બેટ-દ્વારકા : સમુદ્રના પેટાળમાં થયેલા ઉત્ખનનમાં અત્યાર સુધી શું શું મળી આવ્યું?

દ્વારકા, કૃષ્ણ, બેટ-દ્વારકા, જગત મંદિર, પુરાતત્વ વિભાગ, પુરાવા, બંદર, મધ્ય પૂર્વ, આફ્રિકા, વ્યાપાર, હડપ્પા સંસ્કૃતિ, ડાકોર, કૃષ્ણજન્માષ્ટમી
ઇમેજ કૅપ્શન, દ્વારકાના દરિયામાં સંશોધન અને ઉત્ખનન
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

પૌરાણિક કથાઓ અને પુરાણોનાં મૂળ ધરાવતી દ્વારકાનો સંસ્કૃતમાં અર્થ થાય છે 'સ્વર્ગનું દ્વાર.'

દંતકથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણે જ્યારે આ દુનિયા છોડી ત્યારે દ્વારકા ડૂબી ગઈ હતી, જે 'કળિયુગની શરૂઆત' હતી. આ સિવાય વર્ષોથી મળી આવતાં પુરાતત્ત્વીય પુરાવાઓ, અનેક બાંધકામો પણ એક શહેરના અચાનક ડૂબી જવા તરફ ઇશારો કરે છે.

શું ખરેખર દ્વારકાને સમુદ્ર ગળી ગયો, શહેર કેટલું મોટું હતું, ડૂબી ગયેલા શહેરમાં કયાં બાંધકામો હતાં અને શું આ બાંધકામો હજુ પણ અસ્તિત્વમાં છે? આ બધા સવાલોના જવાબો જાણવાની ઘણાને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે.

શું દ્વારકા સુનિયોજિત શહેર હતું કે માત્ર દંતકથા? દ્વારકાનાં ડૂબેલાં રહસ્યોને ઉજાગર કરવાની શોધ 1930ના દાયકામાં હૃદયાનંદ શાસ્ત્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 1963માં જે. એમ. નાણાવટી અને એચ. ડી. સાંકળિયાની આગેવાની હેઠળની ટીમ દ્વારા પ્રથમ વ્યાપક ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું.

દરિયાઈ પુરાતત્ત્વવિદો દ્વારા હાથ ધરવામાં આવેલાં ખોદકામમાં, પ્રાચીન દ્વારકાના અસંખ્ય અવશેષો મળી આવ્યા છે.

દ્વારકા, કૃષ્ણ, બેટ-દ્વારકા, જગત મંદિર, પુરાતત્વ વિભાગ, પુરાવા, બંદર, મધ્ય પૂર્વ, આફ્રિકા, વ્યાપાર, હડપ્પા સંસ્કૃતિ, ડાકોર, કૃષ્ણજન્માષ્ટમી

ઇમેજ સ્રોત, CSIR-NIO

ઇમેજ કૅપ્શન, દ્વારકા અને આસપાસમાં ઉત્ખનન અને શોધ ચાલતી રહી અને તે દરમિયાન ઘણા પુરાતત્ત્વીય અવશેષો મળતા રહ્યા

1983 અને 1990ની વચ્ચે પુરાતત્ત્વવિદોએ દ્વારકાની પ્રાચીન કલાકૃતિઓ અને ડૂબી ગયેલા અવશેષો વિશેનાં ઘણાં રહસ્યો શોધી કાઢ્યાં. જેમાં કિલ્લેબંધીવાળો પાયો, પથ્થરના બ્લૉક્સ, થાંભલા, પથ્થરનાં લંગરો અને સિંચાઈના પ્રવાહોનો સમાવેશ થાય છે. જેના પર દ્વારકાના પ્રાચીન શહેરની દીવાલો ઊભી હતી.

1960ના દાયકાની શરૂઆતમાં દ્વારકાના જગતમંદિર પાસેના એક ઘરને તોડતી વખતે એક મંદિરની ટોચ જોવા મળી હતી. એ પછી પુનાની ડેક્કન કૉલેજ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું ત્યારે તેમાં નવમી સદીના વિષ્ણુમંદિરના અવશેષ મળ્યા. અન્ય સ્થળોએ પણ સંશોધન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી પણ અનેક ચીજવસ્તુઓ મળી આવી.

જેના આધારે વૈજ્ઞાનિકો અનુમાન લગાવે છે કે દ્વારકાનો એકથી વધુ વખત નાશ થયો છે.

મૂળ કર્ણાટકના પરંતુ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનારા પુરાતત્ત્વવિદ એસ. આર. રાવે ત્યાં અને દરિયામાં વધુ સંશોધન હાથ ધરવાનું નક્કી કર્યું હતું. તેમણે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફીમાં અંડરવૉટર આર્કિયૉલૉજીની શરૂઆત કરાવડાવી હતી.

અહીંથી જે અવશેષો મળ્યા છે તેના આધારે પુરાતત્ત્વવિદો માને છે કે દ્વારકા મોટું ડૉકયાર્ડ અને બંદર હતું. અહીંથી મધ્ય એશિયા, યુરોપ અને આફ્રિકા સાથે વેપાર થતો હતો.

તેમનું માનવું છે કે બની શકે કે વિશ્વની અન્ય સભ્યતા માટે પણ આ બંદર મહત્ત્વનું હતું અને તેથી તેના પર વધુ સંશોધન થવું જોઈએ.

આ વિચારને કારણે ગોવાના મરિન આર્કિયૉલૉજી સેન્ટર ઑફ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી એટલે કે એનઆઇઓ દ્વારા એક અંડરવૉટર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

બેટ-દ્વારકામાં મળેલા પુરાવા પર શોધપત્ર

દ્વારકા, કૃષ્ણ, બેટ-દ્વારકા, જગત મંદિર, પુરાતત્વ વિભાગ, પુરાવા, બંદર, મધ્ય પૂર્વ, આફ્રિકા, વ્યાપાર, હડપ્પા સંસ્કૃતિ, ડાકોર, કૃષ્ણજન્માષ્ટમી

ઇમેજ સ્રોત, CSIR-NIO

ઇમેજ કૅપ્શન, 500 કરતાં વધારે અવશેષો મળ્યા છે, આ રીતે મળેલા પદાર્થોનું કાર્બન ડેટિંગ કરાયું તેના પરથી સાબિત થાય છે કે કઈ રીતે અહીં સંસ્કૃતિ તબક્કાવાર વિકસી હશે અને પૉટરી મળી છે તે ઈસવીસન પૂર્વે 2000 વર્ષ જૂની છે

ગોવા ખાતેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑસનોગ્રાફી (એનઆઇઓ)ના સંશોધકો અને દરિયાઈ પુરાતત્ત્વવિદો સુંદરેશ અને એ. એસ. ગૌરે દ્વારકા અને બેટ-દ્વારકામાં થયેલા ઉત્ખનન વિશે એક સંશોધન પ્રકાશિત કર્યું હતું.

આ સંશોધનપત્ર પ્રમાણે બેટ-દ્વારકાએ ભારતના મૅરિટાઇમ ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સંશોધનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અહીંથી ભારતનો મેસોપોટેમિયા સાથે વેપાર ચાલતો હતો. આ વિસ્તાર કોંચ શૅલ માટે વિખ્યાત હતો. જેનો સિંધુ સભ્યતા સમયે ઘરેણાં બનાવવા માટે ઉપયોગ થતો હતો.

એનઆઇઓનું સંશોધન કહે છે કે આ કોંચ શૅલ દ્વારકામાં વ્યાપક પ્રમાણમાં મળી આવતા હતા. પુરાતત્ત્વવિભાગે અહીં જે ઉત્ખનન કર્યું તેમાં પ્રોટો-હિસ્ટોરિક કાળના અનેક અવશેષો મળી આવ્યા છે.

જેમાં કોંચ શૅલ પર બનેલું એક સિલ તથા વાસણોના ટુકડા પર મળી આવેલી લિપિનું લખાણ ઉપરાંત માટીનાં વાસણો અને ચાર્ટ બ્લૅડ મળી આવ્યાં હતાં.

આ સંશોધનપત્ર બેટ-દ્વારકામાં વર્ષ 1981થી લઈને 1995 સુધી જે ઉત્ખનન કરવામાં આવ્યું છે તેનાં તારણોને આધારે પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ઉત્ખનન ક્યાં-ક્યાં કરવામાં આવ્યું?

દ્વારકા, કૃષ્ણ, બેટ-દ્વારકા, જગત મંદિર, પુરાતત્વ વિભાગ, પુરાવા, બંદર, મધ્ય પૂર્વ, આફ્રિકા, વ્યાપાર, હડપ્પા સંસ્કૃતિ, ડાકોર, કૃષ્ણજન્માષ્ટમી

ઇમેજ સ્રોત, CSIR-NIO

ઇમેજ કૅપ્શન, અહીંથી પથ્થરનાં લંગર મળી આવ્યાં હતાં, જેમાં છીણીટાંકણાથી કાણાં પાડવામાં આવ્યાં હતાં. આ પથ્થર લાઇમસ્ટૉન છે, જે ઇન્ટરલૉકિંગ માટે કામ આવતા હશે અથવા તો તેમાં લાકડાં ભરાવવામાં આવતા હશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બેટ-દ્વારકા, દ્વારકાની 30 કિમી ઉત્તરમાં લગભગ 13 કિમી લાંબી રેતી અને ખડકોની બનેલી એક સાંકડી કુટિલ પટ્ટી છે.

તેને શંખોધર પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં શંખો વધારે મળે છે. હિંદુઓના ધાર્મિક ગ્રંથ મહાભારતના સભાપર્વમાં તેનો ઉલ્લેખ 'શંખોધર' તરીકે કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ છે કે યાદવો દ્વારકાથી આંતર્દ્વીપ પર મહાદેવની પૂજા કરવા માટે ગયા હતા.

સંશોધનમાં કહેવાયું છે કે આ જગ્યા પર વર્ષોથી સમુદ્રના પાણીને કારણે વ્યાપક ધોવાણ થયું છે. જેને કારણે ઈસવીસન પૂર્વે બીજી સહસ્ત્રાબ્દીનું મહત્ત્વનું મનાતા આ બંદરના પૂર્વ ભાગને દરિયો ગળી ગયો છે. દક્ષિણમાં પણ મહત્ત્વનાં ઐતિહાસિક તથ્યો કે પુરાવાઓ નાશ પામ્યાં છે.

1930માં અહીં ધિંગેશ્વર મહાદેવના મંદિરની પાછળ આવેલા નિલકંઠ મહાદેવના મંદિરની આસપાસ પુરાતત્ત્વ વિભાગ દ્વારા ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું હતું.

જ્યાં તેમને ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં માનવસભ્યતા હોવાના પુરાવા મળ્યા.

અહીંથી મળી આવેલા એક વાસણના ટુકડામાં મૌર્યકાલીન બ્રાહ્મી લિપિમાં લખાણ મળી આવ્યું હતું. સંશોધનમાં કહેવાયું છે કે તે ઈસવીસન પૂર્વે ત્રીજી સદી પહેલાંના અવશેષો હોઈ શકે છે.

મરિન આર્કિયૉલૉજી સેન્ટરે બેટ-દ્વારકાના પૂર્વ ભાગમાં 1981માં ઉત્ખનનનો આરંભ કર્યો હતો. જે સિદી બાવા દરગાહની બાજુમાં જ કરવામાં આવ્યું હતું. 1984-85માં અહીં ઈસવીસન પૂર્વે 1500ની દીવાલના અવશેષો મળી આવ્યા હતા.

આ દીવાલ બોક્સ ટેક્નિકથી બનેલી હતી. જ્યાંથી હડપ્પન કાળના અંત ભાગનાં સિલ, જાર અને અન્ય અવશેષો મળી આવ્યાં હતાં. અહીં એક મોટી દીવાલ કે જે 580 મીટર લાંબી હતી તેના અવશેષો પણ મધ્યમાં મળી આવ્યા હતા.

1991માં બાલાપુરમાં કરાયેલા ઉત્ખનનમાં શું મળ્યું?

દ્વારકા, કૃષ્ણ, બેટ-દ્વારકા, જગત મંદિર, પુરાતત્વ વિભાગ, પુરાવા, બંદર, મધ્ય પૂર્વ, આફ્રિકા, વ્યાપાર, હડપ્પા સંસ્કૃતિ, ડાકોર, કૃષ્ણજન્માષ્ટમી

ઇમેજ સ્રોત, CSIR-NIO

ઇમેજ કૅપ્શન, કોંચ શૅલનું જે સીલ મળ્યું તે બેટ-દ્વારકાનો સૌથી મહત્ત્વનો અવશેષ મનાય છે. તેના પર ત્રણ માથાંવાળા પ્રાણીની છાપ છે. જે નાનાં શિંગડાંવાળા બળદ, યુનિકૉર્ન કે બકરું હોવાનું પુરાતત્વવિદો માને છે.

બાલાપુરમાં ઉત્ખનન કરવામાં આવ્યું તે પહેલાં પુરાતત્ત્વ વિભાગે તારણ કાઢ્યું હતું કે ખનન બહુ જ મર્યાદિત વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. જેથી અહીં બાલાપુરમાં પણ ઉત્ખનન કરવામાં આવ્યું.

જોકે, અહીંથી બહુ વધારે અવશેષો નહોતા મળ્યા. જે સ્પષ્ટ સંકેત આપતા હતા કે અહીં ધોવાણ પુષ્કળ પ્રમાણમાં થયું છે અને અવશેષો નાશ પામ્યા છે.

જે બહુ થોડા અવશેષો મળ્યા તે સંકેત આપતા હતા કે આ અવશેષો હડપ્પન કાળના હતા અને તેનાથી સાબિત થતું હતું કે બેટ-દ્વારકામાં ઉત્તર, દક્ષિણ અને પૂર્વના ભાગમાં માનવવસ્તી હતી.

સમગ્ર ટાપુ પર પુરાતત્ત્વીય તપાસમાં છ સંભવિત સ્થળો મળ્યાં જેને ક્રમમાં બીડીકે-1થી બીડીકે-6 તરીકે ઓળખવામાં આવે છે.

બેટ-દ્વારકાના દક્ષિણ પૂર્વ કિનારે પુરાતત્ત્વીય અવશેષોનો મહત્ત્તમ ભંડાર છે.

અહીં મળી આવેલા અવશેષોને આધારે બેટ-દ્વારકાને બે કાળમાં વિભાજિત કરી શકાય. એક પ્રોટો-હિસ્ટોરિક કાળ અને બીજો હિસ્ટોરિક કાળ.

પ્રોટો-હિસ્ટોરિક કાળના કયા અવશેષો મળ્યા?

દ્વારકા, કૃષ્ણ, બેટ-દ્વારકા, જગત મંદિર, પુરાતત્વ વિભાગ, પુરાવા, બંદર, મધ્ય પૂર્વ, આફ્રિકા, વ્યાપાર, હડપ્પા સંસ્કૃતિ, ડાકોર, કૃષ્ણજન્માષ્ટમી

ઇમેજ સ્રોત, CSIR-NIO

ઇમેજ કૅપ્શન, અહીં કરાયેલા સંશોધનમાં માટીનાં વાસણ, ઘરેણાં, મુદ્રા પણ મળી આવ્યાં હતાં. ઓમાન, બહેરીન તથા મૅસોપોટામિયામાં પણ આ પ્રકારની મુદ્રાઓ મળી આવી છે

પ્રોટો-હિસ્ટોરિક કાળનું સીલ મળી આવ્યું છે, જેમાં બે લખાણ છે.

જ્યારે હિસ્ટોરિક કાળના સિક્કા અને માટીનાં વાસણો મળી આવ્યાં છે. આ ઉપરાંત શેલ્સના અવશેષો મળી આવ્યા છે જેના કાળની જાણકારી પ્રાપ્ત નથી.

પ્રોટો-હિસ્ટોરિક કાળ ઈસવીસન પૂર્વે 3,500 માંડીને ઈસવીસન પૂર્વે 1,000નો સમયગાળો બતાવે છે. આ સમયગાળામાં સિંધુ સભ્યતા વિકસિત થઈ હતી.

બેટ-દ્વારકામાં જે સભ્યતા વિકસી તે સિંધુ સભ્યતાના કાળના છેલ્લા તબક્કામાં વિકસી હોવાનું પુરાતત્ત્વવિદો માને છે.

પુરાતત્ત્વવિદો આ સમયગાળો નક્કી કરવા માટે માટીનાં વાણોનાં અવશેષો મળ્યા હતા, જેનો ટીએલ ડેટિંગ ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટ આધારે આ કાળ નક્કી કરવામાં આવ્યો છે.

કોંચ શેલનું જે સિલ મળ્યું તે બેટ-દ્વારકાનો સૌથી મહત્ત્વનો અવશેષ મનાય છે. તે 20 બાય 18 મિલિમીટરનો આકાર ધરાવતો શેલ છે અને તેના પર ત્રણ માથાંવાળા પ્રાણીની છાપ છે. જે નાનાં શિંગડાંવાળા બળદ, યુનિકૉર્ન કે બકરું હોવાનું પુરાતત્ત્વવિદો માને છે.

આ સંશોધનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોંહેં-જો-દરોમાં જે સીલ મળી આવ્યું હતું તે સીલને આ મળતું આવે છે. આ સીલ બેટ-દ્વારકામાં જે અંડરવૉટર ખનન કરવામાં આવ્યું હતું ત્યારે મળી આવ્યું હતું.

આ ઉપરાંત લાલ અને ભૂખરા રંગનાં માટીનાં વાસણોના ટુકડા, જાર તથા ડિશના અવશેષો પણ મળી આવ્યા છે. આ અવશેષો ઈસવીસન પૂર્વેની સહસ્ત્રાબ્દીના મનાય છે.

હિસ્ટોરિક કાળના કયા અવશેષો મળ્યા?

દ્વારકા, કૃષ્ણ, બેટ-દ્વારકા, જગત મંદિર, પુરાતત્વ વિભાગ, પુરાવા, બંદર, મધ્ય પૂર્વ, આફ્રિકા, વ્યાપાર, હડપ્પા સંસ્કૃતિ, ડાકોર, કૃષ્ણજન્માષ્ટમી

ઇમેજ સ્રોત, CSIR-NIO

ઇમેજ કૅપ્શન, દરિયાની અંદરથી પણ પથ્થર બનેલી વસ્તુઓ મળી છે. જોકે તેની સાથે પૉટરી વગેરે નથી મળ્યા, કેમ કે તે ભાગમાં દરિયાનો પ્રવાહ બહુ તેજ રહ્યો છે

આ કાળને સાબિત કરતા સિક્કા અને માટીનાં વાસણો મળી આવ્યાં છે. જે ચાર સિક્કા મળ્યા છે તે પૈકી ત્રણ તાંબાના બનેલા છે. જ્યારે કે એક સિક્કો લેડ એટલે કે સીસાનો બનેલો છે.

બે તાંબાના સિક્કા કુશાનકાળના હોવાનું મનાય છે. આ સિક્કા ઈસવીસનની પહેલી સદીના હોવાનું અનુમાન છે.

આ સિક્કા પર રાજા ઊભો હોવાની છાપ છે. તેના હાથમાં તલવાર છે અને માથે મુકુટ પહેર્યો છે. તેના પરનું લખાણ વાંચી શકાતું નથી. સિસાના સિક્કાનું વજન 3.4952 ગ્રામ છે. તેની એક બાજુ પર બાર આંટા ધરાવતું ચક્ર છે. બીજી બાજુ ભુંસાઈ ગઈ છે. આ સિક્કા આ કાળમાં અહીં મહત્ત્વની સભ્યતાનો વિકાસ થયો હોવાનું બતાવતા હોવાનું પુરાતત્વવિદો માને છે.

આ કાળમાં કેટલાંક માટીનાં વાસણો પણ મળ્યાં. જોકે, તેના આકાર અને રચનામાં ફરક હતો.

અહીં કોંચ શેલ ઉદ્યોગ ધમધમતો હતો. હડપ્પન કાળમાં કોંચ શેલ અહીંના વેપારમાં મહત્ત્વનું સ્થાન ધરાવતો હતો.

પ્રોટો-હિસ્ટોરિક અને હિસ્ટોરિક એમ બંને કાળમાં કોંચ શેલ મળી આવ્યાં છે. જે બતાવે છે કે અહીં કોંચ શેલ્સનો મોટો ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો હતો. આ કોંચ શેલમાંથી બંગડીઓ બનાવવાની ટેક્નિક પણ વિકસી હતી.

દ્વારકા, કૃષ્ણ, બેટ-દ્વારકા, જગત મંદિર, પુરાતત્વ વિભાગ, પુરાવા, બંદર, મધ્ય પૂર્વ, આફ્રિકા, વ્યાપાર, હડપ્પા સંસ્કૃતિ, ડાકોર, કૃષ્ણજન્માષ્ટમી

ઇમેજ સ્રોત, CSIR-NIO

ઇમેજ કૅપ્શન, ભારતમાં પુરાતત્ત્વીય સંશોધનનું કામ અંગ્રેજોના સમયથી ચાલી રહ્યું છે. જ્યારે એએસઆઇનું કામ સંશોધન, ઉત્ખનન અને સંરક્ષણનું છે

બેટ-દ્વારકામાં કોંચ શેલની ઉપલબ્ધતાને કારણે અહીં હડપ્પન સભ્યતા વિકસી હોવાની માન્યતા છે. કારણકે, તે સમયે કોંચ શેલનું વ્યાપારિક મૂલ્ય હતું. પુરાતત્ત્વવિદો માને છે કે બેટ-દ્વારકાની આસપાસ દરિયાની સપાટીમાં વધારો થયો અને તેને કારણે ઘણો ભાગ ડૂબમાં ગયો.

જોકે, દરિયાની સપાટીમાં વૃદ્ધિ કેમ થઈ તેનું કોઈ ચોક્કસ કારણ પુરાતત્ત્વ વિભાગ આપી શક્યું નથી.

આ સંશોધન કહે છે કે અહીંથી જે પુરાવાઓ મળ્યા તેના આધારે કહી શકાય કે ત્યાર બાદની ઈસવીસનની ત્રીજી કે ચોથી સદીમાં આ વિસ્તારમાં ફરી માનવવસ્તીના આબાદ થવાની શરૂઆત થઈ.

ઈસવીસનની શરૂઆતનાં વર્ષોમાં અહીં રહેતા લોકો વેપારને કારણે રોમન લોકોના સંપર્કમાં આવ્યા હતા.

અહીં જે અંડરવૉટર ખનન થયું ત્યારે બેટ-દ્વારકામાંથી સ્ટોન ઍન્કર્સ, ત્રણ છિદ્ર ધરાવતાં પથ્થરોનાં લંગર, પથ્થરનું બીબું, લૂપ હૅન્ડલ ધરાવતો ઑલપિન તથા માટીનાં વાસણોનાં સ્પ્રિંક્લર જેવા અવશેષો મળ્યા હતા.

પુરાતત્ત્વવિદો મહાભારતનો સમયકાળ ઈસવીસન પૂર્વે 1500નો હોવાનું માને છે. આ લંગર મળ્યાં છે, તેમના ડેટિંગ પણ ઈસવીસન પૂર્વે 1500ના છે. જેથી આ અવશેષ પણ મહાભારતકાળના હોવાનું પુરાતત્ત્વવિદો માને છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.