શંકરન નાયર : જેમણે અંગ્રેજોને કોર્ટમાં પડકારીને જલિયાંવાલા હત્યાકાંડને દુનિયા સામે ખુલ્લો પાડ્યો

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, મેરિલ સેબેસ્ટિયન
- પદ, બીબીસી ન્યૂઝ, કોચી
ભારતને આઝાદી મળી એના બહુ સમય પહેલા બ્રિટિશ સામ્રાજ્યની અંદર એક વિદ્રોહી અવાજે સામ્રાજ્યવાદી નરસંહારને ખુલ્લો પાડવાનું સાહસ કર્યું હતું અને આમ કરવા માટે તેમણે કિંમત પણ ચૂકવવી પડી હતી.
સર ચેત્તુર શંકરન નાયર એક વકીલ હતા. આંગળીના વેઢે ગણાય એવા ભારતીય હતા કે જેમને બ્રિટિશ ભારતમાં ઉચ્ચ સરકારી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હોય.
1919માં અમૃતસરમાં થયેલા જલિયાંવાલા હત્યાકાંડ બાદ વાઇસરૉય પરિષદમાંથી રાજીનામું આપ્યું હતું. જલિયાંવાલા બાગમાં આયોજિત એક સાર્વજનિક સભામાં સેંકડો ભારતીયોને સૈન્યે અંધાધૂંધ ગોળીબાર કરી મારી નાંખ્યા હતા.
આ હત્યાકાંડને 100 વર્ષ થયાં ત્યારે તત્કાલીન બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મેએ આ ત્રાસદીને ભારતમાં બ્રિટનના ઇતિહાસનું એક શરમજનક કલંક ગણાવ્યું હતું.
પંજાબનાં તત્કાલીન લેફ્ટનન્ટ ગર્વનર માઇકલ ઓ' ડાયરની નાયર દ્વારા કરવામાં આવેલી ટીકાના કારણે તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ ચલાવવામાં આવ્યો હતો. આના લીધે આ હત્યાકાંડમાં બ્રિટિશ અધિકારીઓની કાર્યવાહીને પ્રકાશમાં લાવવામાં મદદ મળી હતી.
સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ સચિવ કેપીએસ મેનને નાયરની જીવનકથામાં તેમને એમના સમયની બહુ વિવાદાસ્પદ વ્યક્તિ કહ્યા હતા.
નાયર તેમના સ્વતંત્ર વિચારો અને આત્યંતિક રાજકારણ પ્રત્યેના તેમના અણગમા માટે જાણીતા હતા અને તેમણે ભારતીય સ્વતંત્રતાના નાયક મહાત્મા ગાંધીની પણ ટીકા કરી હતી.
નાયરનાં પુત્રી સરસ્વતી સાથે લગ્ન કરનારા મેનને લખ્યું: "માત્ર (નાયર) જ સર્વશક્તિમાન બ્રિટિશ વાઇસરૉયનું મોઢા પર અપમાન કરી શકે અને મહાત્મા ગાંધીનો ખુલ્લેઆમ વિરોધ કરી શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય વકીલ શંકરન નાયર કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલના સમયમાં નાયર ભારતમાં જાણીતું નામ નહોતું, પરંતુ આ વર્ષની શરૂઆતમાં કોર્ટ કેસ પર આધારિત અક્ષયકુમાર અભિનીત બોલીવૂડ ફિલ્મ કેસરી-2માં તેમના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
નાયરનો જન્મ 1857માં કેરળ રાજ્યના પલક્કડ જિલ્લામાં એક શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમણે મદ્રાસની પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો, કાયદાનો અભ્યાસ કર્યા પહેલાં સ્નાતકની ડિગ્રી મેળવી અને મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ સાથે એપ્રેન્ટિસ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી.
1887માં તેઓ મદ્રાસ પ્રેસિડેન્સીમાં સામાજિક સુધારણા ચળવળમાં જોડાયા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે લગ્ન અને મહિલાઓના અધિકારો અંગેના તે સમયના હિન્દુ કાયદાઓમાં સુધારા કરવા અને જાતિવ્યવસ્થા નાબૂદ કરવા માટે લડત ચલાવી.
કેટલાંક વર્ષો સુધી તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રતિનિધિ હતા અને અમરાવતી ખાતેના 1897ના અધિવેશનના અધ્યક્ષપદે રહ્યા હતા.
તેમના સંબોધનમાં તેમણે બ્રિટિશ સરકારને "જનતાની ભારે ગરીબી માટે નૈતિક રીતે જવાબદાર" ઠેરવી હતી અને કહ્યું હતું કે વાર્ષિક દુકાળોએ "વિશ્વની કોઈ પણ સભ્ય સરકાર કરતાં વધુ પીડિતોનો ભોગ લીધો છે."
વાઇસરૉયની કાઉન્સિલના સભ્ય બનનાર ત્રીજા ભારતીય

ઇમેજ સ્રોત, Getty Images
1899માં તેમને સરકારી વકીલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ પોતાની આત્મકથામાં લખે છે કે એ સમયે છાપાંમાં છપાતા રાજદ્રોહી લેખો અંગે સરકારને સલાહ આપતા. જેમાં તેમના નિકટના મિત્ર અને ધ હિંદુ અખબારના પ્રથમ તંત્રી જી સુબ્રમણિયા અય્યરના લેખો પણ સામેલ હતા.
તેમણે લખ્યું કે "ઘણા પ્રસંગોએ હું તેમને (સરકારને) તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવા સમજાવી શક્યો હતો."
1908માં તેઓ હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા અને ચાર વર્ષ પછી તેમને નાઇટની ઉપાધિ આપવામાં આવી.
1915માં નાયર દિલ્હી ગયા જ્યાં તેમને વાઇસરૉય કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જે આ પદ સંભાળનારા ત્રીજા ભારતીય હતા.
તેઓ ભારતના સ્વ-શાસનના અધિકારના પ્રબળ સમર્થક હતા અને કાઉન્સિલમાં તેમના કાર્યકાળ દરમિયાન બંધારણીય સુધારા માટે દબાણ ઊભુ કર્યું હતું.
1918 અને 1919 દરમિયાન ભારતના તત્કાલીન રાજ્ય સચિવ એડવિન મોન્ટાગુ સાથેના તેમના મતભેદો અને વાટાઘાટે મોન્ટાગુ-ચેમ્સફોર્ડ સુધારાની જોગવાઈઓને વિસ્તૃત કરવામાં મદદ કરી હતી. જેમાં ભારત ધીમે ધીમે સ્વ-શાસન કેવી રીતે પ્રાપ્ત કરશે તેની રૂપરેખા આપવામાં આવી હતી.
મોન્ટાગુએ તેમની ડાયરીમાં લખ્યું હતું કે તેમને ચેતવણી આપવામાં આવી હતી કે "તેમને આપણા પક્ષમાં લેવા અત્યંત જરૂરી છે, કારણ કે શંકરન નાયરનો પ્રભાવ અન્ય કોઈ પણ ભારતીય કરતાં વધુ હતો."
નાયરની રાજકારણી તરીકેની કારકિર્દીમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક જલિયાંવાલા બાગ હત્યાકાંડ હતો. વૈશાખી તહેવારના દિવસે એક જાહેર બગીચામાં સેંકડો નિઃશસ્ત્ર ભારતીયોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
સત્તાવાર અંદાજ મુજબ બ્રિગેડિયર જનરલ આરઈએચ ડાયરના આદેશ હેઠળ સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં લગભગ 400 લોકો માર્યા ગયા હતા અને 1,500થી વધુ ઘાયલ થયા હતા.
જોકે ભારતીય સૂત્રો અનુસાર આ મૃત્યુઆંક 1,000ની નજીક હતો.
જલિયાંવાલા બાગ 'હત્યાકાંડ' પર લોકોનું ધ્યાન ખેંચવાનો હેતુ

ઇમેજ સ્રોત, Getty Images
નાયરે ઓ' ડાયર પર આતંકવાદનો આરોપ લગાવ્યો અને લશ્કરી કાયદો લાગુ કરતાં પહેલાં નાગરિક સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યાચારો માટે તેમને જવાબદાર ઠેરવ્યા.
લંડનમાં કોર્ટ ઑફ કિંગ્સ બેન્ચમાં પાંચ અઠવાડિયાં સુધી ચાલેલી ટ્રાયલે 11:1 બહુમતીથી ઓ' ડાયરની તરફેણમાં ચુકાદો આપ્યો. જેમાં તેમને (નાયર) 500 પાઉન્ડનું વળતર અને 7,000 પાઉન્ડનો દંડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો.
ઓ' ડાયરે માફીના બદલામાં બધું છોડી દેવાની ઑફર કરી, પરંતુ નાયરે ના પાડી અને તેના બદલે પૈસા ચૂકવી દીધા.
સુનાવણી દરમિયાન આપવામાં આવેલાં નિવેદનોના અહેવાલો ધ ટાઇમ્સમાં દરરોજ પ્રકાશિત થતા હતા. નાયરના પરિવારનું કહેવું છે કે આ કેસ હારવા છતાં આના થકી અત્યાચારોને જાહેરમાં લોકોના ધ્યાને લાવવાનો તેમનો હેતુ પૂરો થયો હતો.
નાયરના પ્રપૌત્ર રઘુ પલટે તેમનાં પત્ની પુષ્પા સાથે મળીને "ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર" નામનું પુસ્તક લખ્યું છે. તેઓ કહે છે કે આ કેસથી "સ્વતંત્રતા ચળવળમાં હલચલ મચી ગઈ."
પુષ્પા જણાવે છે કે તે એ પણ દર્શાવે છે કે "જ્યારે બ્રિટિશરો પાસેથી તેમના નાગરિકો સાથે ન્યાયી વર્તનની અપેક્ષા રાખી શકાતી નથી ત્યારે આ સામ્રાજ્ય હેઠળ ડૉમિનિયન દરજ્જો મેળવવાનો કોઈ અર્થ નથી."
ઇતિહાસકાર પીસી રૉય ચૌધરીએ પાછળથી ધ્યાન દોર્યું કે ગાંધીજીએ પણ આ બાબતનો ઘણી વખત ઉલ્લેખ કર્યો હતો અને એક વાર લખ્યું હતું કે નાયરે વિજયની કોઈ આશા વિના પણ લડવાની હિંમત બતાવી હતી.
કેસ હાર્યા પછી નાયરે ભારતમાં પોતાની કારકિર્દી ચાલુ રાખી. તેઓ સાયમન કમિશનની ભારતીય સમિતિના અધ્યક્ષ હતા, જેણે 1928માં ભારતમાં બંધારણીય સુધારાઓની કામગીરીની સમીક્ષા કરી હતી.
તેમનું અવસાન 1934માં 77 વર્ષની વયે થયું હતું.
મેનન લખે છે કે તેમની કારકિર્દી દરમિયાન નાયરે "પોતાના બધા વિચારો અને શક્તિઓ તેમના દેશને વિદેશી પ્રભુત્વ અને સ્થાનિક રિવાજોના બંધનમાંથી મુક્ત કરવા પર કેન્દ્રિત કર્યા હતા. આ કામમાં તેમણે બંધારણીય પદ્ધતિઓ સાથે સંકળાયેલા કોઈ પણ માણસ જેટલી જ સફળતા મેળવી."

ઇમેજ સ્રોત, Raghu Palat
નાયરે 1922માં લખેલા તેમના પુસ્તક "ગાંધી ઍન્ડ એનાર્કી"માં પંજાબમાં બની રહેલી ઘટનાઓ વિશે લખ્યું હતું.
જલિયાંવાલા બાગમાં ગોળીબાર એ પંજાબ પ્રાંતમાં કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીનો ભાગ હતો. જ્યાં લશ્કરી કાયદો લાદવામાં આવ્યો હતો અને આ વિસ્તાર દેશના બાકીના ભાગથી કાપી નાખવામાં આવ્યો હતો. અહીં કોઈ પણ અખબારોને આવવાની મંજૂરી નહોતી.
તેમણે લખ્યું, "જો દેશ પર શાસન કરવા માટે જલિયાંવાલા બાગની જેમ નિર્દોષ લોકોનો નરસંહાર કરવો જરૂરી હોય અને કોઈ પણ સિવિલ અધિકારી ગમે ત્યારે સેના બોલાવી શકે અને બંને મળીને જલિયાંવાલા બાગની જેમ લોકોનો નરસંહાર કરી શકે તો આ દેશ રહેવા લાયક નથી."
એક મહિના પછી તેમણે કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું અને બ્રિટન ગયા. જ્યાં તેમની નેમ હત્યાકાંડ પર જાહેર અભિપ્રાય આપવાની હતી.
તેમનાં સંસ્મરણોમાં નાયર વેસ્ટમિન્સ્ટર ગૅઝેટના સંપાદક સાથેની વાતચીત અંગે લખે છે, જેમાં અમૃતસર હત્યાકાંડ નામનો લેખ પ્રકાશિત કર્યો હતો. ધ ટાઇમ્સ સહિત અન્ય અખબારોએ પણ આવું જ કર્યું.
નાયરે લખ્યું કે "બ્રિટિશ શાસન દરમિયાન આનાથી પણ ખરાબ ઘટનાઓ બની હતી, પરંતુ મને ખુશી છે કે ઓછામાં ઓછી આ ઘટના અંગે હું જાહેર અભિપ્રાય ઊભો કરી શક્યો."
નાયરના પુસ્તક "ગાંધી ઍન્ડ એનાર્કી"થી તે સમયના ઘણા ભારતીય રાષ્ટ્રવાદીઓ ગુસ્સે ભરાયા હતા, કારણ કે તેમણે ગાંધીજીના અસહકાર આંદોલનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે "જ્યારે બંધારણીય પદ્ધતિઓ આપણા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય ત્યારે ઉપયોગમાં લેવાય એવું આ શસ્ત્ર છે."
પરંતુ પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર સર માઇકલ ઓ' ડાયરની નિંદા કરતા કેટલાક ફકરા 1924માં તેમની સામે બદનક્ષીના દાવાનો આધાર બન્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ પ્રકાશન












