બેટ-દ્વારકામાં 'દેવભૂમિ દ્વારકા કૉરિડોર' બનાવવા મકાનો પડાયાં? શું છે આ યોજના?

બીબીસી ગુજરાતી, દ્વારકા મંદિર, દેવભૂમિ દ્વારકા કૉરિડૉર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દ્વારકાની ગોમતી નદીના ઘાટ પર શ્રદ્ધાની ડૂબકી મારતા શ્રદ્ધાળુઓ
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરમાં ઉત્તરાયણના તહેવારના દિવસોમાં સરકારે બેટ-દ્વારકા ટાપુ, દ્વારકા શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં સરકારી જમીનો પરથી કથિતપણે થયેલ 'દબાણ'ને દૂર કરવા એક મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી હતી.

જે બાદથી શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલ આ બંને તીર્થસ્થળો ચર્ચામાં હતાં.

સરકારે દ્વારકા શહેરમાં 23 ડિસેમ્બર, 2024ના રોજ 'દબાણ' હઠાવવવાની કામગીરી આરંભી હતી.

તે બાદ 11 જાન્યુઆરી 2025થી દ્વારકા શહેરથી લગભગ 34 કિમી દૂર આવેલ બેટ-દ્વારકામાં ડિમોલિશન ડ્રાઇવની શરૂઆત થઈ, જે એ બાદ આખું અઠવાડિયું ચાલી હતી.

આ કામગીરી દરમિયાન સરકારે કથિત ગેરકાયદેસર અને સરકારી જમીન પર દબાણ જાહેર કરાયેલાં રહેણાંક મકાન, દુકાન, ધાર્મિક બાંધકામો સહિત 525 જેટલી નાની-મોટી ઇમારતો તોડી પાડી 1.27 લાખ ચોરસ મીટર જમીન "દબાણમુક્ત" કરી હતી.

સરકારી અધિકારીઓ પ્રમાણે આ જમીનની બજાર કિંમત 73.25 કરોડ રૂપિયા છે.

તોડી પડાયેલ ઇમારતોમાં બેટ-દ્વારકાના બાલાપર, પાર અને ભીમસર વિસ્તારમાં આવેલ 300થી વધુ રહેણાંક મકાનોનો પણ સમાવેશ થતો હતો.

બેટ-દ્વારકા ઓખા નગરપાલિકાનો એક વિસ્તાર છે. ઓખા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટકે વિસ્તારમાં તાજેતરની 'દબાણ હઠાવવાની કામગીરી' અંગે વાત કરતાં કહ્યું હતું કે 'ભવિષ્યમાં બેટ-દ્વારકાના વિકાસ માટે કૉરિડૉર આવશે.'

આમ, સમગ્ર ડિમોલિશન પ્રક્રિયાની સાથોસાથ આ વિસ્તારોમાં 'પ્રસ્તાવિત કૉરિડૉર' પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

બીબીસી ગુજરાતીએ આ સંદર્ભે વધુ સ્પષ્ટતા અને વિગતવાર માહિતી મેળવવા સ્થાનિક સરકારી પદાધિકારીઓનો સંપર્ક કર્યો હતો.

શું છે દેવભૂમિ દ્વારકા કૉરિડૉર?

બીબીસી ગુજરાતી, દ્વારકા મંદિર, દેવભૂમિ દ્વારકા કૉરિડૉર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણી જીતી સત્તાનાં સૂત્રો સાંભળ્યા બાદ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર અને તેની આજુબાજુના વિસ્તારોમાં 'કાશી વિશ્વનાથ કૉરિડૉર' બનાવવાનું કામ પૂરું થયું હતું.

તે બાદ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર મંદિરની આસપાસ 'મહાકાલ લોક કૉરિડૉર'નું નિર્માણ કરાયું. તેમજ વર્ષ 2022ના ઑક્ટોબર માસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

તેવી જ રીતે ભાજપે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સતત સાતમી વાર જીતી અને સત્તા જાળવી રાખી હતી અને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળે તેની પહેલી જ મિટિંગ બાદ "દેવભૂમિ દ્વારકા કૉરિડૉર" વિકસાવવાની જાહેરાત કરી હતી.

દ્વારકાની ગણતરી હિંદુ ધર્મનાં મોટાં તીર્થસ્થળોમાં થાય છે અને દર વર્ષે લાખો લોકો શ્રીકૃષ્ણ અને અન્ય દેવતાનાં દર્શન કરવા દ્વારકા તેમજ આજુબાજુનાં વિવિધ મંદિરોની મુલાકાત લે છે.

સરકારી અધિકારીઓ અનુસાર યાત્રાળુઓ માટે સુવિધાઓ અને આકર્ષણો વધારવા દ્વારકા, બેટ-દ્વારકા અને નાગેશ્વર મંદિરોને સાંકળી લેતો એક કૉરિડૉર બનાવવાનું સરકારનું આયોજન છે.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના એક અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "હાલ આ પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કામાં છે અને તેનો કૉન્સેપ્ટ પૂરેપૂરો વિકસાવાયો નથી."

હિંદુ ધર્મમાં દ્વારકાનું પણ ઘણું મહત્ત્વ છે અને તેને 'મોક્ષનગરી' તરીકે ઓળખવામાં આવે છે.

હિંદુ ધર્મગ્રંથો અનુસાર 'કંસવધ' બાદ શ્રીકૃષ્ણ હાલના ઉત્તર પ્રદેશમાં આવેલ મથુરા છોડી દ્વારકા પહોંચી ગયા હતા અને દ્વારકા શહેર વસાવેલું.

એક એવી પણ માન્યતા છે કે શ્રીકૃષ્ણે બનાવેલી સોનાની દ્વારકાનગરી દરિયામાં ડૂબી ગઈ છે તો અન્ય માન્યતા અનુસાર બેટ-દ્વારકા ભગવાનમાં કૃષ્ણનું રહેઠાણ હતું અને દ્વારકા તેમની કચેરી હતી.

દ્વારકા શહેર નજીક નાગેશ્વર મંદિર પણ આવેલું છે. આ નાગેશ્વર પણ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.

કૉરિડૉરમાં શું શું બનાવવાની વિચારણા છે?

બીબીસી ગુજરાતી, દ્વારકા મંદિર, દેવભૂમિ દ્વારકા કૉરિડૉર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું નાગેશ્વર મંદિર

દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાએ બીબીસીને જણાવ્યું કે પ્રસ્તાવિત કૉરિડૉર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં નિર્માણ કરવાનું પ્રાથમિક આયોજન છે.

તેમણે જણાવ્યું કે, "પ્રથમ તબક્કામાં દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગત મંદિરથી રુક્મણી મંદિર સુધીના વિસ્તારનો વિકાસ, બીજા તબક્કામાં બેટ-દ્વારકા પર આવેલ દ્વારકાધીશ મુખ્ય મંદિરથી હનુમાનદંડી સુધીના વિસ્તારનો વિકાસ અને ત્રીજા તબક્કામાં નાગેશ્વર મંદિરની અજુબાજુના વિસ્તારો અને ગોપી તળાવનો વિકાસ કરવાનું પ્રાથમિક આયોજન છે."

કલેક્ટરે કહ્યું કે પ્રથમ તબક્કામાં શ્રીકૃષ્ણની એક ઊંચી મૂર્તિ સ્થાપવાની અને જગત મંદિરથી ભડકેશ્વર મંદિર સુધી એક કૉરિડૉર વિકસાવવાનું આયોજન છે.

"પ્રથમ તબક્કામાં ભડકેશ્વર મંદિર અને રુક્મણી મંદિરનો વિકાસ કરાશે. એ ઉપરાંત, જગત મંદિરથી ભડકેશ્વર સુધીના હયાત રસ્તાને પહોળો કરાશે. વચ્ચે-વચ્ચે યાત્રાળુઓ બેસી શકે તેવી વ્યવસ્થા, ચા-પાણી, નાસ્તાની સુવિધા અને ઇલેક્ટ્રિક વાહનો યાત્રાળુઓને ભડકેશ્વર સુધી લઈ જઈ શકે તેવી વ્યવસ્થા થશે."

"જગત મંદિરમાં દર્શન કરવા જતી વખતે લોકોને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. આવા વિસ્તારમાં વ્યૂઇંગ ગૅલરી બનાવાશે જેમાં ભગવાન કૃષ્ણના જીવનપ્રસંગોને દર્શાવવામાં આવશે. આ ઉપરાંત, ભગવાન કૃષ્ણની સૌથી ઓછામાં ઓછી પણ સ્થાપવાનો વિચાર છે અને એ માટેના સ્થળની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે."

પંડ્યાએ ઉમેર્યું કે ભારતીય પુરાતત્ત્વખાતું દ્વારકાના પૌરાણિક અવશેષો દર્શાવતું એક મ્યુઝિયમ પણ દ્વારકામાં બનાવશે અને તેના માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું, "આ ઉપરાંત, દ્વારકામાં આવેલ સર્કિટ હાઉસમાં હાલ 16 રૂમ છે તેમાં વધારો કરી તેને સોમનાથની માફક 108 રૂમવાળું સર્કિટ હાઉસ બનાવવાની વિચારણા છે."

ઓખા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટકે બીબીસી ગુજરાતી સાથે 13 જાન્યુઆરીએ થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે બાલાપરની જમીન ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાતને(ટીસીજીએલ) સોંપવાનો પ્રસ્તાવ છે.

તેમણે આ અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, "ગૌચર અને સરકારી જમીનો પર થયેલાં દબાણોને હઠાવવાનાં છે, કારણ કે, ટુરિઝમ(કૉર્પોરેશન ઑફ ગુજરાત)માંથી માંગણી કરાઈ છે અને ભવિષ્યમાં બેટ-દ્વારકાના વિકાસ માટે કૉરિડૉર આવશે. સુદર્શન બ્રિજ બન્યો ત્યારથી બેટ-દ્વારકામાં ટ્રાફિક બહુ વધી ગયો છે."

"આ વર્ષોથી થયેલાં દબાણો હશે. આ નવાં થયેલાં દબાણો નથી અને ઉપરથી સરકારે એવો નિર્ણય લીધો હશે કે આ પુલ બન્યા પછી ત્યાં કૉરિડૉરની જાહેરાત કરવાની છે, અને આ જગ્યા ટુરિઝમને આપવાની છે..."

બેટ-દ્વારકામાં કૉરિડૉર અંતર્ગત શું-શું બનશે?

બીબીસી ગુજરાતી, દ્વારકા મંદિર, દેવભૂમિ દ્વારકા કૉરિડૉર

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાઈ હતી. જેમાં સંખ્યાબંધ મિલકતોને 'દબાણ' ગણાવી તોડી પાડવામાં આવી હતી

પંડ્યાએ જણાવ્યું કે બેટ-દ્વારકામાં મુખ્ય મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને ખુલ્લામાં કતારમાં ઊભું રહેવું પડે છે અને ઘણી વાર તડકો સહન કરવો પડે છે.

કલેક્ટરે વિગતવાર વાત કરતાં આગળ કહ્યું કે, "બીજા તબ્બકામાં બેટ-દ્વારકામાં આવેલા મંદિર અને તેની આજુબાજુના વિસ્તારનો વિકાસ કરવાનું આયોજન છે. એવી વિચારણા છે કે મંદિરથી પશ્ચિમે સીધો સમુદ્ર દેખાય તે રીતે જગ્યા ખુલ્લી કરવી અને તેને ઘાટનો આકાર આપી છેક સમુદ્ર સુધી લંબાવવો અને યાત્રાળુઓને તડકામાં કતારમાં ઊભા રહેવું પડે છે તેનું નિવારણ કરવું."

"તે જ રીતે સુદર્શન સેતુનું ઉદ્ઘાટન થતા શ્રદ્ધાળુઓ વાહન લઈને બેટ-દ્વારકા જતા થયા છે. તેથી, બેટ-દ્વારકાના હનુમાન દંડી સુધી વાહનો જઈ શકે તે માટે હયાત રસ્તા ઉપરાંત દરિયાના કાંઠે કાંઠે એક વૈકલ્પિક રસ્તો બનાવવાની વિચારણા છે."

"ઉપરાંત, બેટમાં આવેલ શંખ તળાવ અને રણછોડ તળાવનો પણ વિકાસ કરવાનું આયોજન છે. બેટ-દ્વારકામાં હનુમાન દંડી જતા રસ્તાની ડાબી બાજુએ આવેલ સમુદ્રકાંઠો ગુજરાતના અગ્રીમ હરોળના સમુદ્રકાંઠામાં ગણના પામે તેવું છે. તેનો પણ વિકાસ થશે. આ ઉપરાંત, ટુરિઝમ કોર્પોરેશન અન્ય પણ કેટલાક પ્રૉજેક્ટસ હાથ ધરશે," એમ કલેક્ટરે જણાવ્યું.

અહીં એ નોંધીય છે કે 2022ના ડિસેમ્બર મહિનામાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાવ નિકટ હતી ત્યારે 2022ના ઑક્ટોબર મહિનામાં રાજ્ય સરકારે બેટ-દ્વારકામાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી પાજ અને અભયામાતા મંદિર વિસ્તારમાં કેટલાંય મકાનો અને અન્ય બાંધકામો 'ગેરકાયદેસર' જાહેર કરી તોડી પાડ્યાં હતાં અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીપ્રચાર દરમિયાન તેનો વખતોવખત ઉલ્લેખ પણ કર્યો હતો.

કલેક્ટરે જણાવ્યું કે દ્વારકાથી લગભગ 17 કિલોમીટર દૂર આવેલ નાગેશ્વર અને ગોપી તળાવનો 'વિકાસ' કૉરિડૉરના ત્રીજા તબ્બકામાં થશે.

"નાગેશ્વર મંદિર એક ખાનગી જગ્યા છે, તેથી મંદિરની અંદર વિકાસનાં કામો હાથ ધરવાનું કોઈ આયોજન નથી. પરંતુ, મંદિરની આજુબાજુ પાર્કિંગ વગેરે જેવી સુવિધાઓનો વિકાસ કરાશે. તે જ રીતે ગોપી તળાવનો પણ વિકાસ કરવાનું આયોજન છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.