મહેમાનોને ઘરે બોલાવીને ઝેરી મશરૂમ ખવડાવીને હત્યા, ડાઇનિંગ ટેબલ પર કેવો 'જીવલેણ ખેલ' રચાયો હતો?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, ટિફની ટર્નબુલ
- પદ, બીબીસી ન્યૂઝ, સિડની
બે મહિના પહેલાં એરિન પેટરસનને તેમના સંબંધીઓની હત્યાની દોષી ઠેરવ્યાં છે. એરિને 2023માં એક ફેમિલી લંચમાં ઝેરી મશરૂમનો ઉપયોગ કર્યો હતો.
આઠ સપ્ટેમ્બરે એરિનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેઓ પેરોલ વિના 33 વર્ષ સુધી જેલમાં રહેશે.
બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ એરિનના ડાઇનિંગ ટેબલ પર ખરેખર શું બન્યું તેનું રહસ્ય હજુ પણ વણઉકેલાયેલું છે.
29 જુલાઈ, 2023ના રોજ ગ્રામીણ ઑસ્ટ્રેલિયામાં એરિનના ઘરે પાંચ લોકો લંચ કરી રહ્યા હતા.
એક જ અઠવાડિયામાં તેમાંથી ત્રણ મૃત્યુ પામ્યા જ્યારે ચોથો જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હતો, અને પાંચમો તેમના મહેમાનોને ઇરાદાપૂર્વક ઝેરી મશરૂમ આપવા બદલ તપાસ હેઠળ હતો.
મોરવેલ એક નાનું શહેર છે, પણ બધાની નજર અહીંની આ લાંબી કોર્ટ સુનાવણી પર ટકેલી હતી.
આ વર્ષે જુલાઈમાં એરિનને તેમના ત્રણ સંબંધીની હત્યા અને ચોથા સંબંધીની હત્યાના પ્રયાસમાં દોષી ઠેરવ્યાં હતાં.
મશરૂમ એકઠા કર્યા અને ભોજનમાં સામેલ કર્યા
એરિન પોતાને મશરૂમપ્રેમી અને મશરૂમની શોધમાં રસ ધરાવતી વ્યક્તિ તરીકે કોર્ટમાં રજૂ કર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એરિને કોર્ટમાં આ ઘટના ફક્ત એક અકસ્માત હોવાની દલીલ કરી હતી.
પરંતુ નવ અઠવાડિયાની ટ્રાયલ પછી જ્યૂરીએ બધા પુરાવા સાંભળ્યા અને જાણવા મળ્યું કે એરિને નજીકનાં શહેરોમાંથી ઝેરી મશરૂમ એકત્રિત કર્યા હતા અને તેને લંચમાં સામેલ કર્યા હતા.
એરિને પોલીસ આગળ ખોટું બોલીને પુરાવાનો નાશ પણ કર્યો હતો.
શનિવારની એ અપશુકનિયાળ બપોરે, ગેઇલ અને ડોન પેટરસન હાથમાં નારંગી કેક લઈને એરિનના દરવાજે પહોંચ્યા હતા.
તેમની સાથે વિલ્કિન્સન પરિવાર પણ હતો. ગેઇલનાં બહેન હીથર અને તેમના પતિ ઇયાન કે જે લંચના અઠવાડિયા પછી કૉમામાંથી બહાર આવ્યા હતા. લંચ બાદ બચી ગયેલા ઇયાન એકમાત્ર સદભાગી મહેમાન છે.
એરિનથી અલગ થઈ ગયેલા પતિ સિમોન પેટરસન હાજર નહોતા. તેમણે એક દિવસ પહેલાં લંચમાં હાજર રહેવા માટે પોતાની પ્રતિકૂળતા જણાવી હતી.
સિમોને કહ્યું કે તેમને લંચ પર આવવામાં અસ્વસ્થતા અનુભવાઈ હતી. સ્પષ્ટ છે કે દંપતીએ પરસ્પર મતભેદને કારણે અલગ થવાનો નિર્ણય લીધો હતો.
મહેમાનોએ ભોજન લીધું અને બીમાર પડવા લાગ્યા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દેશની પ્રિય વાનગીઓમાંની એકની રેસિપી તૈયાર કરવા એરિને સવારથી સખત મહેનત કરી હતી.
તેમાં ફેરફાર કરીને બીફ વેલિંગ્ટનની અલગ-અલગ વાનગી બનાવી. મોંઘાં માંસના ટુકડાને મશરૂમ પેસ્ટથી ભેળવ્યા અને પેસ્ટ્રીમાં લપેટ્યા હતા.
ઇયાને જ્યૂરીને કહ્યું કે તેમણે ચાર ભૂરા રંગની પ્લેટમાં માંસના ટુકડા નાખેલા જોયા. એરિન માટે એક નારંગી પ્લેટ હતી, જેની બાજુમાં છૂંદેલાં બટાકાં, લીલાં કઠોળ અને ગ્રેવી હતાં.
છઠ્ઠા મહેમાન સિમોન હોવાનું માનવામાં આવે છે. એરિનને આશા હતી કે સિમોન છેલ્લી ઘડીએ ન આવવાનો પોતાનો વિચાર બદલી નાખશે.
આ પ્લેટ ફ્રીઝમાં રાખવામાં આવી હતી. એરિન પર અગાઉ સિમોનની હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આરોપો રદ કરવામાં આવ્યા હતા.
બધાને ભોજન પીરસવામાં આવ્યું અને લોકો પ્રાર્થના કર્યા પછી જમવા લાગ્યા. જમતી વખતે આ લોકો એકબીજા સાથે મજાક કરતા હતા કે તેઓ કેટલું ખાઈ રહ્યા છે.
સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે ભોજન પછી લોકોએ મીઠાઈ ખાધી, પરંતુ આ દરમિયાન એરિને પોતાને કૅન્સર હોવાની જાહેરાત કરી. આનાથી હાજર સૌ કોઈ ચોંકી ગયા.
એરિનના પરિવારજનો પણ માનતા નહોતા. પણ તે દિવસે બંને વડીલ યુગલોએ એરિનને તેમનાં બાળકોને કેવી રીતે કહેવું તે અંગે સલાહ આપી.
શરૂઆતમાં જે રીતે ભોજન સમારંભની શરૂઆત થઈ તેવી જ રીતે પ્રાર્થના સાથે લંચ પૂરું થયું.
ઇયાને કોર્ટને કહ્યું કે તેઓ એરિનને સારી રીતે ઓળખતા નથી, પણ સંબંધ મૈત્રીપૂર્ણ હતો.
ઇયાને કહ્યું કે એરિન એક સામાન્ય વ્યક્તિ જેવી લાગતી હતી.
લંચ લીધા બાદ રાત્રિ સુધીમાં બધા મહેમાનો ખૂબ બીમાર થઈ ગયા અને બીજા દિવસે ચાર લોકોને ગંભીર લક્ષણો દેખાતાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ડોને કહ્યું કે તેમણે તેમનાં પત્ની કરતાં અડધું ભોજન લીધું હતું, પણ થોડા કલાકોમાં 30 વાર ઊલટી થઈ. બપોરના ભોજન પછી હૉસ્પિટલમાં ત્રણ લોકોનાં મોત થયાં, પરંતુ ઇયાન બચી ગયા.

ઇમેજ સ્રોત, Getty Images
એરિન પર શંકા મજબૂત થવા માંડી હતી. સિમોને કહ્યું કે તેમની ભૂતપૂર્વ પત્ની આટલી મહેમાનવાઝી કરી શકે એ વાત ગળે ઊતરે એવી નથી.
ઇયાને કહ્યું કે તેમણે અને તેમની સ્વર્ગસ્થ પત્નીએ પહેલાં ક્યારેય એરિનનું ઘર જોયું નહોતું. એક મહેમાનના મનમાં પ્રશ્ન સળવળતો હતો કે બીજા બધા કરતાં એરિનની પ્લેટો કેમ અલગ છે.
એરિન સહિત સૌ કોઈ એક જ ભોજન લેતાં હતાં, એટલે લિયોનગાથાની હૉસ્પિટલમાં બીમાર મહેમાનોએ પૂછ્યું પણ ખરું કે, ''શું એરિન પણ બીમાર છે?''
એરિનાએ કેવા ખુલાસા કર્યા?

ઇમેજ સ્રોત, Getty Images
કોર્ટરૂમમાં પહેલી વાર એરિને ખુલાસો કર્યો હતો કે તેમના સંબંધીઓને વિદાય આપ્યા પછી તેમણે રસોડું સાફ કર્યું અને પછી ગેઇલ દ્વારા લાવવામાં આવેલી નારંગી કેકનો ટુકડો ખાધો.
એરિન કહે છે, "મેં કેકના ઘણા ટુકડા ખાધા. કંઈ સમજે તે પહેલાં બાકીની કેક ખાઈ ગઈ અને મારું પેટ ભરાઈ ગયું. પછી હું ટૉઇલેટ ગઈ અને મને ઊલટી થઈ. પછી મને થોડું સારું લાગ્યું."
એરિને જ્યૂરી સમક્ષ એ પણ ઉલ્લેખ કર્યો કે તેઓ બુલલિમિયા નામની માનસિક બીમારીથી પીડાય છે.
બપોરના ભોજનના બે દિવસ પછી એરિન બીમાર હોવાનો દાવો કરીને હૉસ્પિટલમાં ગયાં હતાં.
જોકે શરૂઆતમાં એરિને પોતાને અને તેમનાં બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. એરિને દાવો કર્યો કે તેમનાં બાળકોએ વધેલું ભોજન ખાધું હતું.
પરંતુ જ્યારે ડૉક્ટરોએ એરિનને તપાસ માટે હૉસ્પિટલમાં દાખલ કર્યાં ત્યારે તેમણે કે તેમનાં બાળકોમાં જીવલેણ મશરૂમ ખાવાનાં કોઈ લક્ષણો જોવાં મળ્યાં નહીં.
બાદમાં એરિનને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
ઝેરી મશરૂમનાં નિશાન જોવાં મળ્યાં
જોકે, એરિનના ઘરે લંચ કરનારા લોકો હૉસ્પિટલમાં પીડાતા રહ્યા. ફરિયાદીઓએ આરોપ લગાવ્યો કે સતત ઝાડા અને ઊલટી થવાને કારણે અંગોએ કામ કરવાનું બંધ કર્યું ત્યારે એરિન પોતાનો બચાવ કરવા માંડ્યાં હતાં.
હૉસ્પિટલમાંથી રજા મળ્યાના બીજા દિવસે સીસીટીવી કૅમેરામાં એરિન સ્થાનિક કચરાના ડબ્બા પાસે જતાં અને ફૂડ ડિહાઇડ્રેટર ફેંકતાં કેદ થયાં. બાદમાં તેમાં ઝેરી મશરૂમનાં નિશાન જોવાં મળ્યાં હતાં.
એરિન લંચ દરમિયાન ત્રણ ફોનનો ઉપયોગ પણ કરતાં, જેમાંથી બે થોડા સમય પછી ગાયબ થઈ ગયા. તેમણે પોલીસને જે ફોન આપ્યો હતો તેમાંથી ઘણી વસ્તુઓ કાઢી નાખવામાં આવી હતી. જ્યારે તેમના ઘરની તપાસ ચાલી રહી હતી ત્યારે પણ તેમણે આવું જ કર્યું.
ટૂંક સમયમાં તપાસ કરનારા અધિકારીઓની સામે ઘણા સંકેતો બહાર આવવા લાગ્યા.
મશરૂમના સ્રોત વિશેના સવાલોના જવાબો વિચિત્ર હતા.
પેટરસને દાવો કર્યો હતો કે તેમાંથી કેટલાક મેલબર્નના એક એશિયન કરિયાણાની દુકાનમાંથી સૂકા ખરીદ્યા હતા, પરંતુ તેમને યાદ નહોતું કે તે કયો વિસ્તાર હતો.
જ્યારે બ્રાન્ડ અથવા ટ્રાન્ઝેક્શન રેકૉર્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે સાદા પૅકેજિંગમાં હતા અને કદાચ રોકડમાં લીધા હતા.
તપાસમાં શું બહાર આવ્યું?

ઇમેજ સ્રોત, Paul Tyquin
તપાસકર્તાઓને એ પણ જાણવા મળ્યું કે લંચનાં થોડાં અઠવાડિયાં પહેલાં નજીકનાં બે શહેરોમાં જીવલેણ મશરૂમ જોવા મળ્યા હતા.
ચિંતિત સ્થાનિકોએ ઑનલાઇન પ્લાન્ટ ડેટાબેઝ iNaturalist પર ફોટા અને સ્થળો પોસ્ટ કર્યાં હતાં.
એરિનની સર્ચ હિસ્ટ્રી પરથી જાણવા મળ્યું છે કે તેમણે ઝેરી મશરૂમ વિશે માહિતી મેળવવા ઓછામાં ઓછી એક વાર વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો.
તેમના મોબાઇલ લોકેશન ડેટા દર્શાવે છે કે તેમણે બંને વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેમાંથી એક ટ્રિપમાંથી ઘરે પરત ફરતી વખતે ફૂડ ડિહાઇડ્રેટર ખરીદ્યું હતું.
પરંતુ એરિને પોલીસ સમક્ષ ક્યારેય આવાં ઉપકરણો ન હોવાનો દાવો કર્યો હતો. જોકે આમ છતાં તેમના રસોડાના ડ્રોઅરમાં એક બુકલેટ હતી. જેને એરિને એક ટ્રુ ક્રાઇમ ફેસબુક ગ્રૂપમાં પોસ્ટ કરી હતી, જ્યાં તેમણે તેનો ઉપયોગ કરવાનો દાવો કર્યો હતો.
જ્યારે ડિજિટલ ફૉરેન્સિક નિષ્ણાતોએ તેમનાં ઉપકરણોમાંથી કેટલીક સામગ્રી મેળવી, ત્યારે તેમને જીવલેણ મશરૂમનું વજન કરતી તસવીરો જોવા મળી.
પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ
જોકે, આ પાછળનો હેતુ શું હતો તે પોલીસને મૂંઝવણમાં મૂકે છે.
સિમોને સુનાવણીમાં જણાવ્યું હતું કે 2015માં અલગ થયા પછી શરૂઆતમાં તેમના અને એરિન વચ્ચે સારા સંબંધો હતા.
તેમણે કહ્યું કે, "પરંતુ 2022માં બંને વચ્ચે નાણાકીય બાબતો, બાળકોના ઉછેર, શાળા અને મિલકતોને લઈને મતભેદો થવા લાગ્યા હતા."
સિમોનના જણાવ્યા પ્રમાણે તેમના પરિવાર પ્રત્યે એરિનને કોઈ દ્વેષભાવ ન હતો. એરિન ખાસ કરીને સિમોનના પિતા સાથે સારી રીતે મળતી હતી. બંનેને જ્ઞાન અને શિક્ષણ સાથે પ્રેમ હતો."
પરંતુ એરિને પોતે કોર્ટને જણાવ્યું હતું કે તે પેટરસન પરિવારથી વધુને વધુ અલગ પડી જતી હતી અને ફેસબુક પર સિમોનનાં માતાપિતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.

ઇમેજ સ્રોત, EPA
ફરિયાદ પક્ષે હત્યાઓ માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું ન હતું, જે એરિનના બચાવ પક્ષની મુખ્ય દલીલ હતી.
તેમના વકીલોએ કહ્યું કે તેમના સાસરિયાઓની ટીકા ફક્ત બિનજરૂરી ગુસ્સો કાઢવા માટે કરાઈ હતી.
તેમણે કહ્યું કે કૅન્સર હોવાનો દાવો વાસ્તવમાં વજન ઘટાડવાની સર્જરી છુપાવવા માટે હતો. એરિનને સર્જરી કરાવવાની હતી, પરંતુ તે વિશે જણાવતાં ખચકાટ અનુભવતી હતી.
બચાવ પક્ષે એવી પણ દલીલ કરી હતી કે મોબાઇલ ફોન લોકેશન ડેટા ખૂબ સચોટ નથી, તેથી એ સાબિત કરી શકાતું નથી કે જ્યાં ઝેરી મશરૂમ મળ્યા એ વિસ્તારની એરિને મુલાકાત લીધી હતી કે કેમ.
વકીલોએ કહ્યું કે એરિન પણ તે ભોજન લીધા પછી બીમાર પડી ગઈ હતી, પરંતુ તેની સ્થિતિ અન્ય જેટલી ગંભીર ન હતી. કારણ કે તેણે બધો ખોરાક ફેંકી દીધો હતો. તેને હૉસ્પિટલો ગમતી ન હતી, તેથી ડૉક્ટરની સલાહ છતાં હૉસ્પિટલમાંથી રજા લઈ લીધી હતી.

ઇમેજ સ્રોત, EPA
પરંતુ ફરિયાદ પક્ષે કહ્યું કે એરિને અગણિત જુઠ્ઠાણાં ચલાવ્યાં હતાં.
"જીવલેણ મશરૂમ ચૂંટવાની ઘટના માત્ર એક અકસ્માત હોવાની દલીલ" નકારવા લાયક છે અને બિલકુલ અસ્વીકાર્ય છે.
આખરે, જ્યૂરીએ ફરિયાદ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો.
પેટરસન અને વિલ્કિન્સન પરિવારોએ ગોપનીયતા રાખવા વિનંતી કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












