ડિજિટલ અરેસ્ટ: પોતાના જ ઘરમાં 22 દિવસો સુધી કેદ થયા, ઠગે કેવી રીતે લૂંટ્યા 51 લાખ રૂપિયા

- લેેખક, નવજોતકોર
- પદ, બીબીસી સંવાદદાતા
“તેઓ 22 દિવસો સુધી મારી સાથે વીડિયો કૉલ પર હતા. ત્યાં સુધી કે મને બાથરૂમ જવા પહેલાં પણ મૅસેજ કરવો પડતો હતો.”
આ કહાણી ચંદીગઢમાં રહેતા હરિનાથની છે. જેમને હાલ જ ઑનલાઇન ઠગોએ ડિજિટલ અરેસ્ટ કરી લીધા હતા.
હરિનાથ જણાવે છે, “હું દર એક-બે દિવસ બાદ બૅન્ક જતો હતો અને તેમને લાખો રૂપિયા મોકલતો હતો. તેઓ મારી પાસે અત્યારસુધી 51 લાખ, 2 હજાર રૂપિયા ઠગી ચૂક્યા છે.”
તેમનો દાવો છે કે 2 ઑક્ટોબરથી લઈને 24 ઑક્ટોબર સુધી તેમણે સાઇબર ઠગો દ્વારા કરવામાં આવેલ દિશાનિર્દેશનનું પાલન કર્યું અને 22 દિવસો સુધી પૈસા મોકલ્યા.
ભારતમાં ડિજિટલ અરેસ્ટનો મામલો એટલો ગંભીર છે કે 27 ઑક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ તેને લઈને લોકોને સાવધાન રહેવાનું કહ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું હતું, “ડિજિટલ અરેસ્ટના પીડિતો તમામ વર્ગ અને ઉંમરના લોકો છે. ડરને કારણે તેઓ પોતાની જીવનભરની કમાણી ખોઈ નાખે છે.”
કેવી રીતે થયા ડિજિટલ અરેસ્ટ?

આ ઘટના મામલે વાતચીત કરતા હરિનાથ બીબીસીને જણાવે છે, “હું એક અખબારમાં ફોટો એડિટરનું કામ કરતો હતો. 2017માં આ કામ માટે ચંદિગઢ આવ્યો હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોરોના દરમિયાન હરિનાથની નોકરી જતી રહી હતી. તેમનાં પત્ની એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા છે. તેઓ ઘરમાં પણ બાળકોને ભણાવે છે.
નોકરી છોડ્યા બાદ તેઓ પોતાનાં પત્ની સાથે બાળકોને ઘરે ભણાવવાં લાગ્યાં.
ડિજિટલ અરેસ્ટ મામલે વાત કરતા હરિનાથ કહે છે, “2 ઑક્ટોબરની રાત્રે 12 વાગ્યે મારી પાસે એક યુવતીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે હું એક ટેલિકૉમ કંપનીથી વાત કરું છું. બે કલાક બાદ તમારો ફોન બંધ થઈ જશે.”
તેઓ કહે છે, “યુવતીએ કહ્યું કે 30 ઑગસ્ટ બાદ તમારા આધાર કાર્ડ પર મુંબઈમાં એક મોબાઇલ સિમ કાર્ડ જારી થયો હતો અને તે સિમ કાર્ડ સામે છેતરપિંડીની સાત ફરિયાદો અને એક એફઆઈઆર નોંધાઈ છે.”
“મેં કહ્યું કે હું મુંબઈમાં કોઈને નથી જાણતો, હું ચંદીગઢમાં રહું છું.”
“ત્યારબાદ તેણે મારી વાત એક પોલીસ અધિકારી(નકલી) સાથે કરાવી.”
હરિનાથનું કહેવું છે કે કથિત પોલીસવાળાએ તેમને ધમકી આપી.
હરિનાથના જણાવ્યા પ્રમાણે તે કથિત પોલીસવાળાએ કહ્યું, “અરે, આ તેં શું કર્યું? તમે ફ્રૉડ કરી રહ્યા છો. નરેશ ગોયલ નામની વ્યક્તિ સાથે મોટો ફ્રૉડ થયો છે. તમારા નામથી બૅન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે.”
એ કથિત પોલીસ અધિકારીએ જણાવ્યું, “આ ખાતામાંથી 6 કરોડ અને 80 લાખ રૂપિયાની લેવડદેવડ થઈ છે. આ રકમનો 10 ટકા ભાગ તારા નામ પર ગયો છે. તમારી સામે ધરપકડનું વૉરંટ જારી થયું છે. પોલીસ બે કલાકની અંદર તારી ધરપકડ કરી લેશે.”

હરિનાથનું કહેવું હતું કે તેઓ ડરી ગયા હતા. તેઓ કહે છે, “મેં કોઈ તપાસ કરવાની કોશિશ નહીં કરી. એ પોલીસવાળાએ મને કહ્યું કે મારી તપાસ આરબીઆઈ, સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટ કરે છે, હું તમારી વાત સીબીઆઈ અધિકારી સાથે કરાવું છું.”
ત્યારબાદ હરિનાથના કહેવા પ્રમાણે તેણે નકલી સીબીઆઈ અધિકારી સાથે વાતચીત કરાવી.
હરિનાથ કહે છે, “તેમણે મને મુંબઈ આવવા કહ્યું. મેં કહ્યું કે મારા પર પત્ની અને બાળકોની જવાબદારી છે. તો તેમણે કહ્યું કે જો તમે મુંબઈ નહીં આવી શકો તો અમારી વાત માનો. તમે ઘરે જ રહો અને તપાસમાં સહયોગ આપો.”
હરિનાથના જણાવ્યા પ્રમાણે, તેમણે કહ્યું, “તમે મોબાઇલ મારફતે સતત અમારી સાથે જોડાયેલા રહેશો. અમે બીજા દિવસે સવારે દસ વાગ્યે તમને ફરી મળીશું.”
“તમારે તમારી તમામ સંપત્તિ મામલાની જાણકારી આપવાની રહેશે. આરબીઆઈ તમારા ખાતા અને પૈસાની તપાસ કરશે. જો તમે નિર્દોષ હશો તો તમને છોડી દેવાશે.”
હરિનાથે જણાવ્યું કે 3 ઑક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કૉલ મારફતે તેમની મુલાકાત ઠગો સાથે થઈ.
આ મુલાકાતમાં સાઇબર ઠગોએ પૂછ્યું કે તેમની પાસે કેટલી સંપત્તિ છે?
હરિનાથે કહ્યું, “મેં તેમને જણાવ્યું કે ફિક્સ્ડ ડિપૉઝિટમાં મારા નવ લાખ રૂપિયા પડ્યા છે.”
હરિનાથે જણાવ્યું, “તરત મને તેમણે બૅન્ક જઈને એ પૈસા મોકલવાનું કહ્યું. 3 ઑક્ટોબરની સાંજે મારી પાસે મારી એફડી તોડાવી. બીજા દિવસે 4 ઑક્ટોબરના રોજ ફરી અમારી મિટિંગ થઈ.”
“મિટિંગમાં તેમણે મને નિર્દેશ આપ્યો કે જો હું બૅન્ક જાઉં ત્યારે પણ તેમના વચ્ચેની વીડિયો કૉલ ચાલતી રહેશે. મારે કોઈને આ વિશે જણાવવાનું નહોતું કે હું પૈસા શા માટે ઉપાડું છું અને કોને મોકલું છું. મારે કોઈ બૅન્ક કર્મચારી સાથે પણ વાત કરવાની નહોતી.”
હરિનાથે કહ્યું, “મારી મોટી ભૂલ એ હતી કે મેં આ વાતની તપાસ સુદ્ધા ન કરી કે તેઓ કોણ છે? જો તેઓ આરબીઆઈ કે સીબીઆઈ અધિકારી હોય તો તેઓ મારી સાથે આ પ્રકારે વીડિયો કૉલ પર સંપર્ક કેમ કરે છે? હું ગભરાઈ ગયો હતો અને તેથી તેઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે કરતો જતો હતો.”
આ દિવસો દરમિયાન તેઓ બાળકોને ભણાવવાથી માંડીને રસોઈ બનાવવા સુધીનાં કામો વિશે પણ આ ઠગોને જણાવતાં હતાં.
‘પરિવાર સાથે પણ વાત નહોતી કરવાની’

ઇમેજ સ્રોત, Getty Images
હરિનાથ કહે છે, “પહેલાં મને લાગ્યું કે ખરેખર આ સીબીઆઈ કે આરબીઆઈ છે. મને તેમના પર જરા પણ શંકા ન ગઈ.”
“વીડિયો કૉલ પર તેઓ સતત મને જોતા હતા. મને ખબર નહોતી પડતી કે હું શું કરું. તેમણે મને કોઈને પણ આ વિશે જણાવવાની મનાઈ ફરમાવી હતી.”
“મારી પત્ની મને વારંવાર પૂછતી પણ મેં તેને પણ ન જણાવ્યું કે હું એક જાળમાં ફસાઈ ચૂક્યો છું.”
ઠગો પૈસા માગતા રહ્યા.
હરિનાથનો દાવો છે, “તેમણે મને બૅન્ક મારફતે પૈસા મોકલવાનું કહ્યું હતું. મેં પહેલી વખત 4 ઑક્ટોબરે આરટીજીએસ મારફતે 9 લાખ અને 80 હજાર રૂપિયા મોકલ્યા.”
“બીજી વખત 5 ઑક્ટોબરે 20 લાખ, પછી 7 ઑક્ટોબરે પહેલા 9 લાખ અને 80 હજાર મોકલ્યા અને બાદમાં બીજા 50 હજાર મોકલ્યા. આ પ્રકારે 9 ઑક્ટોબરે પણ ફરીથી પાંચ લાખ મોકલ્યા.”
આમ તેઓ પૈસા માગતા રહ્યા અને હું મોકલતો રહ્યો.
હરિનાથનો દાવો છે, “12 ઑક્ટોબરના રોજ 99 હજાર 999 રૂપિયા મોકલ્યા અને બીજા દિવસે 14 ઑક્ટોબરના રોજ 2 લાખ અને 80 હજાર મોકલ્યા.”
સાઇબર ઠગોએ તેમને કહ્યું કે જો તમારે તમારી સામે નોંધાએલી એફઆઈઆર રદ કરાવવી હશે તો બીજા બે લાખ રૂપિયા આપવા પડશે.
હરિનાથ કહે છે કે 16 ઑક્ટોબરના રોજ ફરી તેમણે 88 હજાર રૂપિયા મોકલ્યા.
તેમણે કહ્યું, “ત્યાર બાદ તેમણે કહ્યું કે આરબીઆઈએ તપાસ કરી છે. તેમની તપાસની ફી 1.5 લાખ રૂપિયા છે. મને લાગ્યું કે જો મારા પૈસા મને પાછા જોઈતા હોય તો મારે આ ફી ભરવી પડશે. તેથી 22 ઑક્ટોબરના રોજ ફરી 1.5 લાખ રૂપિયા જમા કરાવ્યા.”
હવે, હરિનાથને અહેસાસ થયો કે તેમની સાથે ફ્રૉડ થયો છે.
તેઓ કહે છે, “મેં મારા પરિવાર સાથે વાત કરી અને પોલીસ સ્ટેશનમાં ગયો. જ્યાં મને સાઇબર સેલનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું. મેં સેક્ટર 17માં સાઇબર સેલમાં જઈને ફરિયાદ નોંધાવી.”
ચંદીગઢના સાઇબર પોલીસ અધિક્ષક કેતન બંસલનું કહેવું છે કે ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે.
તેમણે કહ્યું કે આ મામલાની એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. સૌથી મોટી વાત જાગૃતિની છે.
51 લાખ ક્યાંથી આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
હરિનાથ ચંદીગઢમાં ભાડાના મકાનમાં રહે છે.
તેમનું કહેવું છે કે તેમની પાસે પાનીપતમાં બે ફ્લૅટ હતા જે તેમણે વેચીને તમામ પૈસા શૅરબજારમાં લગાવ્યા હતા.
હરિનાથ કહે છે, “નોકરી છોડ્યા બાદ મારી પાસે ચાર-પાંચ લાખની બચત હતી. આ ઉપરાંત મેં મારી કાર પણ 1 લાખ અને 71 હજારમા વેચી નાખી.”
ડિજિટલ અરેસ્ટ શું છે?
આ ઑનલાઇન ફ્રૉડની નવી રીત છે.
જેમાં કેટલાક લોકો ખુદને પોલીસ કે સરકારી કર્મચારી ગણાવીને લોકોને ડરાવવાની કોશિશ કરે છે.
આ ઠગ વીડિયો કૉલ મારફતે જે તે વ્યક્તિ પર સતત નજર રાખે છે કે તે વ્યક્તિ શું કરે છે અને કોની સાથે વાતચીત કરે છે.
આ એક વીડિયો કૉલ મારફતે ઠગ વ્યક્તિને ઘરમાં જ નજરકેદ કરી લે છે.
આ ઠગ પોલીસ દ્વારા ધરપકડનો ડર દેખાડીને તેનાથી બચવા માટે પૈસા માગે છે અને કેટલાક લોકો ઘરપકડથી બચવા માટે તેની વાત માની પણ લે છે.
ત્યાર બાદ તે ઠગ તપાસનો ડર દેખાડીને ધીરે-ધીરે પૈસા ટ્રાન્સફર કરાવડાવે છે.
હરિનાથ લોકોને સલાહ આપે છે કે પૈસા મામલે કોઈનો ભરોસો ન કરવો. જો તમારી પાસે આ પ્રકારની કોઈ કૉલ આવે છે તો તરત જ પરિવારના સભ્યો સાથે વાતચીત કરો અને પોલીસનો સંપર્ક કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












