અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા અને ઇમરજન્સી લાગુ થયાના વચગાળામાં કૉંગ્રેસમાં શું ચાલતું હતું?

ઇન્દિરા ગાંધી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1971ના યુદ્ધ પછી દેશમાં ઇંદિરા ગાંધીની લોકપ્રિયતા શિખરે હતી, પરંતુ ત્યાર પછીનાં ત્રણ વરસોમાં તે ઢાળ પર હતી
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

જો ઇંદિરા ગાંધી વિરુદ્ધનો અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો એવા સમયે આવ્યો હોત, જ્યારે તેમની લોકપ્રિયતા શિખર પર હતી, એટલે કે, બાંગ્લાદેશના યુદ્ધ પછી તરત જ, તો પરિસ્થિતિ બિલકુલ અલગ હોત.

પરંતુ, 1971 પછીનાં ત્રણ વરસોમાં દેશનો મૂડ સંપૂર્ણ બદલાઈ ગયો હતો.

અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી ખૂબ ઓછા લોકો એવા હતા જેઓ જાહેરમાં ઇંદિરા ગાંધીના પક્ષમાં ઊભા રહેવા તૈયાર હતા.

એક પ્રખ્યાત બ્રિટિશ પત્રકાર જેમ્સ કૅમરને ટિપ્પણી કરી હતી, "આ તો એવું થયું કે સરકારના પ્રમુખને ખોટી જગ્યાએ ગાડી પાર્ક કરવા બદલ રાજીનામું આપવાનું કહેવામાં આવે."

12 જૂન 1975એ અલાહાબાદ હાઈકોર્ટે ઇંદિરા ગાંધીની ચૂંટણી રદ કરી દીધી હતી.

અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યા પછી તરત જ, તેમના મંત્રીમંડળના સભ્યો તેમના નિવાસ 1, સફદરજંગ રોડ આવવા લાગ્યા હતા, પરંતુ ઇંદિરા ગાંધી તે સમયે થોડાક જ લોકોને સાંભળી રહ્યાં હતાં.

જાણીતા પત્રકાર ઇંદર મલ્હોત્રાએ પોતાના પુસ્તક 'ઇંદિરા ગાંધી અ પર્સનલ ઍન્ડ પૉલિટિકલ બાયોગ્રાફી'માં લખ્યું હતું, "12 જૂન 1975એ એક સમય એવો આવ્યો, જ્યારે ઇંદિરા ગાંધીએ રાજીનામું આપવાનું નક્કી કરી નાખ્યું હતું. તેઓ પોતાની જગ્યાએ સ્વર્ણસિંહને વડા પ્રધાન બનાવવાનું વિચારી રહ્યાં હતાં."

"તેઓ વિચારતાં હતાં કે સુપ્રીમ કોર્ટમાં તેમની અપીલ સ્વીકારાઈ ગયા અને તેમની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત થયા પછી તેઓ ફરીથી વડાં પ્રધાન બની જશે. પરંતુ, વરિષ્ઠ મંત્રી જગજીવનરામ એવા સંકેત આપવા લાગ્યા કે તેઓ ઇંદિરાના નેતૃત્વમાં રાજીખુશીથી કામ કરવા તૈયાર છે, પરંતુ જો તેમણે કામચલાઉ ધોરણે પણ સ્વર્ણસિંહને વડા પ્રધાન બનાવવાનું વિચાર્યું, તો તેઓ વરિષ્ઠતાના આધારે પોતાનો દાવો રજૂ કરશે."

ઇંદિરાએ રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય બદલ્યો

અલ્હાબાદ હાઈકોર્ટ, ઇંદિરા ગાંધી, અલાહાબાદ હાઇકોર્ટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1975માં અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાએ ઇંદિરા ગાંધીની ચૂંટણી રદ કરી દીધી હતી

ઇંદિરા ગાંધીની ધારણા હતી કે જો તેઓ સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદા પહેલાં રાજીનામું આપી દે, તો તેની જનતા પર સકારાત્મક અસર પડશે અને જો સુપ્રીમ કોર્ટ તેમના પક્ષમાં ચુકાદો સંભળાવે, તો કદાચ ફરીથી સત્તામાં પણ આવી શકે છે.

ઇંદિરા ગાંધીના સચિવ રહેલા પીએન ધરે પોતાના પુસ્તક 'ઇંદિરા ગાંધી, ધ ઇમરજન્સી ઍન્ડ ઇન્ડિયન ડેમૉક્રસી'માં લખ્યું છે, "એ વાતની શક્યતાનો ઇનકાર કરી શકાય એમ નહોતો કે, જો વિપક્ષી નેતાઓ, ખાસ કરીને જેપીએ રાજીનામાનો નિર્ણય લેવાનું માત્ર તેમના પર છોડ્યું હોત તો, તેઓ કદાચ રાજીનામું જ આપી દેત. પરંતુ, તેઓ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માગતા હતા અને દુનિયાને એ બતાવવા માગતા હતા કે તેમણે ઇંદિરા ગાંધીને રાજીનામું આપવા માટે મજબૂર કર્યાં છે."

"પોતાનાં બધાં જાહેર નિવેદનોમાં તેમણે ઇંદિરા ગાંધીને નિર્દયતાપૂર્વક નીચાં દેખાડવાની કોશિશ કરી. અંગત દુશ્મનીના આ પ્રદર્શને ઇંદિરાની લડી લેવાની વૃત્તિને ઉશ્કેરી અને તેમના આ નિર્ણયને બળ મળ્યું કે તેમણે કોઈ પણ કિંમતે પોતાનો બચાવ કરવાનો છે."

કૉંગ્રેસના મોટા નેતાઓ ઇંદિરાનું રાજીનામું ઇચ્છતા હતા

ઇંદિરા ગાંધી, જયપ્રકાશ નારાયણ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધી વિરુદ્ધ આંદોલન કરનારા જયપ્રકાશ નારાયણ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આમ તો, કૉંગ્રેસના દરેક મોટા નેતા બાહ્ય રીતે તો ઇંદિરા માટેની પોતાની વફાદારી દેખાડતા હતા, પરંતુ, દરેકનું એવું અનુમાન પણ હતું કે વડા પ્રધાનનું પદ તેમની પહોંચમાં છે.

કૂમી કપૂર પોતાના પુસ્તક 'ધ ઇમરજન્સી, અ પર્સનલ હિસ્ટરી'માં લખે છે, "સાર્વજનિક રીતે ઇંદિરાને સમર્થન આપ્યા છતાં ઘણા બધા કૉંગ્રેસી નેતા અંદરોઅંદર ગુસપુસ કરતા હતા કે ઇંદિરાએ રાજીનામું આપી દેવું જોઈએ. આવો વિચાર ધરાવનારાઓમાં જગજીવનરામ, કર્ણસિંહ, આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વેંગલ રાવ અને કર્ણાટકના મુખ્ય મંત્રી દેવરાજ અર્સ સામેલ હતા. પરંતુ આમાંના કોઈનામાં હિંમત નહોતી કે તેઓ આ વાત ઇંદિરાને સીધી કહી શકે."

કર્ણસિંહે આ બાબતમાં પરોક્ષ રીતે ઇંદિરાને જરૂર સલાહ આપી હતી.

નીરજા ચૌધરી પોતાના પુસ્તક 'હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ"માં લખે છે કે, ઇંદિરા ગાંધીની કૅબિનેટમાં આરોગ્યમંત્રી રહેલા કર્ણસિંહે તેમને જણાવ્યું હતું કે આ મામલે તેમણે ઇંદિરા ગાંધીને સૂચન કર્યું હતું.

કર્ણસિંહે ઇંદિરા ગાંધીને કહ્યું, "સારો વિચાર છે કે તમે તમારું રાજીનામું રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદને મોકલી આપો. તેઓ તમારા રાજીનામાનો અસ્વીકાર કરી દે અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો ન આવી જાય, ત્યાં સુધી તમને પોતાના પદ પર રહેવાનું કહી દે."

તે સમયે ઇંદિરા ગાંધીએ આ પ્રસ્તાવ અંગે પોતાનો કશો પ્રતિસાદ નહોતો આપ્યો, પરંતુ કર્ણસિંહે નીરજા ચૌધરીને જણાવ્યું, "મને ખબર પડી ગઈ હતી કે ઇંદિરા ગાંધીને આ વાત ગમી નથી."

સંજય ગાંધી ઇંદિરાના રાજીનામાની વિરુદ્ધ હતા

ઇંદિરાના નાના પુત્ર સંજય ગાંધી, તેમના સહાયક અંગત સચિવ આરકે ધવન અને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ ઇંદિરાના રાજીનામાની વિરુદ્ધ હતા.

પુપલ જયકર ઇંદિરા ગાંધીના જીવનચરિત્રમાં લખે છે, "જ્યારે સંજય ગાંધીને ઇંદિરા ગાંધીની રાજીનામું આપવાની ઇચ્છા વિશે ખબર પડી ત્યારે તેમણે તેમને અલગ રૂમમાં લઈ જઈને કહ્યું કે તેઓ તેમને એવું નહીં કરવા દે."

"સંજયને દેવકાંત બરુઆના એ સૂચન પર પણ ખૂબ ગુસ્સો આવ્યો કે ઇંદિરા ગાંધી તેમનું અધ્યક્ષનું પદ લઈ લે અને બરુઆ સુપ્રીમ કોર્ટમાં અપીલનો નિર્ણય આવ્યા સુધી થોડા સમય માટે વડા પ્રધાનનું પદ સંભાળી લે. સંજયે ઇંદિરાને કહ્યું કે દરેક જણ નિષ્ઠાનો દેખાડો કરી રહ્યા છે. હકીકતમાં, દરેક વ્યક્તિ શક્તિની પાછળ દોડી રહ્યા છે."

ઇંદિરાનો વિકલ્પ શોધવા માટે કૉંગ્રેસમાં મંથન

ઇમરજન્સી, કૉંગ્રેસ અધ્યક્ષ, દેવકાંત બરુઆ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, INC

ઇમેજ કૅપ્શન, ઇમરજન્સી દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રહેલા દેવકાંત બરુઆ

ઇમરજન્સી જાહેર કરવા પાછળ ઇંદિરા ગાંધીની અસુરક્ષાની ભાવનાની ખૂબ મોટી ભૂમિકા હતી.

તેની પાછળ અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો અને જયપ્રકાશ નારાયણના આંદોલનની ભૂમિકા તો હતી જ, ઇંદિરા ગાંધીને એ વાતની પણ ચિંતા હતી કે તેમની પોતાની પાર્ટીના લોકો પીઠ પાછળ તેમને સત્તા પરથી હટાવવાનું ષડ્‌યંત્ર રચતા હતા.

કુલદીપ નૈયરે પોતાના પુસ્તક 'ધ જજમેન્ટ'માં લખ્યું હતું, "લગભગ સો કરતાં વધારે કૉંગ્રેસી ઇંદિરાને હટાવવાની ઝુંબેશમાં હતા. એટલે સુધી કે તેમના સૌથી મોટા સમર્થક હોવાનો દાવો કરનારા દેવકાંત બરુઆ કૉંગ્રેસના નેતા ચંદ્રજિત યાદવના ઘરે મળેલી બેઠકમાં ઇંદિરાનો સાથ છોડવા વિશે વિચારી રહ્યા હતા. આ બેઠકમાં હાજર રહેલા કેટલાક કૅબિનેટ મંત્રીઓમાં એ વિશે એકમત નહોતો કે તેમની જગ્યાએ સૌથી વરિષ્ઠ જગજીવનરામને વડા પ્રધાન બનાવવામાં આવે કે 1952થી કેન્દ્રીય મંત્રી રહેલા સ્વર્ણસિંહને."

એક તરફ બરુઆ અને યાદવ રાત્રે ઇંદિરા ગાંધી વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરતા હતા, તો બીજી તરફ, યુવા નેતા કહેવાતા ચંદ્રશેખર, કૃષ્ણકાંત અને મોહન ધારિયા ખુલ્લેઆમ પ્રેસ અને જનતા સામે ઇંદિરા ગાંધી વિરુદ્ધ ઊભા થઈ ગયા હતા.

ક્રિસ્તોફ જાફ્રલો અને પ્રતિનવ અનિલ પોતાના પુસ્તક 'ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપ, ધ ઇમરજન્સી 1975-77'માં લખે છે, "આ નેતાઓની દલીલ હતી કે પાર્ટીને બચાવવી એ વડાં પ્રધાનની કરિયર કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. ફેબ્રુઆરી 1976માં થનારી ચૂંટણીમાં કૉંગ્રેસ એવા વડા પ્રધાનના નેતૃત્વમાં ચૂંટણી ન લડી શકે જેમની સામે તપાસ ચાલી રહી હોય. કૃષ્ણકાંત તો એટલે સુધી માનતા હતા કે જો કૉંગ્રેસ ઇંદિરા ગાંધીના રક્ષણમાં સામે આવે, તો દેશ ક્રાંતિ તરફ આગળ વધી જશે. તેઓ તો ડૂબશે જ, તેમની સાથે પાર્ટી પણ ડૂબી જશે."

ઇંદિરાને વિપક્ષ કરતાં વધારે પોતાની પાર્ટીમાં બળવાની ચિંતા

ક્રિસ્તોફ જાફ્રલો, ઇંડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપ, ધ ઇમરજન્સી 1975-77', બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, HARPER COLLINS

ઇમેજ કૅપ્શન, ક્રિસ્તોફ જાફ્રલો અને પ્રતિનવ અનિલનું પુસ્તક 'ઇંડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપ, ધ ઇમરજન્સી 1975-77'

બીજી તરફ, જગજીવનરામ ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી હેમવતી નંદન બહુગુણા અને કૃષ્ણકાંત સાથે સતત સંપર્કમાં હતા. આ બંને ઇંદિરા ગાંધીના વિરોધના સમર્થનમાં હતાં.

ઇંદિરાના સમર્થક યશવંતરાવ ચવ્હાણ મોહન ધારિયાને પાર્ટીમાં એકતા જાળવી રાખવાની અપીલ કરતા રહેતા.

ક્રિસ્તોફ જાફ્રલો અને પ્રતિનવ અનિલ લખે છે, "એવું લાગે છે કે 12થી 18 જૂન વચ્ચે કૉંગ્રેસ સાંસદો વચ્ચે જગજીવનરામનું સમર્થન વધતું જતું હતું. કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અમૃત ડાંગે અને કૉંગ્રેસના ડાબેરી નેતા કેડી માલવીય તેમના માટે સમર્થન મેળવવાની ઝુંબેશમાં કૂદી પડ્યા હતા."

પ્રખ્યાત પત્રકાર નિખિલ ચક્રવર્તીનું માનવું હતું કે, "ઇંદિરા ગાંધીને પોતાના દુશ્મનો કરતાં વધુ તો પોતાની પાર્ટીના લોકોની ચિંતા વધારે સતાવતી હતી."

બીજું કે, તેમના બહારના વિરોધીઓને પણ લાગવા માંડ્યું હતું કે આ સમયે ઇંદિરા ગાંધીથી વધારે અસુરક્ષિત બીજું કોઈ નથી.

ઓરિયાના ફલાચીએ 'ન્યૂ રિપબ્લિક'ના 9 ઑગસ્ટ 1975ના અંકમાં 'મિસિસ ગાંધીઝ અપોઝિશન, મોરારજી દેસાઈ' શીર્ષકવાળા લેખમાં મોરારજી દેસાઈને એવું કહેતા બતાવ્યા હતા કે, "અમારો ઇરાદો તેમને રાજીનામું આપવા મજબૂર કરવાનો છે. ઇંદિરા ગાંધીના કારણે હવે મને એ વાતનો પાક્કો વિશ્વાસ થઈ ગયો છે કે મહિલાઓ દેશનું નેતૃત્વ ન કરી શકે. આ મહિલા અમારા આ આંદોલનનો સામનો નહીં કરી શકે."

ઇંદિરા અને જગજીવનરામ વચ્ચે મનદુઃખનો જૂનો ઇતિહાસ

જગજીવનરામ, ઇંદિરા ગાંધી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જગજીવનરામ ઇંદિરા કૅબિનેટમાં સુરક્ષામંત્રી હતા

કૉંગ્રેસના યુવા નેતાઓ પાસે ઇંદિરા ગાંધીનો વિરોધ કરવાનાં અંગત કારણ હતાં. ત્રણ મહિના પહેલાં ઇંદિરા ગાંધીએ મોહન ધારિયાને એવું સૂચન કરવા બદલ પોતાના મંત્રીમંડળમાંથી બરતરફ કરી દીધા હતા કે કૉંગ્રેસે જયપ્રકાશ નારાયણ સાથે વાતચીત કરવી જોઈએ.

ઇંદિરા ગાંધીનો વિરોધ હોવા છતાં ચંદ્રશેખર 1972માં કૉંગ્રેસ કાર્યસમિતિના સભ્ય બની ગયા હતા.

ક્રિસ્તોફ જાફ્રલો અને પ્રતિનવ અનિલ લખે છે, "જગજીવનરામનું એમ કહેવું કે સુપ્રીમ કોર્ટ ઇંદિરા ગાંધીના પક્ષમાં નિર્ણય આપશે, એક ખોટું આશ્વાસન હતું; કેમ કે, તેઓ પોતે વડા પ્રધાનનું પદ મેળવવાની તાકમાં હતા. એ વાત કોઈનાથી છાની નહોતી કે ઇંદિરા અને જગજીવનરામ વચ્ચે મનદુઃખનો જૂનો ઇતિહાસ રહ્યો હતો."

ઇન્ટેલિજન્સ બ્યૂરોનો ચિંતાજનક રિપોર્ટ

ઇન્ટેલિજન્સ બ્યૂરોએ ઇંદિરા ગાંધીને જણાવ્યું હતું કે તેમને કૉંગ્રેસના 350 સાંસદોમાંથી ફક્ત 191 સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે.

ઇંદિરા ગાંધીના સચિવ રહેલા પીએન ધરે શાહ પંચને જુબાની આપતાં કહેલું કે, "ઇન્ટેલિજન્સ બ્યૂરોના તત્કાલીન ડાયરેક્ટર આત્મ જયરામે તેમને જણાવ્યું હતું કે બાકીના 156 સાંસદ પાર્ટીના ક્ષત્રપોના સમર્થક છે.

યુવા નેતાઓની પાસે 24 સાંસદ, યશવંતરાય ચવ્હાણ પાસે 17, જગજીવનરામ પાસે 13, બ્રહ્માનંદ રેડ્ડી પાસે 11, કમલાપતિ ત્રિપાઠી પાસે 8, હેમવતી નંદન બહુગુણા પાસે 5, ડીપી મિશ્રા પાસે 4 અને શ્યામાચરણ શુક્લા પાસે 3 સાંસદ છે. તે સિવાય 15 અન્ય સાંસદ અંગત, રાજકીય અને અન્ય કારણોસર તેમના વિરોધી છે" (શાહ કમિશન પેપર્સ, સબ્જેક્ટ ફાઇલ 1, પેજ 25-26).

ઇંદિરા ગાંધી બે બાજુના સંકટ સામે ઝઝૂમી રહ્યાં હતાં. ક્રિસ્તોફ જાફ્રલો અને પ્રતિનવ અનિલ લખે છે, "એક તો તેમની પાસે સંસદમાં બંધારણીય સુધારા માટે જરૂરી બહુમત નહોતો. બીજું, એ વાતની ખૂબ સંભાવના હતી કે જો ઇંદિરા ગાંધીના સમર્થકોની સંખ્યા 191થી ઘટીને 175 કે તેનાથી ઓછી થઈ જાય, તો એવી શક્યતાનો ઇનકાર ન કરી શકાય કે કૉંગ્રેસ સાંસદ કોઈ નૈતિક શક્તિશાળી અજાણ્યા નેતાના નેતૃત્વમાં તેમનો સાથ છોડી શકે છે."

સમય પલટાયો

પુપુલ જયકર, ઇંદિરા ગાંધી, જીવનચરિત્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, PENGUINE

ઇમેજ કૅપ્શન, પુપુલ જયકરે ઇંદિરા ગાંધીનું લખેલું જીવનચરિત્ર

પરંતુ, 18 જૂન આવતાં પહેલાં ઇંદિરા ગાંધીના પક્ષમાં વલણો બદલાવાનું શરૂ થઈ ગયું હતું. તેનું કારણ એ હતું કે ત્યાં સુધી ચૂપચાપ તમાશો જોઈ રહેલા યશવંતરાવ ચવ્હાણ અને સ્વર્ણસિંહ તેમના પક્ષમાં આવી ગયા હતા.

ત્યાં સુધી જગજીવનરામને પણ અંદાજ આવી ગયો હતો કે તેમની સામે ખૂબ મોટો પડકાર છે.

એક બાજુ, દિલ્હીમાં ખાલી થનારા સંભવિત પદના અનેક દાવેદાર હતા અને બીજી બાજુ, તેમની હરીફાઈ ઇંદિરા ગાંધી સામે હતી, જેઓ દિલ્હીમાં ભલે નબળાં દેખાતાં હોય, પરંતુ પાર્ટીના સંગઠન પર તેમની પકડ નબળી નહોતી પડી.

કૉંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ઇંદિરાના નેતૃત્વ પર વિશ્વાસ

ઉમા વાસુદેવે ઇંદિરા ગાંધીના જીવનચરિત્ર 'ટૂ ફેસિસ ઑફ ઇંદિરા ગાંધી'માં લખ્યું હતું, "જગજીવનરામને એ અનુભૂતિ થઈ ગઈ હતી કે જો તેઓ નેતૃત્વની દોડમાં સામેલ થશે તો તેઓ એક મોટા સંકટને આમંત્રણ આપશે. એવું પણ બની શકે કે પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ થાય; જેના માટે તેઓ તૈયાર નહોતા."

જ્યારે ઇંદિરા ગાંધી જગજીવનરામ તરફથી મળનારા પડકાર અંગે નિશ્ચિંત થઈ ગયાં ત્યારે તેમણે સિદ્ધાર્થ શંકર રે અને આંધ્ર પ્રદેશના રાજ્યસભા સાંસદ વીબી રાજુને તેમના નેતૃત્વમાં વિશ્વાસ બતાવવા માટે કૉંગ્રેસ સંસદીય દળની બેઠક બોલાવવાનું કહ્યું.

18 જૂને મળેલી આ બેઠકમાં કૉંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના કુલ 518 સાંસદ આવ્યા. તેમણે ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ જાહેર કર્યો અને કહ્યું કે ઇંદિરાનું નેતૃત્વ દેશ માટે અનિવાર્ય છે.

કૉંગ્રેસના યુવાન નેતા, જેમને શરૂઆતમાં લગભગ 70 કૉંગ્રેસ સભ્યોનું સમર્થન પ્રાપ્ત હતું, પાર્ટીમાં પોતાનું સમર્થન ગુમાવતા ગયા. જ્યારે ચંદ્રશેખરે જયપ્રકાશ નારાયણના સન્માનમાં એક સંમેલન રાખ્યું ત્યારે તેમાં માંડ 20-25 કૉંગ્રેસીઓ જ ગયા.

ઓડિશાનાં મુખ્ય મંત્રી નંદિની સત્પથી તો શરૂઆતમાં વિદ્રોહીઓની સાથે હતાં, પરંતુ 18 જૂન આવતાં પહેલાં ઇંદિરા ગાંધીની સાથે આવી ગયાં. ત્યાર પછીના થોડા દિવસોમાં ઇંદિરા ગાંધીના સમર્થનમાં પોતાનું નામ નોંધાવવા કૉંગ્રેસના નેતાઓ, કૅબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને મુખ્ય મંત્રીઓની લાઇન લાગી ગઈ.

પરંતુ ઇંદિરા ગાંધીને એવો આભાસ થઈ ગયો હતો કે કૉંગ્રેસ નેતાઓમાં તેમને સંપૂર્ણ સમર્થન નથી. આ વિચારે કટોકટી જાહેર કરવાના તેમના નિર્ણયને વધુ બળ આપ્યું.

ઇંદિરાએ ઇમરજન્સી હટાવવાનો વિચાર બદલ્યો

એવા સંકેત મળે છે કે, ઑગસ્ટ 1975 સુધીમાં ઇંદિરા ગાંધી ઇમરજન્સીમાં કેટલીક છૂટ આપવા કે તેને સંપૂર્ણ હટાવવાનો વિચાર કરતાં હતાં.

તેનાં કારણ પણ હતાં. વરસાદ સારો થયો હતો, ફુગાવા અને બેરોજગારીનો દર ઘટી ગયો હતો, વિપક્ષ સંપૂર્ણ રીતે નબળો પડી ગયો હતો અને આગામી છ-સાત મહિનામાં લોકસભાની ચૂંટણી થવાની હતી.

પુપુલ જયકર લખે છે, "ઇંદિરા ગાંધી ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધે તેમાં તેની જાહેરાત કરવાનાં હતાં; પરંતુ ૧૫ ઑગસ્ટની સવારે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું તેણે ભારતનું રાજકીય સમીકરણ બદલી નાખ્યું."

ઇંદિરા ગાંધી માટે શેખ મુજીબની હત્યા ચોંકાવનારી, અકલ્પનીય ઘટના હતી. તેમણે લાલ કિલ્લા પર ભાષણ આપવા જતાં પહેલાં પોતાની મિત્ર પુપુલ જયકરને કહ્યું, "હું કોના પર વિશ્વાસ કરું? બાંગ્લાદેશમાં થયેલી હત્યાઓએ તેમને પોતાની સુરક્ષા અંગે વિચારવા માટે મજબૂર કરી દીધાં."

ઇંદિરાને જીવનું જોખમ

પુપુલ જયકર, ઇંદિરા ગાંધી, જીવનચરિત્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

19 ઑગસ્ટ 1975એ તેમણે વિપક્ષી નેતા એનજી ગોરેને લખેલા પત્રમાં બાંગ્લાદેશમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું, "એવા સમયે, જ્યારે તેમના જીવ પરનું જોખમ વધી ગયું છે, ઇમરજન્સી ચાલુ રાખવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી."

કુલદીપ નૈયર પોતાના પુસ્તક 'ધ જજમેન્ટ'માં લખે છે, "શેખ મુજબની હત્યાના એક અઠવાડિયા પહેલાં સેનાના એક કૅપ્ટન ધજારામ સાંગવાનને એક ટેલિસ્કોપિક બંદૂક સાથે પકડવામાં આવ્યા હતા, જેમનો ઇરાદો 'ધ ડે ઑફ જૅકલ'ની રીતે ઇંદિરા ગાંધીની હત્યા કરવાનો હતો."

એ જ વર્ષે 18 માર્ચે ઇમરજન્સીના ત્રણ મહિના પહેલાં 12 બોરની બંદૂક સાથેના એક વ્યક્તિની અલાહાબાદ હાઈ કોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં ઇંદિરા ગાંધીએ જુબાની આપવા આવવાનું હતું.

આમ, ઇમરજન્સી લાગુ કરવા પાછળ ઇંદિરા ગાંધીના નેતૃત્વને મળનારા પડકારો, જેમાં કૉંગ્રેસમાં ચાલી રહેલી જૂથબંધી, અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો, જેપી આંદોલન અને ઇંદિરા ગાંધીના જીવન પર જોખમ જેવાં કારણ સૌથી મહત્ત્વપૂર્ણ હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન