શિયાળામાં ગરમ પાણી વડે નહાવાથી ત્વચા અને વાળને કેવું નુકસાન થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇફ્તેખાર અલી
- પદ, બીબીસી સંવાદદાતા
શિયાળાની શરૂઆત થતાં જ સવાર સવારમાં લોકોના મનમાં એક સવાલ જરૂર થાય છે, 'આજે નહાવું કે નહીં?'
જો હિંમત બાંધીને નહાવાનો નિર્ણય લઈ લીધો, તો પછી બીજો સવાલ ઊભો થાય છે - 'ગરમ પાણીથી નહાવું કે ઠંડાથી?'
ઘણા લોકો માને છે કે શિયાળામાં ગરમ પાણી વડે નહાવું યોગ્ય છે. તેમના મતે આવું કરવાથી શરીરને રાહત મળે છે, થાક ઊતરે છે અને ઠંડીથી બચી શકાય છે.
બીજી તરફ કેટલાક લોકો એવું પણ માને છે કે ગરમ પાણી વડે નહાવાથી ત્વચા શુષ્ક પડી જાય છે, વાળને નુકસાન થાય છે અને શરીરના કુદરતી (નૅચરલ) ઑઇલનું સ્તર ખતમ થઈ જાય છે.
આ બંનેમાંથી આખરે સાચું શું છે? શું આપણે દરેક ઋતુમાં ઠંડા પાણીથી જ નહાવું જોઈએ કે પછી શિયાળામાં ગરમ પાણી વડે નહાવું ઠીક રહે છે?
આ અંગે નિષ્ણાતોનો મત શું છે? આવો જાણીએ.
ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ સાયન્ટિફિક રિસર્ચ ઍન્ડ એંજિનિયરિંગ ડેવલપમેન્ટમાં 2022માં છપાયેલા એક રિસર્ચ રિપોર્ટ અનુસાર શરીરની બાહ્ય સપાટી પર કેરેટીન સેલ્સ હોય છે.
ગરમ પાણી વડે નહાવાથી આ સેલ્સને નુકસાન થાય છે. આનાથી એક્ઝિમા જેવા ત્વચા રોગમાં વધારો થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગરમ પાણી વડે નહાવાથી શું થાય છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ટરનેશનલ જર્નલ ઑફ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ એન્જિનિયરિંગ ડેવલપમેન્ટમાં 2022માં છપાયેલા એક સંશોધન રિપોર્ટ અનુસાર શરીરની બાહ્ય સપાટી પર કેરાટિન કોષો (સેલ્સ) હોય છે.
ગરમ પાણી વડે નહાવાથી આ કોષોને નુકસાન થાય છે. આનાથી એક્ઝિમા જેવા ત્વચારોગમાં વધારો થઈ શકે છે.
શિયાળાની ઋતુમાં ઘણી વાર લોકો ગરમ પાણીથી નહાવાનું પસંદ કરે છે, પરંતુ ત્વચાનિષ્ણાતો આને મોટો ખતરો માને છે.
તેમનું કહેવું છે કે વધુ પડતું ગરમ પાણી આપણી ત્વચાના કુદરતી સુરક્ષાસ્તરને નુકસાન પહોંચાડે છે.
ઉત્તર પ્રદેશમાં નોઇડાની કૈલાશ હૉસ્પિટલમાં વરિષ્ઠ કન્સલ્ટન્ટ ડર્મેટોલૉજિસ્ટ ડૉક્ટર અંજુ ઝા જણાવે છે કે શિયાળામાં ગરમ પાણીથી નહાઈ શકાય, પરંતુ પાણી બહુ વધારે ગરમ ન હોવું જોઈએ.
ડૉક્ટર ઝાએ કહ્યું, "વધુ પડતા ગરમ પાણી વડે નહાવાથી ત્વચા પર શુષ્કતા થઈ શકે છે, જેને અમે 'ઝેરોસિસ' કહીએ છીએ."
બીજી તરફ અપોલો હૉસ્પિટલમાં ડર્મેટોલૉજિસ્ટ ડૉક્ટર ડીએમ મહાજન કહે છે કે શિયાળામાં ભલે ગરમ પાણી વડે સ્નાન કરો, પરંતુ એ એટલું ઠંડું ન હોવું જોઈએ કે તમને ઠંડી ન લાગે.
આપણી ત્વચા પર સૌથી ઉપરના ભાગે સીબમ અને લિપિડ્સનું એક પાતળું તૈલી સ્તર હોય છે, જે શરીરને બૅક્ટેરિયા, ધૂળ અને બાહ્ય ચેપથી બચાવે છે.
આ સ્તર ત્વચાની ભીનાશને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
ડૉક્ટર ડીએમ મહાજન જણાવે છે કે, "જો શરીર પર વધુ પડતું ગરમ પાણી નાખશો, તો તેના પર અગાઉથી રહેલું તેલ ધોવાઈ જશે. વધુ પડતા ગરમ પાણીનો ત્વચા પર ઉપયોગ કરવાથી આ સ્તર ઝડપથી તૂટવા લાગે છે."
તેમના પ્રમાણે, ઑઇલનું આ સ્તર હટવાને કારણે થોડી મુશ્કેલીનો અહેસાસ થઈ શકે છે. ગરમ પાણીથી ત્વચા રૂક્ષ બની જાય છે અને શરીરમાં ખંજવાળ થવા લાગે છે.
કોને વધુ ખતરો?
વધુ પડતા ગરમ પાણીને કારણે આમ તો દરેક સામાન્ય વ્યક્તિને નુકસાન થઈ શકે છે, પરંતુ સામાન્ય કરતાં થોડાક જ વધુ ગરમ પાણીને કારણે અમુક લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ડૉક્ટર અંજૂ જણાવે છે કે, "જો ત્વચા પહેલાંથી જ રૂક્ષ હોય અને એની ઉપર તમે વધુ ગરમ પાણી વડે સ્નાન કરી લો તો ડર્મેટાઇટિસ અને એક્ઝિમા જેવી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે."
ડર્મેટાઇટિસ ત્વચામાં સોજો અને ખંજવાળ પેદા કરતી એક સામાન્ય સમસ્યા છે. તેનાથી ત્વચા લાલ પણ પડી જાય છે.
ડૉક્ટર ડીએમ મહાજનનું માનવું છે કે કોઈ વ્યક્તિને પહેલાંથી એક્ઝિમા (એટોપિક ડર્મેટાઇટિસ) હોય, તો ગરમ પાણી વડે નહાવું એ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
એક્ઝિમા એક ત્વચા રોગ છે, જે ત્વચાને રૂક્ષ અને લાલ કરી દે છે. સાથે જ, તેમાં ઘણી ખંજવાળ પણ થાય છે.
ડૉક્ટર ડીએમ મહાજન જણાવે છે કે જો તમે પૉલિસાઇથીમિયા વેરા (એવી બીમારી જેમાં શરીર જરૂર કરતાં વધુ લાલ રક્તકણો બનાવે છે)ના દર્દી છો, તો તમારે ગરમ પાણીથી નહાવા મામલે વધુ સાવધ રહેવાની જરૂર છે.
તેઓ કહે છે કે, "આ બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો જો વધુ પડતા ગરમ પાણીથી સ્નાન કરી લે, તો તેમની ત્વચા પર લાલાશ વધુ દેખાવા લાગે છે."
શિયાળામાં અચાનક ઠંડા પાણીથી નહાવાથી શું થાય?

જો વધુ પડતી ઠંડી દરમિયાન તમે શરીર પર ઠંડું પાણી રેડો, તો કદાચ આ વાત જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
અમે આ જ બાબતે વધુ જાણકારી મેળવવા માટે બીએલકે-મૅક્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, દિલ્હીના સિનિયર કન્સલ્ટન્ટ ન્યૂરોલૉજિસ્ટ અને ન્યૂરોવાસ્કુલર ઇન્ટરવેન્શન ડૉક્ટર પ્રતીક કિશોર સાથે વાત કરી.
તેમનું કહેવું છે કે જ્યારે આપણું શરીર અચાનક અત્યંત ઠંડા કે ગરમ પાણીના સંપર્કમાં આવે છે, તો રક્તવાહિનીઓ તરત પ્રતિક્રિયા કરે છે.
ડૉક્ટર પ્રતીક કહે છે, "વધુ પડતું ઠંડું પાણી શરીર પર પડતાં જ શરીરની નસો સંકોચાઈ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને હૃદયના ધબકારા અચાનક વધી શકે છે. વધુ પડતા ગરમ પાણીને કારણે નસો પ્રસરે છે, જેથી બ્લડ પ્રેશર ઘટી શકે છે અને ચક્કર કે બેભાનપણા જેવી સ્થિતિ થઈ શકે છે. તેથી વધુ પડતા ગરમ પાણીથી પણ બચવું જોઈએ."
તેમના પ્રમાણે, જે લોકોને પહેલાંથી હૃદયરોગ હોય, બંધ નસ હોય, હાઇ બ્લડ પ્રેશર કે હૃદય સંબંધિત અન્ય કોઈ બીમારી હોય તો તેમના માટે અચાનક તાપમાનમાં પરિવર્તન વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
તેઓ કહે છે કે, "વધુ પડતા ઠંડા પાણીથી બ્લડ પ્રેશર ઝડપથી વધી શકે છે, જે હૃદયરોગનો હુમલો કે બ્રેઇન સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે."
ઠંડા પાણીથી સ્નાન અંગે ડૉક્ટર અંજૂ જણાવે છે કે, "અત્યંત ઠંડીની ઋતુમાં અત્યંત ઠંડા પાણીથી નહાવું એ શરીર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે."
તેમણે કહ્યું, "આવી સ્થિતિમાં ચિલબ્લેન થવાનો ખતરો વધી જાય છે. ચિલબ્લેનમાં હાથની આંગળીઓ, આંગળીના ટેરવાં અને પગની આંગળીઓ વાદળી પડવી, સોજો, બળતરા થઈ શકે છે. આ સમસ્યા ઠંડીને કારણે ખરાબ થઈ ચૂકેલા રક્ત-પરિભ્રમણને કારણે થાય છે."
તેઓ સલાહ આપતાં કહે છે કે શિયાળામાં વધુ પડતા ઠંડા પાણીથી સ્નાન કરવાથી બચવું જોઈએ અને શરીરનું તાપમાન સંતુલિત રાખવું જરૂરી છે.
ડૉક્ટર અંજૂ જણાવે છે કે, "નાનાં બાળકોની અને વૃદ્ધોની ત્વચા પહેલાંથી જ સંવેદનશીલ હોય છે, તેથી વધુ ગરમ પાણી વડે નહાવાથી ત્વચાની વધુ પડતી રૂક્ષતા, બળતરા અને ફાટવાની મુશ્કેલી હજુ વધી શકે છે."
તેઓ કહે છે કે, "શિયાળામાં હળવા ગરમ પાણી વડે નહાવું યોગ્ય રહે છે. એ સિવાય સ્નાન કર્યા બાદ ત્વચા પર મૉઇશ્ચરાઇઝર લગાડવું જરૂરી છે, જેથી ડ્રાય સ્કિન, બળતરાથી બચી શકાય."
હૅન્ડપમ્પ કે બોરવેલનું પાણી

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રામીણ વિસ્તારોમાં લોકો હૅન્ડપમ્પ કે બોરવેલનો ઉપયોગ કરે છે. શિયાળાની ઋતુ દરમિયાન હૅન્ડપમ્પ કે બોરવેલનું પાણી હળવું ગરમ પણ લાગે છે.
આ જ કારણે આજેય ગ્રામીણ વિસ્તારોમાં લોકો પાણી ગરમ કર્યા વિના જ સ્નાન કરી લે છે. પરંતુ ડૉક્ટર આ સ્થિતિ અંગે પણ ચેતવણી આપે છે.
ઘણા ગ્રામીણ વિસ્તારોમાં જમીનમાંથી નીકળતા પાણીમાં અમુક ખનિજ તત્ત્વો પણ હોય છે.
તાપમાનના હિસાબે આ પાણી શિયાળામાં થોડું ગરમ અને ઉનાળામાં થોડું ઠંડું લાગે છે, તેથી નહાવા માટે આ પાણી લોકોને આરામદાયક લાગે છે.
પરંતુ ડૉક્ટર ડીએમ મહાજન જણાવે છે કે આ જ પાણી ક્યારેક ક્યારેક ત્વચા પર બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ પણ સર્જી શકે છે.
તેમના પ્રમાણે, આનું કારણ આ પાણીમાં રહેલાં ખનિજ તત્ત્વોનું પ્રમાણ છે. જો આ પાણીમાં ક્લોરાઇડ્સ, સલ્ફેટ્સ કે અને ઓગળેલાં મીઠાં વધુ પ્રમાણમાં હોય, તો પાણી 'હાર્ડ વૉટર'ની શ્રેણીમાં આવી જાય છે.
તેઓ કહે છે કે, "હાર્ડનેસ વધવાને કારણે આ પાણી ત્વચાના પ્રાકૃતિક ઑઇલના સ્તરને ખતમ કરી દે છે. આનાથી ત્વચામાં રૂક્ષતા, ખંજવાળ અને બળતરા જેવી સમસ્યા વધી જાય છે. આ સિવાય આવા પાણીમાં વધુ ખનિજ હોવાને કારણે વાળની સમસ્યા પણ થઈ શકે છે."
તેથી જમીનના પેટાળમાંથી નીકળતું આ પાણી તાપમાન પ્રમાણે સારું ભલે લાગતું હોય, પરંતુ તેની ગુણવત્તા અને તેમાં રહેલાં ખનિજ તત્ત્વોની માત્રા ત્વચા અને વાળના સ્વાસ્થ્યને ઘણી અસર કરે છે.
ડૉક્ટર પ્રતીક કહે છે કે, "અગાઉ જીવનશૈલી સંબંધિત રોગો એટલા નહોતા. ગામના વૃદ્ધો મોટા ભાગે શારીરિકપણે સક્રિય રહેતા. ખેતરોમાં મહેનત કરતા. તેમનું શરીર આવા 'ટેમ્પરેચર શૉક'ને વધુ સહન કરી શકતું હતું. પરંતુ જે લોકો પહેલાંથી જ બ્લડ પ્રેશરના દર્દી છે, તેમના માટે આ જોખમ હજુ યથાવત્ છે."
વાળ પર કેવી અસર થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
વધુ પડતા ગરમ પાણી વડે નહાવાની અસર માત્ર ત્વચા પર જ નહીં, બલકે વાળ પર પણ પડે છે.
નિષ્ણાતો કહે છે કે વધુ ગરમ પાણી વડે નહાવાથી વાળમાં કુદરતી ભીનાશ ઘટવા લાગે છે, જેનાથી વાળ રૂક્ષ થઈ શકે છે. એના ગુચ્છા થઈ શકે છે અને તૂટી શકે છે.
ડૉક્ટર ડીએમ મહાજન કહે છે કે ત્વચાની માફક અમારા વાળમાં કુદરતી ઑઇલ હોય છે અને જ્યારે આપણે વધુ ગરમ પાણી પોતાના વાળ પર નાખીએ છીએ તો એ નીકળી જાય છે, જેથી આપણા વાળ રૂક્ષ પડી જાય છે.
આના કારણે ડૉક્ટર એવી સલાહ આપે છે કે શિયાળો હોય કે ઉનાળો નહાવા માટે હંમેશાં ઓછા ગરમ પાણીનો ઉપયોગ કરો, વધુ પડતા ગરમ પાણીથી બચો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












