'દર અઠવાડિયે બે-ત્રણ લોકો મરે છે', આ ગામમાં શું થઈ રહ્યું છે અને દલિતો કેમ ભયમાં છે?

દલિતો, વાઇરસ, ઇન્ફેક્શન, વાઇરસ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગામની એસસી કૉલોનીમાં રહેતાં સીથામ્મા
    • લેેખક, કરિકીપટ્ટી ઉમાકાંત
    • પદ, બીબીસી માટે

આંધ્ર પ્રદેશના ગુંટુર નજીક આવેલા દુરાગપાલન ગામમાં સતત મૃત્યુને કારણે, ખાસ કરીને ગામના દલિત સમુદાયમાં ભય ફેલાયો છે.

ગુંટુરના જિલ્લા કલેક્ટર નાગલક્ષ્મીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનામાં દુરાગપાલમની એસસી કૉલોનીમાં 29 લોકો મૃત્યુ પામ્યા છે.

જોકે, ગ્રામજનોને શંકા છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે.

એસસી કૉલોનીના રહેવાસીઓએ બીબીસી સમક્ષ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જુલાઈ અને ઑગસ્ટમાં સૌથી વધુ મૃત્યુ થયાં હતાં. તેમાં યુવાનોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના લોકોનો સમાવેશ થતો હતો.

આ સંદર્ભે સરકારે થોડા દિવસ પહેલાં એક નિવેદન બહાર પાડ્યું હતું. ગામમાં એક મેડિકલ કૅમ્પ શરૂ કર્યો હતો અને તમામ લોકોના લોહીનું પરીક્ષણ કર્યું હતું.

તાવ સહિતનાં લક્ષણો ધરાવતા લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

મુખ્ય મંત્રી ચંદ્રબાબુએ કહ્યું, 'એક અઠવાડિયામાં શોધાશે કારણ'

દલિતો, વાઇરસ, ઇન્ફેક્શન, વાઇરસ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NCBN/X

ઇમેજ કૅપ્શન, આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને દુરાગપાલન ગામની વર્તમાન પરિસ્થિતિને આરોગ્ય કટોકટી ગણીને તત્કાળ પગલાં લેવાનો આદેશ આપ્યો છે. મુખ્ય મંત્રીએ અમરાવતીમાં આરોગ્યમંત્રી સત્યકુમાર અને અધિકારીઓ સાથે તાકીદની એક બેઠક પણ યોજી હતી.

તેમણે ગામના તમામ રહેવાસીઓના 42 તબીબી પરીક્ષણો કરવાનો આદેશ આપ્યો છે. મૃત્યુનું કારણ શોધી કાઢવા માટે બીમારીનાં લક્ષણોનો સઘન અભ્યાસ કરવાનો આદેશ પણ તેમણે આપ્યો છે.

મુખ્ય મંત્રીએ ગામલોકોને કોઈ પણ પ્રકારનું ભોજન નહીં રાંધવા અને કશું નહીં પીવા જણાવ્યું છે. આગામી થોડા દિવસ સુધી ગામલોકોને દિવસમાં ત્રણ વખત ભોજન પૂરું પાડવાની સૂચના તેમણે અધિકારીઓને આપી છે.

'તેઓ અચાનક મૃત્યુ પામ્યાં'

દલિતો, વાઇરસ, ઇન્ફેક્શન, વાઇરસ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વિજયરામારાજુ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દુરાગપાલમની એસસી કૉલોનીના રહેવાસી વિજયરામારાજુએ બીબીસીને કહ્યું હતું, "બે મહિના પહેલાં મારાં માતાને પેટમાં દુખાવો શરૂ થયો હતો. હું તેમને સ્થાનિક ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે હળવો તાવ છે. ડૉક્ટરે તેની દવા આપી હતી. તેમ છતાં તેમને સારું ન થયું એટલે હું તેમને ગુંટુરની એક ખાનગી હૉસ્પિટલે લઈ ગયો હતો."

"મારાં માતાને ઇન્ફેક્શન થયું હતું અને તેમની કિડની ખરાબ થઈ ગઈ હતી. તેમને તત્કાળ ડાયાલિસીસની જરૂર હતી. એ માટે રૂ. 50,000ની જરૂર હતી. મારી પાસે પૂરતા પૈસા ન હોવાથી હું તેમને સરકારી હૉસ્પિટલે લઈ ગયો હતો અને ત્યાં મારાં માતાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. આ બધું થોડા દિવસોમાં જ થયું હતું."

દુરાગપાલમનાં દલિત મહિલા કુમારીએ બીબીસીને કહ્યું હતું, "મારા પતિને અમે હૉસ્પિટલે ગયા હતા. તેમની સતત સારવાર ચાલુ હતી, પરંતુ હૉસ્પિટલમાં દાખલ થયાના એક જ સપ્તાહમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. અમારા ગામમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. મારી તબિયત પણ સારી નથી. ગામની સ્થિતિ જોઈને મને ડર લાગે છે."

દલિત કૉલોનીનાં એક અન્ય રહેવાસી સીતામ્માએ બીબીસીને કહ્યું હતું, "ગામમાં દર અઠવાડિયે બેથી ત્રણ લોકો મૃત્યુ પામે છે. મારા નાના ભાઈનું પણ મૃત્યુ થયું છે. આવું કેમ થઈ રહ્યું છે, એ હું જાણતી નથી. તે બહુ જ ડરામણું છે."

બાળકોને આવે છે તાવ

દલિતો, વાઇરસ, ઇન્ફેક્શન, વાઇરસ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

એસસી કૉલોનીના ઘણા લોકોને તાવ, સાંધાનો દુખાવો અને અન્ય સમસ્યાઓ સાથે હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. એસસી કૉલોનીમાં 230 ઘર છે અને તેમાં દલિત સમુદાયના લગભગ 1,000 લોકો રહે છે.

ગામનાં રહેવાસી અનુષાએ કહ્યું હતું, "છેલ્લા બે મહિનાથી અમારા ગામમાં દરેક વ્યક્તિ તાવથી પીડાઈ રહી છે. કેટલાકનાં મોત થયાં છે. ચોથા ધોરણમાં અભ્યાસ કરતા મારા દીકરાને તાવ આવે છે. તેથી અમે તેની ઘરે સારવાર કરી રહ્યા છીએ."

તેમણે ઉમેર્યું હતું, "હું અહીંની પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છું."

દુરાગપાલમ ગામમાં લોકો ટપોટપ મૃત્યુ પામતા હોવાને કારણે સરકારે થોડા દિવસ પહેલાં ગામના ચર્ચમાં મેડિકલ કૅમ્પનું આયોજન કર્યું હતું.

આરોગ્યમંત્રી સત્યકુમાર, વિભાગીય કમિશનર વીરપાંડિયન, જિલ્લા કલેક્ટર નાગલક્ષ્મી અને વિવિધ વિભાગોના અધિકારીઓએ ગામનું નિરીક્ષણ કર્યું હતું.

આટલા બધા ગ્રામજનોને હૉસ્પિટલમાં અચાનક કેમ દાખલ કરવા પડે છે તે જાણવા માટે તબીબી કર્મચારીઓ હાલ પરીક્ષણો કરી રહ્યા છે અને લોહીના નમૂના એકત્રિત કરી રહ્યા છે.

ગુંટુર જિલ્લા અને આરોગ્ય વિભાગનાં અધિકારી વિજયલક્ષ્મીએ બીબીસીને જણાવ્યું હતું કે દુરાગપાલમ ગામ માટે એક અલગ મોબાઇલ ઍપ બનાવવામાં આવી છે. તેમાં આરોગ્ય સંબંધી માહિતી નોંધવામાં આવી રહી છે.

પ્રદૂષિત પાણી છે કારણ?

દલિતો, વાઇરસ, ઇન્ફેક્શન, વાઇરસ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુંટુરના જિલ્લા કલેક્ટર નાગલક્ષ્મીએ કહ્યું છે કે 29 લોકો થુરાકાપાલેમ ગામમાં છેલ્લા પાંચ મહિનામાં મૃત્યુ પામ્યા છે

પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ નાકા શ્રીનિવાસ સહિતના ઘણા ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામને, ખાસ કરીને દલિત વસ્તીવાળા વિસ્તારને નજીકની ખાણમાંના તળાવમાંથી જે પાણી પૂરું પાડવામાં આવે છે તે દૂષિત થઈ ગયું છે. તેના કારણે વર્તમાન પરિસ્થિતિ સર્જાઈ છે.

નાકા શ્રીનિવાસે કહ્યું હતું, "ખુલ્લી ખાણમાંના તળાવમાંથી પાણી પૂરું પાડવું તે એક મોટી ભૂલ છે. અમારું માનવું છે કે આ પરિસ્થિતિ દૂષિત પાણીના ઉપયોગને કારણે સર્જાઈ છે."

આ સંદર્ભે બીબીસી સાથે વાત કરતાં ઝોનલ ડૅવલપમૅન્ટ ઑફિસર શ્રીનિવાસે કહ્યું હતું, "એ પાણીનો ઉપયોગ હવે કરવામાં આવતો નથી."

તેમના જણાવ્યા મુજબ, ખાણમાંના તળાવમાંથી ગામને પાણી પૂરું પાડવાનું લગભગ છ મહિના પહેલાંથી બંધ કરી દેવામાં આવ્યું હતું. ગ્રામજનો હાલ બોરવેલમાંથી પાણી મેળવી રહ્યા છે.

'દારૂ પણ એક પરિબળ હોઈ શકે'

દલિતો, વાઇરસ, ઇન્ફેક્શન, વાઇરસ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

પ્રતિપદાના વિધાનસભ્ય પારલા રમણજનેયલુએ બીબીસીને જણાવ્યું હતું કે લોકો દારૂને કારણે મૃત્યુ પામતા હોવાનું શરૂઆતમાં માનવામાં આવતું હતું, પરંતુ ખરું કારણ પરીક્ષણનાં પરિણામ પછી જ જાણવા મળશે.

તેમણે કહ્યું હતું, "ગામમાં કેટલાક લોકો દારૂના વ્યસની છે અને ખૂબ દારૂ પીવે છે. પહેલાં અહીં સસ્તો દારૂ મળતો હતો, પરંતુ હવે એ બંધ થઈ ગયો છે. ભૂતકાળમાં દારૂ પીવાનું પરિણામ હવે દેખાતું હોય તે શક્ય છે."

તેમણે ઉમેર્યું હતું, "ગામમાં 5,600 લોકો છે તો શું બધા અસરગ્રસ્ત છે? વાસ્તવમાં બહુ થોડા લોકોને જ અસર થઈ છે અને તેનું કારણ દારૂ હોઈ શકે છે. ખરું કારણ તો તબીબી પરીક્ષણો પછી જ જાણી શકાશે."

હેલ્થ કમિશનર વીરા પાંડિયને મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ તમામ દૃષ્ટિકોણથી કરવામાં આવી રહી છે. તેનું કારણ દૂષિત પાણી છે, દારૂ છે કે બીજું કંઈક તેની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું હતું, "પરીક્ષણનું પરિણામ ન આવે ત્યાં સુધી અમે સ્પષ્ટ રીતે કશું કહી શકીએ નહીં. 29 મૃતકોમાં આઠ મહિલા હતી. પાણીના પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે તે દૂષિત ન હતું. તેથી અંતિમ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકીશું નહીં."

ડૉક્ટરો શું કહે છે?

દલિતો, વાઇરસ, ઇન્ફેક્શન, વાઇરસ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Mr. Kalyan

ઇમેજ કૅપ્શન, ડૉ. કલ્યાણ

ગુંટુરના ત્વચારોગ નિષ્ણાત કલ્યાણે દુરાગપાલમના બે દર્દીની સારવાર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એ દર્દીઓને મેલિઓઈડોસિસ થયો હતો. તે બુરખોલ્ડેરિયા સ્યુડોમાલેઈ બૅક્ટેરિયાને કારણે લાગતો ખતરનાક ચેપ છે.

લોહીનું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન માટે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે આ ખુલાસો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

કલ્યાણના કહેવા મુજબ, ડાયાબિટીસ, લીવર અને કિડનીના દર્દીઓમાં તે સામાન્ય છે. તેમનામાં તાવ, ઉધરસ, સાંધાના દુખાવા જેવાં લક્ષણો હોય અને તેમને ક્ષયરોગ નથી તેવું પરીક્ષણમાં જાણવા મળે તો તેમણે આ ઇન્ફેક્શન માટે પરીક્ષણ કરાવવું જોઈએ. બે દર્દીઓ પૈકીના એકનું મોત ઇન્ફેક્શન વકરવાને કારણે થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

જોકે, ગુંટુર જિલ્લા તબીબી અને આરોગ્ય અધિકારી વિજયલક્ષ્મીએ બીબીસીને જણાવ્યું હતું કે 29 લોકોના રક્ત પરીક્ષણમાં મેલિઓઈડોસિસની પુષ્ટિ થઈ નથી.

આરોગ્યમંત્રી સત્યકુમારે સ્વીકાર્યું હતું કે દુરાગપાલમમાં લોકોના અચાનક મૃત્યુની માહિતી મેળવવામાં અને એ બાબતે ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કરવામાં વિલંબ થયો હતો.

ગામની મુલાકાત વેળાએ તેમણે મીડિયાને જણાવ્યું હતું કે માહિતી મેળવવામાં અને મોકલવામાં વિલંબ કેમ થયો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન