નિક્કી હત્યા કેસ : 'એક કાર આપી છતાં સાસરિયાં સતત મોંઘી કાર અને 36 લાખની માંગ કરતાં હતાં', નિક્કીના મોત બાદ પિતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ATUL
- લેેખક, ચંદન કુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી નજીક ગ્રેટર નોઇડાના દાદરી વિસ્તારમાં જે ઘરમાં નિક્કીએ હસતાં-રમતાં બાળપણ વીતાવ્યું હતું, ત્યાં હવે કોઈની આંખોમાં આંસુ છે, કોઈના ચહેરા પર આક્રોશ છે, તો કોઈ હજુ આઘાતની સ્થિતિમાં છે.
21 ઑગસ્ટે નિક્કી નામની યુવતીનું ગ્રેટર નોઇડાના સિરસા ગામમાં સળગીને મોત થયું હતું.
નિક્કીના પરિવારે સાસરિયાં પર આરોપ લગાવ્યા છે, જેમાં મુખ્ય આરોપી તરીકે નિક્કીના પતિ વિપિન છે.
નિક્કીની સાથે થયેલી હિંસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. નિક્કીનાં મોત અગાઉ તેમની બહેને આ વીડિયો બનાવ્યો હતો એવો દાવો કરવામાં આવ્યો છે. આરોપી વિપિનનું કહેવું છે કે તે નિર્દોષ છે અને નિક્કી પોતાની જાતે મૃત્યુ પામ્યાં છે.
નિક્કીના પિતાનો આરોપ છે કે તેમની દીકરીના પતિ વિપિન અને સાસરિયાં પક્ષ તરફથી સતત મોંઘી કાર અને 36 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.
આ કારણથી નિક્કીને ત્રાસ આપવામાં આવતો હતો.
પોલીસે આરોપી વિપિન, નિક્કીનાં સાસુ દયાવતી, સસરા સતવીર અને વિપિનના ભાઈ રોહિતની પણ ધરપકડ કરી છે.
નોટબંધી વખતે લગ્ન થયાં હતાં

ઇમેજ સ્રોત, ATUL
દાદરીના રૂપવાસ ગામનાં વતની નિક્કી અને તેમની મોટી બહેન કંચનનાં લગ્ન ડિસેમ્બર 2016માં ગ્રેટર નોઇડાના સિરસા ગામમાં એક જ પરિવારના બે ભાઈઓ સાથે થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે વખતે દેશમાં નોટબંધી હોવાના કારણે મોટા ભાગના લોકો પાસે રોકડની અછત હતી. નિક્કીના પિતા ભિખારીસિંહે બીબીસીને જણાવ્યું કે આમ છતાં તેમણે લગ્નના ખર્ચમાં કોઈ કસર નહોતી રાખી.
તેમનો દાવો છે કે નિક્કીના પતિને લગ્ન પછી એક કાર આપવામાં આવી હતી. પરંતુ તેમનો આરોપ છે કે સાસરિયાં સતત મોંઘી કાર અને લગભગ 36 લાખ રૂપિયાની માંગણી કરતાં હતાં.
ભિખારીસિંહે જણાવ્યું કે "મોટી બહેન કંચને પોતે નિક્કી સાથે મારપીટ થતી હોય તેવા વીડિયો બનાવ્યા હતા. તેમણે તેને બચાવવાની પૂરી કોશિશ કરી, પરંતુ નિક્કીને સળગાવી દેવાઈ. ત્યાર પછી નિક્કીને ધાબળામાં લપેટીને પડોશીઓની મદદથી હૉસ્પિટલે લઈ જવાઈ, પરંતુ તેનો જીવ બચાવી ન શકાયો."
નિક્કીને નજીકની એક ખાનગી હૉસ્પિટલે લઈ જવાયાં હતાં. પરંતુ આગને કારણે તેમનું શરીર વધારે પડતું દાઝી ગયું હતું અને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલે રિફર કરવામાં આવ્યાં.
પરંતુ નિક્કી સફદરજંગ હૉસ્પિટલે પહોંચે, તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું.
કંચને બનાવેલા વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શૅર કર્યા છે. હાલમાં રુપવાસ ગામમાં નિક્કીના પરિવાર અને પડોશીઓમાં શોક અને આક્રોશનો માહોલ છે.

નિક્કીનાં દાદી ફૂલવતીએ બીબીસીને જણાવ્યું કે "હવે મારી મોટી પૌત્રીને પણ પોતાના ઘરે જ રાખીશ, નહીંતર તેને પણ જીવવા નહીં દે. અહીં જ એક રૂમ બનાવી દઈશ અને તે પોતાનાં બાળકોને ભણાવશે."
નિક્કીનાં બહેન કંચનને બે બાળકો છે, જ્યારે નિક્કીને લગભગ છ વર્ષનો એક દીકરો છે.
સોશિયલ મીડિયા પર તેમના બાળકનું એક નિવેદન પણ શૅર થાય છે, જેમાં તે પોતાનાં માતા સાથે થયેલી હિંસા વિશે વાત કરે છે.
નિક્કીનાં માસી હેમલતા કહે છે, "શું આપણે દીકરીઓને માત્ર એટલા માટે જન્મ આપીને ઉછેરીએ છીએ કે તેમની સાથે આવું થાય? તેની સાથે અગાઉ પણ મારપીટ થતી હતી, ત્યારે તે પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી. પરંતુ પંચાયતના કહેવાથી અમે તેને ફરી સાસરિયે મોકલી હતી."
હેમલતાનું કહેવું છે કે "અમે સમાજના કહેવાથી સમાધાન કર્યું હતું. સાસરિયાંએ કહ્યું હતું કે બીજી વાર આવું નહીં થાય. પરંતુ જુઓ, દીકરી સાથે શું થયું છે."
પરિવારવાળાઓનું કહેવું છે કે નિક્કી લગભગ છ મહિના અગાઉ પોતાના પિતાના ઘેર આવી હતી. ત્યાર પછી આ મામલે પંચાયત બોલાવવામાં આવી હતી.
નિક્કીના પિતાએ કહ્યું કે પંચાયતના ભરોસો અને નિક્કીના પતિએ માફી માંગ્યા પછી નિક્કીને ફરી સાસરિયે મોકલવામાં આવી હતી.
આ કેસમાં મુખ્ય આરોપી શું કહે છે?

ઇમેજ સ્રોત, ATUL
આ મામલામાં નિક્કીની બહેન કંચને નિક્કીનાં પતિ, સાસુ, સસરા અને જેઠ, એટલે કે પોતાના પતિ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે.
પોલીસે આ કેસના મુખ્ય આરોપી, એટલે કે નિક્કીના પતિ વિપિન અને નિક્કીનાં સાસુ દયાવતીની ધરપકડ કરી છે.
વિપિને આ મામલામાં પોતાના પર લગાવાયેલા આરોપોનો ઇન્કાર કર્યો છે. હૉસ્પિટલમાં દાખલ થયેલા વિપિનને પત્રકારોએ ઘણા સવાલ પૂછ્યા હતા.
વિપિને કહ્યું કે, "મેં નથી મારી, મેં કંઈ નથી કર્યું. તે પોતાની જાતે જ મરી ગઈ. પતિ-પત્નીના ઝઘડા તો બધે થાય છે. મારે આનાથી વધારે કંઈ નથી કહેવું."
પોલીસના કહેવા મુજબ વિપિને રવિવારે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ગ્રેટર નોઇડાના ઍડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (એડીસીપી) સુધીરકુમારે કહ્યું કે "આ મામલે જે જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેને કબજામાં લેતી વખતે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો."
એડીસીપી સુધીરકુમારના કહેવા પ્રમાણે "આરોપીએ ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેને ઘેરી લીધો ત્યારે આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું. જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળી ચલાવી જે આરોપીના પગ પર વાગી હતી."
આરોપીના ઘર પર તાળું

નિક્કીના પિતા અને અન્ય સગાંસંબંધીનો આરોપ છે કે વિપિન કોઈ કામ કરતા ન હતા. તેથી નિક્કીએ કેટલાંક વર્ષો અગાઉ પોતાની બહેન સાથે મળીને સાસરિયાંના ઘરમાં ઉપરના માળે એક બ્યૂટી પાર્લર ખોલ્યું હતું.
પાર્લરનું કામ સારું ચાલતું હતું, પરંતુ સાસરિયાંના દબાણના કારણે થોડા જ મહિનામાં તેમણે બ્યૂટી પાર્લર બંધ કરવું પડ્યું.
બીબીસીની ટીમ જ્યારે ગ્રેટર નોઇડામાં આરોપીના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું લગાવેલું હતું.
ઘરમાં બહારની તરફ કેટલીક દુકાનો હતી જે બંધ હતી. તેમાંથી એક બંધ પડેલી કરિયાણાની દુકાન પર વિપિન લખેલું હતું, જે નિક્કીના પતિનું નામ છે.
જોકે, વિપિનના પડોશીઓ આ મામલે કંઈ બોલવા તૈયાર નથી.
પડોશમાં એક મહિલાએ માત્ર એટલું જણાવ્યું કે નિક્કીના ઘરેથી પહેલાં પણ મારામારી અને ઝઘડાનો અવાજ આવતો હતો.
દાદરીના એસએચઓ અરવિંદકુમારે બીબીસીને જણાવ્યું કે "ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી. પરંતુ નિક્કી સાથે અગાઉ પણ મારપીટ થઈ હતી, એવી કોઈ માહિતી પોલીસને અપાઈ ન હતી."
નિક્કીનાં મોટા બહેન હવે આ મામલાને કાયદા સુધી લઈ ગયાં છે. તેમના ભાઈ અતુલને અફસોસ છે કે કદાચ તેમાં મોડું થઈ ગયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












