ચાર્લ્સ શોભરાજની તિહાડમાં જેલના કર્મચારીઓને નશીલી મિઠાઈ ખવડાવીને નાસી છૂટવાની અને ફરી પકડાવાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી સંવાદદાતા
તિહાડ જેલના પ્રવક્તા અને કાયદાકીય સલાહકાર રહેલા સુનીલકુમાર ગુપ્તા 8 મે 1981એ પોતાનો એએસપી તરીકેનો નિમણૂકપત્ર લઈ જેલ અધીક્ષક બીએલ વીજની ઑફિસે પહોંચ્યા હતા.
તિહાડની નોકરી મળતાં જ તેમણે નૉર્ધન રેલવેમાંની પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. એ સમયે તેમની ઉંમર માત્ર 24 વર્ષ હતી.
રેલવેએ તેમને 7 મે છૂટા કરી દીધા હતા અને બીજા જ દિવસે તેઓ નવી નોકરીમાં હાજર થવા તિહાડ જેલ પહોંચી ગયા હતા.
સુનીલ ગુપ્તાએ યાદ કરતાં કહ્યું, "જેલ અધીક્ષક બીએલ વીજે મારા પર ઊડતી નજરે જોયું અને કહ્યું, અહીં એએસપીની કોઈ નોકરી નથી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મેં તેમને એમ જણાવવાની કોશિશ કરી કે, મારી પાસે નિમણૂકપત્ર છે. ઊલટાનું, સામે તેમણે મને કહ્યું કે, તમારે રેલવેની નોકરી છોડતાં પહેલાં એમને પૂછી લેવું જોઈતું હતું. હું બહાર નીકળી ગયો. બહાર બેસીને હું વિચારતો રહ્યો કે, શું કરું."
તેમણે જણાવ્યું કે, એ દરમિયાન તેમની નજર કોટ-ટાઇ પહેરેલી એક વ્યક્તિ પર પડી. સુનીલ ગુપ્તાને તેમના નામની ખબર નહોતી, પરંતુ, તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે તેઓ તેમને જોતાં જ ઊભા થઈ ગયા.
સુનીલ ગુપ્તાએ આગળ કહ્યું, "તેમણે મને અંગ્રેજીમાં મારા અહીં આવવાનો હેતુ પૂછ્યો. મેં તેમને બધી વાત જણાવી. તેમણે કહ્યું, ચિંતા ન કરો. હું તમારી મદદ કરીશ. એમ કહીને તેઓ વીજની ઑફિસમાં અંદર જતા રહ્યા."
"એકાદ કલાક પછી તેઓ એક પત્ર લઈને બહાર આવ્યા. જેમાં લખ્યું હતું કે તિહાડ જેલમાં મને એએસપી તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યો છે. એ પત્ર મને આપીને તેઓ જતા રહ્યા. હું જાણવા માગતો હતો કે આ પ્રભાવશાળી વ્યક્તિ કોણ હતી? મેં એક વ્યક્તિને તેમના વિશે પૂછ્યું. તેમનો જવાબ હતો, એ ચાર્લ્સ શોભરાજ છે. જેલના સુપર આઈજી. અહીં બધું તેમની મરજી પ્રમાણે જ ચાલે છે."
અશોકા હોટલમાં જ્વેલરીની દુકાનમાં ચોરી

ગુરમુખ ચાર્લ્સ શોભરાજનો જન્મ 6 એપ્રિલ 1944એ વિયેતનામના સૈગોનમાં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમનાં માતા વિયેતનામી મૂળનાં હતાં, જ્યારે તેમના પિતા ભારતીય સિંધી હતા. તેમના પિતાએ ચાર્લ્સ અને તેમની માતાને ઈશ્વર ભરોસે છોડી દીધાં હતાં.
ડેવિડ મૉરિસીએ શોભરાજના જીવનચરિત્ર 'ધ બિકીની કિલર'માં લખ્યું છે, "અણગમતું બાળજીવન વિતાવ્યા પછી ચાર્લ્સની મુલાકાત પૅરિસનાં એક મહિલા ચૅન્ટલ કૉમપૅગનન સાથે થઈ હતી. જે દિવસે ચૅન્ટલ સાથે તેમનાં લગ્ન થવાનાં હતાં તે જ દિવસે, ચોરીની એક કાર ચલાવવાના આરોપમાં, પોલીસે તેમની ધરપકડ કરી હતી."
ભારતમાં પહેલી વાર 1971માં ચાર્લ્સની ધરપકડ મુંબઈમાં થઈ હતી. દિલ્હીમાં તેમણે અશોકા હોટલની જ્વેલરીની દુકાનમાંથી કીમતી રત્ન ચોર્યાં હતાં.
અમેરિકાના તત્કાલીન વિદેશમંત્રી હેનરી કિસિન્જર જ્યારે ભારત આવ્યા હતા અને અશોકા હોટલમાં જ રોકાયા હતા, ત્યારે ચાર્લ્સ શોભરાજે આ ચોરી કરી હતી.
ચાર્લ્સની ધરપકડ કરનાર મધુકર ઝેન્ડેએ જણાવ્યું, "ચાર્લ્સે ત્યાંની કૅબ્રે ડાન્સર સાથે દોસ્તી કરીને તેને કહ્યું કે તેઓ તેની સાથે લગ્ન કરવા માગે છે. તેણે જ્વેલરીની દુકાનના માલિકને કહ્યું કે તેઓ નેપાળના રાજકુમાર છે. તમે તમારાં રત્નો બતાવવા માટે મારા રૂમમાં મોકલો. જ્યારે તેમનો માણસ રત્નો સાથે રૂમમાં આવ્યો, ત્યારે તેમણે કૉફીમાં નશીલી દવા ભેળવીને તેમને બેભાન કરી દીધા."
"ત્યાર પછી તેઓ તેમના બધા હીરા લઈને ભાગી ગયા. જ્યારે જ્વેલરીની દુકાનના માલિકને લાગ્યું કે ઘણું મોડું થવા છતાં તેમનો માણસ પાછો નથી આવ્યો, ત્યારે તેઓ ઉપર ગયા. ત્યાં તેમણે જોયું કે રૂમનો દરવાજો બંધ હતો. જ્યારે ડુપ્લિકેટ ચાવીથી હોટલનો રૂમ ખોલવામાં આવ્યો ત્યારે હીરાની દુકાનના વ્યક્તિ ત્યાં બેભાન મળ્યા. ચાર્લ્સ ભૂલથી પોતાનો પાસપૉર્ટ ભૂલી ગયા હતા, જેના પર ચાર્લ્સ શોભરાજ નામ લખેલું હતું."
તિહાડ જેલમાં શોભરાજનું સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images
થોડા જ સમયમાં ચાર્લ્સની ધરપકડ કરી લેવામાં આવી. પરંતુ, દિલ્હી પોલીસ ઘણા દિવસ સુધી ચાર્લ્સને પોતાના કબજામાં રાખી ન શકી.
તેમણે પેટમાં દુખાવાનું બહાનું કર્યું અને વેલિંગ્ટન હૉસ્પિટલમાં પોલીસને થાપ આપીને ત્યાંથી ભાગી ગયા.
આખરે 1976માં ચાર્લ્સની ધરપકડ કરવામાં આવી – જ્યારે તેમણે દિલ્હીની વિક્રમ હોટલમાં ફ્રેન્ચ પર્યટકોને તેમના પાસપોર્ટ પડાવી લેવાની ઇચ્છાથી નશીલી દવા પિવડાવી દીધી હતી.
તેમની આ યોજના સફળ ન થઈ અને ફ્રેન્ચ પર્યટકો સમય કરતાં પહેલાં ભાનમાં આવી ગયા. ચાર્લ્સની ધરપકડ કરીને દિલ્હીની તિહાડ જેલમાં લાવવામાં આવ્યા હતા.
તિહાડ ભારતની સૌથી કુખ્યાત જેલોમાંની એક હતી. ટૂંક સમયમાં ચાર્લ્સ શોભરાજે આ જેલમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું.
સુનીલ ગુપ્તાએ યાદ કરતાં કહ્યું, "ચાર્લ્સને ક્યારેય સેલમાં બંધ કરવામાં નહોતા આવતા. ઘણી વાર તેઓ વહીવટી કચેરીમાં બેઠેલા જોવા મળતા હતા. મારા મિત્ર મને ઘણી વાર તેમનાં કારનામાં વિશે જણાવતા હતા. તેમને એવો અંદાજ પણ નહોતો કે તેમના કારણે મને પણ એક વાર લાભ થયો હતો."
"તેઓ પોતાની મરજી પડે ત્યાં જઈ શકતા હતા. તેઓ જેલ અધીક્ષક અને તેમના હાથ નીચેના માણસોને પોતાની સમકક્ષ માનતા હતા. તેમની પાસે એક ટેપ રેકૉર્ડર હતું, જેમાં તેમણે જેલ અધિકારીઓની લાંચની માગણી કરતી વાત ટેપ કરી રાખી હતી.
'ચાર્લ્સસાહેબ'ના નામથી પ્રખ્યાત

ઇમેજ સ્રોત, Getty Images
ચાર્લ્સની જેલ વિશે વાત કરતાં સુનીલ ગુપ્તાએ કહ્યું, "શોભરાજ 10 બાય 12 ફૂટના સેલમાં એકલા રહેતા હતા. તેમને, જેલમાં સી ક્લાસના કેદી, નોકર તરીકે મળ્યા હતા, જેઓ તેમની માલિશ કરતા, તેમનાં કપડાં ધોતા અને તેમનું ખાવાનું પણ બનાવતા."
"તેમના સેલમાં પુસ્તકોથી ભરેલું એક શેલ્ફ હતું. તેમને એક પલંગ, ટેબલ અને બેસવા માટે ખુરશી પણ આપવામાં આવી હતી. તેમનો સેલ એક સ્ટુડિયો એપાર્ટમેન્ટ જેવો લાગતો હતો. તેઓ કેદીઓ અને જેલ સ્ટાફ તરફથી અરજીઓ લખતા હતા."
"તેમની લખેલી અરજીઓ વકીલોએ લખેલી અરજી કરતાં વધારે અસર કરતી હતી. જો કેદીઓને પૈસાની જરૂર હોય તો શોભરાજ તે પણ તેમને અપાવતા હતા. આ કારણે જ તેઓ પોતાને કેદીઓ અને જેલ સ્ટાફ, બંનેના નેતા સમજતા હતા."
તિહાડમાં ચાર્લ્સનો એટલો બધો રોફ હતો કે લોકો તેમને 'ચાર્લ્સસાહેબ' કહીને બોલાવતા હતા.
જેલ અધીક્ષકની મદદ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન ઍક્સપ્રેસે સપ્ટેમ્બર 1981માં એક સમાચાર છાપ્યા હતા કે તિહાડ જેલમાં ચાર્લ્સ શોભરાજનો હુકમ ચાલે છે.
એ જ વર્ષે પીપલ્સ યુનિયન ઑફ સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ)ના રિપોર્ટમાં કહેવાયું હતું કે, જેલમાં શોભરાજ અને તેમના મિત્રોએ પોતાના અડ્ડા બનાવ્યા છે, જ્યાંથી તેઓ પોતાનાં કામકાજ ચલાવે છે.
"જો કોઈ તેમનો વિરોધ કરે, તો શોભરાજ અને તેમના મિત્રો ફટકારવામાં પણ પાછા નહોતા પડતા. શોભરાજના મિત્રોમાં બૅન્ક લૂંટ કરનાર સુનીલ બત્રા, વિપિન જગ્ગી અને રવિ કપૂર હતા. આ બધા સારા પરિવારમાંથી હતા અને શિક્ષિત હતા."
દિલ્હી હાઈકોર્ટે રાકેશ કૌશિક કેસમાં ચાર્લ્સ શોભરાજનું નામ લીધા વિના એક વિદેશી કેદીનો ઉલ્લેખ કર્યો હતો, જેને ઇન્ટરપોલ શોધતી હતી.
હાઈકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે, "આ વિદેશીને જેલ અધીક્ષક અને નાયબ જેલ અધીક્ષકની છત્રછાયા મળેલી છે. તેમને દરરોજ તેમની ઑફિસની બાજુમાં આવેલા રૂમોમાં બહારના લોકોને મળતા જોઈ શકાય છે. નાયબ અધીક્ષક આ કેદીને પોતાના રૂમમાં યૌનસંબંધ માટેની મંજૂરી પણ આપી દે છે."
"દેખીતું છે કે, આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જેલ અધીક્ષક અને તેમના હાથ નીચેના કર્મચારીઓ આ કેદી પાસેથી મોટી કિંમત વસૂલ કરે છે. આ વિદેશી કેદી પોતાનાં બે પુસ્તકોના પ્રકાશન પછી વધારે અમીર થઈ ગયા છે."
જ્ઞાની ઝૈલસિંહ તિહાડમાં શોભરાજને મળ્યા

ઇમેજ સ્રોત, Getty Images
એ જમાનામાં શિરીન વૉકર ચાર્લ્સ શોભરાજનાં ગર્લફ્રૅન્ડ હતાં. તેમણે તેમને ભારત બોલાવી લીધાં હતાં. જ્યારે તેઓ દિલ્હીમાં હોય, ત્યારે અહીંની ફાઇવ સ્ટાર હોટલમાં રોકાતાં હતાં.
પીયુસીએલના રિપોર્ટમાં કહેવાયું હતું કે, "શિરીન વૉકરે સતત છ દિવસ સુધી પોલીસ અધીક્ષકના રૂમમાં ચાર્લ્સ શોભરાજ સાથે કલાકોની મુલાકાત કરી હતી."
જ્યારે શોભરાજ વિશે ઇન્ડિયન એક્સ્પ્રેસમાં સમાચાર છપાયા, ત્યારે તત્કાલીન ગૃહમંત્રી જ્ઞાની ઝૈલસિંહે અચાનક મોડી રાત્રે તિહાડ જેલની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો.
સુનીલ ગુપ્તાએ યાદ કરતાં કહ્યું, "પહેલી સપ્ટેમ્બરે સાંજે સાડા સાત વાગ્યે એક ગાર્ડે દોડતા આવીને મને સમાચાર આપ્યા કે ગૃહમંત્રી આવ્યા છે. શું હું તેમને અંદર આવવા દઉં?"
"આજે આ વાત સાંભળીને હાસ્યાસ્પદ લાગે છે, પરંતુ એ દર્શાવે છે કે તિહાડના દરેક ગાર્ડના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે કોઈને પણ જેલ વહીવટી તંત્રની મંજૂરી વિના જેલની અંદર ઘૂસવા દેવામાં ન આવે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે તેણે ભારતના ગૃહમંત્રીને બહાર રાહ જોવા માટે કહી દીધું હતું."
તેમણે આગળ કહ્યું, "હું દોડતો ગેટ પર પહોંચ્યો. ગૃહમંત્રીએ મને કહ્યું કે હું તેમને ચાર્લ્સ શોભરાજના સેલમાં લઈ જાઉં. શોભરાજને મળતાં જ તેમણે તેમને હિન્દીમાં પૂછ્યું, તમે કેમ છો? તમને અહીં કશી તકલીફ તો નથી? મેં તેનો અનુવાદ કરી શોભરાજને જણાવ્યું. શોભરાજે અંગ્રેજીમાં જવાબ આપ્યો કે તેઓ બિલકુલ મજામાં છે અને તેમને કોઈ ફરિયાદ નથી."
સુનીલ ગુપ્તાનું સસ્પેન્શન

ઇમેજ સ્રોત, Getty Images
સુનીલ ગુપ્તાએ જણાવ્યું, "જ્યારે હું જ્ઞાનીજીને આગળના વૉર્ડમાં લઈ ગયો, તો ત્યાં બે કેદીઓ ભજ્જી અને દીનાએ અચાનક 'ચાચા નહેરુ ઝિંદાબાદ' સૂત્ર પોકારવાનું શરૂ કરી દીધું."
"જ્યારે જ્ઞાનીજીના સચિવ તેમને દૂર લઈ ગયા ત્યારે તેમણે તેમને જણાવ્યું, 'અહીં બધું જ મળે છે. નશીલી દવાઓ, દારૂ અને જે કંઈ પણ તેઓ ઇચ્છે તે બધું જ'. બીજા દિવસે છાપામાં સમાચાર છપાયા કે કેદીઓએ મંત્રીના સચિવને દારૂની એક ખાલી બાટલી એટલા માટે બતાવી કે એ દર્શાવી શકાય કે અહીં તે મેળવવી કેટલી સરળ છે."
"આ ઘટનાના બે દિવસ પછી ગૃહમંત્રાલયે તિહાડ જેલના છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. તેમાંનો એક હું પણ હતો. જ્યારે મેં તેનો વિરોધ કર્યો કે, એ કેદીઓ મંત્રી સામે આવ્યા એ માટે હું જવાબદાર નથી, ત્યારે, દોઢ મહિના પછી મને નોકરી પર પાછો લઈ લેવામાં આવ્યો."
સુનીલ ગુપ્તાના સસ્પેન્શન દરમિયાન ચાર્લ્સ શોભરાજ સતત તેમના સંપર્કમાં રહ્યા. તેમણે તેમને આર્થિક સહાય આપવાની પણ રજૂઆત કરી, જેને ગુપ્તાએ સ્વીકારી નહીં.
તિહાડ જેલમાંથી ભાગ્યા

ઇમેજ સ્રોત, Getty Images
16 માર્ચ 1986, રવિવારના દિવસે ચાર્લ્સ શોભરાજ તિહાડ જેલના બધા સુરક્ષાકર્મીઓને થાપ આપીને જેલમાંથી ભાગી ગયા.
આ વિશે સૌથી પહેલી બૂમો સિપાહી આનંદ પ્રકાશે પાડી. જ્યારે તેઓ જેલની નજીક બનેલા ક્વાર્ટરમાં પહોંચ્યા, ત્યારે તેમણે જાડાં કપડાંથી પોતાનું મોઢું ઢાંકેલું હતું. જ્યારે તેમણે નાયબ અધીક્ષકની કચેરીની ઘંટડી વગાડી ત્યારે તેમના મોંએથી એક પણ શબ્દ નહોતો નીકળતો.
તેમના ગળામાંથી માત્ર આ શબ્દ નીકળ્યા – દોડો, જલદી.
પછીથી જેલ નંબર ત્રણના સહાયક સબ-ઇન્સ્પેક્ટર વીડી પુષ્કરણાએ જણાવ્યું, "જેલના બધા ગેટ ખુલ્લા હતા. આખો જેલ સ્ટાફ, જેમાં ગેટકીપર, સુરક્ષા સ્ટાફ અને એટલે સુધી કે ડ્યૂટી ઑફિસર શિવરાજ યાદવ કાં તો સૂતા હતા અથવા તો સ્તબ્ધ ઊભા હતા. જેલના દરવાજાની ચાવીઓ એના નિશ્ચિત સ્થાને નહોતી."
તમિલનાડુ પોલીસના કર્મચારીઓને તિહાર જેલમાં એટલા માટે તહેનાત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ ઉત્તર ભારતીય ગુનેગારો સાથે હળીભળી ન શકે, પરંતુ તેઓ પણ બેહોશ પડ્યા હતા.
તે દિવસે, તિહાડ જેલના 900 કેદીઓમાંથી 12 કેદી જેલમાંથી ભાગી ગયા હતા.
મીઠાઈમાં નશીલી દવા

ઇમેજ સ્રોત, Getty Images
સુનીલ ગુપ્તાએ યાદ કરતાં કહ્યું, "તે દિવસે હું ઘરે દૂરદર્શન પર એક ફિલ્મ જોતો હતો. ત્યારે દૂરદર્શને ફિલ્મ અટકાવીને જાહેરાત કરી કે તિહાડ જેલમાંથી ચાર્લ્સ શોભરાજ ભાગી ગયા છે. હું તરત જેલ પહોંચી ગયો. નોંધવા જેવી વાત એ હતી કે, દરેક બેભાન સિપાહીના હાથમાં 50 રૂપિયાની નોટ ફસાવેલી હતી."
"તેનાથી એ અનુમાન કરાયું કે, શોભરાજે પોતાનો જન્મદિવસ ઊજવવાના બહાને પહેલાં સિપાહીઓને 50 રૂપિયાની લાલચ આપી અને પછી તેમને નશીલી દવાઓવાળી મીઠાઈ ખવડાવી દીધી."
સુનીલ ગુપ્તાએ જણાવ્યા અનુસાર, "દિલ્હીના નાયબ પોલીસ કમિશનર અજય અગ્રવાલે પત્રકારોને જણાવ્યું કે, બે લોકોએ તિહાડ જેલમાં આવીને એક કેદીનો જન્મદિવસ ઊજવવા માટે કેદીઓમાં ફળ અને મીઠાઈ વહેંચવાની વિનંતી કરી હતી. જ્યારે વૉર્ડન શિવરાજ યાદવે એની મંજૂરી આપી ત્યારે તેમણે યાદવ અને અન્ય પાંચ ગાર્ડ્સને દવાયુક્ત મીઠાઈ ખવડાવી હતી. મીઠાઈ ખાતાં જ તે બધા બેભાન થઈ ગયા હતા અને થોડા કલાકો પછી જ તેઓ ભાનમાં આવ્યા હતા."
તેમણે આગળ જણાવ્યું કે, "તપાસ કરી ત્યારે ખબર પડી કે, એક બ્રિટિશ નાગરિક ડેવિડ હૉલને થોડાક દિવસ પહેલાં તિહાડમાંથી છોડવામાં આવ્યા હતા. તેમની નશીલી દવાઓની તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. શોભરાજને તેમની સાથે મિત્રતા થઈ ગઈ હતી, કેમ કે, શોભરાજે તેમની જામીન અરજી લખવામાં તેમને મદદ કરી હતી."
"રેકૉર્ડની તપાસ કરવાથી ખબર પડી કે, શોભરાજ ભાગે તે પહેલાં હૉલ તેમને મળ્યા હતા અને તેમણે તેમને એક પૅકેટ આપ્યું હતું. હૉલને માત્ર 12 હજાર રૂપિયામાં જામીન મળી ગયા હતા. સામાન્ય ગુનેગારો જામીન મળતાં જ પોતાના ઘરનો રસ્તો પકડતા હતા, પરંતુ, હૉલે તિહાડ પાછા આવીને શોભરાજને ભાગવામાં મદદ કરી."
"તિહાડ જેલની બહાર એક ગાડી શોભરાજની રાહ જોતી ઊભી હતી. તેઓ પોતાની સાથે તિહાડ જેલના સિપાહીને પણ, અપહરણ કરીને, લઈ ગયા હતા, જેથી ત્યાં તહેનાત તામિલનાડુ પોલીસના જવાનોને એવું લાગે કે પોલીસની સહમતીથી શોભરાજ જેલમાંથી બહાર જઈ રહ્યા છે."
ગોવામાં ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
એક રિપોર્ટ અનુસાર, શોભરાજે મીઠાઈમાં ભેળવવા માટે 'લાર્પૉઝ' (ઊંઘની ટૅબલેટ)ની 820 ગોળીઓનો ઉપયોગ કર્યો હતો.
ઘટના પછી દિલ્હીના ઉપ-રાજ્યપાલ એચકેએલ કપૂર અને પોલીસ કમિશનર વેદ મારવાહે તિહાડ જેલની મુલાકાત લીધી હતી અને વીડી પુષ્કરણા અને બીજા પાંચ અધિકારીઓની ધરપકડના આદેશ આપ્યા હતા.
પરંતુ, શોભરાજ માત્ર 23 દિવસ જ તિહાડ જેલની બહાર રહી શક્યા. મુંબઈ પોલીસના ઇન્સ્પેક્ટર મધુકર ઝેન્ડેએ ગોવાની એક રેસ્ટોરાંમાંથી તેમની ધરપકડ કરી.
તેમને ટેલિફોન ઍક્સ્ચેન્જમાંથી જાણવા મળ્યું કે શોભરાજ ત્યાંની ઓકોકેરા રેસ્ટોરાંમાં આવી શકે તેમ છે.
ઝેન્ડેએ યાદ કરતાં કહ્યું, "છ એપ્રિલની રાત્રે સાડા દશ વાગ્યે ટીવી પર ભારત-પાકિસ્તાનની હૉકી મૅચ ચાલતી હતી. હોટલમાં એક મોટું કમ્પાઉન્ડ હતું. અંદર એક ઇનર રૂમ હતો. અમે ઇનર રૂમમાં બેઠા હતા."
"મેં જોયું કે ગેટની બહાર બે માણસ ટૅક્સીમાંથી ઊતર્યા. તેમણે સન હૅટ પહેરી હતી. મેં વિચાર્યું કે આટલી રાત્રે તેમણે સન હૅટ કેમ પહેરી હશે? જ્યારે તેઓ આગળ આવ્યા ત્યારે મેં જોયું કે આ તો ચાર્લ્સ શોભરાજ જેવા દેખાય છે. તેમની સાથે તેમના મિત્ર ડેવિડ હૉલ પણ હતા. તેમને જોઈને મારી છાતી ધડકવા લાગી."
ઝેન્ડે આગળ જણાવ્યું કે, "હું એકાએક મારી જગ્યા પરથી ઊભો થયો અને પાછળથી તેમનું પેન્ટ પકડીને મોટેથી બૂમ પાડી, 'ચાર્લ્સ'. તેમણે જવાબ આપ્યો, 'હૂ ચાર્લ્સ?' મેં કહ્યું, 'યુ આર બ્લડી ચાર્લ્સ શોભરાજ.' તેમણે કહ્યું, 'યુ આર ક્રેઝી?' મેં કહ્યું, 'આઈ એમ સેમ ઝેન્ડે હૂ કૉટ યૂ ઈન 71.' આમ બોલ્યા પછી તેઓ હિંમત હારી ગયા."
"અમે હાથકડી વગેરે લઈને નહોતા ગયા. અમે હોટલવાળાને કહ્યું કે તમારી પાસે જેટલાં દોરડાં વગેરે હોય તે અમને આપો. અમે તેમને દોરડાથી બાંધ્યા અને કમિશનરને ફોન કર્યો કે, અમે ચાર્લ્સને પકડી લીધા છે."
શોભરાજને હાથકડી અને બેડીઓમાં રાખવામાં આવ્યા

ઇમેજ સ્રોત, facebook
ઝેન્ડે પાસેથી દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર અમોદ કંઠે શોભરાજની કસ્ટડી લીધી અને તેઓ તેમને એક વિશેષ વિમાન દ્વારા દિલ્હીમાં લઈ આવ્યા.
જેલમાંથી ભાગવાના કારણે શોભરાજની જેલની સજા વધી ગઈ. તેમનું થાઈલૅન્ડ પ્રત્યાર્પણ અટકી ગયું, જ્યાં હત્યાઓના કેસમાં તેમને અચૂક મૃત્યુદંડ થયો હોત.
તિહાડ જેલમાં પાછા આવ્યા પછી તેમની બધી આઝાદી ખતમ કરી દેવામાં આવી.
તેમને બીજા કેદીઓથી જુદા કરીને હાથકડીઓ અને બેડીઓમાં રાખવામાં આવવા લાગ્યા અને કોઈ પણ સુરક્ષા કર્મચારી વગર ક્યાંય પણ જવા સામે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. પરંતુ, તેઓ અદાલત જવાના સમય દરમિયાન બહારના લોકોને મળતા રહ્યા.
ઇન્ડિયા ટુડેએ સપ્ટેમ્બર 1986ના અંકમાં લખ્યું, "ચાર્લ્સ વધુમાં વધુ સમય અદાલતમાં વિતાવવા ઇચ્છે છે, જેથી તેમને બેડીઓ પહેરવામાંથી મુક્તિ મળી શકે. તેઓ અદાલતમાં જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન પોતાની પસંદગીનું ભોજન કરવા અને પોતાના વકીલ સ્નેહ સેંગરને મળવા તથા પોતાના કેસ સંબંધિત ફાઇલો જોવાની માગણી કરે છે, જે તેમને મળે છે."
"પછી તેમનું ધ્યાન તેમના માટે પૉલિથીનમાં લાવવામાં આવેલી ચિકન બિરિયાની પર પડે છે. પછી તેઓ એક વ્યક્તિને કહે છે કે, તેઓ તેમના માટે લિમ્કા લઈ આવે."
જેલમાં આટલી સખત સુરક્ષા હોવા છતાં તેમની પાસેથી થોડા પ્રમાણમાં હશીશ મળી આવ્યું હતું. તેને બ્રેડની બે સ્લાઇસની વચ્ચે રાખીને લાવવામાં આવ્યું હતું. આ માટે બે સિપાહીઓને પહેલાં જ સસ્પેન્ડ કરી દેવાયા હતા અને ત્યાર પછી નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું હતું.
શોભરાજના કારણે કિરણ બેદીની બદલી થઈ
સુનીલ ગુપ્તા જણાવે છે કે, "ચાર્લ્સ શોભરાજ તિહાડ જેલનાં આઇજી કિરણ બેદીની બદલીનું કારણ બન્યા હતા."
કિરણ બેદીએ તેમને તિહાડ જેલમાં લીગલ સેલ સાથે જોડી દીધા હતા. તેમને કેદીઓની અરજીઓ ટાઇપ કરવા માટે એક ટાઇપરાઇટર આપવામાં આવ્યું હતું.
તેમાં કશું ગેરકાયદે નહોતું. જોકે, બદલીનું કારણ જણાવવામાં આવ્યું કે, ટાઇપરાઇટર એક વિલાસિતાની વસ્તુ છે અને શોભરાજ તેની મદદથી પુસ્તકો લખીને પોતાનાં કરતૂતોનું મહિમામંડન કરી રહ્યા હતા.
આમ કહીને મૅગ્સેસે પુરસ્કાર વિજેતા કિરણ બેદીની બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવી હતી.
નેપાળની જેલમાં પણ 19 વર્ષ વિતાવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
તિહાડ જેલમાં 20 વર્ષ વિતાવ્યાં પછી 17 ફેબ્રુઆરી 1997એ ચાર્લ્સ શોભરાજને તિહાડ જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા.
તે સમયે તેમની ઉંમર 53 વર્ષ હતી
પરંતુ, તેમની મુશ્કેલીઓનો ત્યારે પણ અંત ન આવ્યો. છ વર્ષ પછી 2003માં નેપાળમાં ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી.
21 ડિસેમ્બર 2022એ નેપાળની સુપ્રીમ કોર્ટે તેમની મુક્તિનો આદેશ આપ્યો.
ત્યાંથી તેમને ફ્રાન્સ મોકલી દેવામાં આવ્યા, જ્યાં તેઓ આજે પણ રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
















