એ 'ખૂનીઓનું શહેર' જ્યાં સેંકડો પુરુષોની તેમની જ પત્નીઓએ હત્યા કરી નાખી, શું હતું કારણ?

બીબીસી ગુજરાતી હંગેરી મહિલા પુરુષ હત્યા આર્સેનિક સુઝસાના ફાઝકાસ અપરાધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શરૂઆતમાં 20 મહિલાઓ પર પોતાના પતિઓને ઝેર આપવાનો કેસ ચલાવાયો હતો (ફાઈલ ફોટો)

14 ડિસેમ્બર 1929ના રોજ અમેરિકાના અખબાર 'ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ'માં એક એવો અહેવાલ છપાયો જેણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઘણા દૂર આવેલા યુરોપિયન દેશ હંગેરીના લોકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા.

આ અહેવાલ પ્રમાણે લગભગ 50 મહિલાઓ સામે એક કેસ શરૂ થયો હતો.

આ તમામ મહિલાઓ પર આરોપ હતો કે તેમણે હંગેરીના એક ગામમાં રહેતા મોટા ભાગના પુરુષોને ઝેર આપીને મારી નાખ્યા છે.

આ રિપોર્ટ બહુ નાનો હતો, પરંતુ તેમાં ઘણી માહિતી હતી.

તેમાં જણાવાયું હતું કે 1911થી 1929 વચ્ચે હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી લગભગ 130 કિમી દૂર નાગ્યરેવ વિસ્તારમાં કેટલીક મહિલાઓએ 50થી વધુ પુરુષોને ઝેર આપી દીધું હતું.

આ મહિલાઓને 'ફરિશ્તા બનાવનાર' (એન્જલ મેકર્સ) તરીકે ઓળખવામાં આવતી. તેમણે પુરુષોને આર્સેનિકયુક્ત દ્રાવણ આપીને મારી નાખ્યા હતા.

ઘણાં વર્ષો પછી તપાસ થઈ

બીબીસી ગુજરાતી હંગેરી મહિલા પુરુષ હત્યા આર્સેનિક સુઝસાના ફાઝકાસ અપરાધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાઓ ઝેર વિશે ગામમાં હાજર દાયણ પાસેથી સલાહ લેતી હતી (ફાઇલ ફોટો)

કેટલાક લોકો આ ઘટનાને આધુનિક ઇતિહાસમાં મહિલાઓના હાથે પુરુષોની સૌથી મોટી સામૂહિક હત્યા ગણાવે છે.

એ પછી મહિલાઓ પર કેસ ચાલ્યા જેમાં સુઝસાના ફાઝકાસ નામનાં મહિલાનું નામ આવ્યું. તેઓ આ ગામમાં દાયણ (સુયાણી) તરીકે કામ કરતાં હતા.

તે વખતે આ ગામ ઑસ્ટ્રો-હંગેરીયન સામ્રાજ્ય હેઠળ હતું અને ત્યાં કોઈ સ્થાનિક ડૉક્ટર ન હતા. તેથી લોકો દાયણ પાસેથી દવા લેતા હતા.

વર્ષ 2024માં બીબીસીના એક રેડિયો ડૉક્યુમેન્ટરી પ્રોગ્રામમાં ગામનાં રહેવાસી મારિયા ગુનયાએ કહ્યું કે ફાઝકાસને એટલા માટે ઝેર આપનાર મુખ્ય આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યાં, કારણ કે ગામની મહિલાઓ પોતાની વ્યક્તિગત સમસ્યાઓ વિશે તેમની સાથે ખૂલીને વાત કરતી હતી.

ગુનયાએ કહ્યું કે ફાઝકાસે મહિલાઓને સમજાવ્યું કે તેમને પોતાના પતિઓથી કોઈ પરેશાની હોય તો તેઓ તેનો એક આસાન ઉકેલ આપી શકે છે.

સુઝસાના ફાઝકાસને સામૂહિક હત્યાઓ માટે મુખ્ય આરોપી ઠરાવાયાં હતાં, પરંતુ આ કેસના દસ્તાવેજો પ્રમાણે ગામની મહિલાઓએ જે નિવેદનો આપ્યાં, તેમાં પુરુષો દ્વારા દુર્વ્યવહાર, રેપ અને હિંસાની પીડાદાયક વાતો પણ બહાર આવી હતી.

પરંતુ આ કહાણી ઘણાં વર્ષો સુધી દબાયેલી રહી. પોલીસ રિપોર્ટ્સ પ્રમાણે શરૂઆતની હત્યાઓ 1911માં થઈ, પરંતુ 1929 સુધી તેની તપાસ શરૂ થઈ ન હતી.

આખરે આ હત્યાઓ વિશે કેવી રીતે ખબર પડી?

પ્રારંભિક ઘટનાઓ

બીબીસી ગુજરાતી હંગેરી મહિલા પુરુષ હત્યા આર્સેનિક સુઝસાના ફાઝકાસ અપરાધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના પતન દરમિયાન આ ઘટનાઓ બની હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુઝસાના ફાઝકાસ 1911માં નાગ્યરેવ ગામમાં આવ્યાં હતાં.

ગુનયા અને બીજા સાક્ષીઓના કહેવા પ્રમાણે તેઓ બે કારણોને લીધે બધાની નજરે ચઢી ગયાં. એક, દાયણ તરીકે કામ કરવાની સાથે સાથે તેમને દવાઓનું જ્ઞાન હતું. તેમના કેટલાક નુસખામાં રસાયણો વપરાતા હતા અને આ વિસ્તારમાં આ અસાધારણ વાત હતી.

બીજું, તેમના પતિનો કોઈ પત્તો ન હતો.

ગુનયાના કહેવા મુજબ "નાગ્યરેવમાં કોઈ પાદરી કે ડૉક્ટર ન હતા. તેથી ફાઝકાસની જાણકારીના કારણે લોકો તેમની પાસે ગયા અને તેમના પર ભરોસો મૂકવા લાગ્યા."

તેમણે કહ્યું કે મહિલાઓ સાથે બનેલી ઘણી ઘટનાઓનાં તેઓ સાક્ષી બન્યાં, જેમ કે પુરુષો દ્વારા પોતાનાં પત્નીને મારવામાં આવે, રેપ અથવા તેમની સાથે બેવફાઈ કરવામાં આવે.

તેથી સુઝસાના ફાઝકાસે એક એવું કામ કર્યું જે તે જમાનામાં પ્રતિબંધિત હતું. તેમણે ગર્ભપાત કરાવવાનું શરૂ કર્યું. તેના કારણે તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યાં, પરંતુ તેમને ક્યારેય સજા ન થઈ.

ગુનયા મુજબ મુખ્ય સમસ્યા એ હતી કે તે વખતે પરિવારની મરજીથી મોટાં ભાગનાં લગ્ન નક્કી થતાં હતાં. બહુ નાની વયની છોકરીઓને તેમનાથી મોટી ઉંમરના પુરુષો સાથે પરણાવી દેવાતી હતી.

ગુનયાએ કહ્યું કે તે સમયે છૂટાછેડા અશક્ય હતા. તમારા પર ભલે ગમે તેવા જુલમ થાય અથવા શોષણ કરવામાં આવે, તો પણ મહિલાઓ અલગ થઈ શકતી ન હતી.

પરંતુ તે જમાનાના અહેવાલ એવું પણ કહે છે કે પરિવારો દ્વારા નક્કી થયેલાં લગ્નોની સાથે એક પ્રકારની સમજૂતી પણ થતી હતી, જેમાં જમીન, વારસો અને કાનૂની જવાબદારીઓ સામેલ રહેતી હતી.

ગુનયાએ બીબીસીને કહ્યું કે ફાઝકાસે મહિલાઓને ભરોસો આપવાનું શરૂ કર્યું કે તેઓ તેમની સમસ્યા ઉકેલી શકે છે.

ફાઝકાસના આગમન સાથે જ કોઈ પુરુષને ઝેર અપાયાની ઘટના 1911માં બની હતી. ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અને ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના પતન સાથે આવી ઘટનાઓ વધતી ગઈ અને અનેક પુરુષોની હત્યા થવા લાગી.

આ રીતે 18 વર્ષમાં 45થી 50 પુરુષો મૃત્યુ પામ્યા. મરનારાઓ કોઈના પતિ હતા તો કોઈના પિતા. આ બધાને ગામના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા.

ઘણા લોકો નાગ્યરેવને 'ખૂનીઓનું શહેર' કહેવા લાગ્યા.

તેના કારણે પોલીસનું ધ્યાન ગયું અને 1929ની શરૂઆતમાં મૃતદેહોને તપાસ માટે બહાર કાઢવામાં આવ્યા. બધા મૃતદેહોમાં ફક્ત એક જ પુરાવો મળ્યો: આર્સેનિક.

મહિલાઓ સામે કેસ ચાલ્યો

બીબીસી ગુજરાતી હંગેરી મહિલા પુરુષ હત્યા આર્સેનિક સુઝસાના ફાઝકાસ અપરાધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક અંદાજ મુજબ આર્સેનિકથી લગભગ 300 પુરુષો માર્યા ગયા હતા (ફાઈલ ફોટો)

ફાઝકાસ આ ગામના એક સાધારણ ઘરમાં રહેતાં હતાં, જેનો દરવાજો રસ્તા પર ખૂલતો હતો. આ ઘરમાં તેમણે કેટલાંય ઝેરી સૉલ્યુશન તૈયાર કર્યાં હતાં, જેનાથી લોકોની હત્યા કરવામાં આવી હતી.

અંતે 19 જુલાઈ 1929ના દિવસે પોલીસ તેમને પકડવા પહોંચી ગઈ.

પોલીસને દૂરથી જોઈને તેમને ખબર પડી ગઈ કે તેમનો ખેલ ખતમ થઈ ગયો છે. પોલીસ તેમના ઘરે પહોંચે તે પહેલાં તેઓ પોતાનું બનાવેલું ઝેર પીને મરી ગયાં હતાં.

પરંતુ આ દાયણ એકમાત્ર ગુનેગાર ન હતાં.

બીજી મહિલાઓ વિશે પણ માહિતી મળી ત્યારે 1929માં નજીકના સોઝનોક શહેરમાં 26 મહિલાઓ સામે કેસ શરૂ થયો.

તેમાંથી આઠ મહિલાઓને મોતની સજા અપાઈ અને બાકીનીને જેલમાં મોકલવામાં આવી. તેમાંથી સાતને ઉંમરકેદની સજા કરવામાં આવી. બહુ ઓછી મહિલાઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો, તેથી આ કરવા પાછળનું કારણ શું હતું તે જાણી શકાયું નહીં.

આ શહેરના આર્કાઈવનાં ઇતિહાસકાર ડૉક્ટર ગીઝા ચેખે કોર્ટના રેકૉર્ડ્સના આધારે બીબીસીને કહ્યું કે "આજે પણ ઘણા સવાલોના જવાબ નથી મળી શક્યા."

તેમણે કહ્યું કે "મહિલાઓએ કયાં કારણોથી હત્યા કરી તે વિશે મતમતાંતર છે, જેમ કે ગરીબી, લાલચ, બેચેની."

તેમણે કહ્યું કે "કેટલાક રિપોર્ટ્સ માટે એવી વાત પણ બહાર આવી છે કે કેટલીક મહિલાઓને રશિયન યુદ્ધકેદીઓ સાથે સંબંધ હતા. આ યુદ્ધકેદીઓ પાસે ખેતરોમાં મજૂરી કરાવાતી હતી."

મહિલાઓના પતિ પરત આવ્યા ત્યારે અચાનક તેમને પોતાની સ્વતંત્રતા ગુમાવ્યાનો અનુભવ થયો, તેથી તેમણે આમ કર્યું.

1950ના દાયકામાં ઇતિહાસકાર ફેરેનેક ગેરોગેવે કૉમ્યુનિસ્ટ શાસન હેઠળ પોતાની કેદ દરમિયાન ગામમાં એક વૃદ્ધ વ્યક્તિની મુલાકાત કરી હતી.

તે વૃદ્ધ ખેડૂતે દાવો કર્યો કે નાગ્યરેવની મહિલાઓ જૂના જમાનાથી જ પોતાના પતિઓની હત્યાઓ કરતી હતી.

નજીકના શહેર તિસ્ઝાકુર્તમાં પણ કબરમાંથી કેટલાક મૃતદેહો કાઢવામાં આવ્યા, જેમાં આર્સેનિક હોવાનું જાણવા મળ્યું. પરંતુ આ મોત બદલ કોઈને સજા અપાઈ ન હતી. કેટલાક અંદાજ પ્રમાણે આ વિસ્તારમાં આર્સેનિકથી મરનારાઓની કુલ સંખ્યા 300 સુધી પહોંચી ગઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન