સુરત: 20 વર્ષ પહેલાં પત્નીની હત્યા મામલામાં ફરાર થયેલો આરોપી પતિ કેવી રીતે પકડાયો?

ઇમેજ સ્રોત, SHEETAL PATEL
- લેેખક, શિતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્ષ 2004માં સુરતના રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યા થઈ હતી. 20 વર્ષ બાદ આ ગુનાને ઉકેલવામાં સુરત પોલીસને સફળતા મળી છે. સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસના દાવા પ્રમાણે તેણે હત્યાનો ભેદ ઉકેલીને આરોપીની આગ્રાથી ધરપકડ કરી છે.
આ આરોપી બીજો કોઈ નહીં પરંતુ જેમની હત્યા થઈ હતી એ મહિલાનો પતિ જ છે. આ આરોપી ઍરફોર્સનો પૂર્વ જવાન છે અને તેના પર જ પોતાની પત્નીની હત્યા કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ આરોપી પત્નીની હત્યા કર્યા બાદ પોતાના પુત્રને લઈને છેલ્લા 20 વર્ષથી નાસતો ફરતો હતો.
પોલીસે એમ પણ જણાવ્યું કે આ આરોપી પોતાના પુત્રને લઈને આગ્રા ભાગી ગયો હતો અને ત્યાં તેણે કરિયાણાની દુકાન શરૂ કરી હતી. એટલું જ નહીં તેણે એક અન્ય મહિલા સાથે બીજા લગ્ન પણ કરી લીધાં હતાં.
જોકે, પોલીસ છેલ્લા ઘણાં વર્ષોથી આ મામલે નજર રાખીને બેઠી હતી અને આખરે બાતમીને આધારે પોલીસે આ આરોપીને આગ્રાથી ઝડપી પાડ્યો હતો.
આરોપીએ પત્ની સાથે કર્યાં હતાં પ્રેમલગ્ન

ઇમેજ સ્રોત, SHITAL PATEL
સુરત પોલીસનની ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે તેણે આરોપી વિનોદ શર્મા ઉર્ફે ફોજી મદનમોહન શર્માને યુપી રાજ્યના આગ્રા શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નજીક આવેલા સેક્ટર નંબર ત્રણ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આરોપી વિનોદ 14 વર્ષ સુધી ઍરફોર્સમાં ક્લાર્કની નોકરી કરતો હતો. તેનું પોસ્ટિંગ જ્યારે અમદાવાદમાં થયું ત્યારે તેના પાડોશમાં રહેતાં ઉર્મિલા નામની મહિલા સાથે પ્રેમ થયો હતો. ઉર્મિલા રત્નકલાકાર તરીકે કામ કરતાં હતાં. બંનેએ પ્રેમલગ્ન કર્યાં. લગ્નના થોડા સમય બાદ વિનોદની બદલી યુપીના બરેલી ખાતે થઈ. તે સમયે હીરાઉદ્યોગમાં તેજીનો માહોલ હતો તેથી તેણે ઍરફોર્સની નોકરી છોડીને રત્નકલાકાર તરીકેનું કામ કરવાનું પસંદ કર્યું."
કિરણ મોદી વધુમાં જણાવે છે, "વિનોદ પત્ની ઉર્મિલા અને પુત્ર રાજશેખર સાથે અમદાવાદથી સુરત ખાતે રહેવા માટે આવી ગયો. તેમણે સુરતના રામનગરની આનંદ મંગલ સોસાયટીમાં ભાડેથી મકાન રાખ્યું. બંને પતિ-પત્ની વરાછા ખાતે આવેલા હીરાના કારખાનામાં સાથે નોકરી કરતાં હતાં."
પોલીસના જણાવ્યા પ્રમાણે બંને વચ્ચે ઝગડા થવા લાગ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝગડાનું કારણ જણાવતા કિરણ મોદી કહે છે, "ઉર્મિલાને મકાનમાલિકની દુકાનમાં કામ કરતી કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાનો વિનોદને શક હતો. આ મામલે બંને વચ્ચે અણબનાવ હતો. ડિસેમ્બરમાં બંને વચ્ચે ઝગડો થયો અને વિનોદે આવેશમાં આવીને લોખંડના પાઇપ લડે ઉર્મિલાના માથા પર હુમલો કર્યો અને તેનું મોત નીપજ્યું."
પોલીસે કર્યો વેશપલટો

ઇમેજ સ્રોત, Getty Images
પત્નીની હત્યા કર્યા બાદ વિનોદ ફરાર થઈ ગયો હતો.
કિરણ મોદીએ વધુ વિગતો આપતા જણાવ્યું, "પત્નીની હત્યા કર્યા બાદ તેણે પોતાના ચાર વર્ષના પુત્ર રાજશેખરને પોતાના સ્કૂટર પર બેસાડીને મકાનને તાળું મારી સુરતના રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. ત્યાં સ્કૂટર પાર્ક કરીને તે બસ મારફતે ઉદયપુર પહોંચ્યો અને ત્યાંથી આગ્રા પહોંચ્યો હતો."
જોકે પોલીસને તે આગ્રા પહોંચ્યો છે તે વાતની ખબર નહોતી. પોલીસ તેને વર્ષોથી શોધતી હતી.
તેની શોધ કેવી રીતે કરી તે વિશે માહિતી આપતા કિરણ મોદી કહે છે, "આરોપીને ઝડપી પાડવા માટે અમે વૉચ રાખી હતી. ટૅક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ કર્યો હતો. સુરત પોલીસની પાંચ ટીમોને આરોપી સુધી પહોંચવા માટે કામે લગાડાઈ હતી. આ ટીમના 20 સભ્યોએ સતત 25 દિવસ સુધી આરોપીની વૉચ ગોઠવી હતી અને વેશપલટો કરીને પોલીસ આરોપી સુધી પહોંચી હતી."
વિનોદની બીજી પત્નીને પણ આ હત્યા વિશે ખબર હતી

ઇમેજ સ્રોત, @CP_SuratCity
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પહેલી પત્ની ઉર્મિલાની હત્યા કરીને વિનોદ જેવો આગ્રા આવ્યો ત્યારે તેને લાગ્યું કે પોલીસ હવે તેના સુધી નહીં પહોંચી શકે. આગ્રા પહોંચીને તેણે બીજી મહિલા ચિત્રાદેવી સાથે લગ્ન કર્યાં હતાં.
સુરત પોલીસે જ્યારે તેની ધરપકડ બાદ પૂછપરછ કરી ત્યારે વિનોદ શર્માએ આ માહિતી જણાવી હોવાનો પોલીસે દાવો કર્યો છે.
પોલીસે એ પણ જણાવ્યું કે છેલ્લાં 20 વર્ષથી વિનોદ આગ્રામાં કરિયાણાની દુકાન ચલાવીને ધંધો કરે છે.
કિરણ મોદીએ એ પણ જણાવ્યું કે બીજી પત્ની થકી વિનોદને બે પુત્રીઓ પણ જન્મી છે.
કિરણ મોદીએ જણાવ્યું, "વિનોદે પાછળથી તેની બીજી પત્ની ચિત્રાદેવીને જાણ કરી હતી કે તેણે તેની પહેલી પત્નીની હત્યા કરી છે. ચિત્રાદેવીએ સમાજના ડરથી કોઈને વાત કરી નહોય તેમ બની શકે છે."
જે પુત્રને લઈને વિનોદ ભાગી છૂટ્યો હતો તે રાજશેખરની ઉંમર હાલ 23 વર્ષ છે અને તે છૂટક કામ કરે છે. પોલીસનો દાવો છે કે પુત્રને તેના પિતાએ તેની માતાનું ખૂન કર્યું તેની જાણ નહોતી.
સુરત પોલીસના જણાવ્યા પ્રમાણે આગ્રા પોલીસ સ્ટેશનમાં પણ વિનોદ સામે બે કેસ નોંધાયેલા છે.
પોલીસ હવે આગળની તપાસ હાથ ધરી છે અને આ મામલે વિનોદની વધુ પૂછપરછ કરી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












