નેપાળ : 17 વર્ષની છોકરીઓના અંડાણુ વેચવાનો ધંધો કેવી રીતે ચાલતો હતો?

- લેેખક, ફણીન્દ્ર દહાલ
- પદ, બીબીસી નેપાળી, કાઠમંડુ
નેપાળની રાજધાની કાઠમંડુમાં રહેતાં કુનસાંગ ક્યારેક ક્યારેક પોતાની 17 વર્ષની બહેન દોલમાના મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા ઍકાઉન્ટ ચેક કરતાં હતાં.
દોલમાના સ્નૅપચૅટ ઍકાઉન્ટ પરની એક પોસ્ટ અને ઇન્સ્ટાગ્રામ પર આવેલા કેટલાક મૅસેજ તરફ 21 વર્ષનાં કુનસાંગનું ધ્યાન ગયું.
કુનસાંગે બીબીસીને જણાવ્યું કે, "મેં એક હાથમાં નસ પર લગાવવામાં આવતી ડ્રીપ જેવી કોઈ ચીજ જોઈએ. તે માત્ર એક સેકન્ડ પૂરતું હતું. પરંતુ મને તેના વિશે જાણવાની ઇચ્છા થઈ અને મેં તેનો પતો લગાવ્યો."
ત્યાર પછી તેમને જે જાણવા મળ્યું તેનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં.
આખી ઘટના કેવી રીતે બહાર આવી?

ઇમેજ સ્રોત, John Elk III via Getty Images
કુનસાંગે જણાવ્યું કે, "મને જાણવા મળ્યું કે મારી બહેન અને તેની સૌથી નિકટની બહેનપણી (જેસ્મિન) બીજી એક છોકરી સાથે ચૅટ કરતી હતી. તેઓ એગ ડોનેશન ક્લિનિકની વિઝિટ જેવા મુદ્દે વાત કરતા હતા. તે છોકરી એક એજન્ટ હતી અને મારી બહેનની બહેનપણીની સહેલી હતી."
ઇન્ટરનેટ પર સર્ચ કર્યા પછી કુનસાંગને જાણવા મળ્યું કે તેમની બહેન અને તેમની એક નિકટની મિત્ર એક આઈવીએફ ક્લિનિકની જાળમાં ફસાઈ ગઈ હતી.
તેઓ વચેટિયા દ્વારા સગીર યુવતીઓને રૂપિયાના બદલામાં અંડાણુ વેચવા માટે તૈયાર કરતા હતા.
જે દંપતીને બાળક થતું ન હોય તેઓ કોઈ પણ આઈવીએફ કેન્દ્ર પર ડૉનેટ કરવામાં આવેલા અંડાણુ અને શુક્રાણુના ફ્યુઝનનો સહારો લેતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવાર જ્યારે પોલીસ પાસે ગયો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દોલમાની સૌથી નિકટની મિત્ર જૈસ્મિન છે. તેને પણ અંડાણુ વેચવા માટે ફોસલાવવામાં આવી હતી. આ મામલે શંકાના ઘેરામાં આવનાર એજન્ટને કૉલ કરીને વાત કર્યા પછી બંને પરિવારો પોલીસ પાસે ગયા હતા.
દોલમાના 39 વર્ષીય પિતા નૉરબુએ જણાવ્યું કે છોકરીઓ 17 વર્ષની છે, પરંતુ (કથિત) એજન્ટ તેમને 22 વર્ષની જણાવીને ક્લિનિક પર લઈ ગયા. તેમને નકલી નામ અપાયું. ક્લિનિકના ડૉક્ટરે અમને કહ્યું કે અમારી પાસે તેમની પૂછપરછ કરવા માટે કોઈ કાનૂની આધાર નથી.
તેમણે આગળ જણાવ્યું કે, "પછી અમે હ્યુમન ઑર્ગન ટ્રાફિકિંગ બ્યૂરો (માનવ અંગ તસ્કરી બ્યૂરો) પાસે ગયા. તેમના માટે આ નવો મામલો હતો. તેમને પણ આના વિશે જાણીને નવાઈ લાગી. અમે નથી જાણતા કે ન્યાય મળવામાં કેટલો સમય લાગશે."
થોડા જ દિવસોમાં આ મામલો સ્થાનિક મીડિયા સુધી પહોંચ્યો અને પછી લોકોમાં આક્રોશ ભડકી ઊઠ્યો. તેના કારણે ઉદ્યોગ માટે તાત્કાલિક કાયદો ઘડવાની જરૂરિયાત દેખાઈ.
નેપાળમાં વિશેષ તબીબી સેવાઓ સાથે સંકળાયેલા આરોગ્ય અને જનસંખ્યા મંત્રાલયની માન્યતા ધરાવતા અથવા માન્યતાની રાહ જોતા હોય તેવાં 50થી વધારે ફર્ટિલિટી ક્લિનિક છે. આ મામલાએ આવાં ક્લિનિક અને તેની સાથે સંકળાયેલી કાનૂની ખામીઓ તથા નબળા મૉનિટરિંગને પણ ઉજાગર કર્યું છે.
અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે, "આવાં ઘણાં ક્લિનિક લાઇસન્સ વગર કામ કરે છે."
નેપાળના આરોગ્યમંત્રીએ બીબીસીને જણાવ્યું કે સરકાર આ મામલાને ગંભીરતાથી લે છે અને એ સુનિશ્ચિત કરશે કે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કાનૂની રીતે અને નૈતિક આધાર પર કામ કરે.
જુલાઈના મધ્યમાં નેપાળ સરકારે આઈવીએફ ક્લિનિકના સંચાલન માટે અપનાવવામાં આવતા માપદંડની તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
સગીર છોકરીઓનું શોષણ અને બનાવટી રેકૉર્ડ

ચંદ્ર કુબર ખાપુંગ નેપાળ પોલીસની કેન્દ્રીય એજન્સી સીઆઈબીના વડા છે. આ મામલો હ્યુમન ઑર્ગન ટ્રાફિકિંગ બ્યૂરો પાસેથી હવે તેમની પાસે પહોંચ્યો છે.
ચંદ્ર કુબર ખાપુંગ મુજબ વચેટિયાઓને દરેક ઍર રિટ્રિવલ દીઠ લગભગ 330 ડૉલર મળતા હતા એવું માનવામાં આવે છે, તેમાંથી છોકરીઓને બહુ નાનકડો ભાગ મળે છે.
ખાપુંગે જણાવ્યું કે, "18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના અંડાણુ તેમનાં માતા-પિતા કે વાલીની મંજૂરી વગર લેવામાં આવ્યા હતા. અમને જાણવા મળ્યું છે કે આના માટે છોકરીઓએ પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. અંડાણુને અંડાશયમાં સંપૂર્ણ વિકસિત કરવા માટે તેમને 10 દિવસ સુધી ઇન્જેક્શન અપાયા હતા."
"ત્યાર પછી અંડાણુ કાઢવાની સર્જરી કરવામાં આવી. આ સર્જરી પણ વાલીઓની મંજૂરી વગર કરવામાં આવી હતી. તેના કારણે આરોગ્યને લગતી ગંભીર જટિલતા થવાનો ખતરો હતો."
પોલીસના કહેવા મુજબ "હૉસ્પિટલના રેકૉર્ડમાં પણ ગોટાળા કરવામાં આવ્યા જેમાં નકલી નામ અને ઉંમર દાખલ કરવામાં આવી હતી. અંડાણુ ડૉનેટ કરવા માટે રૂપિયા મળતા હોય તેવી કેટલીક છોકરીઓ પછી એજન્ટ બનીને બીજી છોકરીઓને અંડાણુઓ માટે લાવવા લાગી."
વરિષ્ઠ પોલીસ અધીક્ષક હોબિન્દ્રા બોગાતીએ આ પ્રક્રિયાને પીડાદાયક અને અનૈતિક જણાવ્યું હતું.
તેમનું કહેવું છે કે, "સગીરોને આ પ્રકારના જોખમમાં મૂકવા એ ભયંકર કામ છે."
આ મામલે જુલાઈ મહિનામાં ત્રણ ડૉક્ટરો સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી બધાને તપાસ પૂરી થયા પર જામીન પર છોડવામાં આવ્યા હતા.
નેપાળમાં કાયદાની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
નેપાળમાં હાલના સમયમાં અંડાણુ કે શુક્રાણુ ડૉનેટ કરવા માટે કોઈ વયમર્યાદા નથી. તેથી પોલીસ નેપાળના વર્ષ 2018ના બાળકોને લગતા કાયદા દ્વારા કેસ ચલાવે છે.
આ કાયદામાં જણાવાયું છે કે બાળકને શારીરિક નુકસાન પહોંચાડવા બદલ અથવા સારવારના હેતુથી તેમનો ઉપયોગ કરવા પર લગભગ 550 ડૉલરનો દંડ અને વધુમાં વધુ ત્રણ વર્ષની જેલ થઈ શકે છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે નેપાળમાં 50થી વધારે ફર્ટિલિટી ક્લિનિક કામ કરે છે. તેમાંથી ઘણા ક્લિનિક રજિસ્ટર્ડ નથી, કારણ કે નેપાળમાં કાયદાકીય મૉનિટરિંગ નબળું છે.
વર્ષ 2020માં જાહેર આરોગ્યના નિયમ હેઠળ આઈવીએફને આરોગ્ય મંત્રાલય હેઠળ એક વિશેષ સારવાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.
તેના અંતર્ગત આવી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓએ સંભાળનાં ધોરણો જાળવવા માટે નિયમિતપણે તેમના લાઇસન્સ રિન્યુ કરવા જરૂરી છે. જોકે, કેટલાક લોકો કહે છે કે દેશમાં નિયમો લાગુ કરવામાં કોઈ સખતાઈ નથી.
નેપાળના અધિકારીઓનું કહેવું છે કે આઈવીએફ ક્લિનિકમાં અંડાણુ વેચવાનો ધંધો બહુ મોટો છે.
કાઠમંડુની પરોપકાર મેટરનિટી ઍન્ડ વિમેન્સ હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. શ્રી પ્રસાદ અધિકારીએ જણાવ્યું કે, "અમારી પાસે એવો કોઈ કાયદો નથી કે જે ઈંડાં કે શુક્રાણુનું દાન કરતી વખતે કે લેતી વખતે કઈ પ્રક્રિયાઓનું પાલન કરવું જોઈએ તેને વ્યાખ્યાયિત કરે. તેના કારણે ઘણી અવ્યવસ્થા છે."
તેમણે એમ પણ કહ્યું કે નેપાળમાં એવા કાયદા હોવા જોઈએ જેના હેઠળ સંપૂર્ણ તબીબી તપાસ પછી ફક્ત પુખ્ત વયના લોકો જ અંડાણુ ડૉનેટ કરી શકે.
સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. ભોલા રિજાલ કહે છે કે, "અમે લાંબા સમયથી સરકાર પાસેથી માર્ગદર્શિકાની માંગ કરી રહ્યા છીએ."
ડૉ. ભોલા રિજાલે 2004માં નેપાળમાં પહેલી આઈવીએફ ડિલિવરી કરાવી હતી. તેઓ આ ક્ષેત્રમાં કડક કાયદાઓની માંગ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "આપણે એવી નીતિઓ લાવવાની જરૂર છે, જે સુનિશ્ચિત કરે કે આપણી સેવાઓ નેપાળના વંચિત ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે."
નેપાળના આરોગ્ય અને વસ્તી મંત્રી પ્રદીપ પૌડેલે જણાવ્યું હતું કે આ કથિત ઘટનાએ આરોગ્ય ક્ષેત્રમાં તંત્ર માટે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.
તેમણે બીબીસીને કહ્યું કે, "અમે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને હાલની ખામીઓને દૂર કરવા માટે ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જારી કરીશું."
તેમણે કહ્યું કે ડૉનરની વય મર્યાદા નક્કી કરતી વખતે સરકાર નેપાળમાં કાયદેસર રીતે નિર્ધારિત લગ્નની લઘુતમ વય (20 વર્ષ)ને પણ ધ્યાનમાં રાખશે.
અન્ય દેશોમાં કેવા કાયદા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા દેશોમાં અંડાણુ અને શુક્રાણુ ડૉનેટ કરવા અંગે કડક નિયમો છે.
ભારતમાં 2021ના રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજીના કાયદા હેઠળ, ફક્ત 23થી 35 વર્ષની વયની મહિલાઓ જ તેમના અંડાણુ દાન કરી શકે છે, જ્યારે ફક્ત 21થી 55 વર્ષની વયના પુરુષો જ શુક્રાણુ દાન કરી શકે છે.
ભારતમાં ઘણી મહિલાઓ માત્ર એક વખત અંડાણુ દાન કરી શકે છે. અહીં વચેટિયાઓ મારફત ડૉનેટ કરનારાઓને શોધવા એ ગુનો છે.
આ ગુનામાં વધુમાં વધુ આઠ વર્ષ અને લગભગ 23 હજાર ડૉલરનો દંડ થઈ શકે છે.
બ્રિટનમાં 36 વર્ષથી ઓછી વયની મહિલાઓના જ અંડાણુ લઈ શકાય છે અને 46 વર્ષથી ઓછી વયના પુરુષોના જ શુક્રાણુ લેવાનો કાયદો છે.
તેમાં ભ્રૂણ જેવી ચીજના દાનના બદલામાં કોઈ વ્યક્તિ લાઇસન્સ ધારકને નાણા અથવા અન્ય લાભ આપે તો તેને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવે છે.
હ્યુમન ફર્ટિલાઇઝેશન ઍન્ડ ઍમ્બ્રાયોલૉજી ઑથોરિટી (HFEA)ના નિયમો અનુસાર, જો આ કેસમાં કોઈ દોષિત ઠરે, તો તેને કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
જોકે, યુકેમાં જે મહિલાઓ પોતાના અંડાણુનું દાન કરે, તેમને દરેક પ્રક્રિયા માટે 1,300 ડૉલરથી વધુ ચૂકવવામાં આવે છે, જેમાં તેમની મુસાફરી, રહેવાની વ્યવસ્થા અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.
અમેરિકામાં અંડાણુ દાન કરતી મહિલા કાયદેસર રીતે પુખ્ત વયની હોવી જોઈએ. 21થી 34 વર્ષની વયની મહિલાઓને આ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. તે એટલી નાની વયની હોવી જોઈએ જેથી ભવિષ્યના બાળકમાં વૃદ્ધ માતાપિતા સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમોને ઘટાડી શકાય.
આ ઉપરાંત અંડાણુ ડૉનેટ કરનાર મહિલા તંદુરસ્ત હોવી જોઈએ. તેમાં એવી કોઈ આનુવંશિક બીમારી હોવી ન જોઈએ, જેની પહેલેથી જાણ હોય.
અમેરિકનમાં સોસાયટી ફૉર રિપ્રોડક્ટિવ મેડિસિન અનુસાર, અંડાણુ ડૉનેટ કરનારી મહિલા પહેલાંથી જ બાળકો પેદા કરવાની ક્ષમતા ધરાવે છે તે સાબિત થઈ ગયું હોય તો તે વધુ સારું છે, જોકે આ જરૂરી નથી.
માનસિક અને શારીરિક પીડા

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
નૉરબુએ બીબીસીને જણાવ્યું કે ભવિષ્યમાં આવું બીજા કોઈની સાથે ન થાય તે માટે તેઓ લડત આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે અમારે ઇચ્છા ન હોવા છતાં આ સ્થિતિનો સામનો કરવો પડ્યો. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે નાની વયની છોકરીઓ સુરક્ષિત રહે. અમને ડર હતો કે એજન્ટો નાની વયની છોકરીઓનું પણ શોષણ કરી શકે છે. તેથી અમે પોલીસ પાસે આવ્યા.
નૉરબુને એ વાતની પણ ચિંતા છે કે તેની ઓળખ જાહેર થઈ જશે તો તેમના પરિવારને સામાજિક પરેશાની સહન કરવી પડી શકે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે "આ ઘટના પછી મારો પરિવાર ઘણો તણાવમાં છે. મારી પત્નીને ફરીથી બ્લડ પ્રેશરની દવા લેવી પડી રહી છે."
"મારી દીકરી પણ માનસિક તણાવમાં છે. ડૉક્ટરોનું કહેવું છે કે તે વધુ પડતું વિચારે છે. તેનાથી ડિપ્રેશન થઈ શકે છે. અમને હજુ સુધી સંપૂર્ણ મેડિકલ રિપોર્ટ નથી મળ્યો."
નૉરબુનું કહેવું છે કે સરકારે આઈવીએફ કેન્દ્રોમાં ગરબડ રોકવા માટે સખત કાયદા ઘડવા જોઈએ.
તેઓ કહે છે, "મેં તાજેતરમાં જ હૉસ્પિટલમાં ડૉક્ટરને કહ્યું હતું કે જો 16 થી 17 વર્ષની છોકરીઓના અંડાણુ લેવામાં આવતા હોય, તો નેપાળમાં કોઈ સગીર છોકરી સુરક્ષિત નથી."
"અને જો સગીર છોકરીઓનો ઉપયોગ થઈ રહ્યો હોય, તો મને ખાતરી છે કે 20થી 35 વર્ષની વયની મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ હશે. આ ક્લિનિક્સ ખૂબ નફો કમાઈ રહ્યા છે."
કુનસાંગ પણ આવી ઘટનાઓથી ચિંતિત છે.
તેઓ કહે છે, "સગીર છોકરીઓને સંડોવવી એ ખૂબ જ અનૈતિક અને ઘૃણાસ્પદ ગુનો છે. તે ફિલ્મોમાં દેખાડવામાં આવતા અપરાધ જેવો લાગે છે. તેના ગુનેગારોને જેલમાં ધકેલી દેવા જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












