ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાંખનાર રૉબર્ટ ક્લાઇવનો અંત આટલો ભયાનક કેમ હતો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
નાનપણથી જ રૉબર્ટ ક્લાઇવની છાપ એક તોફાની અને હિંસક બાળકની હતી. સાત વર્ષના થયા ત્યાં સુધીમાં તો તેમને લડવાની લત લાગી ગઈ હતી. નમ્રતા, ઉદારતા અને ધૈર્ય એવા ગુણ હતા જેની સાથે ક્લાઇવને આજીવન લેવાદેવા નહોતી.
બ્રિટિશ ઇતિહાસકાર જ્યૉર્જ ફૉરેસ્ટે તેમના પુસ્તક 'ધ લાઇફ ઑફ લૉર્ડ ક્લાઇવ' માં લખે છે કે, "કિશોર થયા ત્યાં સુધીમાં તો તેઓ ગુનેગાર બની ચૂક્યા હતા."
"તે તેમના ગામના પરેશાન વેપારીઓને રક્ષણ આપવાનું એક કૌંભાડ ચલાવતા હતા. જે વેપારીઓ તેમની વાત માને નહીં તેની દુકાનમાં પાણી ભરી દેવાનો તેમનો શોખ હતો."
ક્લાઇવ 17 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમના પિતા રિચાર્ડ ક્લાઇવને સમજાયું કે આને કાબૂમાં રાખવો એ તેમના ગજા બહારની બાબત છે.
તેમની ભલામણ સાથે રૉબર્ટ 15 ડિસેમ્બર 1742 ના રોજ પહેલી વાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઑફિસમાં ગયા. જ્યાં તેમને લેખક એટલે કે કારકુન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ત્રણ મહિના બાદ તેઓ વહાણમાં બેસી ભારત તરફ રવાના થયા.
શરૂઆતથી જ ભારત પ્રત્યે ચીડ હતી

ઇમેજ સ્રોત, BLOOMSBURY
ક્લાઇવનો ભારત આવવાનો પ્રવાસ ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. રસ્તામાં તેઓ વહાણમાંથી દરિયામાં પડી ગયા અને ડૂબતા ડૂબતા માંડ બચ્યા. આકસ્મિક રીતે એક નાવિકે તેમને જોઈ ગયો અને તેમને ડૂબતા બચાવી લીધા.
મદ્રાસ પહોંચ્યા બાદ ક્લાઇવે એકલવાયું અને નીરસ જીવન જીવવાનું શરૂ કર્યું. ક્યારેક તો તેઓ તેમના મિત્રો સાથે ઝઘડો કરી બેસતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એકવાર તેમણે ફોર્ટ સેન્ટ જ્યૉર્જના સેક્રેટરી સાથે એટલું ખરાબ વર્તન કર્યું કે ગવર્નરે તેમને બધાની સામે જાહેરમાં માફી માંગવા કહ્યું.
વિલિયમ ડેલરિમ્પલ તેમના પુસ્તક 'ધ અનાર્કી' માં લખે છે, "ક્લાઇવને ટૂંક સમયમાં જ ભારત પ્રત્યે નફરત થઈ ગઈ. આ નફરતે આખી જીંદગી તેમનો પીછો છોડ્યા નહીં. ભારતમાં એક વર્ષ વિતાવ્યા બાદ તેમણે ઘરે એક પત્રમાં લખ્યું દેશ છોડ્યા પછી તેમણે એક પણ દિવસ ખુશીથી પસાર કર્યો નથી."
"તેઓ એટલા બધા નિરાશ થઈ ગયા હતા કે તેમણે એક વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો."
કોઈ ભારતીય ભાષા શીખવાનો પ્રયાસ ના કર્યો

ઇમેજ સ્રોત, BLOOMSBURY
કીથ ફીલિંગ તેમના પુસ્તક 'વૉરેન હેસ્ટિંગ્સ' માં લખે છે કે, "ક્લાઇવને ભારતમાં જરા પણ રસ નહતો. ભારતની સુંદરતાથી તેઓ ક્યારેય પ્રભાવિત ના થયા... ન તો તેમને ભારતના ઇતિહાસ, ધર્મ અને પ્રાચીન સભ્યતા વિશે જાણવાની કોઈ ઇચ્છા હતી. તેમને અહીંના લોકો વિશે જાણવાની પણ ઉત્સુકતા નહોતી. તે ભારતીય લોકોને તિરસ્કારથી જોતો હતો."
પરંતુ ક્લાઇવમાં શરૂઆતથી જ પોતાના વિરોધીની તાકાતનો અંદાજ કાઢવાની અને તકનો લાભ લેવાની ક્ષમતા હતી. શરૂઆતથી જ તેમનામાં જોખમ લેવાની હિંમત હતી.
પરિણામની ચિંતા કર્યા વિના બહાદુરી બતાવવાનો ગુણ પણ તેમનામાં હતો. 1746માં ફ્રાન્સના મદ્રાસ પરના હુમલા અને ત્યાર બાદ મેળવેલા વિજયથી તેમનો આ ગુણો લોકોના ધ્યાનમાં આવ્યા.
ક્લાઇવની લેફ્ટનન્ટના હોદ્દા પર વરણી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફ્રેન્ચ જનરલ ઝુપ્લેક્સે મદ્રાસ પર કબજો કર્યો ત્યારે ક્લાઇવ ત્યાં હતા. રાત્રે તેઓ ફ્રેન્ચ સૈનિકોથી બચીને વેશપલટો કરીને શહેરની બહાર નીકળી ગયો અને કોરોમંડલ કિનારે આવેલા નાના બ્રિટિશ બેઝ, ફોર્ટ સેન્ટ ડેવિસ તરફ પગપાળા પહોંચી ગયા.
અહીં તેમને ઓલ્ડ કોક' તરીકે જાણીતા સ્ટ્રિંગર લૉરેન્સે લડવાની તાલીમ આપી. ક્લાઇવની પ્રતિભાને ઓળખનાર લૉરેન્સ પ્રથમ વ્યક્તિ હતા.
1740ના દાયકામાં જ્યારે ઝુપ્લેક્સ નવાબોની સેવામાં પોતાના સૈનિકો મોકલી રહ્યું હતું, ત્યારે ક્લાઇવ લશ્કરી કુશળતાને કારણે લેફ્ટનન્ટના હોદ્દા સુધી પહોંચી ગયો હતો. આ જ સમયે લૉરેન્સ અને ક્લાઇવે પણ ફ્રેન્ચ સૈનિકોની નકલ કરીને તેમના સૈનિકોને તાલીમ આપવાનું શરૂ કર્યું.
શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે થોડાક જ સૈનિકો હતા. આ સૈનિકો પાસે યોગ્ય યુનિફૉર્મ પણ નહોતો. 1750 ના દાયકાના મધ્યમાં પિતાને લખેલા પત્રમાં ક્લાઇવે લખ્યું, 'એ દિવસોમાં આપણે યુદ્ધ કળામાં કેટલા નવશિખિયા હતા.'
ક્લાઇવને 26 ઑગસ્ટ 1751 ના રોજ પહેલીવાર નામના મળી જ્યારે તેમણે મુશળધાર વરસાદ વચ્ચે કર્ણાટકના નવાબની રાજધાની આરકોટને ઘેરાબંધીમાંથી રાહત આપવા માટે 200 બ્રિટિશ અને 300 ભારતીય સૈનિકોના સાથે કૂચ કરી.
સર પેન્ડ્રેલ મૂને તેમના પુસ્તક 'ધ બ્રિટિશ કૉન્ક્વેસ્ટ ઍન્ડ ડૉમિનિયન ઑફ ઇન્ડિયા' માં લખ્યું છે કે, "ક્લાઇવે વાવાઝોડા દરમિયાન હુમલો કરીને ફ્રેન્ચ સૈનિકો અને તેમના સાથીઓને અચંબામાં નાખી દીધા. આ વિજયથી પહેલી વાર એવી છાપ ઊભી થઈ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સફળ લશ્કરી અભિયાન પણ ચલાવી શકે છે. કંપનીના આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આ જીતનો મોટો ફાળો છે. એક સૈનિક તરીકે ગતિ અને આશ્ચર્યનો ઉપયોગ તેની પ્રિય રણનીતિ હતી."
ફ્રેન્ચ કમાન્ડરની શરણાગતિ

ઇમેજ સ્રોત, Getty Images
ક્લાઇવને સૌથી મોટી સફળતા 1752માં મળી જ્યારે તેમણે મદ્રાસ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો.
તેમણે અને સ્ટ્રિંગર લૉરેન્સે મળીને નવાબ મુહમ્મદ અલીને હરાવ્યો અને આરકોટ અને તિરુચિરાપલ્લી પર કબજો કર્યો. ત્યાર બાદ ફ્રેન્ચ કમાન્ડરે 13 જૂન 1752ના રોજ ક્લાઇવ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
ક્લાઇવે 85 ફ્રેન્ચ અને 2,000 ભારતીય સૈનિકોને બંદી બનાવ્યા. સર પેન્ડ્રેલ મૂને લખ્યું, "આ વિજય ઝુપ્લેક્સની મહત્ત્વાકાંક્ષાઓ પર એક મોટો ફટકો હતો. જ્યારે તેમણે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પોતાનું ભોજન પણ કરી શક્યા નહીં."
"થોડા દિવસો પછી તેમને બરતરફ કરવામાં આવ્યા અને અપમાનજનક રીતે ફ્રાન્સ પાછા ફર્યા. તેનાથી વિપરીત ક્લાઇવનું મદ્રાસમાં એક હીરોની માફક સ્વાગત કરવામાં આવ્યું."
લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
આ સફળતા માટે ક્લાઇવને માત્ર ક્વાર્ટર-માસ્ટરનું પદ જ નહીં પરંતુ 40 હજાર પાઉન્ડનું ઇનામ પણ આપવામાં આવ્યું.
23 માર્ચ, 1753 ના રોજ ક્લાઇવ અને તેમનાં પત્ની બૉમ્બે કેસલ જહાજ પર ઇંગ્લૅન્ડ જવા રવાના થયાં. લંડન પહોંચીને તેમણે તરત જ પરિવારનું દેવું ચૂકવી દીધું. તેમણે બ્રિટિશ સંસદના સભ્ય બનવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેમની રાજકીય કારકિર્દી કદી આગળ વધી શકી નહીં.
ફ્રેન્ચ હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમને ફરી એકવાર ભારત બોલાવવામાં આવ્યા. આ વખતે ક્લાઇવને મદ્રાસના ડેપ્યુટી ગવર્નરના પદની સાથે સેનામાં લેફ્ટનન્ટ કર્નલનું પદ પણ આપવામાં આવ્યું.
1756માં જ્યારે બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાએ કલકત્તામાં ફોર્ટ વિલિયમ કબજે કર્યું ત્યારે આ સમાચાર 16 ઑગસ્ટના રોજ મદ્રાસ પહોંચ્યા. તે જ સમયે રૉબર્ટ ક્લાઇવ ઍડમિરલ વૉટસનના જહાજોના કાફલા સાથે કોરોમંડલ કિનારે પહોંચ્યા. તેઓ સંભવિત ફ્રેન્ચ હુમલાનો સામનો કરવા માટે તૈયાર હતા પરંતુ ક્લાઇવનો આગ્રહ હતો કે બંગાળમાં કંપની સામેના પડકારનો સામનો કરવો એ વધુ અગત્યનું છે.
બે મહિનાની તૈયારી પછી 785 બ્રિટિશ સૈનિકો, 940 ભારતીય સૈનિકો અને 300 ખલાસીઓ સમુદ્ર માર્ગે કલકત્તા જવા રવાના થયા.
આ કાફલાનું પહેલું જહાજ નવ ડિસેમ્બરે કલકત્તા પહોંચ્યું. ત્યાં સુધીમાં ક્લાઇવના અડધા સૈનિકો તો રોગોને કારણે મૃત્યુ પામ્યા હતા. ત્રણ જાન્યુઆરીના રોજ ક્લાઇવે સિરાજ-ઉદ-દૌલા સામે યુદ્ધની ઘોષણા કરી દીધી.
આ પહેલો પ્રસંગ હતો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઔપચારિક રીતે ભારતીય રાજા સામે યુદ્ધની ઘોષણા કરી. તેમણે પહેલાં હુગલીમાં લૂંટ ચલાવી અને પછી ફોર્ટ વિલિયમની આસપાસના વિસ્તારો પર કબજો કર્યો. સિરાજ-ઉદ્દ-દૌલાએ પોતાનો શાંંતિ દૂત ક્લાઇવ પાસે મોકલ્યો.
નવ ફેબ્રુઆરીના રોજ અલીનગર કરાર પર હસ્તાક્ષર થયા, જેનાથી કંપનીના જૂના અધિકારો પુનઃસ્થાપિત થયા. બીજા દિવસે સિરાજ-ઉદ્દ-દૌલા મુર્શિદાબાદ પાછો ફર્યો પરંતુ 13 જૂને ક્લાઇવે સિરાજ-ઉદ્દ-દૌલાને પત્ર લખીને ચેતવણી આપી કે તેમણે અલીનગર કરારની શરતોનું ઉલ્લંઘન કરવાનું શરૂ કરી દીધું છે.
તે જ દિવસે ક્લાઇવે 800 બ્રિટિશ અને 2,200 દક્ષિણ ભારતીય સૈનિકો સાથે પ્લાસી તરફ કૂચ શરૂ કરી.
પ્લાસીનું યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
23 જૂન, 1757 ના રોજ સવારે આઠ વાગ્યે પ્લાસીના યુદ્ધમાં પહેલો ગોળીબાર થયો.
પ્લાસી મુર્શિદાબાદથી લગભગ 50 કિલોમીટર દક્ષિણમાં આવેલું એક શહેર હતું. આ દારૂગોળો સિરાજના સૈનિકો દ્વારા છોડવામાં આવ્યો હતો. ક્લાઇવને આ ધડાકાથી થોડું આશ્ચર્ય થયું કારણ કે તેમના જાસૂસોએ તેમને એવી માહિતી આપી હતી કે સિરાજની પાસે કોઈ તોપ નથી.
શરૂઆતના નુકસાન સહન કર્યા પછી ક્લાઇવે તેમના સૈનિકો થોડા પાછા ખેંચી લીધા. બપોરના સુમારે આકાશમાં વાદળો વધુ ઘેરા થવા લાગ્યા, વીજળી ચમકવા લાગી અને યુદ્ધના મેદાનમાં એક મોટું તોફાન આવ્યું. થોડી જ વારમાં સૂકી જમીન કાદવમાં ફેરવાઈ ગઈ.
વિલિયમ ડૅલરિમ્પલ લખે છે, "કંપનીના સૈનિકોએ તેમના ગનપાઉડર અને તોપોને તાડપત્રીથી ઢાંકીને વરસાદથી બચાવી રાખી હતી. વરસાદ શરૂ થયાના દસ મિનિટમાં જ સિરાજની બધી તોપો ભીની થઈને શાંત થઈ ગઈ. કંપનીની તોપો પણ ભીની થઈને બંધ થઈ ગઈ હશે એવું વિચારીને નવાબના સેનાપતિ મીર મદનએ તેમના સૈનિકોને આગળ વધવાનો આદેશ આપ્યો."

ઇમેજ સ્રોત, Getty Images
યુદ્ધનું વર્ણન કરતા ગુલામ હુસૈન ખાન તેમના પુસ્તક 'સૈર મુતાખરીન' માં લખે છે, "તોપના ગોળા ચલાવવામાં બ્રિટિશ સૈનિકોનો કોઈ મુકાબલો નહોતો. તેઓ શિસ્ત અને ગતિ સાથે આગળ વધી રહ્યા હતા."
"તેમણે ગોળીઓ અને તોપોનો એવો ભારે વરસાદ કર્યો કે સિરાજના સૈનિકો આશ્ચર્યથી ત્યાં ઊભા રહીને જોતા રહ્યા. તોપોના અવાજથી તેમના કાન ફાટી ગયા. ગોળીઓથી ઉત્પન્ન થતા પ્રકાશથી તેમની આંખો ચકિત થઈ ગઈ."
સિરાજના ઘણા સૈનિકો માર્યા ગયા. માર્યા ગયેલા સૈનિકોમાં સિરાજની સેનાનો સેનાપતિ મીર મદન પણ હતો. તે પોતાના સૈનિકોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો ત્યારે એક ગોળો તેના પેટમાં વાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
આ જોઈને સિરાજ-ઉદ્દ-દૌલાની સૈન્યમાં નિરાશા ફેલાઈ ગઈ.
તેઓ મીર મદનના મૃતદેહને તંબુનાં લઈ ગયા. બપોર સુધીમાં તેઓ આ તંબુઓ છોડીને ત્યાંથી ભાગવા લાગ્યા.
ક્લાઇવે સિરાજનો પીછો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
આ જ સમયે ક્લાઇવના ડૅપ્યુટી મેજર કિલપેટ્રિક આગળ વધ્યા અને સિરાજના સૈનિકોએ છોડી દીધેલાં સ્થાનો પર કબજો કરવાનું શરૂ કર્યું.
ક્લાઇવે કિલપેટ્રિકને આદેશ વિના આગળ વધવા દેવાની અનુમતિ આપી નહોતી. જ્યારે ક્લાઇવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ગુસ્સાથી કિલપેટ્રિકને સંદેશ મોકલ્યો કે આદેશોનું પાલન ન કરવા બદલ તેની ધરપકડ થશે. પરંતુ કિલપેટ્રિકની આદેશોનું પાલન ન કરવાની જિદ્દ ક્લાઇવને વિજય તરફ દોરી ગઈ.
સિરાજની સેના યુદ્ધભૂમિ છોડીને ભાગી ગઈ. શરૂઆતમાં એવું લાગતું હતું કે તેઓ ફક્ત પીછેહઠ કરી રહ્યા છે પરંતુ થોડી જ વારમાં નાસભાગ મચી ગઈ.
હજુ પણ રાષ્ટ્રીય આર્કાઇવ્સમાં સચવાયેલો પ્રારંભિક અહેવાલમાં ક્લાઇવે લખ્યું હતું કે, "અમે છ માઇલ સુધી દુશ્મનનો પીછો કર્યો. તેઓ 40 તોપો મૂકીને જતા રહ્યા હતા. સિરાજ-ઉદ-દૌલા ઊંટ પર સવાર થઈને ભાગી ગયા અને બીજા દિવસે સવારે મુર્શિદાબાદ પહોંચ્યા."
પ્લાસીના વિજય બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક મોટી લશ્કરી તાકાત બની ઊભરી આવી અને ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો.
ક્લાઇવ યુરોપમાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા
ક્લાઇવ 27 જૂન 1757 ના રોજ મુર્શિદાબાદમાં પ્રવેશવાના હતા પરંતુ જગત શેઠે તેમને ચેતવણી આપી હતી કે તેમની અહીંયા હત્યા થઈ શકે છે. આ કારણે ક્લાઇવ 29 જૂને ત્યાં પહોંચ્યા.
સર પેન્ડ્રલ મૂન લખે છે, "મીર જાફરે ક્લાઇવને ગાદી પર બેસાડ્યા. ક્લાઇવે જાહેરમાં કહ્યું કે કંપની તેમના વહીવટમાં દખલ કરશે નહીં અને ફક્ત વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરશે."
મુર્શિદાબાદના ખજાનામાં માત્ર 1.5 કરોડ રૂપિયા હતા, જે ક્લાઇવની અપેક્ષા કરતાં ઓછા હતા. વિલિયમ ડૅલરિમ્પલે લખ્યું કે, "આ અભિયાનમાં ક્લાઇવને વ્યક્તિગત રીતે 234,000 પાઉન્ડનું ઇનામ મળ્યું. આ ઉપરાંત તેમને એક એવી મિલકત પણ આપવામાં આવી હતી જેનાથી વાર્ષિક 27,000 પાઉન્ડની આવક મળે. 33 વર્ષની ઉંમરે ક્લાઇવ અચાનક યુરોપની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા."
જ્યારે ક્લાઇવ ઇંગ્લૅન્ડ પહોંચ્યા ત્યારે તેમનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું. વિલિયમ પિટ કે જે પાછળથી બ્રિટિશ વડા પ્રધાન બન્યા, તેમણે ક્લાઇવને 'સ્વર્ગમાં જન્મેલા સેનાપતિ' કહીને નવાજ્યા.
1761માં ક્લાઇવ સંસદીય ચૂંટણી લડ્યા અને એમાં જીત મેળવી. બે વર્ષ પછી તેમને 'નાઇટ'નું બિરુદ આપવામાં આવ્યું.
ત્યાર બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિનંતી પર ક્લાઇવને ફરી એકવાર ગવર્નર અને તેમના લશ્કરી દળોના કમાન્ડર બનાવીને કલકત્તા મોકલવામાં આવ્યા. ક્લાઇવ મે, 1765માં કલકત્તા પહોંચ્યો.
ક્લાઇવ સામે તપાસ શરૂ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
1767માં ક્લાઇવે ભારત છોડી દીધું અને ફરી એકવાર ઇંગ્લૅન્ડ તરફ પ્રયાણ કર્યું. ત્યાં 1773માં હાઉસ ઑફ કૉમન્સ દ્વારા તેમની સામે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આરોપસર તપાસ શરૂ કરવામાં આવી હતી.
ક્લાઇવે પોતાના ભાષણમાં ફક્ત તેમની સાથે 'ઘેટાં ચોર'ની જેમ કરાયેલા વર્તન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું, "પ્લાસીના યુદ્ધ પછી એક મોટા રાજકુમાર ખુશી મારા પર નિર્ભર હતી. એક સમૃદ્ધ શહેર મારી દયા પર ચાલી રહ્યું હતું. ત્યાંના શ્રીમંત બૅન્કરો મારું એક સ્મિત મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરતા હતા. સોના અને રત્નોથી ભરેલો ખજાનો મારા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શ્રીમાન અધ્યક્ષ, હું ખુદ મારા પોતાના સંયમથી આશ્ચર્યચકિત છું."

ઇમેજ સ્રોત, Getty Images
ક્લાઇવ બે કલાક સુધી પોતાનો કેસ લડ્યો. અંતે તેમણે પ્રખ્યાત ઉક્તિ કહી, "તમે મારી ધન દોલત લઈ શકો છો પણ કૃપા કરીને મારા સન્માનને બક્ષી દો."
જ્યારે તે રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની આંખો આંસુથી ભરેલી હતી. આખી રાત ચાલેલી કાર્યવાહી બાદ ક્લાઇવ સામેના બધા આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા. તેમના પક્ષમાં 155 મત પડ્યા જ્યારે 95 સભ્યોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું.
ક્લાઇવનો અંત

ઇમેજ સ્રોત, Getty Images
આ તપાસમાંથી ક્લાઇવ નિર્દોષ બહાર આવ્યા પણ તેમને માનસિક શાંતિ ન મળી.
તેમની પાસે પોતાની સંપત્તિનો આનંદ માણવા માટે વધુ સમય વધ્યો ન હતો.
તેમની તબિયત દિવસેને દિવસે બગડતી ગઈ. જેમ જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના દુષ્કૃત્યોના સમાચાર ઇંગ્લૅન્ડ પહોંચ્યા તેમ તેમ ત્યાંની જનતાનો અભિપ્રાય તેમની વિરુદ્ધ થવા લાગ્યો.
22 નવેમ્બર 1774 ના રોજ રૉબર્ટ ક્લાઇવે માત્ર 49 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી.
તેમણે કોઈ સુસાઇડ નોટ પાછળ ના મૂકી. રાતના અંધારામાં તેમને ગુપ્ત રીતે કબરમાં દફનાવવામાં આવ્યા. તેમની કબર પર કોઈ શિલાલેખ લખવામાં ના આવ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












