પારસીઓ માટે મહત્ત્વપૂર્ણ એવું 60 વર્ષ જૂનું સામયિક કેમ બંધ થઈ રહ્યું છે?

- લેેખક, ચેરિલાન મોલાન
- પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ
મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી જૂની ઇમારતને પ્રથમ નજરે જોતાં આસપાસની અન્ય કોઈ બિલ્ડિંગ જેવી જ જણાઈ આવે, પરંતુ ત્યાંથી પારસીઓના સૌથી જૂના સામયિકોમાંથી એક પારસીયાના પ્રકાશિત થાય છે.
વર્ષ 1964માં પેસ્તનજી વૉર્ડન નામના તબીબે તેની શરૂઆત કરી હતી. પેસ્તનજી ડૉક્ટર હોવાની સાથે ચંદનનો વેપાર પણ કરતા હતા અને શહેરમાં વસતા પારસીઓની તવારીખ લખવા માગતા હતા.
એ પછી મૅગેઝિન વાંચનારા અને તેનો ફેલાવો વધતા ગયા. ઘણા પારસીઓ માટે આ સામયિક સમાજમાં શું ચાલી રહ્યું છે, તેના વિશે ડોકિયું કરવાની બારી જેવું હતું.
પારસીયાનાને કારણે વિશ્વભરના પારસીઓ પરસ્પર જોડાયેલા હોવાની અનુભૂતિ કરતા. જે સમાજની સંખ્યા સતત ઘટી રહી હોય અને વિખેરાઈ રહ્યો હોય, તેના માટે આ એક મહત્ત્વપૂર્ણ પહેલ હતી.
જોકે, 60 વર્ષ બાદ ઘટતા વાચકો, ફંડનો અભાવ તથા સામયિકને સંભાળવા કોઈ તૈયાર ન હોવાથી આ મૅગેઝિન ઑક્ટોબર મહિનામાં બંધ થઈ જશે.
'આ એક યુગનો અંત છે'

આ સમાચારથી ન કેવળ વાચકો, પરંતુ તેના ભવ્ય વારસા વિશે જાણનારા લોકો પણ નિરાશ થયા છે.
18 વર્ષીય વિદ્યાર્થી સુશાંતસિંહના કહેવા પ્રમાણે, "આ એક યુગનો અંત છે."
"અમે જોક કરતાં કે જો તમે પારસીયાના વિશે ન જાણતા હો કે તેના વિશે ન બોલી શકો તો તમે 'ખરા પારસી' નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સામયિકે તેના ઑગસ્ટ મહિનામાં પ્રકાશન બંધ થવા વિશે જાહેરાત કરી હતી. ત્યારથી લોકો આના વિશે વ્યાપકપણે લખી રહ્યા છે.
સપ્ટેમ્બર મહિનાના અંકમાં મુંબઈથી એક વાચકે લખ્યું, "આપણા જેવા નાના સમુદાયના અહેવાલોનું વૃતાંતલેખન આટલી કાળજી અને ધગશથી કરવું એ ખૂબ જ કપરું કામ છે. જોકે, પારસીયાનાએ તેને ખૂબ જ સારી રીતે પાર પાડ્યું."
પાકિસ્તાનસ્થિત એક વાચકે મૅગેઝિન વિશે લખ્યું, "તે પ્રકાશન કરતાં વધુ વિશ્વભરમાં પારસીઓને જોડતો સેતુ અને તેમનો સાથી છે."
વૉશિંગ્ટનસ્થિત વાચકે સામયિકની પ્રશંસા કરતા લખ્યું કે તેણે ન કેવળ સમાજને માહિતગાર રાખ્યો છે, પરંતુ "જ્વલંત વિષયોને વાસ્તવિકતાનો સ્પર્શ પણ આપ્યો છે."
જહાંગીર પટેલે વર્ષ 1973માં માત્ર એક રૂપિયામાં આ સામયિકનું કામકાજ સંભાળ્યું હતું. તેમનું કહેવું છે કે તેઓ "પત્રકારિતા ક્ષેત્રે ઉદ્યમ" કરવા માગતા હતા.
જ્યારે વૉર્ડને માસિક તરીકે આ સામયિક ચાલુ કર્યું, ત્યારે તેમાં મોટા ભાગે પારસીઓ દ્વારા લખાયેલા નિબંધો કે ડૉ. વૉર્ડનનાં તબીબી લખાણો જ છપાતાં.
જહાંગીર પટેલે સામયિકનો વહીવટ સંભાળ્યા બાદ તેને પાખવાડિક કરી દીધું. જેમાં પારસીઓને લગતાં સમાચાર, ધારદાર કલમો તથા ઇલેસ્ટ્રેશન પ્રામાણિકતા અને વિનોદ સાથે રજૂ કર્યાં.
જહાંગીર પટેલે નવા અને તાલીમબદ્ધ પત્રકારોને કામ સોંપ્યું અને લવાજમની વ્યવસ્થા લાગુ કરી. આગળ જતાં તેમણે બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ મૅગેઝિનને રંગીન બનાવ્યું.
જહાંગીર પટેલ સામયિકનું સંચાલન સંભાળ્યા બાદની પહેલી મહત્ત્વપૂર્ણ સ્ટોરી અંગે કહે છે, તે પારસીઓમાં પ્રવર્તમાન ઊંચા છૂટાછેડાના દર વિશે હતી.
"સમાજના સામયિક પરસીયાનામાં આવું છપાવા વિશે કોઈ અપેક્ષા ન હતી, એ તેમના માટે આઘાતજનક હતું."
વર્ષ 1987માં અન્ય સમાજ સાથેની વેવિશાળની જાહેરાતો છાપી – રૂઢિચુસ્ત મનાતા સમાજ માટે એ ખૂબ જ મોટું અને નિર્ભિક પગલું હતું.
જહાંગીર પટેલ કહે છે, "એ જાહેરાતોને કારણે સમાજમાં હલચલ મચી ગઈ. ઘણા વાચકોએ અમને પત્ર લખીને જાહેરાત બંધ કરવા અંગે કહ્યું, પરંતુ અમે તેમ ન કર્યું."
તેઓ કહે છે કે વિવાદાસ્પદ વિષયો ઉઠાવવાથી પારસીયાના ક્યારેય ખચકાયું નથી. અમે હંમેશાં વૈવિધ્યસભર વિચારો રજૂ કર્યા છે. અમે પારસીઓની ઘટતી જતી વસતી તથા ટાવર ઑફ સાયલન્સની ઘટતી જતી સંખ્યા જેવા જ્વલંત મુદ્દા ઉઠાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટાવર ઑફ સાયલન્સ પારસીઓનું અંતિમ વિશ્રામસ્થળ છે, જ્યાં તેમના મૃતદેહોને ખુલ્લામાં છોડી દેવામાં આવે છે.
'ઉજવણી કરવાનું મન નથી થતું'

સામયિકમાં પારસીઓની સિદ્ધિઓ, નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પ્રસંગો તથા નવી પારસી સંસ્થાઓ વિશે વિગતો છપાતી.
પારસીયાનાના મે મહિનાના અંકમાં મુંબઈમાં આવેલા અલાપીવાલા મ્યુઝિયમ અંગેની વિગતો છપાઈ હતી. જે વિશ્વનું એકમાત્ર પારસી મ્યુઝિયમ છે.
આજે લગભગ 15 લોકોની ટીમ સામયિકતનું પ્રકાશન સંભાળે છે. જહાંગીર પટેલે ભરતી કરેલા આ લોકો આજે તેમનાં જીવનની 60-70 વસંત જોઈ ચૂક્યા છે. સામયિકોની સાથે તેમની પત્રકારત્વની કારકિર્દીનો પણ અંત થવાની અણિ પર છે.
જહાંગીર પટેલ કહે છે,"અમે લાંબા સમયથી આ કામ કરી રહ્યા છીએ."
તેઓ કહે છે, "આ નિર્ણયમાં થાકની સાથે ઉદાસી પણ છે."
પારસીયાનાની ઑફિસમાં આજે જૂના અંકોના ઢગલા પડ્યા છે. સમયની સાથે દીવાલોનો રંગ ઝાંખો પડી ગયો છે અને છતો પણ ખખડી રહી છે. એક સમયે અહીં પારસી હૉસ્પિટલ હતી, પરંતુ છેલ્લા લગભગ ચાર દાયકાથી તે બંધ પડેલી છે.
જહાંગીર પટેલના કહેવા પ્રમાણે, સામયિકના છેલ્લા દિવસ માટે કોઈ ભવ્ય આયોજન નથી. ઑફિસમાં કદાચ સાથે લંચ કરશે. જોકે અન્ય કોઈ પણ પ્રકારના કાર્યક્રમો નહીં યોજાય.
જોકે, આગામી અંકોમાં પારસીયાનાની લાંબી સફર તથા તેના વારસાને યાદ કરતા અહેવાલો છપાશે.
જહાંગીર પટેલ કહે છે, "તે દુઃખદ પ્રસંગ છે.....અમને ઉજવણી કરવાનું મન નથી થતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












