કાળોતરો સાપ જેને ડંખ મારે એ ઊંઘમાં કેમ મૃત્યુ પામે?

કાળોતરો, ઇન્ડિયન ક્રેટ ડંખ મારે તો શું કરવું, શું કાળોતરાના ઝેરથી ઊંઘમાં જ મોત થાય, કાળોતરાના ડંખ અંગે કેમ ખબર નથી પડતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કે. શુભગુણમ
    • પદ, બીબીસી તામિલ

ઉત્તર ભારતનાં કેટલાંક ગામોમાં સામાન્ય ઇન્ડિયન ક્રેટ (કાળોતરો) "શ્વાસ ગળી જતો સાપ" કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ સાપ જે વ્યક્તિને ડંખ મારે તે પીડિત ઊંઘમાં જ મરી જાય છે.

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે સાપનો ડંખ કાયમ જીવલેણ હોતો નથી અને શક્ય તેટલી વહેલી કરાતી સારવાર પીડિતનો જીવ બચાવી શકે છે.

પણ સવાલ એ છે કે ઝેરીલા સાપ ડંખ મારવાને કારણે આટલા બધા લોકો ઊંઘમાં જ કેમ મૃત્યુ પામે છે? તેના ઝેરની માનવ શરીર પર કેવી અસર થાય છે?

છ વર્ષની બાળકીને પેટમાં થતી હતી પીડા

કાળોતરો, ઇન્ડિયન ક્રેટ ડંખ મારે તો શું કરવું, શું કાળોતરાના ઝેરથી ઊંઘમાં જ મોત થાય, કાળોતરાના ડંખ અંગે કેમ ખબર નથી પડતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dr A. Thanigaivel

તામિલનાડુના પુદુક્કોટ્ટઈ જિલ્લાના ઈલપુર પાસેના કુલવાઈપટ્ટી ગામમાં રહેનાર દંપતી પલાની અને પાપાથીને તેમની છ વર્ષની દીકરી 15 ઑક્ટોબરની રાતે અચાનક બીમાર પડી ત્યારે આઘાત લાગ્યો હતો.

બાળકીને પેટમાં પીડા થતી હતી તેથી માતા-પિતા તેને હૉસ્પિટલે લઈ ગયાં હતાં.

બે અલગ-અલગ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર કરવા છતાં બાળકીની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો. બે દિવસ બાદ બાળકીને પુદુક્કોટ્ટઈ સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી.

હૉસ્પિટલના બાળરોગ નિષ્ણાત અરવિંદે બીબીસીને જણાવ્યું હતું કે બાળકીને હૉસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તે તેની આંખો ઉઘાડી શકતી ન હતી અને હૉસ્પિટલે મોડેથી પહોંચવાને કારણે તેની સારવારમાં અનેક મુશ્કેલી સર્જાઈ હતી.

ડૉ. અરવિંદે કહ્યું હતું, "માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરીના પેટમાં જોરદાર પીડા થતી હતી. એ તેની આંખો ઉઘાડી શકતી ન હતી. આ બધાં લક્ષણ ઝેરી સાપના દંશનાં હોય છે."

આ બાબતે ખબર પડ્યા પછી તરત જ પુષ્ટિ માટે બાળકીનું જરૂરી તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

"એ પછી અમે બાળકીની સારવાર સર્પદંશવિરોધી દવાથી શરૂ કરી હતી."

સાપ ડંખ મારે પછી વ્યક્તિ કેટલો સમય જીવતી રહે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુનિવર્સલ સ્નેકબાઇટ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના સ્થાપક અને વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. મનોજે જણાવ્યું હતું કે ઝેરી સાપના દંશ પછી મૃત્યુ પામતા લોકોની સંખ્યા અને ઉપચાર પછી તેમની રિકવરીનો આધાર, તેમના શરીરમાં કેટલું ઝેર ગયું છે તથા તેમને કેટલી જલદી સારવાર મળી છે તેના પર હોય છે.

તેમણે કહ્યું હતું, "આ બાળકીના કિસ્સામાં કોઈને ખબર ન હતી કે તેને સાપે ક્યારે ડંખ માર્યો હતો, પરંતુ સાપે તેને ડંખ માર્યો હશે ત્યારે બાળકીના શરીરમાં સંભવતઃ બહુ ઓછા પ્રમાણમાં ઝેર ગયું હશે. આવું બધાની સાથે થતું નથી, પણ બાળકી સાથે એવું થયું હતું."

ડૉ. મનોજે જણાવ્યું હતું કે તેમણે સર્પદંશનો ભોગ બનેલા લોકોને એક કે બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેતા જોયા છે.

તેમણે કહ્યું હતું, "રેટલસ્નેકનું ઝેર માનવશરીરમાં પ્રવેશ્યા બાદ તરત અસર કરતું નથી. ઝેર ઓછું તીવ્ર હોય તો તેની અસર થોડા કલાકો કે એક દિવસ સુધીમાં થઈ શકે છે."

"ઝેરનું પ્રમાણ શરીર સહન કરી શકે એટલું હોય તો પણ તેની અસર અનુભવાય છે, પરંતુ તેમાં લાંબો સમય લાગે છે. પુદુક્કોટ્ટઈની આ પીડિતાની પરિસ્થિતિ પણ આવી હશે."

તેમણે ઉમેર્યું હતું કે ઝેરની માત્રા ભલે ઓછી હોય, પરંતુ શરીર પર તેની અસર થાય જ અને સારવાર ન કરવામાં આવે ત્યાં સુધી તે ઝેરની અસર ઓછી થતી નથી.

રાતે ડંખતો સાપ

કાળોતરો, ઇન્ડિયન ક્રેટ ડંખ મારે તો શું કરવું, શું કાળોતરાના ઝેરથી ઊંઘમાં જ મોત થાય, કાળોતરાના ડંખ અંગે કેમ ખબર નથી પડતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. મનોજે જણાવ્યું હતું કે સાપે ડંખ માર્યાના બેથી વધુ દિવસ સુધી છોકરી ઝઝૂમતી રહી હતી અને એક સપ્તાહની સારવાર પછી એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી.

ડૉક્ટરે કહ્યું હતું, "જો સાપનું ઝેર થોડા પ્રમાણમાં શરીરમાં જાય તો એ છોકરીની માફક સાજા થવાની સંભાવના હોય છે. અન્યથા ઝેરથી ફેફસાંમાં સોજો આવે છે. તેને લીધે શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે. તેનાથી મોત પણ થઈ શકે છે."

સરિસૃપ વિજ્ઞાની રામેશ્વરને કહ્યું હતું, "કોબ્રા પ્રકારના સાપ રાતે બહુ સક્રિય હોય છે."

તેમના કહેવા મુજબ, "કોબ્રા ઘરોમાં અને તેની આસપાસ જોવા મળે છે. રાત્રે લોકો ઊંઘતા હોય ત્યારે એ ઘરમાં પ્રવેશતા હોય છે. તેથી તેઓ લોકોના ધ્યાનમાં આવતા નથી. એટલું જ નહીં રેટલસ્નેક ડંખ મારતી વખતે કોઈ અવાજ પણ કરતો નથી. તેથી તેની હાજરીની ખબર પડતી નથી."

તેમણે ઉમેર્યું હતું, "આ પ્રકારના સાપ લાકડાના ઢગલા અને બાકોરાઓમાં છુપાઈ જતા હોય છે. ચોમાસા અને શિયાળામાં તો ઘરમાં ઘૂસી જતા હોય છે."

ક્યારેક સર્પદંશનું નિશાન દેખાતું નથી

કાળોતરો, ઇન્ડિયન ક્રેટ ડંખ મારે તો શું કરવું, શું કાળોતરાના ઝેરથી ઊંઘમાં જ મોત થાય, કાળોતરાના ડંખ અંગે કેમ ખબર નથી પડતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. મનોજના જણાવ્યા મુજબ, મોટા ભાગના સાપના દંશનાં નિશાન જોવા મળે છે, પરંતુ કાળોતરો સાપ ડંખે તો ક્યારેક નિશાન જોવા ના પણ મળે.

સાપે ડંખ માર્યો હોય એ જગ્યાએ સામાન્ય રીતે ઘા જેવું નિશાન બની જાય છે. દરેક પ્રકારના સાપના ડંખના ઘા અલગ અલગ હોય છે. તેમાં તીવ્ર પીડા, સોજો, ઘા લાલ કે કાળો થઈ જવો અને ફોડલાઓનો સમાવેશ થાય છે.

જોકે, કાળોતરાના કિસ્સામાં શરીર પર તેના ડંખનું કોઈ નિશાન જોવા મળતું નથી. તેથી સર્પદંશની શંકા કે પુષ્ટિની શક્યતા બહુ ઓછી હોય છે.

કોબ્રાનો ડંખ સરેરાશ આઠથી દસ મિલીમીટર લાંબો હોય છે. કેટલાક પ્રકારના કાળોતરાના ડંખના કિસ્સામાં તેણે જે જગ્યાએ ડંખ માર્યો હોય ત્યાં ફોડલો થઈ જાય છે.

જોકે, કાળોતરાના ડંખના કિસ્સામાં આવું કોઈ નિશાન હોતું નથી. તેના ઝેરીલા તીક્ષ્ણ દાંત ચાર મિલીમીટરથી પણ નાના હોય છે.

ડૉ. મનોજ 15થી વધુ વર્ષોથી સાપના ઝેર અને સર્પદંશ વિશે સંશોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું, "કોઈ દર્દીમાં ઝેરી સર્પદંશ જેવાં લક્ષણો દેખાય તો તેને તરત ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવો જોઈએ, યોગ્ય પરીક્ષણ કરાવવું જોઈએ અને સારવાર શરૂ કરી દેવી જોઈએ."

ઊંઘને કારણે મોત થઈ શકે?

કાળોતરો, ઇન્ડિયન ક્રેટ ડંખ મારે તો શું કરવું, શું કાળોતરાના ઝેરથી ઊંઘમાં જ મોત થાય, કાળોતરાના ડંખ અંગે કેમ ખબર નથી પડતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dr.MPKoteesvar

ઇમેજ કૅપ્શન, ડૉ. મનોજ

ડૉ. મનોજે કહ્યું હતું, "શિયાળામાં ગરમી માટે ઘરમાં ઘૂસી જતા આ સાપ ક્યારેક તો માણસની પાસે આવીને બેસી જાય છે. માણસ તેને ભૂલથી સ્પર્શ કરે તો તેને ડંખ મારતા હોય છે."

ડૉ. મનોજે જણાવ્યું હતું કે, કાળોતરાનું ઝેર સમગ્ર ચેતાતંત્રને અસર કરતું હોવાથી ડંખનો ભોગ બનેલી વ્યક્તિને પેટમાં જોરદાર પીડા થાય છે, ઊલટી થાય છે. તે આંખો ઉઘાડી શકતી નથી. તેની લાળમાંથી દુર્ગંધ આવે છે અને બેસુદી જેવાં લક્ષણો જોવા મળે છે.

તેમના કહેવા મુજબ, "આવા સાપનું ઝેર સમગ્ર ચેતાતંત્રને અસર કરે છે. તેથી ફેફસાંમાં સોજો ચડે છે અને ડંખનો ભોગ બનેલી વ્યક્તિ આંખો ઉઘાડી શકતી નથી. તે વ્યક્તિ શ્વાસ લઈ શકતી નથી અને મૃત્યુ પામે છે, કારણ કે ફેફસાં આખા શરીરને ઑક્સિજન પૂરો પાડી શકતાં નથી."

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઇન્ડિયન ક્રેટે રાતે ઊંઘતી વ્યક્તિને ડંખ માર્યો હોય તો તેની ખબર સવાર સુધી કોઈને પડતી નથી. તેથી ડંખનો ભોગ બનેલી વ્યક્તિના મોતની શક્યતા વધી જાય છે. તેને ઊંઘમાં મોતનું કારણ બનતો સાપ આ કારણસર જ "શ્વાસ ગળી જતો સાપ" કહેવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન