ધર્મેન્દ્રને થયેલી બીમારી વૃદ્ધો માટે કેટલી ઘાતક સાબિત થઈ શકે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ન્યુમોનિયા, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ગત 10 નવેમ્બરની સાંજથી આગામી એકાદ દિવસ સુધી બોલીવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત મામલે જાતભાતના સમાચારો વહેતા થયા હતા.

નોંધનીય છે કે બોલીવૂડના આ દિગ્ગજ અભિનેતાને લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં શ્વાસની તકલીફ તેમજ ન્યુમોનિયા થવાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જોકે, બાદમાં ધર્મેન્દ્રની તબિયત 'સ્થિર' અને 'સુધરી' રહી હોવાના સમાચાર આવ્યા. જે બાદ તેમને હૉસ્પિટલથી ઘરે પણ લઈ જવાયા હતા.

આ પહેલાં તેમના 'નિધન' સંબંધિત સમાચારો મીડિયામાં દેખાવા લાગતાં તેમનાં પત્ની હેમા માલિની અને દીકરી ઈશા દેઓલે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

બીબીસી ગુજરાતીએ ન્યુમોનિયાની માંદગી અને તેની ગંભીર અસરો અંગે વિસ્તારપૂર્વક જાણવા માટે કેટલાક નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી હતી.

ન્યુમોનિયા શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ન્યુમોનિયા, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Richard Drury/Getty Images

ફેફસાંના રોગોના જાણીતા નિષ્ણાત અને ઍલર્જી સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ ન્યુમોનિયાની સામાન્ય લોકો સમજી શકે એવી ભાષામાં વ્યાખ્યા કરતા જણાવે છે કે, "ન્યુમોનિયા એટલે ફેફસાંમાં કોઈ પણ રીતે થતો કફ."

"જ્યારે કોઈ વ્યક્તિને ગળાના ભાગે કફ એટલે કે ગળફા થાય, તેને શ્વસનતંત્રના ઉપરના ભાગમાં થતી સમસ્યા કહેવામાં આવે છે. પરંતુ જ્યારે એ જ કફ ફેફસાંમાં ઊતરે અને જામી જાય ત્યારે તેને ન્યુમોનિયા કહેવામાં આવે છે."

તેઓ આગળ કહે છે કે, "કોરોના, સ્વાઇન ફ્લુ અને ટીબી વગેરે એ અલગ અલગ પ્રકારના ન્યુમોનિયા જ છે. આની માફક જ બીજા પણ ઘણા બૅક્ટેરિયા છે જે ન્યુમોનિયાનું કારણ બને છે."

"વાતાવરણમાં ફેરફાર, હવામાં ફેરફાર, ઠંડી પડે ત્યારે આ બધા બૅક્ટેરિયા જોવા મળે છે. "

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ન્યુમોનિયા ફેફસાંના ટિશ્યુ ભાગ એટલે કે નાની-નાની વાયુથેલીઓ (એલ્વિયોલી)માં થતો સોજો અને ચેપ છે. આ થેલીઓ શ્વાસની પ્રક્રિયામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શ્વાસ લેતી વખતે એલ્વિયોલી અને લોહી વચ્ચે ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આદાન-પ્રદાન થાય છે. એલ્વિયોલી પાસેથી મળેલો ઑક્સિજન આખા શરીરની કોશિકાઓ સુધી પહોંચે છે.

વિશેષજ્ઞો પ્રમાણે, જ્યારે બૅક્ટેરિયા, વાઇરસ કે ફૂગ ચેપ વડે આ વાયુથેલીઓ પ્રભાવિત થાય છે, તો તેમાં પ્રવાહી કે પરુ ભરાઈ જાય છે. આના કારણે ઑક્સિજનનું સ્તર ઘટી જાય છે અને શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિ જ આગળ જઈને ન્યુમોનિયાનાં ગંભીર લક્ષણ પેદા કરે છે.

ન્યુમોનિયા કેમ થાય છે?

ડૉ. તુષાર પટેલ ન્યુમોનિયા થવાનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, "રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોને, કૅન્સરના દર્દી, સ્ટીરોઇડ કે અન્ય દવા લેતા હોય એવી વ્યક્તિ, વધુ પડતી મુસાફરી અને વધુ પડતું ઠંડું ખાવાપીવાથી ન્યુમોનિયા થઈ શકે છે."

"આ સિવાય વૃદ્ધો અને બાળકો સહિત જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેવા લોકો, ડાયાબિટીસના દર્દી અને ઉપરાંત ન્યુમોનિયાની સાથે કૅન્સર હોય એવા દર્દી માટે ન્યુમોનિયા જીવલેણ સાબિત થઈ શકે છે."

ન્યુમોનિયાની સારવાર અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "જ્યારે દર્દીના એક્સ-રે કે સિટી સ્કૅન જોવામાં આવે ત્યારે ડૉક્ટરને ખ્યાલ આવે છે કે ખરેખર ન્યુમોનિયાનું કારણ બૅક્ટેરિયા છે, વાઇરસ છે કે ફૂગ છે. આ દરેક સ્થિતિમાં અલગ અલગ સારવાર અપાય છે. સામાન્ય રીતે ન્યુમોનિયામાં ઍન્ટિબાયોટિક આપવામાં આવે છે. પરંતુ જો ન્યુમોનિયાનું કારણ કંઈક અલગ હોય તો એ જોઈને એ પ્રકારની દવા આપવાની હોય છે."

વૃદ્ધો માટે કેમ આ ખતરનાક સાબિત થઈ શકાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ન્યુમોનિયા, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદસ્થિત એમ.ડી. મેડિસિન ડૉક્ટર મુકેશ ચૌધરી મોટી ઉંમરના લોકો માટે ન્યુમોનિયા કેમ ઘાતક નીવડી શકે એ સમજાવતાં કહે છે :

"મોટી ઉંમરના દર્દીઓમાં ન્યુમોનિયામાં અન્ય સામાન્ય દર્દીઓમાં જોવા મળતાં લક્ષણો ઘણી વાર નથી જોવા મળતાં. આ લક્ષણોમાં છાતીમાં દુખાવો, કફ, શ્વાસની તકલીફ વગેરે સામેલ છે. મોટી ઉંમરના ન્યુમોનિયાના દર્દી ઘણી વાર ભોજનનું પ્રમાણ ઘટાડી દે છે અને આવા દર્દીઓમાં ભાન પણ ઘટી જાય છે."

"મોટી ઉંમરના ન્યુમોનિયાના દર્દીઓમાં ઘણી વાર તાવ પણ શરીરની બહાર અનુભવાતો નથી. જે સૌથી વધુ મુશ્કેલી સર્જે છે. આમ અન્ય વ્યક્તિઓમાં જે લક્ષણો દેખાતાં હોય છે એ ઘણી વાર વૃદ્ધ ન્યુમોનિયાના દર્દીઓમાં બિલકુલ જોવા નથી મળતાં."

તેઓ આવા કિસ્સામાં સર્જાતા પડકારો અંગે કહે છે કે, "લક્ષણો ન દેખાવાને કારણે વૃદ્ધોમાં ન્યુમોનિયાની ખબર પડે ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે. ઑક્સિજનનું લેવલ ઘટી ગયું હોય છે. આવી સ્થિતિમં ક્વૉલિફાઇડ ડૉક્ટર જ આ રોગનું નિદાન કરી શકે છે."

"જો એ સિવાય કોઈ અન્ય રીતે દવા કરાવવામાં આવે તો બની શકે કે જરૂરી તપાસ માટેના રિપોર્ટ ન કરાવાય. તેથી મોટી ઉંમરની કોઈ વ્યક્તિ એકાએક ભોજન લેવાનું સાવ ઘટાડી દે, ભાન ગુમાવવા લાગે, શરીર ઠંડું જણાય તો તરત તેમનું ઑક્સિજનનું લેવલ, ધબકારા માપવા અને યોગ્ય તપાસ કરાવવી વગેરે જરૂરી બની જાય છે."

"જેથી નિદાન થાય અને વધુ તકલીફથી આવા દર્દીને બચાવી શકાય. નહીંતર આખા શરીરમાં આ ચેપ પ્રસરી શકે અને વધુ વિકટ સ્થિતિ બની શકે છે."

"મોટી ઉંમરે આ સિવાય રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય છે અને આવા દર્દીને પહેલાંથી જીવનશૈલીને લગતા અન્ય રોગો પણ હોઈ શકે છે. તેથી પણ મોટી ઉંમરની વ્યક્તિઓમાં ન્યુમોનિયા વધુ ઘાતક સાબિત થઈ શકે છે."

મોટી ઉંમરની વ્યક્તિઓને ન્યુમોનિયાની ઘાતક અસરોથી બચાવવાના ઉપાયો અંગે વાત કરતાં ડૉ. ચૌધરી કહે છે કે, "મોટી ઉંમરના લોકોને જો અન્ય રોગો પણ હોય તો ન્યુમોનિયાની રસી અપાવી શકાય છે. ન્યુમોનિયા આમ તો ઘણા પ્રકારના વાઇરસ, બૅક્ટેરિયા, ફૂગ વગેરેથી થાય છે. તેથી વૅક્સિન લેવામાત્રથી સંપૂર્ણ સુરક્ષા મળી જતી નથી. તેમ છતાં 65 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકોને અમુક કૉમન ન્યુમોનિયાની રસી અપાવી શકાય. આ સિવાય આ રોગથી બચાવ માટેનો રસ્તો જલદી નિદાન અને સારવાર શરૂ કરવાનો જ છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ન્યુમોનિયા, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Dr. Mukesh chaudhary

ડૉ. તુષાર પટેલ કહે છે કે, "શ્વાસ ચડવો, ખૂબ તાવ આવવો, ભૂખ સાવ ન લાગવી, ઘણી વાર માંદગી એટલી ગંભીર બની જાય કે દર્દીને આઇસીયુમાં દાખલ કરવા પડે છે અને વૅન્ટિલેટર પર પણ રાખવા પડે છે. મોટી ઉંમરના ન્યુમોનિયાના દર્દીઓની સ્થિતિ ન્યુમોનિયામાં મુશ્કેલ બની જાય છે."

"વૃદ્ધો અને બાળકોમાં ન્યુમોનિયાના દર્દીઓને ફેફસામાં ગંભીર માત્રામાં પાણી કે હવા ભરાઈ જવાને કારણે પણ આવા દર્દીને ગંભીર અસરો થતી હોય છે."

ન્યુમોનિયા તમારાં ફેફસાં પર કેવી ગંભીર અસર કરે છે અને તેના કારણે વૃદ્ધો માટે કેવી સમસ્યા સર્જાય છે એ સમજાવતાં તેઓ કહે છે કે, "આવી વ્યક્તિઓમાં સામાન્ય શરદી-ઉધરસ ખૂબ ઝડપથી ન્યુમોનિયાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આવા કિસ્સામાં ગંભીરતા વધે છે. આ સિવાય ન્યુમોનિયાને કારણે જ શ્વાસને લગતી તકલીફો થતી હોય છે. ન્યુમોનિયાને કારણે ફેફસાંના જે ભાગમાં કફ બને છે, એ ભાગ શ્વાસમાં ઑક્સિજનની લેવડદેવડમાં કામ લાગતો નથી. તેના કારણે શરીરમાં એટલા પ્રમાણમાં ઑક્સિજન ઓછો મળે, જેના કારણે શરીરે વધુ શ્રમ કરવો પડે એટલે કે શ્વાસ વધુ લેવા પડે, જેના કારણે હાંફ ચડતો હોય છે. "

"ઉંમર વધવાની સાથોસાથ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે, આ ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ, કૅન્સર, વધુ દારૂ પીવાની અને વધુ સિગારેટ પીવાને કારણે પહેલાંથી ફેફસાં નબળાં પડી ગયાં હોય ત્યારે મોટી ઉંમરની વ્યક્તિઓ માટે ન્યુમોનિયા ખતરનાક સાબિત થઈ શકે છે."

ન્યુમોનિયાનાં લક્ષણો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ન્યુમોનિયા, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Dr. Tushar Patel/FB

ન્યુમોનિયાનાં લક્ષણોમાં સામેલ છે -

  • શ્વાસ લેવામાં તકલીફ કે અવરોધ
  • ઊંડો કે ઉપરછલ્લો શ્વાસ લેવો
  • હૃદયની ગતિમાં વધારો
  • ભારે તાવ, ઠંડી લાગવી કે વધુ પડતો પરસેવો વળવો
  • સતત ખાંસી અને છાતીમાં દુખાવો
  • કેટલાક કેસમાં ઊલટી કે ઝાડા
  • વિશેષજ્ઞો પ્રમાણે શરૂઆતમાં જ આનાં લક્ષણો ઓળખી લેવાય એ અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત છે.

ફેફસાંના રોગોના નિષ્ણાત ડૉક્ટર સલિલ બેન્દ્રે કહે છે, "દરેક પ્રકારનો ન્યુમોનિયા જીવલેણ નથી હોતો. તેમ છતાં, તેનો યોગ્ય સમયે અને તરત ઇલાજ થાય એ અત્યંત જરૂરી છે."

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, બૅક્ટેરિયલ અને વાઇરલ ન્યુમોનિયા ચેપ એક જેવા દેખાય છે, પરંતુ તેનાં લક્ષણ અલગ-અલગ પણ હોઈ શકે છે.

ડૉ. બેન્દ્રે કહે છે કે, "સફેદ, લીલો કે લાલ કફ, તાવ, ઠંડી લાગવી અને શ્વાસ લેવામાં તકલીફ ન્યુમોનિયાના દર્દીઓમાં જોવાં મળતાં સામાન્ય લક્ષણ છે."

ન્યુમોનિયા કેવી રીતે ફેલાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ન્યુમોનિયા, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ન્યુમોનિયાનો ચેપ ઘણાં બધાં કારણસર ફેલી શકે છે.

ચેપ ફેલાવતા બૅક્ટેરિયા અને વાઇરસ નાનાં બાળકોનાં નાક અને ગળામાં હાજર હોય છે. જ્યારે એ ફેફસાંમાં પહોંચે છે, તો ત્યાં ચેપ ફેલાય છે. એ ખાંસતી વખતે કે છીંકતી વખતે નીકળતાં નાનાં ટીપાં દ્વારા હવામાં પણ ફેલાઈ શકે છે.

નવજાત શિશુના જન્મ સમયે કે જન્મ બાદ લોહી વડે પણ ન્યુમોનિયા ફેલાઈ શકે છે. નિષ્ણાતો અનુસાર, ભારતમાં ટીબી (ટ્યુબરકુલોસિસ) ન્યુમોનિયા ચેપનું એક મુખ્ય કારણ છે.

  • દહીંથી બ્રેડ સુધી, દરરોજ ખવાતી આ વસ્તુઓમાં છુપાયેલી છે ભરપૂર ખાંડ, અજાણ્યે કેટલી શુગર ખાઓ છો?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન