ગુજરાતમાં SIR : ફૉર્મમાં કઈ વિગતો તમારે ભરવાની અને કઈ તમારે ભરવાની નથી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદારયાદી, મતદાન, ચૂંટણી, મતદાર કાર્ડ,

ઇમેજ સ્રોત, @ECISVEEP

ઇમેજ કૅપ્શન, ગુજરાત સહિત આઠ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતના ચૂંટણીપંચે મતદારયાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધર્યું છે

બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં શરૂ કરાયેલી મતદારયાદીના સ્પેશિય ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા ખૂબ વિવાદોમાં રહ્યા બાદ ભારતનું ચૂંટણીપંચ દેશનાં અન્ય રાજ્યોમાં આ પ્રક્રિયા લાગુ કરવા જઈ રહ્યું હોવાનો અંદાજ લગાવાયો હતો.

જે ગત 27 ઑક્ટોબરના રોજ ગુજરાત સહિત અન્ય આઠ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જાહેરાતથી સાચો પણ ઠર્યો.

ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આ સમગ્ર પ્રક્રિયા 28 ઑક્ટોબરથી આગામી વર્ષ એટલે કે 7 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલવાની છે.

જેમાં ગણતરીની પ્રક્રિયા 4 નવેમ્બર 2025થી 4 ડિસેમ્બર 2025 સુધી, આમ કુલ એક મહિના સુધી ચાલશે.

ચૂંટણીપંચે તાજેતરમાં કરેલી જાહેરાત પ્રમાણે ચોથી નવેમ્બરથી ઘરેઘરે જઈને સરવે કરવામાં આવશે. આ પ્રક્રિયા ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, આંદામાન નિકોબાર, પુડ્ડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવી છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારયાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવા બાબતના આધિકારિક હુકમનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે તો એક બાબત જરૂર આંખે ઊડીને વળગે છે કે આ સમગ્ર પ્રક્રિયામાં બૂથ લેવલ ઑફિસરે (બીએલઓ) 'ચાવીરૂપ ભૂમિકા' ભજવવાની છે.

આમ પણ ભારતના રાજકારણથી પરિચિત નિષ્ણાતો ઘણી વાર બીએલઓને ભારતની ચૂંટણીપ્રક્રિયા 'પાયાના કાર્યકર' અને 'ફૂટ સૉલ્જર્સ ઑફ ડેમૉક્રસી' ગણાવે છે.

તો અહીં સવાલ એ થાય છે કે આ આખરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની આ સમગ્ર પ્રક્રિયામાં બીએલઓએ કઈ કઈ કામગીરી કરવાની હોય છે? એ મતદારોને કેવી રીતે મદદ કરશે?

આ સિવાય મતદારે ગણતરી ફૉર્મમાં કઈ વિગતો ભરવાની રહેશે અને કઈ વિગતો નહીં ભરવાની રહે?

આ સવાલોના જવાબ મેળવવાનો જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

SIRમાં બૂથ લેવલ ઑફિસરે ગણતરીનું ફૉર્મ ભરવામાં શું મદદ કરવાની હોય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદારયાદી, મતદાન, ચૂંટણી, મતદાર કાર્ડ,

ઇમેજ સ્રોત, ECI/X

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત મતદારોનાં ઘરોની મુલાકાત લેતા બૂથ લેવલ ઑફિસર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવતા બૂથ લેવલ અધિકારી શોકત જી. મનસૂરીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત પોતે ભજવવાની થતી જવાબદારી અંગે વાત કરતાં કહ્યું હતું કે :

"હાલ અમને મતદારયાદીમાં જેમનાં નામ હોય એવા મતદારોની ઘરેઘરે પહોંચી મુલાકાત લઈ, ગણતરી ફૉર્મ આપી, તેમાં લાગતીવળગતી વિગતો ભરવામાં મદદ કરવાનું, કલેક્શનનું તેમજ એ બાદ આવું ભરાયેલું ફૉર્મ ડિજિટાઇઝ કરીને અપલોડ કરવાની કામગીરી કરવાનું કહેવાયું છે."

તેઓ આગળ કહે છે કે, "બીએલઓએ ગણતરીના ફૉર્મમાં આપમેળે કોઈ વિગતો ભરવાની હોતી નથી, પરંતુ ઘણી વાર ગ્રામીણ વિસ્તારોમાં મતદારે અધૂરી વિગતો ભરીને ફૉર્મ આપ્યાં હોય છે. ત્યારે અમે તેમને યોગ્ય અને પૂરી વિગતો ભરવાનું માર્ગદર્શન આપીએ છીએ અને અમુક કિસ્સામાં જો મતદારની વિનંતી પર તેમની પાસેથી માહિતી મેળવીને વિગતો ફૉર્મમાં ભરી આપતા હોઈએ છીએ."

"આ સિવાય જો મતદાર પાસે ફ઼ૉર્મમાં મગાયેલી કોઈ માહિતી ન હોય તો તેવા કિસ્સામાં એવી માહિતી ક્યાંથી મેળવવી એ અંગે સમજ આપીએ છીએ."

મનસૂરી આગળ જણાવે છે કે, "ઘણી વાર એવું પણ બનતું હોય છે કે મતદારો ગણતરીના ફૉર્મમાં અમુક ભૂલો કે છેકછાક કરતા હોય છે. તો આવા કિસ્સામાં અમે તેમને શક્ય હોય તો ગણતરી ફૉર્મની કૉપી કરાવી લેવા કે પહેલાં પેન્સિલ વડે ફૉર્મ ભરવાની સમજ આપીએ છીએ. આ સિવાય જો કોઈ મતદારને ફૉર્મમાં શું ભરવું એ અંગે કંઈ ખબર ન પડતી હોય તો અમે તેમને દસ્તાવેજો સાથે અમારી પાસે બોલાવી લઈએ છીએ અને દસ્તાવેજોને આધારે તેમને માહિતી ભરવામાં મદદ કરીએ છીએ."

બીએલઓ મનસૂરી વધુમાં જણાવે છે કે, "ઘણી વાર ઘરના વડીલો જ ઘરના તમામ સભ્યોનાં ફૉર્મ લઈને અમારી પાસે આવી જાય છે, કારણ કે ઘરના અન્ય લોકો કામધંધે ગયા હોય છે. આવી સ્થિતિમાં અમે આવા લોકોનાં ફૉર્મ ભરવામાં મદદ કરીએ છીએ. આ ઉપરાંત ગણતરીના ફૉર્મમાં આપેલી વિગત અનુસાર મતદારે ફૉર્મમાં જાતે સહી કરવાની જરૂર નથી, પરંતુ ઘરની કોઈ પણ પુખ્ત વ્યક્તિ જે તે વ્યક્તિ સાથેનો પોતાના સંબંધનો ઉલ્લેખ કરીને ફૉર્મમાં સહી કરી શકે છે. આ પણ માન્ય છે. આ ઉપરાંત અંગૂઠાનું નિશાન પણ માન્ય છે."

નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી વર્ષ 2002માં હાથ ધરાઈ હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદારયાદી, મતદાન, ચૂંટણી, મતદાર કાર્ડ,

ઇમેજ સ્રોત, ECI/X

જો લેટેસ્ટ મતદારયાદીમાં મારું નામ ન હોય અને મારા નામનું ગણતરી ફૉર્મ ન આવ્યું હોય તો મને મારી વિગતોવાળું ગણતરી ફૉર્મ કેવી રીતે મળી શકે?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, "જો તમે 2002 બાદ મતદાર તરીકે નોંધાયા હો તો તમારે તમારું નામ મતદારયાદીમાં છે કે કેમ એ જોવું પડે. ચૂંટણીપંચ દરેક ચૂંટણી પહેલાં શહેર કે ગ્રામીણ ક્ષેત્રની કલેક્ટર અને મામલતદાર કચેરીઓમાં આખરી મતદારયાદીની કૉપી મૂકતું હોય છે. દરેક મતદારે પોતાનું નામ આ યાદીમાં છે કે નહીં, એ જોવાનું હોય છે."

"જો આ યાદીમાં નામ હોય તો જ મતદાર મતદાન કરી શકે. જો તમારી પાસે મતદાર ઓળખપત્ર હોવા છતાં તમારું નામ ચૂંટણીપંચ દ્વારા તેની વેબસાઇટ પર મુકાયેલ મતદારયાદીમાં નથી, તેનો અર્થ એ છે કે તમારું નામ મતદારયાદીમાંથી અમુક કારણસર નીકળી ગયું છે. તો આવી સ્થિતિમાં હવે તમારે પોતાનું નામ એક નવા મતદાર તરીકે નોંધાવાની પ્રક્રિયા હાથ ધરવી પડે."

મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયામાં નવા મતદાર તરીકે પોતાનું નામ દાખલ કરાવવા કે મતદારકાર્ડની વિગતોમાં સુધારો કરાવવા માટેની પ્રક્રિયા સમજાવતાં તેઓ કહે છે કે, "હાલની પ્રક્રિયાએ મતદારયાદીની સુધારણા માટેની છે. જ્યારે નવા મતદાર તરીકેની નોંધણી કે મતદાર કાર્ડની વિગતોમાં સુધારા માટેની પ્રક્રિયા માટે જે તે વ્યક્તિએ આગામી 4 ડિસેમ્બર બાદ અરજી કરવાની રહેશે. નવા મતદાર તરીકે નોંધાવવા માટે ફૉર્મ છમાં અને મતદાર કાર્ડમાં સુધારા માટે ફૉર્મ આઠમાં અરજી કરવાની રહેશે."

SIRના ગણતરી ફૉર્મમાં કઈ વિગતો પહેલાંથી ભરાયેલી આવશે અને કઈ મતદારે ભરવાની રહેશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદારયાદી, મતદાન, ચૂંટણી, મતદાર કાર્ડ,

ઇમેજ સ્રોત, ECI

બીએલઓએ આપેલી માહિતી અનુસાર ગણતરીના ફૉર્મમાં લેટેસ્ટ મતદારયાદી પ્રમાણે મતદારનું નામ, મતદારનો ફોટો, મતદાર કાર્ડનું નંબર કે એપિક (ઇલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ)નું નંબર, મતદારનું સરનામું, મતદારયાદીમાં મતદારનું અનુક્રમ નંબર (સિરિયલ નંબર), મતદારયાદી પ્રમાણે ભાગ નંબર અને ભાગનું નામ, વિધાનસભા/લોકસભાના મતવિભાગનું નામ, રાજ્યનું નામ વગેરે વિગતો પહેલાંથી છપાઈને આવતી હોય છે.

આ ઉપરાંત જે-તે વિસ્તારના બૂથ લેવલ ઑફિસરનું નામ અને તેમનું મોબાઇલ નંબર પણ અગાઉથી ફૉર્મ પર શરૂઆતમાં જ છપાયેલાં આવે છે. જેથી મતદારને કોઈ મુશ્કેલી પડે તો તેઓ સીધા જ બીએલઓનું સંપર્ક કરી શકે.

  • મતદારે ભરવાની વિગતોમાં નીચેની બાબતો સામેલ છે :

આ સિવાય પહેલાંથી ફૉર્મમાં છપાઈને આવેલા જૂના ફોટાની પાસેના બૉક્સમાં જ મતદારે પોતાનો નવો ફોટો ચોંટાડવાનો હોય છે.

મતદારે પોતાની જન્મતારીખ અને મોબાઇલ નંબર ફરજિયાતપણે ભરવાનાં હોય છે. આ ઉપરાંત મતદાર ઇચ્છે તો આધાર નંબરના ખાનામાં પોતાનો આધાર નંબર પણ નાખી શકે છે, આધાર નંબર ભરવો એ મરજિયાત છે.

આ ઉપરાંત મતદારે પિતા કે વાલી તેમજ માતાનું નામ અને ઉપલબ્ધ હોય તો તેમનાં મતદાર કાર્ડના નંબરનો ઉલ્લેખ કરવાનો હોય છે. આ સાથે જ જો લાગુ પડતું હોય તો પતિ કે પત્નીનું નામ અને ઉપલબ્ધ હોય તો તેમના મતદાર કાર્ડના નંબરનો ઉલ્લેખ કરવાનો છે.

આટલી વિગતો ભર્યા બાદ મતદારે ગણતરી ફૉર્મમાં નીચેના પૈકી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે.

  • મારો જન્મ 1 જુલાઈ, 1987 પહેલાં થયો હતો

જો આ વિકલ્પ પસંદ કરો તો તમારે જન્મતારીખ અથવા જન્મસ્થળના સ્વપ્રમાણિત પુરાવા ફરજિયાત સોંપવા પડશે.

  • મારો જન્મ 1 જુલાઈ, 1987થી 2 ડિસેમ્બર 2004 વચ્ચે જન્મ થયો છે

આ વિકલ્પ ટીક કરનાર મતદારે પોતાના અને તેના પિતા અથવા માતાના સ્વપ્રમાણિત ડૉક્યુમેન્ટ સોંપવા પડશે જેમાં જન્મ તારીખ અથવા જન્મના સ્થળ દર્શાવેલા હોય.

  • મારો જન્મ 2 ડિસેમ્બર, 2004 પછી થયો છે

આ વિકલ્પ પસંદ કરનારા મતદારે જન્મતારીખ અને જન્મસ્થળના પુરાવા તથા માતા અને પિતાના જન્મતારીખ અને જન્મસ્થળના સ્વપ્રમાણિત ડૉક્યુમેન્ટ સોંપવાના રહેશે.

આ સિવાયના વિકલ્પોમાં નીચેની વિગતો મગાઈ છે.

જો આવેદકનો જન્મ વિદેશમાં થયો હોય તો ત્યાંના ભારતીય મિશન દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર. જો આવેદકે ભારતનું નાગરિકત્વ ગ્રહણ કર્યું હોય તો તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

એ બાદ મતદારે અંતે ફૉર્મ ભર્યાની તારીખ અને સ્થળ અંગેની વિગતો ભરવાની હોય છે. તેમજ છેલ્લે સહી કે ડાબા હાથના અંગૂઠાનું નિશાન આપવાનું છે.

આ ફૉર્મના અંત ભાગમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે માન્ય દસ્તાવેજોની યાદી અપાઈ છે.

SIR અંતર્ગત બીએલઓ બધા મતદારોનાં ઘરોની મુલાકાત ત્રણ વખત લેશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદારયાદી, મતદાન, ચૂંટણી, મતદાર કાર્ડ,

ઇમેજ સ્રોત, ECI/X

ઇમેજ કૅપ્શન, મતદારોને ગણતરી ફૉર્મ ભરવામાં મદદ કરી રહેલા બૂથ લેવલ ઑફિસર

અગાઉ જણાવ્યું એમ નવેમ્બર મહિનાથી ડિસેમ્બર મહિનાના પ્રારંભ સુધી મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયામાં ગણતરીનો તબક્કો હાથ ધરાશે.

જેની મોટી જવાબદારી ચૂંટણીપંચના આ સંદર્ભના હુકમ અનુસાર બીએલઓની રહેશે.

આ હુકમની પુરવણી બીના મુદ્દાના નંબર 3 'હાઉસ ટુ હાઉસ (એચટુએચ) એન્યુમરેશન' હેઠળ બૂથ લેવલ ઑફિસરે કરવાની કામગીરીનો ઉલ્લેખ છે.

આ મુદ્દા નં.3ના પેટા મુદ્દા બી પ્રમાણે બૂથ લેવલ ઑફિસરે દરેકે દરેક મતદારના ઘરે રૂબરૂ મુલાકાત લેવાની છે. જે દરમિયાન તેણે ચાલુ મતદારોની વિગતો પહેલાંથી છપાયેલી હોય એવાં ગણતરી ફૉર્મની નકલ જે તે મતદારને આપવાની રહેશે અને તેમને આ ફૉર્મ ભરવાનું માર્ગદર્શન આપવાનું રહેશે.

આ દરમિયાન જો બીએલઓને કોઈ ઘર બંધ મળી આવે તો તેમણે જે તે ઘરના દરવાજાની નીચે આ ફૉર્મ સરકાવી દેવાનું રહેશે અને બાદમાં આ ફૉર્મ ભરીને કલેક્ટ કરવા માટે આવા મતદારના ઘરની ઓછામાં ઓછી વખત મુલાકાત લેવાની રહેશે.

પેદા મુદ્દા ડી પ્રમાણે વર્તમાન મતદારો ઑનલાઇન માધ્યમ વડે આવાં ગણતરી ફૉર્મ ડાઉનલોડ કરી શકશે તેમજ વિગતો ભરીને યોગ્ય દસ્તાવેજો સાથે તેને અપલોડ પણ કરી શકશે.

મુદ્દા ઇ અનુસાર દરેક વર્તમાન મતદાર જરૂરી વિગતો ભરીને આ ફૉર્મ સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે બીએલઓને આપવાનાં રહેશે.

મુદ્દા એફમાં આપેલી વિગતો પ્રમાણે : બાદમાં બીએલઓ ભરાયેલાં ફૉર્મ કલેક્ટ કરવા માટે ફરી વાર દરેક ઘરની મુલાકાત લેશે. બીએલઓ મતદાર પાસેથી ભરાયેલું ફૉર્મ અને સંબંધિત દસ્તાવેજો મેળવી લેશે અને મતદાર પાસેથી આ ફૉર્મ અને દસ્તાવેજો મેળવી લીધાં હોવાનું મતદાર પાસે રહેલી ફૉર્મ અને દસ્તાવેજની નકલો પર પ્રમાણિત કરી આપશે.

જો મતદારે ફૉર્મ અને સંબંધિત દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કર્યાં હોય તો બીએલઓ મતદારના ઘરની મુલાકાત દરમિયાન આ તમામ દસ્તાવેજોની ખરાઈ કરશે.

બીએલઓએ આ ભરાયેલાં ફૉર્મ અને દસ્તાવેજો બીએલઓ/ઇસીઆઇનેટ મોબાઇલ ઍપ્લિકેશન મારફતે અપલોડ કરવાના રહેશે. એ બાદ બીએલઓએ આ તમામ કાગળિયાં દસ્તાવેજીકરણના હેતુસર ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર કે આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરને સોંપવાનાં રહેશે.

કેન્દ્રીય ચૂંટણીપંચની વેબસાઇટ પર રહેલા પ્રેઝન્ટેશનમાં મુકાયેલી વિગતો અનુસાર બીએલઓએ મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા દરમિયાન નવા મતદારોની નોંધણી માટે ફૉર્મ - 6 અને જાહેરનામાને લગતું ફૉર્મ પણ વિગતો ભરીને જમા લેવાનું રહેશે. આ દરમિયાન તેમણે મૅચિંગ અને લિંકિંગની કામગીરીમાં મદદ કરવાની રહેશ.

આ સિવાય બીએલઓએ મતદારો પૈકી મૃત, અન્યત્રે સ્થાયી થયેલા અને એક કરતાં વધુ ક્ષેત્રોમાં મતદાર તરીકે નોંધાયેલા હોય તેવા મતદારોની ઓળખ કરવાની રેહેશે.

SIR માટે કયા ડૉક્યુમેન્ટ સ્વીકારાશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદારયાદી, મતદાન, ચૂંટણી, મતદાર કાર્ડ,

ઇમેજ સ્રોત, ECI/X

ઇમેજ કૅપ્શન, મહેસાણા જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં ગણતરી ફૉર્મનું વિતરણ કરાયું હતું તેમજ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની સમજ અપાઈ હતી

એસઆઈઆર માટે જે ડૉક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે તેની યાદી આ પ્રમાણે છેઃ

  • સરકારી કર્મચારીનું ઓળખ પત્ર અથવા પેન્શન ઑર્ડર
  • સરકાર કે જાહેર ક્ષેત્રના સંગઠન દ્વારા ઈશ્યૂ કરાયેલું (1987 અગાઉનું) ઓળખપત્ર અથવા ડૉક્યુમેન્ટ
  • સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર
  • પાસપૉર્ટ
  • શાળા, યુનિવર્સિટી અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર (મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ)
  • કાયમી સરનામાનું પ્રમાણપત્ર
  • વન અધિકારનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર (ઓબીસી, એસસી, એસટી)
  • આધાર કાર્ડ
  • રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકારી સંસ્થાનું ફેમિલી રજિસ્ટર
  • સરકારે જમીન/મકાનની ફાળવણી કરી હોય તેનો પુરાવો
  • નાગરિકોનું નૅશનલ રજિસ્ટર (જ્યાં લાગુ પડતું હોય ત્યાં)

જેમનું નામ ગત મતદારયાદી સુધારણા (પહેલી જાન્યુઆરી 2002) પહેલાં મતદારયાદીમાં હતું, તેઓ અહીં પોતાનું નામ અહીં ચકાસી શકે છે. આ સિવાય અહીં ઓનલાઇન નોંધણી પણ થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન