રસાયણવિજ્ઞાનની પ્રોફેસરે પતિની હત્યાના આરોપોમાંથી બચવા રસાયણવિજ્ઞાનનો જ ઉપયોગ કરી કેવી તરકીબો અજમાવી?

- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
"તમે કેમિસ્ટ્રીનાં પ્રોફેસર છો?" ન્યાયાધીશે પૂછ્યું.
"હા," મમતા પાઠકે આદરપૂર્વક નમસ્તે કરીને જવાબ આપ્યો.
સફેદ સાડી અને ચશ્માંમાં સજ્જ કૉલેજનાં પ્રોફેસર મધ્ય પ્રદેશની એક અદાલતના ખંડમાં બે ન્યાયાધીશ સમક્ષ ઊભાં રહીને જાણે કે ફૉરેન્સિક કેમિસ્ટ્રીનું લેક્ચર આપતાં હોય તેવી રીતે બોલતાં હતાં.
તેમણે ધ્રૂજતા અવાજે દલીલ કરી, "પોસ્ટમૉર્ટમમાં યોગ્ય રાસાયણિક વિશ્વેષણ વિના થર્મલ બર્ન અને ઇલેક્ટ્રિક બર્ન માર્ક વચ્ચે તફાવત કરવો શક્ય નથી."
સામે બેઠેલા ન્યાયાધીશ વિવેક અગ્રવાલે તેમને યાદ અપાવ્યું, "પોસ્ટમૉર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે વીજળીના કરંટના સ્પષ્ટ સંકેતો હતા."
તે એક દુર્લભ, લગભગ અવાસ્તવિક ક્ષણ હતી. એ 63 વર્ષીય મહિલા પર પતિની વીજળીના કરન્ટથી હત્યા કરવાનો આરોપ હતો. મહિલાએ કોર્ટને સમજાવતાં હતાં કે બળવાના સ્વરૂપને ઍસિડ અને ટિસ્યૂ રીએક્શન કેવી રીતે જાહેર કરે છે.
એપ્રિલમાં થયેલી આ સુનાવણીનું વીડિયો રેકૉર્ડિંગ સમગ્ર દેશમાં વાઇરલ થયું હતું અને ઇન્ટરનેટ સ્તબ્ધ થઈ ગયું હતું, પરંતુ એક નિષ્ણાત જેવો વિશ્વાસ, શંકા તથા વૈવાહિક વિખવાદને કારણે પતિની હત્યાનો કેસ કોર્ટમાં રફેદફે થઈ શક્યો ન હતો.
હાઇકોર્ટે ગયા મહિને મમતા પાઠકની અપીલ ફગાવી દીધી હતી અને એપ્રિલ 2021માં તેમણે કરેલી તેમના નિવૃત્ત ફીઝિશિયન પતિ નીરજ પાઠકની હત્યા બદલ આજીવન કેદની સજાને સમર્થન આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મમતા પાઠકે ઉત્સાહભેર દલીલો વડે પોતાના બચાવના પ્રયાસ કર્યા હતા. તેમણે મૃતદેહ પરીક્ષણમાંનાં છીંડાં, ઘરનાં ઇન્સ્યુલેશન અને ઇલેક્ટ્રોકેમિકલ થિયરીનો ઉલ્લેખ પણ કર્યો હતો. કોર્ટે પરિસ્થિતિગત પુરાવાને નિર્ણાયક ગણ્યા હતા. મમતા પાઠકે તેમના પતિને ઊંઘની ગોળીઓ ખવડાવી હતી અને પછી તેમને વીજળીનો કરંટ આપ્યો હતો.
કોર્ટમાં મહિલા પ્રોફેસરે પોતાની દલીલમાં શું કહ્યું?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બે બાળકોનાં માતા મમતાએ કેસ ફાઇલોના ઢગલા પર નજર નાખી હતી અને તેને પલટતાં અચાનક ઉત્તેજિત થઈ ગયાં હતાં.
તેમણે ફૉરેન્સિક્સ પુસ્તકને ટાંકીને દલીલ કરી હતી, "શ્રીમાન, ઇલેક્ટ્રિક બર્નનાં નિશાન આન્તે-મૉર્ટમ (મૃત્યુ પહેલાં) અથવા પોસ્ટમૉર્ટમ (મૃત્યુ પછી) વચ્ચે ભેદ પાડી શકતાં નથી ત્યારે તે ઇલેક્ટ્રિક બર્ન્સનાં નિશાન હતાં, એવું ડૉક્ટર્સે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કેવી રીતે લખ્યું?"
નિષ્ણાતો કહે છે કે ઇલેક્ટ્રિક બર્નનાં નિશાન મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછી, માઇક્રોસ્કોપિકલી સમાન દેખાય છે. જેના કારણે સ્ટાન્ડર્ડ તપાસ અનિર્ણાયક બને છે. ત્વચાના ફેરફારોનો ઝીણવટથી અભ્યાસ કરવાથી ખબર પડી શકે કે તે બર્ન મૃત્યુ પહેલાંનાં છે કે પછીનાં.
ત્યાર બાદ અચાનક રાસાયણિક પ્રતિક્રિયાઓ વિશે દલીલો થઈ હતી. ન્યાયાધીશે મમતા પાઠકને લૅબોરેટરી પ્રોસેસ વિશે પૂછ્યું હતું. મમતા પાઠકે વિવિધ ઍસિડ્સ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોન માઇક્રૉસ્કૉપનો ઉપયોગ કરીને તેમાંનો ફરક જાણી શકાય છે, જે પોસ્ટમૉર્ટમ રૂમમાં શક્ય નથી. મમતા પાઠકે ઇલેક્ટ્રોન માઇક્રૉસ્કૉપી અને વિવિધ ઍસિડ્સ વિશે ન્યાયાધીશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પાછળ ઊભેલી ત્રણ મહિલા વકીલોએ સ્મિત કર્યું હતું.
મમતા પાઠકે પોતાની દલીલ આગળ ધપાવતાં જણાવ્યું હતું કે તેઓ જેલમાં એક વર્ષથી કાયદાનો અભ્યાસ કરી રહ્યાં છે. સ્ટિકર્સ લગાવેલી ફાઇલ્સનાં પાનાં પલટતાં અને ફૉરેન્સિક મેડિસિનનાં પુસ્તકોનો હવાલો આપતાં તેમણે તપાસમાંની કથિત ખામીઓ તરફ ઈશારો કર્યો હતો. તેમણે અપરાધ સ્થળની તપાસ ન થયાની અને ઘટનાસ્થળે ક્વૉલિફાઇડ ઇલેક્ટ્રિકલ તથા ફૉરેન્સિક નિષ્ણાતની ગેરહાજરીનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું, "અમારા ઘરનો 2017થી 2022 સુધીનો વીમો હતો અને તે ઇલેક્ટ્રિકલ ફાયર સામે સલામત હોવાની પુષ્ટિ ઇન્સ્પેક્શનથી મળી હતી."
મમતા પાઠકે અદાલતને જણાવ્યું હતું કે તેમને પતિને હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગ હતો. તેમના મૃત્યુનું વાસ્તવિક કારણ "વૃદ્ધાવસ્થાને લીધે તેમની ધમનીઓનું સંકોચન તથા કેલ્સિફિકેશન" હતું. તેમણે એવું પણ સૂચવ્યું હતું કે તેમના પતિ કદાચ પડી ગયા હશે અને તેમને હેમેટોમા થઈ ગયું હશે, પરંતુ તેની ખરાઈ માટે કોઈ સિટી સ્કેન કરાવવામાં આવ્યું ન હતું.
નીરજ પાઠક તેમના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા

65 વર્ષના નીરજ પાઠક 2021ની 29 એપ્રિલે તેમના પારિવારિક ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેમનું મૃત્યુ વીજળીના આંચકાને કારણે થયું હોવાનું પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. થોડા દિવસો પછી તેમનાં પત્ની મમતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પોલીસે દંપતીના ઘરમાંથી બે પીન પ્લગ સાથેનો 11 મીટર લાંબો ઇલેક્ટ્રિક વાયર અને સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યાં હતાં. ઊંઘની ઊંઘની 10 ગોળીની સ્ટ્રીપમાંથી છ ગોળીઓ પણ જપ્ત કરી હતી.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં નીરજ પાઠકના મોતનું કારણ, અનેક જગ્યાએ વીજળીના કરંટથી કાર્ડિયોરેસ્પિરેટરી શૉક હોવાનું જણાવવામાં આવ્યું હતું. નીરજ પાઠકનું મોત પોસ્ટમૉર્ટમના 36થી 72 કલાક પહેલાં થયું હતું.
"ઊંઘની ગોળીની સ્ટ્રીપ પર મારી આંગળીઓના નિશાન મળ્યાં નથી," એવું મમતા પાઠકે ન્યાયાધીશોને કહ્યું હતું, પરંતુ તેમની દલીલો ટૂંક સમયમાં પોકળ સાબિત થઈ ગઈ હતી. ન્યાયાધીશ અગ્રવાલ અને વેદનારાયણ સિન્હાને એ દલીલો ગળે ઊતરી ન હતી.
મમતા અને નીરજ પાઠક લગભગ ચાર દાયકા સુધી મધ્ય પ્રદેશના દુષ્કાળગ્રસ્ત છત્તરપુર જિલ્લામાં વ્યવસ્થિત મધ્યમવર્ગીય જીવન જીવતાં હતાં. છત્તરપુર તેનાં ખેતરો, ગ્રેનાઇટની ખાણો અને નાના બિઝનેસ માટે જાણીતું છે.
મમતા પાઠક સ્થાનિક સરકારી કૉલેજમાં કેમિસ્ટ્રીનાં પ્રોફેસર હતાં. નીરજ પાઠક જિલ્લા હૉસ્પિટલમાં ચીફ મેડિકલ ઑફિસર હતા. તેમને બે પુત્ર છે. એક પુત્ર વિદેશમાં સ્થાયી થયો છે, જ્યારે બીજો માતાની સાથે રહે છે. 39 વર્ષ સુધી સરકારી ડૉક્ટર તરીકે સેવા આપ્યા બાદ નીરજ પાઠક 2019માં સ્વૈચ્છાએ નિવૃત્ત થયા હતા અને ઘરમાં જ એક ખાનગી ક્લિનિક ચલાવતા હતા.
પતિ-પત્ની વચ્ચે સંબંધો કેવા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
નીરજ પાઠકનું મૃત્યુ મહામારી દરમિયાન થયું હતું. નીરજને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેઓ ઘરમાં પહેલા માળે જ રહેતા હતા. મમતા અને તેમનો પુત્ર નીતીશ નીચેના ભાગમાં રહેતા હતા. ગ્રાઉન્ડ ફ્લૉર પરથી બે સીડી નીરજના રૂમને ઓપન ગેલરી સાથે તથા તેમના ખાનગી ક્લિનિકના પ્રતિક્ષાખંડ સાથે જોડતી હતી.
ક્લિનિકમાં લૅબોરેટરી અને મેડિકલ સ્ટોરના અડધો ડઝન કર્મચારીઓની આવનજાવન રહેતી હતી.
97 પાનાંના ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે મમતાએ તેમના પતિ નીરજને 29 એપ્રિલે પથારીમાં બેભાન અવસ્થામાં જોયા હતા, પરંતુ પહેલી મે સુધી કોઈ ડૉક્ટર કે પોલીસને જાણ કરી ન હતી. ડ્રાઇવરના જણાવ્યા અનુસાર, પોલીસ કે ડૉક્ટરને જાણ કરવાને બદલે તેઓ કોઈ કારણ વિના તેમના મોટા દીકરાને ઝાંસી લઈ ગયા હતા અને એ જ સાંજે પાછા ફર્યાં હતાં. પોતાના પતિના મોત બાબતે કશું નહીં જાણતા હોવાનો દાવો મમતા પાઠકે કર્યો હતો.
તેમના મૌન પાછળ વૈવાહિક વિખવાદ છુપાયેલો હતો. ન્યાયાધીશોએ લાંબા સમયથી ચાલતા વૈવાવિક વિખવાદને ઉજાગર કર્યો હતો, જેમાં નીરજ તથા મમતા અલગ રહેતાં હતાં અને મમતાને નીરજની વફાદારી બાબતે શંકા હતી.
નીરજ જે દિવસે મૃત્યુ પામ્યા એ દિવસે તેમણે તેમના એક સહયોગીને ફોન કરીને જણાવ્યું હતું કે મમતા તેમને "ત્રાસ" આપી રહ્યાં છે, તેમને બાથરૂમમાં લૉક કરી દે છે, અનેક દિવસો સુધી ખાવાનું આપતાં નથી અને શારીરિક ઈજા કરી રહ્યાં છે.
મમતાએ રોકડ, એટીએમ કાર્ડ્સ, વાહનોની ચાવીઓ અને બૅન્કના ફિક્સ્ડ ડિપૉઝીટ દસ્તાવેજો છીનવી લીધાં હોવાનો આક્ષેપ પણ નીરજે કર્યો હતો. નીરજે મદદની વિનંતી કરતા તેમના પુત્રે એક દોસ્તનો સંપર્ક કર્યો હતો અને તેણે પોલીસને ઍલર્ટ કરી હતી. પોલીસે નિવૃત્ત ડૉક્ટરને "મમતાની કેદમાંથી" છોડાવ્યા હતા.
'એક વાત હું જાણું છું... મેં તેમની હત્યા કરી નથી'

ઇમેજ સ્રોત, Getty Images
નીરજના મોત પહેલાં યુગલ અલગ રહેતું હતું. તેનાથી અદાલતની શંકા ઘેરી બની હતી.
મમતાએ અદાલતને જણાવ્યું હતું કે તેઓ "શ્રેષ્ઠ માતા" છે. તેના પુરાવા તરીકે તેમણે તેમનાં બાળકોનાં બર્થડે કાર્ડ્સ પણ દર્શાવ્યાં હતાં. પોતે પોતાના પતિને ભોજન કરાવતા હોય તેવા અને પરિવાર સાથેના ફોટોગ્રાફ્સ પણ તેમણે દર્શાવ્યા હતા.
તેમ છતાં, ન્યાયાધીશ અવિચળ રહ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે સ્નેહના આવા સંકેત અસલી હેતુને ભૂંસી શકતા નથી. એક "પ્રેમાળ પત્ની," એક "પ્રેમાળ માતા" આખરે એક "શંકાશીલ પત્ની" પણ હોઈ શકે છે.
50 મિનિટની જુબાની દરમિયાન કોર્ટની શંકા સામે સવાલોથી બચતાં અને પોતાનો બચાવ કરતાં મમતાનો સંયમ પહેલી વાર ડગમગી ગયો હતો.
તેમણે ધીમા અવાજે કહ્યું, "એક વાત હું જાણું છું... મેં તેમની હત્યા કરી નથી."
બીજી ક્ષણે તેમણે કબૂલ કર્યું હતું કે "હું હવે વધારે સહન કરી શકું તેમ નથી."
તણાવ ઘટાડવાનો પ્રયાસ કરતાં ન્યાયાધીશ અગ્રવાલે ટિપ્પણી કરી હતી, "તમને તો આની આદત હશે... તમે કૉલેજમાં 50 મિનિટનો પીરિયડ લેતા હશો."
મમતાએ કહ્યું, "40 મિનિટ, સાહેબ, પરંતુ તેઓ નાનાં બાળકો હોય છે."
"કૉલેજમાં નાનાં બાળકો? પણ તમારો હોદ્દો તો આસિસ્ટન્ટ પ્રોફેસરનો છે," ન્યાયાધીશે કહ્યું.
"પણ તેઓ બાળકો જ છે," મમતાએ કહ્યું.
"અમને આવી વાર્તાઓ ન કહો," ન્યાયાધીશ અગ્રવાલે તેમની વાત કાપતાં કહ્યું.
મમતા પાઠક એક પ્રતિવાદી તરીકે જ નહીં, પરંતુ એક પ્રોફેસર તરીકે પણ લડ્યાં હતાં અને વિજ્ઞાન દ્વારા ખુદને નિર્દોષ સાબિત કરવા તેમણે કોર્ટરૂમને કેમિસ્ટ્રી લૅબોરેટરીમાં પરિવર્તિત કરવાના પ્રયાસ કર્યા હતા. છતાં, અંતે નક્કર હકીકત તેમના પાઠ કરતાં વધારે મજબૂત પુરવાર થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












