'બિકિની કિલર' ચાર્લ્સ શોભરાજને છટકું ગોઠવીને બબ્બે વાર પકડનાર પોલીસ અધિકારીની કહાણી

ચાર્લ્સ શોભરાજ, ઇન્સપેક્ટર ઝેંડે, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ચાર્લ્સ શોભરાજને પકડવામાં ઇન્સપેક્ટર મધુકર ઝેેંડેની મહત્ત્વની ભૂમિકા રહી હતી.
    • લેેખક, માનસી દેશપાંડે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

'બિકિની કિલર' ચાર્લ્સ શોભરાજની ધરપકડ કરવામાં પોલીસ ઇન્સ્પેક્ટર ઝેંડેની મહત્ત્વની ભૂમિકા રહી હતી. એમની જિંદગી પર આધારિત ફિલ્મ નૅટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.

સિરિયલ કિલર શોભરાજને ડિસેમ્બર 2022માં 78 વર્ષની ઉંમરમાં નેપાળના કાઠમંડુની જેલમાંથી છોડવામાં આવ્યો હતો.

ચાર્લ્સ શોભરાજને 'બિકિની કિલર'ના નામથી પણ ઓળખવામાં આવે છે.

જ્યારે તે જેલમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે બીબીસી મરાઠીએ એક એવા મરાઠી પોલીસ અધિકારી સાથે વાતચીત કરી જેમણે આ ઇન્ટરનેશનલ અપરાધીને બે વાર જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.

ચાર્લ્સ શોભરાજને પકડવાની આ ઘટનાઓ રોમાંચક છે અને એ પોલીસ અધિકારીનું નામ છે મધુકર ઝેંડે.

85 વર્ષના મધુકર ઝેંડે વર્ષ 1996માં મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસપદેથી નિવૃત્ત થયા હતા.

'શોભરાજની સિરિયલ કિલર તરીકે કોઈ ઓળખ ન હતી'

ઝેંડેના કાર્યકાળમાં શોભરાજને પકડવાની એમની સિદ્ધિનો ઉલ્લેખ વારંવાર થાય છે.

ઝેંડેએ ચાર્લ્સ શોભરાજની પહેલી વાર 1971માં મુંબઈમાંથી ધરપકડ કરી હતી. એ સમયે તેઓ મુંબઈ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટરપદે ફરજ બજાવતા હતા.

ઝેંડે જણાવે છે કે 1971 સુધી શોભરાજની 'સિરિયલ કિલર' તરીકે કોઈ ઓળખ ન હતી.

એ સમયે તેઓ અફઘાનિસ્તાન, ઈરાન જેવા દેશોમાંથી મોંઘી ઇમ્પોર્ટેડ કાર ચોરીને મુંબઈ વેચતા હતા.

પણ દિલ્હીમાં આચરેલા એક અપરાધને કારણે ચાર્લ્સ શોભરાજ ભારતમાં તપાસ એજન્સીઓની રડારમાં આવ્યો હતો.

દિલ્હીમાં આચરેલા અપરાધ માટે શોધખોળ

મધુકર ઝેંડે, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મધુકર ઝેંડે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઝેંડેએ જણાવ્યું કે એ અપરાધ શું હતો અને એ પછી ભારતની તપાસ એજન્સીઓએ ચાર્લ્સ શોભરાજને પકડવા માટે કેવી રીતે પ્રયાસો કર્યા.

મધુકર ઝેંડે કહે છે, "દિલ્હીમાં અશોકા નામની એક ફાઇવ સ્ટાર હોટલ છે. વર્ષ 1971માં ચાર્લ્સ શોભરાજે ત્યાંની એક કેબ્રે ડાન્સર સાથે મિત્રતા કરી અને એને લગ્નની લાલચ આપી. એણે કહ્યું કે તે એના માટે ઘરેણાં ખરીદશે.''

''એના માટે એણે (હોટલમાં ઉપસ્થિત) એક ઘરેણાંની દુકાનમાંથી ઘરેણાં લઈને એક વ્યક્તિને બોલાવી. એ વ્યક્તિને કૉફીમાં કશુંક મેળવીને બેભાન કરી દીધી અને ઘરેણાં અને તે યુવતીને લઈને ફરાર થઈ ગયો.''

તેઓ કહે છે, ''જ્યારે દુકાનનો માલિક એ જોવા માટે ઉપર આવ્યો કે એનો સ્ટાફ પરત કેમ નથી આવ્યો તો જોયું કે ઘરેણાં ગાયબ હતાં અને એનો સ્ટાફ બેભાન પડ્યો હતો. આ પછી એણે પોલીસને જાણ કરી.''

મધુકર ઝેંડે જણાવે છે, ''પોલીસને ત્યાંથી એક પાસપૉર્ટ મળ્યો, જેના પર નામ લખ્યું હતું: ચાર્લ્સ શોભરાજ. આ પછી તે વૉન્ટેડ બની ગયો. આ ઘટનાના સમાચાર અખબારમાં છપાયા અને ચાર્લ્સ શોભરાજનું નામ ચર્ચામાં આવ્યું.''

આ પછી 1971માં જ મધુકર ઝેંડેને એમના બાતમીદાર પાસેથી જાણકારી મળી કે મુંબઈમાં એક વિદેશી વ્યક્તિએ મોટી લૂંટની યોજના બનાવી છે. જેમાં એની સાથે ચાર-પાંચ વિદેશી લોકો છે અને એની પાસે રિવૉલ્વર, રાઇફલ જેવાં હથિયાર છે.

મધુકર ઝેંડે કહે છે કે આ માહિતી મળ્યા બાદ એમણે પોતાના સહયોગીઓ સાથે તાજ હોટલની આસપાસ વોચ રાખવાનું શરૂ કર્યું.

ચાર્લ્સ શોભરાજની પહેલી વાર ધરપકડ કેવી રીતે થઈ?

મધુકર ઝેંડે, બીબીસી, ગુજરાતી

આ ઘટના 1971ની છે, પણ મધુકર ઝેંડેનું કહેવું છે કે એમને એ ઘટના વિશે બધું જ યાદ છે.

તેઓ કહે છે, ''અમે બે ચાર અધિકારીઓ ટેક્સીમાં બેઠા હતા. 11 નવેમ્બર, 1971ના રોજ શોભરાજ સૂટ-બૂટમાં સજ્જ થઈને અમારી ટેક્સી પાસેથી પસાર થયો. એ પસાર થયો કે અમને ઝબકારો થયો કે આ એ જ અપરાધી છે જેને અમે શોધી રહ્યા છીએ. અમે જઈને એને પકડી લીધો. એની પાસે રિવૉલ્વર હતી. અમે એની ધરપકડ કરી, પણ તે કશું બોલવા તૈયાર ન હતો.''

મધુકર કહે છે, ''અમે એને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એની પૂછપરછ કરી. પણ એણે કશું જ જણાવ્યું નહીં. આ પછી જ્યારે એની તપાસ કરવામાં આવી ત્યારે એની પાસેથી 4-5 રસીદ મળી. એના બધા સાથીઓ પાસેની હોટલમાં રોકાયા હતા. અમે એ હોટલોમાં છાપો માર્યો અને ત્યાં બધાની ધરપકડ કરી. એની પાસેથી રાઇફ્લ્સ, સ્મોક બૉમ્બ, હેન્ડ ગ્રૅનેડ જેવું ઘણું મળ્યું.''

આ રીતે પહેલી વાર ચાર્લ્સ શોભરાજ મધુકર ઝેંડેને હાથ લાગ્યો. એને પકડ્યા પછી દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો, કારણ કે દિલ્હીમાં એણે ઘરેણાંની લૂંટને અંજામ આપ્યો હતો.

ઝેંડે કહે છે કે, ''દિલ્હી પોલીસે શોભરાજે હિરાસતમાં લીધા બાદ ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થઈ ગયું. યુદ્ધ દરમિયાન બ્લૅક આઉટ થાય છે.''

''આ દરમિયાન શોભરાજ પેટમાં દર્દનું બહાનું આગળ ધરીને હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો. આ પછી તે બ્લૅક આઉટનો ફાયદો ઉઠાવીને હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયો.''

શોભરાજે પદ્ધતિ બદલાવી

ચાર્લ્સ શોભરાજ, બીબીસી, ગુજરાતી

ઝેંડે જણાવે છે કે આ ઘટના બાદ એણે અપરાધ આચરવાની એક ખાસ શૈલી વિકસાવી.

1972થી 1976 દરમિયાન ચાર્લ્સ શોભરાજે 12 લોકોની હત્યા કરી હોવાની શંકા હતી. કેટલાકનાં મૃત્યુ ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયાં, તો કેટલાકને ડુબાડીને મારી નાખવામાં આવ્યા હતા. કેટલાકને ચાકુથી અને કેટલાકને ગૅસોલિનથી મારી નાખવામાં આવ્યા હતા.

ઝેંડે જણાવે છે કે, ચાર્લ્સ શોભરાજે આખી દુનિયામાં એવા અપરાધો કર્યા કે ઇન્ટરપોલે એની સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી.

1976માં શોભરાજ ફરી દિલ્હી આવ્યો અને એની સાથે ત્રણ મહિલા હતી.

મધુકર જણાવે છે કે એણે કેટલાક ફ્રેન્ચ વિદ્યાર્થીઓને ખુદને ટૂર ગાઇડના રૂપમાં લેવા માટે મનાવ્યા અને પછી એ વિદ્યાર્થીઓને નશીલી ગોળીઓ આપી.

તેઓ કહે છે, ''કેટલાક વિદ્યાર્થીઓના નસીબ સારા હતા. તેઓ પોલીસનો સંપર્ક કરવામાં સફળ થયાં. આ પછી શોભરાજની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી. એની સામે કેસ ચાલ્યો અને 12 વર્ષની સજા થઈ.

શોભરાજને દિલ્હીની તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો, પણ જેલમાં 10 વર્ષની સજા પૂરી થયા બાદ એણે ત્યાંથી ભાગી જવાની યોજના બનાવી.

જેલમાં પાર્ટી અને ભાગવાની યોજના

16 માર્ચ, 1986ના રોજ શોભરાજ તિહાડ જેલમાંથી ફરાર થઈ ગયો. આ યોજનાના ભાગરૂપે તેણે જેલમાં એક પાર્ટી ગોઠવી હતી.

આ પાર્ટીમાં એણે કેદીઓની સાથે ગાર્ડસને પણ બોલાવ્યા હતા. પાર્ટીમાં આપવામાં આવેલા બિસ્કિટ અને દ્રાક્ષમાં ઊંઘની દવા ભેળવવામાં આવી હતી, જેને ખાધા બાદ થોડી વારમાં બધા બેભાન થઈ ગયા. શોભરાજ અને એની સાથે જેલમાંથી ભાગેલા ચાર લોકો સિવાય બધા જ બેભાન હતા.

પોતાની યોજના પર શોભરાજને એટલો ભરોસો હતો કે જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગેટની પાસે ઊભા રહીને તેણે ફોટો પણ પડાવ્યો હતો.

આ ઘટના પછી ફરી એક વાર ચાર્લ્સ શોભરાજની શોધ શરૂ થઈ.

એને પકડવા માટે તપાસ એજન્સીઓ સક્રિય હતી. એ દરમિયાન એક પુરાવો મળ્યો.

રેલવે પોલીસે 29 માર્ચના રોજ અજયસિંહ તોમર નામની એક વ્યક્તિની ધરપકડ કરી, જેની પાસેથી શોભરાજના ઠેકાણાની જાણકારી મળી.

મધુકર ઝેંડે જણાવે છે કે તોમરની ધરપકડ બાદ પોલીસ કમિશનરે એમને તુરંત બોલાવ્યા. એ સમયે ઝેંડે પોલીસ ઇન્સ્પેક્ટરના પદ પર ફરજ બજાવતા હતા. એમણે 1971માં શોભરાજની પહેલી વાર ધરપકડ કરી હતી અને 1976માં દિલ્હીમાં એની ધરપકડ બાદ કોર્ટમાં ગવાહી આપવા માટે પણ ગયા હતા.

ઝેંડે શોભરાજના ચહેરા, કદ-કાઠીથી સારી રીતે પરિચિત હતા.

તોમર પાસેથી મળેલી જાણકારીને આધારે મધુકર ઝેંડેના નેતૃત્વમાં મુંબઈ પોલીસે ગોવામાં શોભરાજને પકડવા માટેની એક યોજના બનાવી.

ગોવામાં શોભરાજની શોધ

ચાર્લ્સ શોભરાજ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, ચાર્લ્સ શોભરાજ

ઝેંડે જણાવે છે કે એમણે શોભરાજ સાથે જોડાયેલી જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે એની પત્ની અમેરિકામાં છે અને તે ગોવાથી નકલી પાસપૉર્ટથી પત્નીને મળવા જવાનો છે.

એની પાસે એક મોટરસાઇકલ હતી અને એનો નંબર ઝેંડેને મળી ગયો હતો. આ બે કડીને આધારે તેઓ ગોવા પહોંચ્યા અને સતત છ દિવસ સુધી શોભરાજને શોધતા રહ્યા.

મધુકર ઝેંડે કહે છે, ગોવામાં પ્રવાસીઓને મોટરસાઇકલ સ્ટેન્ડ પાસે અમે પૂછપરછ કરતા હતા. અમે કહેતા હતા કે મારી ગાડી મારો ભાઈ લઈને આવ્યો છે, શું તમે તેમને જોયો છે?

''ત્યાં એક 14-15 વર્ષનો છોકરો હતો. 'આ વ્યક્તિ તમારો ભાઈ કેવી રીતે હોઈ શકે. આ ગાડી મોરપંખ રંગની નવી ગાડી છે, જેને કોઈ વિદેશી ચલાવી રહ્યો છે. તમે તો ભારતીય લાગો છો.' એના જવાબથી મને ખાતરી થઈ ગઈ કે શોભરાજ એ જ વિસ્તારમાં ફરી રહ્યો છે."

મધુકર ઝેંડેએ પોલીસ કમિશનરને ફોન કરીને ચાર-પાંચ અધિકારીને મોકલવા માટે કહ્યું. કેટલાક વધુ અધિકારીઓ ગોવા પહોંચ્યા.

ઝેંડે કહે છે કે, તે લોકો આખો દિવસ ગાડીની તપાસ કરતા હતા અને સાંજે એ વિસ્તારની હોટલોમાં શોભરાજની રાહ જોતા હતા.

હોટલમાંથી શોભરાજને કેવી રીતે પકડવામાં આવ્યો?

ચાર્લ્સ શોભરાજ, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અખબારોમાં ઝેંડે વિશે છપાયેલા લેખોને દીવાલ પર ફ્રેમ કરીને સજાવવામાં આવ્યા છે.

મધુકર કહે છે, ''6 એપ્રિલ રાતના લગભગ 10-11 વાગ્યે બે લોકો સનહેટ પહેરીને બહાર આવ્યા. મેં વિચાર્યું કે રાતના સમયે સનહેટ કેમ પહેરી છે આ લોકોએ? ધ્યાનથી જોયું તો ખબર પડી કે તે શોભરાજ હતો. હું ચુપચાપ દીવાલની પાછળ સંતાઈ ગયો.''

તેઓ જણાવે છે, ''તે બંને આવ્યા, ટેબલ પર બેઠા અને ઑર્ડર કર્યો. મેં એ સમયે એક પ્લાન બનાવ્યો. મારી સાથેના અધિકારી અંદર બેઠા હતા અને હું એકલો બહાર હતો.''

''અમે અંદરોઅંદર ચર્ચા કરી અને પોતપોતાની પૉઝિશન લીધી. કેટલાક બહાર હતા, કેટલાક અંદર... અને શોભરાજને પકડી લેવાયો.''

મધુકર ઝેંડે કહે છે, જ્યારે બધા અધિકારીઓએ પોતાની પૉઝિશન લીધી તો મેં જઈને એને સખ્તાઈથી પકડી લીધો અને કહ્યું, 'ચાર્લ્સ...' તે ગભરાઈ ગયો.''

તેઓ કહે છે, ''તેણે બંદૂર ઉઠાવવાની કોશિશ કરી પણ બંદૂક અનલોડ હતી. અમારી પાસે હાથકડી ન હતી એટલે બંદૂકની દોરીથી અમે એને બાંધ્યો. હોટલવાળાઓને કહ્યું કે દોરડું વગેરે હોય તો આપો.''

ઝેંડેએ આગળની કહાણી જણાવી, ''અમે શોભરાજને સરખી રીતે બાંધી લીધો. એને અમારી કારની પાછળની બાજુએ બેસાડ્યો. એક ડબ્બો આપ્યો અને કહ્યું કે જે કોઈ ક્રિયા કરવાની હોય તે આ ડબ્બામાં જ પતાવી લે.''

આ પછી અમે પોલીસ કમિશનરને ફોન કરીને જણાવ્યું કે શોભરાજ પકડાઈ ગયો છે. તેઓ ખૂબ ખુશ થયા. અમને રિસીવ કરવા માટે વરિષ્ઠ અધિકારી પનવેલ સુધી આવ્યા હતા.

શોભરાજ વિશે શું જણાવ્યું?

આ પછી ઝેંડે અને એમના સહયોગીઓની આ સફળતાના સમાચાર બધાં અખબારોમાં છપાયા. દૂરદર્શન પર એમનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો.

ઝેંડે હસતાં હસતાં કહે છે તે આ ઘટના બાદ એમને ઘણી પ્રસિદ્ધિ મળી.

ચાર્લ્સ શોભરાજ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે ગોવાથી મુંબઈ સુધી 12-14 કલાકની સફર દરમિયાન શોભરાજે વધુ વાત કરી ન હતી.

''એણે (શોભરાજે) મને કહ્યું, તમે તમારું કામ કરી લીધું. મને પકડવાથી તમને ઘણી પ્રસિદ્ધિ મળશે.''

શોભરાજ વિશે ઝેંડે કહે છે, ''શોભરાજ ઘમંડી માણસ છે, તે પોલીસને પણ ગણકારતો નથી. કોર્ટ-કચેરીમાં માનતો નથી. તે ખુદને બહુ હોશિયાર સમજે છે.''

ઝેંડે કહે છે, ''જ્યારે મેં સફર દરમિયાન એની સાથે વાત કરવાની કોશિશ કરી તો એણે કહ્યું, 'તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ,' તે ખૂબ જ નિર્દયી માણસ છે."

રાજીવ ગાંધીએ મુલાકાત માટે ગાડી રોકાવી

ચાર્લ્સ શોભરાજ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, TEKEE TANWAR/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 1997માં ચાર્લ્સ શોભરાજને ફ્રાન્સ સાથે પ્રત્યર્પણ કરતાં સમયની તસવીર

મધુકર ઝેંડેએ હાલમાં જ ફિલ્મના સંદર્ભમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક ખાસ યાદ પણ તાજી કરી હતી.

તેઓ જણાવે છે કે જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા. એ સમયે એમણે ખુદ ઝેંડેને મળવા માટે પોતાની ગાડી રોકાવી હતી.

ઝેંડે કહે છે કે, સુરક્ષા કારણોથી ત્યાં મુલાકાત નહોતી થઈ શકી, પણ બાદમાં રાજીવ ગાંધીએ એમને બોલાવીને એમની વિશેષ સરાહના કરી હતી.

નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મના સંદર્ભમાં આપેલા ઇન્ટરવ્યૂમાં અભિનેતા મનોજ વાજપેયીએ ઝેંડે વિશે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય અપરાધીને પકડવા માટે ટાઇમ્સ મૅગેઝિનમાં પણ એમનું નામ છપાયું હતું.

ગોવામાં પકડાઈ ગયા બાદ શોભરાજ પર ફરીથી મુકદમો ચાલ્યો અને એની સજા વધારી દેવામાં આવી.

1997માં જ્યારે એને છોડવામાં આવ્યો ત્યારે બૅંગકૉકમાં એના પર મુકદ્દમો ચલાવવાની સમયસીમા પૂરી થઈ ગઈ હતી.

ભારતે 1997માં તેનું ફ્રાંસમાં પ્રત્યર્પણ કરવામાં આવ્યું.

2003માં શોભરાજની નેપાળ વાપસી

2003માં ચાર્લ્સ શોભરાજ નેપાળ પરત ફર્યો. આ વખતે તે વધારે બેફિકર હતો. એણે ત્યાં મીડિયા સાથે વાતચીત પણ કરી.

શોભરાજનું કાઠમંડુ આવવું એક ચોંકાવનારો નિર્ણય હતો, કારણ કે નેપાળ જ એકમાત્ર દેશ હતો જ્યાં તે હજુ સુધી વૉન્ટેડ હતો.

નેપાળ પોલીસે એની કાઠમંડુના એક કેસીનોમાંથી ધરપકડ કરી. આ પછી 2004માં એને આજીવન કેદની સજા સંભળાવાઈ.

21 ડિસેમ્બર, 2022ના રોજ નેપાળની સર્વોચ્ય અદાલતે સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજને છોડી મૂકવાનો આદેશ આપ્યો.

બીબીસી નેપાળીએ જણાવ્યું કે એની ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન