શાવરમાં નહાવાના કારણે કેવી ગંભીર બીમારી થઈ શકે છે અને તેનાથી બચવા શું કરવું

ઇમેજ સ્રોત, Emmanuel Lafont
- લેેખક, ફ્રાન્સીસ હસ્સાર્ડ
- પદ, બીબીસી ફ્યૂચર
તમને એ જાણીને નવાઈ લાગશે કે બાથરૂમમાં નાહતી વખતે તમે ફટ દઈને જે ફુવારો શરૂ કરો છો એ તો ખરેખર બૅક્ટેરિયા તથા ફૂગ માટેનું આશ્રયસ્થાન છે.
પરંતુ કેટલીક સરળ યુક્તિ વડે આપણે એ બધાં બૅક્ટેરિયા અને ફૂગને ગટરમાં વહાવી શકીએ છીએ.
આપણા પૈકીના મોટા ભાગના લોકો શરીરને સ્વચ્છ કરવાની અપેક્ષા સાથે ફુવારામાં સ્નાન કરે છે, કારણ કે ગરમ પાણી, વરાળ અને સાબુથી નાહીને તમે ફ્રેશ થઈ જાઓ છો.
બૅક્ટેરિયાનો ઢગલો ચહેરા પર તૂટી પડે એવું તો કોઈ નથી ઇચ્છતું, પરંતુ તમે જ્યારે ફુવારો શરૂ કરો છો ત્યારે બરાબર આવું જ થાય છે.
હકીકતમાં તમારા ઘરમાં થયેલા પ્લમ્બિંગના છેડે એક નાનકડી ઇકૉસિસ્ટમ છુપાયેલી હોય છે, જે તમે ફુવારો ખોલો તેની જ રાહ જોતી હોય છે. તેનો અર્થ એ થાય કે સવારનું પહેલું સ્નાન માત્ર પાણી અને વરાળ જ નથી હોતું.
શાવરહેડ (ફુવારોનો આગળનો ભાગ) અને તેની પાઇપની અંદર બૅક્ટેરિયાનું એક જીવંત આવરણ રાત્રિ દરમિયાન બની જાય છે. એ પૈકીના કેટલાક સૂક્ષ્મ જીવ ફુવારામાંથી નીકળતાં પાણીનાં ટીપાં પર બાઝી જાય છે. તેમાંથી મોટા ભાગના સામાન્ય રીતે તો બિનહાનિકારક હોય છે, પરંતુ તમને આશ્ચર્ય પમાડે તેવી વાત અહીંથી જ શરૂ થાય છે.
બૅક્ટેરિયા માટે સાનુકૂળ જગ્યા

ઇમેજ સ્રોત, Emmanuel Lafont
બૅક્ટેરિયા માટે શાવર હેડ અને હોઝ પાઇપ એ સૌથી અનુકૂળ જગ્યા હોય છે. તમે સ્નાન કરો તેના કલાકો સુધી પાઇપ ગરમ, ભીની અને અવરોધહીન હોય છે. તેની લાંબી, સાંકડી કૉઇલ (વીજળી પસાર થવા માટેની તારની વીંટાવાળી રચના) સૂક્ષ્મ જીવોના વસવાટ માટે પૂરતી જગ્યા આપે છે.
ત્યાં પહોંચીને બૅક્ટેરિયા પાણીમાં ભળી ગયેલાં પોષકતત્ત્વોની સાથે-સાથે પ્લાસ્ટિકના શાવર હોજમાંથી નીકળતા કાર્બનનો પણ થોડો આહાર કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિસ્ટમ આખી રાત યથાવત્ રહે છે અને સૂક્ષ્મ જીવોનો સમુદાય ઝડપભેર તેમાં ઘર કરી લે છે.
બૅક્ટેરિયા બાયૉફિલ્મ બનાવે છે. તે નરમ અને ચીકણાં માઇક્રોબાયલ 'નગરો' હોય છે, જે જહાજની બહારની સપાટીથી માંડીને તમારા દાંત પરના પ્લાક (દાંત પર બાઝતી છરી) સુધીની લગભગ કોઈ પણ ભીની સપાટી પર ચોંટી જાય છે. તમે ફુવારો ચાલુ કરો છો ત્યારે બાયૉફિલ્મના ટુકડા સરળતાથી સ્પ્રે સ્વરૂપે બહાર આવે છે.
પણ આપણે કેટલા બૅક્ટેરિયાની વાત કરી રહ્યા છીએ? પ્રયોગશાળામાં અને વાસ્તવિક ઘરોમાં કરવામાં આવતાં પરીક્ષણોમાં, ફુવારાની નળી પરના બૅક્ટેરિયાની સંખ્યા પ્રતિ ચોરસ સેમીમાં લાખોથી માંડીને કરોડો કોષો સુધીની હોઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોટા ભાગના બૅક્ટેરિયા બિનહાનિકારક હોય છે. જોકે, માઇક્રોબૅક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જીવાણુઓનું એક વૈવિધ્યસભર જૂથ જે માટી સહિતની અનેક જગ્યાએથી મળી આવતા સૂક્ષ્મ જીવોની સાથે સાથે ક્ષય રોગ અને રક્તપિત્ત જેવા કેટલાક રોગ માટે જવાબદાર પૅથૉજેનિક સ્ટ્રેઇન્સના બનેલા હોય છે.
અલબત્ત, યુનાઇટેડ કિંગ્ડમમાં ઘરેલુ શાવર હોજના સૅમ્પલ લેનારા સંશોધકોએ એક્સોફિયાલા, ફ્યુજેરિયમ અને માલાસેજિયા જેવી પ્રજાતિઓના ફંગલ (ફૂગ) ડીએનએને પણ શોધી કાઢ્યાં છે. એ જીવો આપણી ત્વચા અને માટીમાં મળી આવે છે, પરંતુ કેટલાક કિસ્સામાં એ પણ અવસરવાદી ચેપનું કારણ બની શકે છે.
આ સૂક્ષ્મ જીવોના ગુણ સ્થિર નથી. તે સમય સાથે બદલાતા રહે છે. પ્રયોગશાળામાં નિર્મિત 48 કાર્યશીલ ફુવારા યુનિટના એક અભ્યાસમાં ચીનના સંશોધકોને જાણવા મળ્યું હતું કે ફુવારાની પાઇપની અંદર બનતી બાયૉફિલ્મ નિયમિત ઉપયોગના લગભગ ચાર સપ્તાહમાં તેના ચરમ પર પહોંચી ગઈ હતી.
પછી તેમાં ઘટાડો થયો હતો, કારણ કે બાયૉફિલ્મ પાઇપમાં બહુ ઢીલી અવસ્થામાં ચોંટેલી હતી, પરંતુ 22 સપ્તાહ બાદ તેમાં ફરી વધારો થવા લાગ્યો હતો. ચિંતાજનક વાત એ છે કે શાવર હેડ અને હોઝમાં માત્ર ચાર સપ્તાહ પછી બાયૉફિલ્મ ફરી આકાર પામી ત્યારે લીઝિઓનેલા ન્યૂમોફિલા નામના જીવાણુ સંશોધકોને મળી આવ્યા હતા. આ બૅક્ટેરિયમ લીજિયોનેયર રોગના કારક હોય છે.
મોટા ભાગના લોકોના કિસ્સામાં જો તેઓ શાવર હેડનો ઉપયોગ વારંવાર કરતા હોય તો તેમાંના જંતુથી નુકસાન થવાનું જોખમ ઓછું હોય છે.
સ્વિટ્ઝર્લૅન્ડના ડ્યુબેન્ડોર્ફ ખાતેની સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍક્વેટિક સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીના પીવાના પાણીના માઇક્રોબાયૉલૉજિસ્ટ ફ્રેડરિક હેમ્સ કહે છે, "લીજીયોનેલા અને અન્ય તકવાદી રોગકારક જીવાણુઓથી દૂષિત ફુવારા જ જોખમી છે."
બાથરૂમના ફુવારા જો ખાસ કરીને એલ. ન્યુમોફિલાથી દૂષિત હોય તો ચેપનું જોખમ પ્રમાણમાં ઊંચું હોય છે, કારણ કે વપરાશકર્તા એરોસોલ ફોર્મેશન બિંદુની નજીક હોય છે." ડેટા સૂચવે છે કે ક્લિનિકલી નબળા લોકોમાં જોખમ સૌથી વધારે હોય છે.
હૉસ્પિટલો કડક જીવાણુનાશક પ્રક્રિયા અને હેડ શાવર રિપ્લેસમેન્ટનો ચુસ્ત રીતે અમલ કરતી હોવાનું કારણ આ જ છે. ફુવારાના બૅક્ટેરિયાની તમને કેટલી અસર થશે તેનો આધાર તમે ક્યાં રહો છો તેના પર પણ હોય છે.
અમેરિકાના એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે વિસ્તારોમાં શાવર હેડમાં રોગજન્ય માઇક્રોબૅક્ટેરિયા વધુ હોય છે ત્યાં નૉન-ટ્યુબરક્યુલસ માઇક્રોબૅક્ટેરિયા (એનટીએમ) નામના રોગનો દર પણ વધુ હતો.
એનટીએમ ફેફસાંનો એક પ્રકારનો ક્રૉનિક રોગ છે. તેનાં મુખ્ય કેન્દ્રોમાં હવાઈ, ફ્લૉરિડા, દક્ષિણ કૅલિફોર્નિયા અને ન્યૂ યૉર્ક સિટી વિસ્તાર સહિતના મધ્ય ઍટલાન્ટિક-ઉતરપૂર્વનો સમાવેશ થાય છે. અપર મિડવેસ્ટના કેટલાક ભાગોમાં પણ તેનું ઉચ્ચ પ્રમાણ જોવા મળ્યું હતું.
સ્થાનિક આબોહવા અને પાણીમાં જંતુનાશક પદાર્થોના અવશેષો શાવર માઇક્રોબાયૉમ બનાવે છે. કેટલાક રોગકારક માઇક્રોબૅક્ટેરિયા સાથે ગરમ સ્થાનો અને ઉચ્ચ ક્લોરિન સંકળાયેલું હતું.
તમારા ફુવારામાં બૅક્ટેરિયાના રચનાનો આધાર પાણીના સ્રોત પર પણ હોઈ શકે છે. કૂવાના પાણી અથવા બિન-ક્લોરિનેટેડ સિસ્ટમ પર આધારિત ઘરોની સરખામણીએ ક્લોરિનેટેડ પાણી પૂરું પાડવામાં આવતા હોય તેવાં ઘરોમાં માઇક્રોબૅક્ટેરિયા વધારે હોય છે.
એ શક્ય હોવાનું કારણ એ છે કે જંતુનાશકોના અવશેષો આવા ક્લોરિન સહિષ્ણુ સૂક્ષ્મ જીવાણુઓ માટે અનુકૂળ હોય છે.
ફુવારામાંના સૂક્ષ્મ જીવાણુ દ્વારા સર્જાતા જોખમને ઘટાડવા માટે તમે કેટલાંક ખૂબ સરળ પગલાં લઈ શકો છો.
મહત્ત્વની છે સામગ્રી

ઇમેજ સ્રોત, Getty Images
સૌપ્રથમ તો એ નોંધવું જોઈએ કે તમારા શાવર હેડ અને હોજ જે સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા હોય તે બૅક્ટેરિયાની સંખ્યા તથા પ્રકાર પર મોટી અસર કરે છે. એક અભ્યાસમાં સંશોધકોએ 'શાવર સિમ્યુલેટર' બનાવ્યાં હતાં. તેનું તેમણે આઠ મહિના સુધી દરરોજ પરીક્ષણ કર્યું હતું.
એકમાં પીવીસી-પીમાંથી (પીવીસીનું લવચીક અને અનુકૂલશીલ સ્વરૂપ) બનેલી નળી હતી, જ્યારે બીજી નળી પીઈ-એસસી (અન્ય પ્રકારનું પ્લાસ્ટિક)માંથી બનાવવામાં આવી હતી. આઠ મહિના પછી બંને નળીઓમાં બાયૉફિલ્મ જોવા મળી હતી, પરંતુ પીવીસી-પી નળીમાં 100 ગણા વધુ બૅક્ટેરિયા હતા.
તેનું કારણ એ છે કે કેટલાક શાવર હોજ બાયૉફિલ્મ્સને વધુ અનૂકૂળ હોય છે. પીઈ-એસસીની સરખામણીએ પીવીસી-પી પાણીમાં વધારે કાર્બન લીચિંગ થાય છે. તે કાર્બન બૅક્ટેરિયા માટે વધારાનો ખોરાક પૂરો પાડવાની સાથે નરમ, ખરબચડી સપાટી પણ આપે છે, જે બાયૉફિલ્મ્સની જમાવટનું પહેલું પગલું હોય છે.
સ્ટેનલેસ સ્ટીલ અથવા ક્રૉમ-પ્લેટેડ પિત્તળથી બનેલો એક સરળ મેટલ-બૉડી શાવર હેડ અને પીઈ-એક અથવા પીટીઈઈ લાઇનર સાથેની ટૂંકી નળી બાયૉફિલ્મ્સ બનાવવામાં મુશ્કેલી સર્જી શકે છે. તેની સરખામણીએ મલ્ટી-ચૅમ્બર અથવા ઍક્સ્ટ્રા-ફ્લેક્સ શાવરહેડ ડિઝાઇન પાણીને ફસાવી શકે છે અને ઉપરના પ્રવાહના પ્લમ્બિંગમાંથી ધાતુ એકઠી કરી શકે છે, જેનાથી માઇક્રોબાયલ્સ વિકસી શકે છે.
ઓછા પ્રવાહવાળા અને 'રેઇનફૉલ' શાવરહેડ્સ જેવા પર્યાવરણને અનુકૂળ વિકલ્પો શ્વાસમાં ભળી જતાં એરોસોલને કદ અને સંખ્યામાં ફેરફાર કરીને વ્યક્તિને થતી અસરમાં પણ ફેરફાર કરી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા આ જ પાણી બચાવતા શાવર હેડ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. એ જ વ્હાઇટ હાઉસે 'અમેરિકાના શાવર્સને ફરીથી શ્રેષ્ઠ બનાવવાનું' વચન આપ્યું હતું.
સ્પ્રૅ પેટર્ન મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઝાકળના મોડ્સ વરસાદની સ્પ્રે પૅટર્ન કરતાં લગભગ પાંચ ગણા વધુ બારીક એરોસોલ ઉત્પન્ન કરે છે.
તમે 'ઍન્ટિમાઇક્રોબાયલ શાવરહેડ્સ' ખરીદી શકો છો. તેમાં ફિલ્ટર અથવા ચાંદી જેવી ધાતુઓ હોય છે, જે શાવરના પાણીમાંથી સૂક્ષ્મ જીવોને દૂર કરવાની ખાતરી આપે છે. સંશોધન દર્શાવે છે કે બજારમાંનાં મોટાં ભાગનાં ઉત્પાદનો પાણીમાંના પેથોજેન્સના સ્તરને ઘટાડવામાં માટે બહુ ઓછું કામ કરે છે.
એકવાર બાયૉફિલ્મ અથવા ક્ષાર જામી જાય એ પછી અસર ઝડપથી ઓછી થઈ જાય છે. હેમ્સ કહે છે, "ઇન-લાઇન શાવર ફિલ્ટર્સ નામનું ટૅક્નૉલૉજિકલ સોલ્યુશન વિશ્વસનીય રીતે કામ કરે છે, પરંતુ તેની જાળવણી ખર્ચાળ છે અને તેના માટે પાણીમાં સારા એવા પ્રેશરની જરૂર પડે છે."
અમેરિકાના પેન્સિલવેનિયાની પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં પર્યાવરણીય ઇજનેરી અને માઇક્રોબાયૉલૉજીનાં ઍસોસિયેટ પ્રોફેસર સારાહ-જેન હેગ અને તેમના સાથીએ પૂર્ણ કક્ષાના પરીક્ષણોમાં દર્શાવ્યું હતું કે પરંપરાગત મૉડલ્સની તુલનામાં "ઍન્ટિ-માઇક્રોબાયલ" હેડ્સ માઇક્રોબાયલનું પ્રમાણ ઘટાડતા નથી.
તેના બદલે સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ બદલાય છે, કારણ કે વાસ્તવિક શાવરમાં સંપર્ક સમય ખૂબ ઓછો હોય છે અને પાણીને અસરકારક રીતે જંતુમુક્ત કરવા માટે તે ક્યારેય ખૂબ ઓછા સક્રિય એજન્ટ્સ પૂરા પાડે છે.
'સ્વાસ્થ્યવર્ધક' હોવાના દાવા સાથે જેનું માર્કેટિંગ કરવામાં આવે છે તેવા શાવરહેડ્સ સામે પણ સારાહ-જેન હેગ સલાહ આપે છે. એવા શાવરહેડ્સ પાણીમાં પોષકતત્ત્વો ઉમેરે છે અથવા ક્લોરિનને ફિલ્ટર કરે છે, કારણ કે તે "આપણે ઇચ્છતા નથી એવી રીતે માઇક્રોબાયમને બદલી શકે છે."
ફુવારા નીચે સ્નાન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

ઇમેજ સ્રોત, Emmanuel Lafont
પાણીના તાપમાનથી પણ ફરક પડે છે. ફુવારો ચાલુ કર્યા પછીની પ્રથમ એક-બે મિનિટમાં ગરમ પાણીથી ઝીણા, શ્વાસમાં લઈ શકાય તેવા એરોસોલ્સમાં મોટો વધારો થાય છે.
તેનો અર્થ એ છે કે ગરમ પાણીનો નળ ચાલુ કર્યા પછીની પ્રથમ થોડી ક્ષણોમાં તમારા ફુવારામાં છુપાયેલાં કોઈ પણ રોગકારક જીવાણુઓના સંપર્કમાં આવવાની શક્યતા વધુ હોય છે, પરંતુ ઠંડા પાણીથી શાવર લેવાની જરૂર પણ ન લાગવી જોઈએ.
તેના બદલે એ વાતનો વિચાર કરવો જોઈએ કે તમે શાવરહેડ ચાલુ કરતી વખતે તેની નીચે ઊભા રહેવા માગો છો કે કેમ? શાવરને 60થી 90 સેકન્ડ સુધી ચલાવવાનો, સ્પ્રેની નીચે જતા પહેલાં તેને ગરમ થવા દેવાનો અર્થ એ પણ છે કે એ સમય દરમિયાન તે ઉપયોગી કામ પણ કરી રહ્યો છે. અનેક રોગાણુઓને બહાર કાઢી રહ્યો છે. ખાસ કરીને રજાઓ પછી કે ફુવારાના ઉપયોગના લાંબા અંતરાલ પછી આવી સલાહ આપવામાં આવે છે.
લીજિયોનેલા લગભગ 20-45C (68-113F) તાપમાન પર ફેલાય છે, પરંતુ 50C (122F) તાપમાનથી ખાસ કરીને ઉપર 60C (140F) તાપમાન પર ઓછું થઈ જાય છે. જે લોકો પાસે ગરમ પાણીની વ્યવસ્થા છે અને પાણીનો ટેન્ક્સ કે સિલિન્ડર્સમાં સંગ્રહ કરવામાં આવે છે તેમને પાણીનું તાપમાન 60C (140F) રાખવાની સલાહ આપવામાં આવે છે.
તમે ફુવારાના તાપમાનને વધારે આરામદાયક તાપમાન પર સમાયોજિત કરવા માટે થર્મોસ્ટેટિક મિક્સિંગ વાલ્વનો ઉપયોગ કરી શકો છો. 48C (118F)થી વધારે ગરમ પાણીથી સ્નાન કરવાની સલાહ આપવામાં આવતી નથી, કારણ કે તેનાથી દાઝવાનું જોખમ રહે છે.
વાસ્તવમાં ચીન તથા નૅધરલૅન્ડ્સના સંશોધકોએ કરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે ઉપયોગ થતો હોય એવા શાવર હોજમાં સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ નિયંત્રિત કરવા માટે 45C (113F) તાપમાન પૂરતું છે.
ગરમ પાણીથી સ્નાન કરતી વખતે હવામાં સૂક્ષ્મ જીવોના વહન અને શ્વાસ મારફત શરીરમાં પ્રવેશવામાં સક્ષમ એરોસોલની સંખ્યા લગભગ બે મિનિટમાં ચરમ પર પહોંચી જાય છે.
હેમ્સના જણાવ્યા મુજબ, શાવર બંધ કર્યા પછી પણ ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી આ એરોસોલનું અસ્તિત્વ ટકી રહે છે.
એક અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સ્નાન બાદ બાથરૂમને ભેજમુક્ત કરવાથી અને ખુલ્લો રાખવાથી હવામાં બૅક્ટેરિયા યુક્ત એરોસોલનું પ્રમાણ અસરકારક રીતે ઘટાડી શકાય છે. આ પ્રકારનું પરિણામ હેગને પણ પ્રાપ્ત થયું છે.
હેગ કહે છે, "પાંચ માઇક્રોમીટરથી નાના કણ શાવર બંધ થયાના ઓછામાં ઓછા એક કલાક સુધી હવામાં રહેતા હોવાનું અમારા પ્રયોગમાં જોવા મળ્યું હતું. ઍક્સટ્રૅક્ટર ફેન ચલાવવાથી હવામાંના કણોની સંખ્યામાં મોટો ઘટાડો થાય છે."
તેઓ ઉમેરે છે, "મારા અને મારા પરિવાર માટે અમે સ્પ્રે શાવરહેડમાં પ્રતિ મિનિટ સ્ટાન્ડર્ડ 1.8 ગેલન (6.8 લીટર) પાણીનો ઉપયોગ કરીએ છીએ. તેનાથી વધારે નહીં. અમે કાયમ ઍક્સટ્રૅક્ટર ફેન ચાલુ કરીને સ્નાન કરીએ છીએ અને પાણી તથા પંખો ચાલુ કર્યાની થોડી મિનિટ બાદ જ સ્નાન કરીએ છીએ."
તમે કેટલી વખત ફુવારાનો ઉપયોગ કરો છો તેના પર પણ બૅક્ટેરિયાની સંખ્યાનો આધાર હોય છે. જેટલી વધુ વખત ફુવારાનો ઉપયોગ કરવામાં આવે છે એટલી વધુ વખત પાઇપ, હોઝ અને શાવરહેડમાં પાણી જમા થવાની શક્યતા ઓછી હોય છે. હેમ્સ તથા તેમના સાથીને શોધ અનુસાર, સૂક્ષ્મ જીવો ખાસ કરીને રોકાયેલા પાણીવાળા ફુવારામાં વધુ પાંગરતા હોય છે.
વધારે આશ્ચર્યની વાત એ છે કે નવો શાવર હોજ કાયમ ઉપયોગી સાબિત થતો નથી, કારણ કે બાયૉફિલ્મ્સ વધુ વપરાશની સાથે સ્થિર થઈ જાય છે. નવા શાવર હોજમાં પાંગરતા બૅક્ટેરિયા સામાન્ય રીતે એકમેકની સાથે ઢીલી રીતે જોડાયેલા હોય છે. તેથી રોજ પાણીના પહેલા પ્રવાહમાં જ આસાનીથી નીકળી જાય છે.
ચીની અને ડચ સંશોધકોના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે શાવર ચાલુ કરવાથી નીકળતા 62 ટકા સુક્ષ્મ જીવો ચાર અઠવાડિયા જૂનો હોજમાંથી આવતા હોય છે. પછી તેમાં ઘટાડો થાય છે, પરંતુ ચાલીસમા સપ્તાહ સુધી પાણીના હોજમાંથી નીકળતા સુક્ષ્મ જીવોનું પ્રમાણ ઘટીને દોઢ ટકા થઈ જાય છે, કારણ કે બાયૉફિલ્મ્સ વધારે સ્થિર થઈ જાય છે.
એ સમય પછી હોજમાંની બાયૉફિલ્મ્સમાં વધારો થાય છે, પરંતુ તે વધારે મજબૂતીથી જોડાયેલી હોય છે અને દરેક વખતે ઓછા પ્રમાણમાં બહાર નીકળે છે.
સતત મેન્ટેનન્સ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ

ઇમેજ સ્રોત, Getty Images
ગરમ પાણી વડે શાવરની નિયમિત સફાઈ ઉપરાંત શાવર હેડ ડીસ્કેલિંગ અથવા તેને લીંબુના રસમાં બોળીને સાફ કરીને તેમાંના સુક્ષ્મ જીવોનો સફાયો કરવામાં તેમજ બાયૉફિલ્મ્સના આકારને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
ઘરમાં કોઈ વ્યક્તિ માંદી રહેતી હોય તો મોંઘા "રોગાણુવિરોધી" વિકલ્પો પર નિર્ભર રહેવાને બદલે શાવર હોઝ તથા હેડ્સ દર વર્ષે બદલવાનો વિચાર કરવો જોઈએ.
હૉસ્પિટલ્સ અને કેર સેન્ટર્સમાં જોખમ બહુ વધારે હોય છે. યુનાઇટેડ કિંગ્ડમમાં નૅશનલ હેલ્થ સર્વિસ અને અમેરિકામાં સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શન બન્ને ભારપૂર્વક જણાવે છે કે ડિઝાઇનની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ અને ચુસ્ત રીતે મૅઇન્ટેનન્સ થવું જરૂરી છે. પાણી પુરવઠોનું સેકન્ડરી ડિસઇન્ફેક્શન પણ મહત્ત્વપૂર્ણ છે.
ફુવારામાં આ સૂક્ષ્મ જીવોની જમાવટના આ વિચારથી જ તમે ચિંતિત હો તો એ બાબતે બીજી રીતે વિચારવું બહેતર છે.
તમારો શાવર અન્ય પરિબળો જેટલો ગંદો નથી. દરેક વખતે નળ ખોલો ત્યારે તમારા સ્વાગતની રાહ જોતા આ સુક્ષ્મ જીવોના નાનકડા સમૂહ બાબતે વિચારવું જોઈએ.
તમને તેનાથી ક્યારેય કે લાંબા સમય સુધી છુટકારો મળવાનો નથી. તેથી તેમની સાથે રહેવાનું શીખવું સારું રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













