત્યાં સાપ આવે છે?
એવું કહેવાય કે સાપ એવી જગ્યાએ આવે છે જ્યાં કેવડો અને ચંપા (મેગ્નોલિયેસિઆય) જેવા છોડ હોય છે. તેવી જ રીતે શણપુષ્પી અને નાગફણી જેવા છોડ હોય તો સાપ ના આવે? તો, શું છોડ સાપની હિલચાલ નક્કી કરે છે?
આ શબ્દોમાં સાચું શું છે? શું આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા છે? મુખ્યત્વે સાપ ક્યાં આવે છે? શું એવી કોઈ જગ્યાઓ છે જ્યાં સાપ નથી આવતા? પ્રાણીશાસ્ત્રીઓ અને વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાતો શું કહે છે?
સાપ ન આવે એવા કોઈ છોડ હોય ખરા? માન્યતાઓ અને તથ્યો

આંધ્ર યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર વિભાગમાં વિવિધ પ્રકારના છોડ પર સંશોધન કરતા વનસ્પતિ વર્ગીકરણશાસ્ત્રી ડૉ. જે. પ્રકાશ રાવે બીબીસીને જણાવ્યું. "લોકોમાં એવી માન્યતા છે કે કેટલાક છોડ સાપને દૂર રાખી શકે છે. જોકે, તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી."
જે. પ્રકાશ રાવે જણાવ્યું કે, "જ્યારે અમે વિદ્યાર્થીઓ સાથે સંશોધન અર્થે પૂર્વ અને પશ્ચિમ ઘાટ ખાતે ગયા, ત્યારે અમે ત્યાં કેટલીક જાતના છોડ જોયા. સ્થાનિક લોકોનું માનવું હતું કે એ છોડ તેમને સાપથી બચાવે છે. આ જ છોડ મેદાની પ્રદેશના લોકોનાં ઘરોમાં પણ ઉગાડવામાં આવે છે.''
''સાપને આવતા રોકવા માટેના કેટલાક પ્રકારના છોડ ઑનલાઇન પણ વેચાય છે. જોકે, વૈજ્ઞાનિક રીતે એ સાબિત નથી થયું કે આ છોડ સાપ સામે રક્ષણ આપે છે કે સાપને નજીક આવવા દે છે. તે રીતનો તેમના પર વધુ અભ્યાસ નથી થયો."
જોકે, એવો પ્રચાર થઈ રહ્યો છે કે કેટલાક પ્રકારના છોડની કેટલીક વિશેષ લાક્ષણિકતાઓને કારણે સાપ એ છોડથી ડરે છે. પ્રકાશ રાવે બીબીસીને જણાવ્યું હતું કે આને માત્ર લોકોની માન્યતા માનવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવા છોડ જે સાપ ભગાડનાર તરીકે લોકપ્રિય છે

ઇમેજ સ્રોત, Getty Images
શણપુષ્પી (ખુળખુળા) (ક્રોટેલેરિયા વેરુકોસા) : આ જંગલી વનસ્પતિ છે. મોટા ભાગના લોકો માને છે કે આ છોડ સાપને દૂર રાખવા માટે ઉપયોગી છે. આ વનસ્પતિની પ્રજાતિનો બીજા પ્રકારનો છોડ નાની નોળવેલ છે.
આ છોડ સાપથી રક્ષણ આપતો હોવાનું પણ કહેવાય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર શણપુષ્પીના છોડ પર ઘણા વીડિયો જોવા મળ્યા છે, પરંતુ હજુ સુધી વૈજ્ઞાનિક રીતે એ સાબિત નથી થયું કે સાપ શણપુષ્પી અને નોળવેલના છોડથી દૂર રહે છે. આ છોડમાં આલ્કલોઇડની તીવ્ર ગંધ હોય છે.
સ્નેક હૂડ પ્લાન્ટ (રાતી ભોયશણ, પોલિગોનમ પર્સિકેરિયા અથવા પર્સિકેરિયા મેક્યુલોસા)

ઇમેજ સ્રોત, Getty Images
આ છોડના પાંદડા પર 'વી' આકારનો ડાઘ હોય છે. તેનો રંગ ઘાટો હોય છે. કેટલીક વાર તેનો 'વી' આકાર સાપની ફેણ જેવો લાગે છે. આ જ કારણે તેને 'સ્નેક હૂડ માર્ક' તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે એવું માનવામાં આવે છે કે આકાર જોઈને સાપ દૂર રહેશે. જેમ જેમ આ માન્યતા ફેલાતી જાય છે, તેમ તેમ કેટલીક નર્સરીઓ તેને 'સ્નેક-રેપેલન્ટ પ્લાન્ટ' નામથી વેચે છે.
સ્નેક પ્લાન્ટ (સર્પિણી, નાગફણી, સાન્સેવિએરિયા)
આ સ્નેક પ્લાન્ટ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેને હૂડ પ્લાન્ટ કહેવામાં આવે છે. તેનાં પાંદડાં ઊંચાં થાય છે અને તે છરી જેવાં તીક્ષ્ણ હોય છે. એવું કહેવાય છે કે જો સાપ એ બાજુ આવે તો તેનું શરીર કપાઈ જશે. તેથી જ કહેવાય કે જ્યાં આ છોડ હોય, ત્યાં સાપ આવતા નથી. જોકે, આ માન્યતા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. માત્ર નામના કારણે આવો 'મનોવૈજ્ઞાનિક પ્રચાર' થાય છે એમ કહેવાય છે.
'શું સાપ કોઈ છોડથી ડરે છે?'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પૂર્વીય ઘાટમાં કેટલીક આદિવાસી જાતિઓ દ્વારા ઉગાડવામાં આવતો તીવ્ર ગંધવાળો છોડ છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે આ છોડને કાપવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતી તીવ્ર ગંધ કેટલાંક નાનાં જંગલી પ્રાણીઓ અને જંતુઓને દૂર રાખે છે.
તેમનો અનુભવ એ છે કે જ્યાં આ છોડ ઊગ્યા હોય છે ત્યાં તેમણે ક્યારેય સાપ જોયા નથી. આ છોડની ગંધની સાપ પર કશી અસર થાય છે કે કેમ તે અંગે કોઈ અભ્યાસ કરવામાં નથી આવ્યો.
પ્રકાશ રાવે જણાવ્યું કે, "પરંતુ આ બધા છોડ સાપને દૂર રાખે છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એટલે કે, માત્ર એક છોડ હોવાના કારણે 'હવે કોઈ સાપ નથી' એ એક કિંવદંતી છે, જેનો કોઈ આધાર નથી."
બીબીસીએ એયુ પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર સી. મંજુલથા સાથે વાત કરી કે 'શું સાપ છોડથી ડરે છે?'
પ્રોફેસર સી. મંજુલથાએ જણાવ્યું કે, "સાપની દૃષ્ટિ નબળી હોય છે, પરંતુ સાપ ગંધને પારખીને ખૂબ જ સક્રિય રીતે પ્રતિક્રિયા કરે છે. કેટલાક છોડની કડવી, આલ્કલોઇડ્સ, તીવ્ર રસાયણવાળી તથા નારંગી અને લીંબુની છાલની ગંધ સાપ માટે ત્રાસદાયક હોઈ શકે. સાપના જડબાની પાછળ આવેલું જેકબસન નામનું અંગ ગંધ પારખવાનું કામ કરે છે, તે ગંધને ઓળખતા સેન્સરની જેમ કાર્ય કરે છે."
"તેથી સાપ વારંવાર પોતાની જીભ અંદર-બહાર કરે છે તે ગંધને સૂંઘવા માટે નહીં, પરંતુ ગંધમાંનાં રસાયણોને એકઠાં કરવા માટે. સાપ એવા છોડ પાસે જવા નથી માગતા જેમાંથી તીવ્ર કડવી, ખાટી અને તીખી ગંધ આવતી હોય."
પ્રોફેસર મંજુલથાએ જણાવ્યું કે એવા ઘણા છોડ છે જેમાંથી આવતી ગંધના કારણે સાપ જ નહીં, તેના સિવાયનાં ઘણાં જંતુઓ પણ તેની નજીક નથી જતાં.
શું આવા છોડ મનુષ્ય માટે જોખમી હોય છે?

બીબીસીએ જ્યારે પ્રાણી અને વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાતોને પૂછ્યું કે શણપુષ્પી અને નાગફણી જેવા છોડની ગંધ સાપને દૂર રાખે છે, તો શું આ છોડ મનુષ્યો માટે જોખમી છે?
તેના જવાબમાં તેમણે કહ્યું કે, "કેટલાક છોડની વધુ પડતી ગંધ શ્વાસમાં લેવાથી માથાનો દુખાવો, ઊબકા, ઝાડા, પેટમાં દુખાવો અને ઊલટી થવી જેવાં લક્ષણો દેખાઈ શકે છે. તેથી જે લોકો આવા છોડ ઉગાડે છે તેમણે તેને ઘરની અંદર કે જ્યાં નાનાં બાળકો પહોંચી શકે તેવી જગ્યાએ ન રાખવા જોઈએ."
સાપ ક્યાં ક્યાંથી આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રો. સી. મંજુલથાએ કહ્યું કે, "એવું કહેવાય છે કે જ્યાં કેવડો અને ચંપાના છોડ હોય, ત્યાં સાપ આવે છે. સાપ કેવડો કે ચંપાનાં ફૂલો માટે નથી આવતા, પરંતુ આવાં સ્થળો થોડાક સમય માટે તેમના રહેવા માટે અનુકૂળ છે, તેથી ત્યાં સાપ આવે છે. માત્ર કેવડો અને ચંપાના છોડ પાસે જ નહીં, પરંતુ જ્યાં પણ આવી પરિસ્થિતિ હોય, ત્યાં સાપ આવવાની સંભાવના છે."
તેમણે કહ્યું કે, "જે જગ્યાએ કેવડો અને ચંપાના છોડ ઊગે છે તે જગ્યાએ ગીચ ઝાડી, સારો છાંયો, ભીની જમીન અને નાના જીવજંતુઓ હોય છે. ત્યાં અંધારું છવાયેલું હોય છે, જે સાપના છુપાઈને રહેવા માટે યોગ્ય હોય છે."
પ્રોફેસર મંજુલથાએ જણાવ્યું કે, "હકીકતમાં, સાપ જે છોડમાંથી તેના ખોરાક ઉંદર અને ગરોળી જેવી ગંધ મળે છે તેવી જગ્યાઓ બાજુ વધુ આવે છે. આ ઉપરાંત, સાપ, જે જગ્યા વધુ સુરક્ષિત લાગે તેની તરફ વધુ આકર્ષાય છે."
સાપથી બચવા શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર મંજુલથાએ જણાવ્યું કે, ઘરો અને રહેણાક પરિસરોમાં સાપ આવવાનાં ઘણાં કારણ છે.
તેમણે કહ્યું, "સામાન્ય રીતે, 'જ્યાં ખોરાક હોય' અને 'જ્યાં ખોરાકની સંભાવના હોય' એવી જગ્યાએ સાપ આવે છે. ઉંદર, ચકલીના માળા, પાણીનું લીકેજ, કચરો અને લાકડાંના ઢગલાના કારણે સાપ આવવાની સંભાવના રહે છે. ઉંદર અને ગરોળી સાપનો મુખ્ય ખોરાક છે અને ભીની જગ્યા સાપ માટે અનુકૂળ હોય છે."
પ્રોફેસર મંજુલથાએ કહ્યું, "જામફળ, કેરી, જરદાળુ અને તાડ જેવાં ઝાડ આસપાસ સાપ વધુ જોવા મળે છે. પરંતુ સાપ ફળ માટે નથી આવતો, ઉંદરો ખરેલાં ફળ ખાવા આવે છે અને સાપ ઉંદરો માટે આવે છે."
તેમણે જણાવ્યું કે, "જે જગ્યાઓએ કચરો હોય અને સ્વચ્છતા ઓછી હોય ત્યાં ઉંદરો અને જંતુઓનો ઉપદ્રવ હોય છે. આવાં સ્થળોએ સાપ આવવાની શક્યતા વધુ હોય છે. જો ઘર અને આસપાસના વિસ્તાર સ્વચ્છ–જંતુમુક્ત કર્યા વગર કોઈ છોડ વાવવામાં આવે તો સાપ આવવાની શક્યતાને નકારી ન શકાય."
હકીકતમાં, છોડની ગંધ કરતાં આસપાસનું વાતાવરણ સાપને આકર્ષે છે કે અટકાવે છે. તેથી જો છોડ સ્વચ્છ હોય તો સાપ આવવાની શક્યતા નથી રહેતી.
શું છોડ અને સાપ વચ્ચે કશો સંબંધ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે એવો કોઈ વિશેષ છોડ નથી જે સાપને સીધી રીતે આકર્ષતો હોય. ઉપરાંત, એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા પણ નથી મળ્યા, જે સાબિત કરે કે સાપ કોઈ ચોક્કસ છોડની નજીક નથી જતા.
પરંતુ, કેટલાક છોડની આસપાસની સ્થિતિ સાપને આકર્ષે છે, તો કેટલાક છોડની લાક્ષણિકતાઓ સાપ અને જંતુઓને પોતાની નજીક આવવા નથી દેતી.
ડૉ. જે. પ્રકાશ રાવે બીબીસીને કહ્યું કે, સાપ કે છોડ વચ્ચે આનાથી વધુ કશો સંબંધ નથી. આવું કશુંક હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












