સુરતના બંદરે અંગ્રેજોએ પહેલી વાર પગ મૂક્યો અને આખા ભારત પર કબજો જમાવ્યો

સુરત ગુજરાત સર થોમસ રો, ટોમસ રો, જહાંગીર મુઘલ ઔરંગઝેબ, કોઠી અંગ્રેજરાજ, બ્રિટિશ રાજ, વ્યાપાર, ઇંગ્લૅન્ડ, પોર્ટુગીઝ લડાઈ, ભારતને ગુલામ બનાવ્યું. બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, The Print Collector/Getty Images

ઇમેજ કૅપ્શન, સુરત બંદરે ઊતરેલા કૅપ્ટન હૉકિન્સે જ્યારે ઇંગ્લૅન્ડના રાજા જેમ્સનો પત્ર બાદશાહ જહાંગીરને સોંપ્યો તે સમયને દર્શાવતું એક ચિત્ર
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

16મી સદીની શરૂઆતમાં આખી દુનિયાના ચોથા ભાગનો માલ ભારતમાં બનતો હતો. ત્યાં, બ્રિટનમાં દુનિયાનાં કુલ ઉત્પાદનનો માત્ર ત્રણ ટકા માલ બનતો હતો. મુઘલોની શક્તિશાળી સેનાને જોઈને અંગ્રેજોએ તેમની સાથે લડવાને બદલે પહેલા વ્યાપાર કરવાનું યોગ્ય માન્યું, પરંતુ વેપારની સાથે સાથે અંગ્રેજોએ ભારત પર કબજો જમાવવા માંડ્યો અને પછી આખું ભારત ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ચાલ્યું ગયું.

આ બધામાં એક એવી ઘટના બની જેને કારણે ભારતે 'ગુલામીની સાંકળો'માં જકડાઈ જવું પડ્યું હતું.

24મી ઑગસ્ટ, 1608ના દિવસે જ ઇંગ્લૅન્ડથી 'ઇસ્ટ ઇન્ડિયા કંપની'નું પહેલું વહાણ 'હૅક્ટર' ભારતના સુરત બંદરે આવી પહોંચ્યું હતું.

જ્યારે 'હૅક્ટર' વહાણ સુરત પહોંચ્યું હતું ત્યારે કોઈને અંદાજો નહોતો કે અંગ્રેજો ભારતમાં નવો અધ્યાય લખવા જઈ રહ્યા છે.

તે વખતે સુરતનું બંદર જાહોજલાલી ધરાવતું હતું. અહીંથી દૂર દૂર વહાણો જતાં અને દૂર દૂરથી આવતાં વહાણો લંગારતાં હતાં. આ બંદરનાં વહાણો પૂર્વે આફ્રિકા, ઈરાન, મલબાર અને લંકા ઉપરાંત બ્રહ્મદેશ (આજનું મ્યાનમાર) મલાયા, જાવા, સુમાત્રા અને યુરોપ જતાં હતાં. ચીન અને જાપાન સુધી અહીંથી વ્યાપાર થતો હતો.

અહીંથી સોના-ચાંદી, તેનાં વાસણો અને વસ્તુઓ, મોતી, દારૂ, ખજૂર, ખારેક, તેલ, સુખડ, હાથીદાંત અને ઊંચી જાતનું રેશમી અને મસ્લીન કાપડનો પણ વ્યાપાર થતો હતો. ભારતનું કાપડ દુનિયામાં નંબર વન મનાતું હતું.

ઇંગ્લૅન્ડથી આવેલું આ 'હૅક્ટર' વહાણ જ્યારે ભારતના સુરત બંદરે પહોંચ્યું ત્યારે તેમના કૅપ્ટન હતા વિલિયમ હૉકિન્સ. આ હૉકિન્સે પાંચ વર્ષ સુધી મુઘલો પાસે આજીજી કરીને તેમની પાસેથી વેપાર માટેનો પરવાનો મેળવવાનો પ્રયત્ન કર્યો.

તે સમયે ભારતમાં મુઘલોનું રાજ હતું. બાદશાહ જહાંગીર પાસે તે વખતે મુઘલ સત્તાની કમાન હતી. તે વખતે સુરત અને તેની આસપાસનાં બંદરો પર વેપારમાં પોર્ટુગીઝોની આણ પ્રવર્તતી હતી.

મુઘલોના કારણે અંગ્રેજો પોતાની રીતે કારોબાર નહોતા કરી શકતા. તેથી તેમણે મુઘલોની આગળ-પાછળ ફરવાનું શરૂ કરી દીધું. હૉકિન્સ એક વર્ષ બાદ મુઘલોની તત્કાલીન રાજધાની આગ્રા પહોંચ્યા. તેમણે જહાંગીર પાસે વ્યાપારની પરવાનગી માગી, પણ અસફળ રહ્યા.

1599માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના

સુરત ગુજરાત સર થોમસ રો, ટોમસ રો, જહાંગીર મુઘલ ઔરંગઝેબ, કોઠી અંગ્રેજરાજ, બ્રિટિશ રાજ, વ્યાપાર, ઇંગ્લૅન્ડ, પોર્ટુગીઝ લડાઈ, ભારતને ગુલામ બનાવ્યું. બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Print Collector via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું જહાજ જ્યારે ઇંગ્લૅન્ડના વૂલવિચથી વર્ષ 1601માં રવાના થયું તેનું ચિત્ર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈસુની સોળમી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજોને ભારતની દિશા જડવા લાગી. ઈ.સ. 1567માં સિઝર ફ્રૅડરિક નામના અંગ્રેજ ખંભાત અને અમદાવાદની મુલાકાત લઈ ગયા.

વર્ષ 1578માં હિંદુસ્તાનથી લિસ્બન જતું પોર્ટુગીઝનું એક જહાજ ફ્રાન્સિસ ડ્રેક નામના અંગ્રેજે કબજે કર્યું. તેમાંથી તેને હિંદુસ્તાન આવવાના દરિયાઈ માર્ગના નકશા મળ્યા.

1583માં લીડ્ઝ, રાલ્ફ ફિચ અને ન્યૂબેરી નામના અંગ્રેજો ગોવા પહોંચ્યા. જેમ્સ લૅકેસ્ટર 1591માં નિકોબાર સુધી પહોંચી ગયા.

1599માં મિલ્ડનહૉલને ઇંગ્લૅન્ડની એક પેઢીએ વેપાર માટે મુઘલ શહેનશાહનું ફરમાન મેળવવાની આકાંક્ષાએ ભારત મોકલ્યા હતા. એ જ વર્ષમાં ઇંગ્લૅન્ડમાં પૂર્વના સાગરનો વેપાર ખેડવા માટે 'ઇસ્ટ ઇન્ડિયા કંપની' સ્થાપવામાં આવી.

ઇંગ્લૅન્ડનાં રાણી એલિઝાબેથે પૂર્વના સાગરનો વેપાર ખેડવા માટે રચાયેલી કંપની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તે માટેનો હેતુ અને પરવાનો આપ્યો.

ઇતિહાસકાર વિલિયમ ડૅલરિંપલ તેમના પુસ્તક 'ધ ઍનાર્કી : ધ રિલેન્ટલેસ રાઇઝ ઑફ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની'માં લખે છે, "31મી ડિસેમ્બર, 1600નો દિવસ નવી આવનારી સદીનો છેલ્લો દિવસ હતો. તે દિવસે ગવર્નર અને લંડનના પૂર્વમાં વેપાર કરતા વેપારીઓને રૉયલ ચાર્ટર મળ્યું."

કંપનીની પહેલી બે સફર તો અચીન (સુમાત્રા), બાન્ટમ (જાવા) અને મોલ્યુકાસ ટાપુઓ માટે થઈ. તેમાં તેમને ફાવટ આવી નહીં તેથી ત્રીજી સફરમાં સુરત અને ઍડન બંદરનો વેપાર ખેડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું.

સુરતના ઇતિહાસ પર ઈશ્વરલાલ ઇચ્છારામ દેસાઈ નામના શહેરના સ્વતંત્રતાસેનાની, કૉંગ્રેસી નેતા, કેળવણીકાર અને ઇતિહાસકારે 'સૂરત સોનાની મૂરત' નામનું પુસ્તક લખ્યું હતું.

આ પુસ્તકમાં નોંધાયું છે કે "આ સફરના વહાણ હૅક્ટરે 24મી ઑગસ્ટ, 1608ના રોજ સુરતના તાપીના મુખ આગળ લંગર કર્યું. એના કપ્તાન હૉકિન્સ સુરત આવ્યા. તે વખતે હિંદના પશ્ચિમ કિનારા પર પોર્ટુગીઝનું ભારે જોર હતું."

જોકે, વિલિયમ ડૅલરિંપલે અંગ્રેજોની સુરત આવવાની તારીખ 24 ઑગસ્ટ, 1608 નહીં પરંતુ 28 ઑગસ્ટ, 1608 જણાવી છે.

વિલિયમ ડૅલરિંપલ લખે છે, "28મી ઑગસ્ટના રોજ કેપ્ટન વિલિયમ હૉકિન્સે ત્રીજી સફરનું વહાણ હૅક્ટર સુરતના બંદરે લંગાર્યું ત્યારે તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતની ભૂમિ પર પગ મૂકનારા પહેલા કમાન્ડર બની ગયા."

"ભારત તે વખતે વિશ્વની કુલ વસ્તીના પાંચમા ભાગની, એટલે કે 15 કરોડની વસ્તી ધરાવતું સામ્રાજ્ય હતું. વિશ્વની કુલ મૅન્યુફૅક્ચરિંગ પેદાશો પૈકી ચોથા ભાગની પેદાશો ભારતમાં બનતી હતી. ટેક્સસ્ટાઇલમાં તે વિશ્વમાં નંબર વન હતું."

"મુઘલ સામ્રાજ્ય 10 કરોડ પાઉન્ડની આવક સાથે વિશ્વનું સૌથી અમીર સામ્રાજ્ય ગણાતું હતું."

વિલિયમ ડૅલરિંપલ લખે છે, "હૉકિન્સને સમજાઈ ગયું કે મુઘલો સાથે લડાઈ કરવામાં માલ નથી, કારણ કે મુઘલો પાસે 40 લાખનું સૈન્ય હતું."

હૉકિન્સ જહાંગીરની પરવાનગી લેવા સુરતથી આગ્રા પહોંચ્યા

સુરત ગુજરાત સર થોમસ રો, ટોમસ રો, જહાંગીર મુઘલ ઔરંગઝેબ, કોઠી અંગ્રેજરાજ, બ્રિટિશ રાજ, વ્યાપાર, ઇંગ્લૅન્ડ, પોર્ટુગીઝ લડાઈ, ભારતને ગુલામ બનાવ્યું. બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, HERITAGE IMAGE PARTNERSHIP LTD ALAMY

ઇમેજ કૅપ્શન, 1850માં લીડનહૉલ સ્ટ્રીટ પર બનેલું 'ન્યૂ ઇસ્ટ ઇન્ડિયા હાઉસ'

હૉકિન્સે મુઘલોની રાજધાની આગ્રા જવાનું નક્કી કર્યું. તેઓ 1609ના એપ્રિલમાં આગ્રા પહોંચ્યા.

ડૅલરિંપલ લખે છે, "અંગ્રેજોને લાગ્યું કે મુઘલો સાથે વ્યાપાર કરવો હશે તો સહયોગી અને પરવાનગી એમ બંને જોઈશે. તેથી એક વર્ષ પછી હૉકિન્સ આગ્રા પહોંચ્યા. તેમણે અફઘાની પરિવેશ ધારણ કર્યો હતો. ત્યાં તેમણે બાદશાહને પ્રસન્ન કરવાની ભરપૂર કોશિશ કરી. તેમણે તેમની સાથે તુર્કીમાં વાતચીત કરી."

"જહાંગીર બાદશાહે તેમનામાં રસ ન દાખવ્યો અને તેમને આર્મેનિયન ખ્રિસ્તી યુવતી સાથે પરણાવીને રવાના કરી દીધા."

આમ, હૉકિન્સના મિશનને બહુ સફળતા ન મળી. બીજી બાજુ સુરત ખાતે પોર્ટુગીઝોએ મુઘલોને અંગ્રેજોની ફરિયાદો કરવા માંડી.

'સૂરત સોનાની મૂરત'માં લખવામાં આવ્યું છે કે, "હૉકિન્સે સીસું અને લોખંડ જેવો લાવેલો માલ ધીરે ધીરે વેચાવા માંડ્યો, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પોર્ટુગીઝો 40 વહાણોના કાફલા સાથે સુરત આવી પહોંચ્યા. તેમણે સુરતના મુઘલ સરકારના હાકેમ મુકબરખાનને અંગ્રેજોની ફરિયાદ કરી."

'સૂરત સોનાની મૂરત'માં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, "પોર્ટુગીઝોએ હાકેમ મુકબરખાનને સંદેશો મોકલ્યો કે 'આ અંગ્રેજોને વિદાય કરો, નહીંતર અમે સુરત બાળીએ'. જે હોડીઓ મારફતે અંગ્રેજોનો માલ સુરત આવતો હતો તેના પર પણ પોર્ટુગીઝોએ કબજો કરી લીધો. હૉકિન્સના 27 માણસોને કેદ કરી લીધા."

જોકે,આમ છતાં 'હૅક્ટર' વહાણ સુરતમાંથી ઊપડીને પહેલા બાન્ટમ અને ત્યાર પછી 1610માં ઇંગ્લૅન્ડ પહોંચ્યું. એ સફરમાં નાણા રોકનારને 234 ટકાનો નફો થયો તેવું 'સૂરત સોનાની મૂરત'માં નોંધાયું છે.

આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, "અગાઉ ભારતમાં હૉકિન્સના પ્રયાસોને સફળતા મળે તે માટે ઇંગ્લૅન્ડથી 'ઍસેન્સ' નામનું વહાણ મોકલવામાં આવ્યું, પરંતુ તે 1609માં ખંભાતમાં ભાંગી ગયું. તેના ખલાસીઓએ તોફાન મચાવ્યું. તેથી સ્થાનિક વેપારીઓને પણ થયું કે પોર્ટુગીઝો બગડશે તો તેમના વેપારને નુકસાન જશે. આવા સંજોગોમાં જહાંગીરે અંગ્રેજોને આઘા રાખવાનો હુકમ કર્યો. હૉકિન્સ જેમતેમ કરીને આગ્રાથી નાસીને સુરત આવ્યા."

સુરતમાં અંગ્રેજોનો પોર્ટુગીઝો સાથે સંઘર્ષ

સુરત ગુજરાત સર થોમસ રો, ટોમસ રો, જહાંગીર મુઘલ ઔરંગઝેબ, કોઠી અંગ્રેજરાજ, બ્રિટિશ રાજ, વ્યાપાર, ઇંગ્લૅન્ડ, પોર્ટુગીઝ લડાઈ, ભારતને ગુલામ બનાવ્યું. બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ગુજરાતનું સુરત મુઘલોનું આર્થિક કેન્દ્ર અને મુખ્ય વ્યાપારી બંદર હતું

'ઍસેન્સ' વહાણ પછી સર હેન્નરી મિડલટન ત્રણ વહાણો લઈને સપ્ટેમ્બર, 1611માં તાપીના મુખ આગળ આવી પહોંચ્યા. પોર્ટુગીઝોએ સુરતમાં કોઠી કરી હતી અને નદીના મુખ આગળ તેમનાં નાનાં વહાણોનો કાફલો હતો તેથી મિડલટન માટે સુરતનો માર્ગ બંધ હતો.

કોઈ સુરતના અધિકારીએ અંગ્રેજોને મિત્રભાવથી નદીના મુખથી સહેજ ઉત્તરમાં સમુદ્રકાંઠે 'સુંવાળી' આગળ ઉતરાય તેવી માહિતી આપી હતી. તેથી મિડલટને ત્યાં પોતાનાં વહાણો લંગાર્યાં. હવે સુંવાળીનું મહત્ત્વ વધી ગયું.

સુરતના હાકેમે પણ અંગ્રેજોને મુઘલ સરકાર કાયમી વ્યાપારનો પરવાનો આપશે તેવી બાંહેધરી આપી, પરંતુ પોર્ટુગીઝોએ હાકેમને ફરી ચીમકી આપી. તેથી મિડલટનને સુંવાળીનું બારું ખાલી કરવાનો હુકમ થયો. મિડલટન તેમનાં વહાણોને ફેબ્રુઆરી, 1612માં દાભોલ તરફ હંકારી ગયાં. હૉકિન્સ પણ તેમની સાથે જ ભાગી છૂટ્યા.

પણ મિડલટન એમ હારે તેવા નહોતા. તેમણે એક ચાલ ચાલી.

'સૂરત સોનાની મૂરત'માં લખાયું છે કે "તે સુરતના સત્તાધીશોને બતાવી આપવા માગતા હતા કે પોર્ટુગીઝો જે પ્રકારે ગુજરાતનાં બંદરો માટે કરે છે, તે જ પ્રકારે અંગ્રેજો પણ રાતા સમુદ્રમાં તેમની સામે કરી શકે છે, કારણ કે સુરતના વેપારીઓનો મહદઅંશે વેપાર એ બંદરો સાથે હતો."

"તેમણે રાતા સમુદ્ર આગળ હિંદુસ્તાનના વેપારીઓનાં વહાણો અટકાવ્યાં. દીવ અને સુરતનાં વહાણોને છોડવા માટે મોટી રકમ પડાવી. આમ, તેમણે એક સાથે પોર્ટુગીઝ અને મુઘલ એમ બંનેને ઝાટકા આપ્યા."

આ સમાચાર સુરતમાં વહેતા થયા એટલે સુરતી વેપારીઓમાં ભય ફેલાયો. ખાસ કરીને મક્કા જનારાઓ માટે ચિંતા ઊભી થઈ.

5મી સપ્ટેમ્બર, 1612ના દિવસે ટૉમસ બેસ્ટ બે વહાણો લઈને સુરત આવ્યા. આથી, પોર્ટુગીઝો ફરી ઉશ્કેરાયા.

પોર્ટુગીઝો નવેમ્બર, 1612માં બેસ્ટનાં બે વહાણોનો મુકાબલો કરવા માટે આખો કાફલો લઈને પહોંચી ગયા. બેસ્ટે તેમને મારી ભગાડ્યા. તેથી અંગ્રેજોની પ્રતિષ્ઠામાં ભારે વૃદ્ધિ થઈ.

'સૂરત સોનાની મૂરત'માં લખવામાં આવ્યું છે કે "13મી ઑક્ટોબર, 1613ના દિવસે આગ્રાથી શાહી ફરમાન આવ્યું. સ્થાનિક હાકેમે કરાર કર્યા હતા. સુરતમાં અંગ્રેજોની પહેલી કોઠી સ્થપાઈ હતી."

પછી અમદાવાદમાં પણ અંગ્રેજોની એક કોઠી સ્થાપવામાં આવી. અમદાવાદથી ઍલ્ડવર્થ નામના અંગ્રેજ 21મી જાન્યુઆરી, 1615ના રોજ 40 જેટલાં ગાડાંમાં ગળી અને કાપડ લઈને સુરત આવવા નીકળ્યા હતા, પરંતુ તેઓ નડિયાદ નજીક મરણ પામ્યા.

આ પહેલાં ઑક્ટોબર, 1614માં નિકોલસ ડાઉન્ટન ઇંગ્લૅન્ડથી ચાર વહાણો લઈને સુરત આવી પહોંચ્યા હતા. તે અરસામાં પોર્ટુગીઝોએ જહાંગીરનાં માતાનું હજયાત્રા માટેનું વહાણ ઘોઘામાં ઘેર્યું અને બાળી મૂક્યું.

મુઘલ અધિકારીઓએ અંગ્રેજોને પોર્ટુગીઝ વિરુદ્ધ સાથ આપવાની માગ કરી, પરંતુ ડાઉન્ટને કહ્યું કે જ્યાં સુધી તેમને ભારતમાં વેપારનો પરવાનો નહીં મળે ત્યાં સુધી તેઓ તેમને મદદ નહીં કરી શકે. આથી મુઘલો ફરી અંગ્રેજો સામે નારાજ થયા.

દરમિયાનમાં પોર્ટુગીઝો 27મી ડિસેમ્બર, 1614ના રોજ તાપી પર ચઢાઈ કરવા આવી ગયા.

27મી ડિસેમ્બરથી લઈને 29મી ડિસેમ્બર સુધી અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચે લડાઈ ચાલી. ડાઉન્ટનનાં વહાણો બારામાં ભરાઈ ગયાં. ત્યાં પોર્ટુગીઝોનાં વહાણો પહોંચી શકે તેમ નહોતાં. ડાઉન્ટન જ્યારે લાગ મળે ત્યારે પોર્ટુગીઝોનાં વહાણોને લક્ષ્યાંક બનાવતા રહેતા.

20મી જાન્યુઆરી, 1615ના દિવસે બ્રિટિશ તોપમારાથી પોર્ટુગીઝોના 400થી 500 માણસો માર્યા ગયા. તેમનાં ઘણાં વહાણો બળીને ખાખ થઈ ગયાં. બચેલા પોર્ટુગીઝો દીવ ભાગી ગયા.

ડાઉન્ટનના હાથે હાર પામેલા પોર્ટુગીઝો હવે મુઘલો સાથે સુલહ કરવા પ્રેરાયા. હકીકતમાં પોર્ટુગીઝો અંગ્રેજો સામે ચાલ રમી રહ્યા હતા. તેઓ અંગ્રેજોને હાંકી કાઢવાનું દબાણ કરતા હતા. પોર્ટુગીઝો સાથે મુઘલોએ કરાર તો કર્યા, પરંતુ અંગ્રેજોને હાંકી કાઢવાની તેમની માગ ઠુકરાવી.

સર થૉમસ રૉ ભારતમાં

સુરત ગુજરાત સર થોમસ રો, ટોમસ રો, જહાંગીર મુઘલ ઔરંગઝેબ, કોઠી અંગ્રેજરાજ, બ્રિટિશ રાજ, વ્યાપાર, ઇંગ્લૅન્ડ, પોર્ટુગીઝ લડાઈ, ભારતને ગુલામ બનાવ્યું. બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમ્રાટ જહાંગીરના દરબારમાં સર થૉમસ રૉ

હવે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજા જેમ્સને તેના મહત્ત્વાકાંક્ષી મિશન માટે શાહી રાજદૂતને મોકલવાનો અનુરોધ કર્યો.

વિલિયમ ડૅલરિંપલ લખે છે, "હવે અંગ્રેજોનું મહત્ત્વનું મિશન શરૂ થયું. આ વખતે કંપનીએ રાજા જેમ્સના દૂત સર થૉમસ રૉને ભારત મોકલવાનું નક્કી કર્યું. તેઓ સાંસદ પણ હતા અને રાજદૂત પણ. વર્ષ 1615માં તેઓ અજમેર પહોંચ્યા."

તેઓ તેમની સાથે આયરિશ અને અંગ્રેજી શિકારી કૂતરાં, પેઇન્ટિંગ્સ, રેડ વાઇન જેવી ભેટ-સોગાદો સાથે તેઓ જહાંગીર પાસે પહોંચી ગયા.

તેમણે ડિસેમ્બર, 1615માં જ જહાંગીર સમક્ષ પોતાનાં ઓળખપત્રો રજૂ કર્યાં. તેઓ જહાંગીરના દરબારમાં ત્રણ વર્ષ સુધી રહ્યા. તે વખતે શહેજાદા ખુરર્મ ગુજરાતના સુબા હતા તેથી થૉમસ રૉએ પહેલા તેમની સાથે વેપાર અંગેના કરાર કર્યા.

મુઘલ દરબારમાં તેમણે ચિત્રો, અરીસા, છરીઓ, તલવારનાં પાનાં, હાથનાં મોજાં, બિછાનામાં પહેરવાની ટોપીઓ જેવી ભેટો છૂટે હાથે આપી. બદલામાં તેમણે સુરતમાં એક ફૅક્ટરી સ્થાપવી હતી.

તેમણે અનુભવ્યું કે તેમની ભેટો પોર્ટુગીઝ દ્વારા આપવામાં આવતી ભેટો કરતાં 'ઊતરતી કક્ષા'ની હતી અને તેથી મુઘલ દરબારમાં તેમની 'મજાક' ઉડાવવામાં આવતી હતી.

એક દિવસ તેમણે ઘોડાગાડી કે બળદગાડીનો કોચ (ગાડી) ભેટમાં આપવાનું નક્કી કર્યું. તેમણે મુઘલની સંસ્કૃતિ સાથેનો એક શાનદાર કોચ મુઘલના કારખાનામાં તૈયાર કરાવીને ભેટ આપ્યો. જેને તેમણે સોના-ચાંદીથી મઢાવ્યો. આ કોચ જહાંગીરની બેગમ નૂરજહાંને પણ પસંદ પડ્યો હોવાનું વિલિયમ ડૅલરિંપલ નોંધે છે.

આખરે 1618માં તેમને જહાંગીરના હાથે વેપારનો પરવાનો મળ્યો.

આ પરવાનામાં તેમણે સુરતના હાકેમ અંગ્રેજોને વેપારમાં મદદ કરે, અંગ્રેજો હથિયાર રાખી શકે, તેઓ પોતાનો ધર્મ પાળી શકે, પોતાની તકરારોનો ફડચો પોતે લાવી શકે, વગેરે મહત્ત્વના હકો મેળવી લીધા.

ભારતમાં અંગ્રેજોની કોઠીઓ સુરતને આધીન રહીને વેપાર કરતી

સુરત ગુજરાત સર થોમસ રો, ટોમસ રો, જહાંગીર મુઘલ ઔરંગઝેબ, કોઠી અંગ્રેજરાજ, બ્રિટિશ રાજ, વ્યાપાર, ઇંગ્લૅન્ડ, પોર્ટુગીઝ લડાઈ, ભારતને ગુલામ બનાવ્યું. બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, CLASSIC IMAGE ALAM

ઇમેજ કૅપ્શન, 1680માં સુરતમાં સ્થાપાયેલ ઇસ્ટ ઈન્ડિયા કંપનીની ફૅક્ટરીની તસવીર

થૉમસ રૉ ફેબ્રુઆરી, 1619માં ઇંગ્લૅન્ડ રવાના થયા ત્યાર સુધીમાં સુરત, આગ્રા, અમદાવાદ અને ભરૂચમાં અંગ્રેજોની કોઠી સ્થપાઈ ચૂકી હતી.

'સૂરત સોનાની મૂરત'માં લખાયું છે કે "વર્ષ 1615થી 1629 સુધીમાં 500 ટનની ક્ષમતા ધરાવતાં કુલ 27 વહાણો માલ ભરીને સુંવાળી (સુરત)થી લંડન ગયાં હતાં. તેમાં કપડાં, સૂરોખાર, મરી, સૂતર, કરિયાણાં, લાખ, ગાલીચા, ખાંડ અને કાચું રેશમનો માલ જવા લાગ્યો. તેની સામે ઇંગ્લૅન્ડથી પહોળા પનાનું કાપડ, કલાઈ, સીસું, પારો, હિંગળોક, ભૂમધ્ય સમુદ્રનાં પરવાળાં, આફ્રિકાના હાથીદાંત, ભીંતે ટાંગવાના શોભાયમાન પડદાં અને સોના-ચાંદીના તારનું ભરતકામ ધરાવતી ચીજવસ્તુઓ આવવા લાગી."

જર્મન પ્રવાસી મેન્ડેલ્સ્લો વર્ષ 1638ના રોજ સુરતના બંદરે ઊતર્યા હતા.

તેમની નોંધને ટાંકીને 'સૂરત સોનાની મૂરત'માં લખવામાં આવ્યું છે કે "ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, આગ્રા, ઇસ્પહાન (ઈરાનમાં આવેલું શહેર), દાભોલ અને મસલીપટ્ટનમની અંગ્રેજ કોઠીઓ સુરતની કોઠીને તાબે રહીને કામ કરતી. સુરતની અંગ્રેજ કોઠીના વડા પ્રેસિડન્ટ કહેવાતા. આ તમામ કોઠીઓના મંત્રીએ વર્ષમાં એક વખત સુરત આવવું પડતું હતું."

'20 કરોડ લોકોની વસ્તીવાળા દેશને ગુલામ બનાવી દીધો'

સુરત ગુજરાત સર થોમસ રો, ટોમસ રો, જહાંગીર મુઘલ ઔરંગઝેબ, કોઠી અંગ્રેજરાજ, બ્રિટિશ રાજ, વ્યાપાર, ઇંગ્લૅન્ડ, પોર્ટુગીઝ લડાઈ, ભારતને ગુલામ બનાવ્યું. બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરતમાં અંગ્રેજોએ બનાવેલો કોટ

વર્ષ 1670માં બ્રિટિશ સમ્રાટ ચાર્લ્સ દ્વિતીયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને 'લડવાની' પરવાનગી આપી.

ત્યાર બાદ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોર્ટુગલ, ડચ અને ફ્રાન્સ પ્રતિદ્વંદ્વીઓને જંગમાં હરાવીને બંગાળના તટીય ક્ષેત્રમાં કબજો કર્યો.

17મી સદીમાં તેમનો સામનો મુઘલ સેના સાથે થયો. તે વખતે ઔરંગઝેબ બાદશાહ હતા.

ડૅલરિંપલ લખે છે, "બંગાળના નવાબ શાઇસ્તાખાને તેમના ભત્રીજા અને બાદશાહ ઔરંગઝેબને લખ્યું કે અંગ્રેજો વેપારીઓને મૂરખ બનાવે છે અને લોકોમાં ફૂટ પડાવે છે."

તે વખતે કંપનીના નિદેશક સર ચાઇલ્ડે મુઘલ કર્મચારીઓ તેમને ટૅક્સ ઉઘરાવવા મામલે પરેશાન કરતા હોવાની ફરિયાદ બ્રિટનના રાજાને કરી.

આથી તેમની મદદ માટે ઇંગ્લૅન્ડથી 19 લડાકુ જહાજ, 100 તોપો અને 600 જેટલા સૈનિકો બંગાળ પહોંચ્યાં.

ડૅલરિંપલ લખે છે, "ચાઇલ્ડે વિશ્વના સૌથી શક્તિશાળી અને અમીર સામ્રાજ્ય સામે વેર લઈને મોટી ભૂલ કરી હતી."

આ લડાઈમાં મુઘલો જીત્યા અને અંગ્રેજો સામે કાર્યવાહી શરૂ કરી. હુગલી, પટના, કસીમબજાર, મસુલીપટ્ટનમ અને વિશાખાપટ્ટનમની ફૅક્ટરીઓ પર મુઘલોનો કબજો થઈ ગયો. અંગ્રેજોને ભગાડી મૂકવામાં આવ્યા.

સુરતની ફૅક્ટરી પણ બંધ કરી દેવામાં આવી અને મુંબઈની ફૅક્ટરી પર કબજો કરી દેવામાં આવ્યો. આખરે અંગ્રેજોએ ઔરંગઝેબની માફી માગી અને પછી ઔરંગઝેબે 1690માં તેમને માફ કર્યા અને તેમની ફૅક્ટરી પાછી શરૂ થઈ.

ઔરંગઝેબનાં મોત બાદ મુઘલ સામ્રાજ્યનું પણ પતન થવા લાગ્યું. કમજોર' થયેલા મુઘલોનો ફાયદો અંગ્રેજોએ ઉઠાવ્યો. તેમણે પહેલા બંગાળથી શરૂઆત કરી, પછી ટીપુ સુલતાનને હરાવ્યા, મરાઠાને હરાવ્યા, શિખોને હરાવ્યા અને દિલ્હી પણ કબજે કર્યું.

1857ના અંગ્રેજો સામેના વિપ્લવ બાદ બીજા જ વર્ષે બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાએ કંપનીના અધિકાર સમાપ્ત કરી દીધા અને શાસનની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી. ભારત હવે બ્રિટનનાં મહારાણીના શાસનના આધીન થઈ ગયું.

વિલિયમ ડૅલરિંપલ લખે છે, "અઢારમી સદીની મધ્યમાં એક ખાનગી કંપનીએ પોતાનાં ભૂમિદળ અને નૌકાદળ મારફતે 20 કરોડ લોકોની વસ્તી ધરાવતા દેશને ગુલામ બનાવી દીધો. આ દેશ હતો ભારત."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન