સુરતમાં બોગસ ડૉક્ટર બનાવવાનું રેકેટ કઈ રીતે ચાલતું હતું?

ધરપકડ કરાયેલા ડૉક્ટરોએ 70થી 80 હજાર રૂપિયા આપીને ડૉક્ટરની ડિગ્રી ખરીદી હતી

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, ધરપકડ કરાયેલા ડૉક્ટરોએ 70થી 80 હજાર રૂપિયા આપીને ડૉક્ટરની ડિગ્રી ખરીદી હતી
    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી

સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસે એક દવાખાનામાં રેડ દરમિયાન પૈસા લઈને ડૉક્ટરની બોગસ ડિગ્રી આપતાં રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે રેકેટ સામે આવ્યું છે તેને હાલમાં ગુજરાતનું સૌથી મોટું રેકેટ કહેવામાં આવી રહ્યું છે.

સુરત પોલીસે પૈસા લઈને ડૉક્ટરની ખોટી ડિગ્રી આપતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, સાથે-સાથે ખોટી ડિગ્રી સાથે તબીબી પ્રૅક્ટિસ કરતાં 10 ડૉક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં આ બોગસ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેમણે સુરતની જ એક વ્યક્તિ પાસેથી 70થી 80 હજાર રૂપિયા આપીને ડૉક્ટરની ડિગ્રી ખરીદી હતી.

અત્યાર સુધી પોલીસે નકલી ડિગ્રીના આધારે મેડિકલ પ્રૅક્ટિસ કરી રહેલાં 10 ડૉક્ટરોની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે બોગસ ડિગ્રી આપનારા ડૉક્ટર રશેષ ગુજરાતી, ભુપેન્દ્ર સુરજભાન રાવત અને ઇસ્માઇલ સૈયદની પણ ધરપકડ કરી છે.

વૉટ્સઍપ
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

કેવી રીતે બહાર આવ્યું રેકેટ?

ધરપકડ કરવામાં આવેલા બોગસ ડૉક્ટરો

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, ધરપકડ કરવામાં આવેલા બોગસ ડૉક્ટરો

સુરત પોલીસના જણાવ્યા અનુસાર તેમને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ત્રણ ડૉક્ટરો વગર ડિગ્રીએ ઍલોપેથીક દવાખાનું ચલાવી રહ્યાં છે. પોલીસની ટીમે પાંડેસરાના તુલસીધામ સોસાયટી, ઈશ્વર નગર અને કૈલાશ ચોકડીથી નકલી ડીગ્રી સાથે તબીબી પ્રૅક્ટિસ કરતાં ડૉક્ટરોની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા બોગસ ડૉક્ટરની ઓળખ શશીકાંત મહંતો, સિદ્ધાર્થ દેવનાથ અને પાર્થ દેવનાથ તરીકે કરવામાં આવી છે. પોલીસે ત્રણેય પાસેથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને સીરપ ઉપરાંત બીએમએસની ડિગ્રી સહિત 52 હજાર 201 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ત્રણેય ડૉક્ટરોની પૂછપરછ કરતાં રશેષ ગુજરાતીનું નામ ખૂલ્યું હતું. રશેષ ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલ કૉલેજ નામની કૉલેજ ચલાવતો હતો અને કૉલેજનાં નામે ઇલેક્ટ્રો હોમિયોપેથીનાં સર્ટિફિકેટ આપતો હતો.

તપાસમાં બહાર આવ્યું કે રશેષ ધોરણ આઠ પાસ વ્યક્તિને પણ 50 હજારથી 70 હજાર રૂપિયામાં બોર્ડ ઑફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિસિન અમદાવાદનું સર્ટિફિકેટ બનાવી આપતો હતો.

આ ઉપરાંત સર્ટિફિકેટ મેળવીને પોતે ડૉક્ટર તરીકે મેડિકલ પ્રૅક્ટિસ કરી શકશે તેવી બાંહેધરી પણ આપતો હોવાની વાત સામે આવી હતી. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી રશેષ ગુજરાતીના સુરતમાં પાલનપુર જકાતનાકા સ્થિત બાલાજી કૃપા સોસાયટીના એ-32 નંબરના મકાનમાં રેડ કરી હતી.

ઘરે તપાસ કરતાં ત્યાંથી રજિસ્ટ્રેશન ફૉર્મ, ડૉક્ટર રજિસ્ટ્રેશનનું રજિસ્ટર, માર્કશીટ BEMS ડિગ્રીનું ઍપ્લિકેશન ફૉર્મ, હાઇકોર્ટનો ઑર્ડર, આઈકાર્ડ સાથે સાત સર્ટિફિકેટ, પાંચ કોરા સર્ટિફિકેટ અને બીજા મહત્ત્વનાં કાગળો મળી આવ્યાં હતાં.

2002થી ચાલે છે બોગસ કૉલેજ

રશેષ ગુજરાતીના ઘરમાંથી કબજે લેવામાં આવેલા બોગસ મેડિકલ ડિગ્રીઓ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, રશેષ ગુજરાતીના ઘરમાંથી કબજે લેવામાં આવેલી બોગસ મેડિકલ ડિગ્રીઓ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસ પૂછપરછમાં રશેષે જણાવ્યું કે, તેમણે વર્ષ 2002માં સુરતના ગોપીપુરાના કાજી મેદાન રત્નસાગર સ્કૂલની સામે ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલની ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ હેઠળ તેઓ ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલ કૉલેજ ચલાવતા હતા.

મીડિયા સાથે વાત કરતા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ''કૉલેજમાં વધુ નફો ન થતાં રશેષે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી અલગઅલગ ડૉક્ટર ડિગ્રીઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમના ધ્યાન પર આવ્યું કે સામાન્ય લોકો ઇલેક્ટ્રો હોમિયોપેથી વિશે વધુ જાણતાં નથી. એટલા માટે તેમને BEMS નામની એક નકલી ડિગ્રી ઊભી કરી દીધી અને અમદાવાદ રહેતા ડૉક્ટર બીકે રાવત સાથે મળી આ વ્યવસાય શરૂ કરી દીધો હતો.''

''તેઓ કોઈપણ વ્યક્તિને 70થી 80 હજાર રૂપિયા સુધીની ફી લઈ અઠવાડિયામાં જ BEMSની ડિગ્રી, આઈ કાર્ડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને માર્કશીટ આપી દેતા હતા. મહત્ત્વની વાત એ છે કે આ ડિગ્રી આપ્યા બાદ બંને પૈસા આપનાર વ્યક્તિને ક્લિનિક કે દવાખાનું ચલાવી શકો છો તેવી બાંહેધરી આપતા હતા. જો કોઈ તકલીફ થાય તો દરેક પ્રકારની મદદની ખાતરી પણ આપતા હતા. આ ઉપરાંત ડિગ્રી મેળવનાર વ્યક્તિ જો કોઈ બીજી વ્યક્તિને સંસ્થામાં ઍડ્મિશન માટે લઈ આવે તો તેને પણ 5 હજાર રૂપિયાનું કમિશન આપતા હતા.''

નકલી કૉલેજમાં 1400-1500 બોગસ ડૉક્ટર તૈયાર થયા

વિજયસિંહ ગુર્જર - DCP સુરત પોલીસ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, વિજયસિંહ ગુર્જર - DCP સુરત પોલીસ

વર્ષ 2002 માં સુરતના રશેષ અને અમદાવાદના ડૉક્ટર બી કે રાવતે સાથે મળીને શરૂ કરેલી આ કૉલેજમાં એક હજારથી વધારે લોકોને પોતાના કૉર્સમાં સામેલ કર્યા હતા અને BEMSની બોગસ ડિગ્રી આપીને તેમને અલગ અલગ વિસ્તારોમાં ડૉક્ટરની પ્રૅક્ટિસ કરવા માટે મંજૂરી આપી હતી.

કોઈ વ્યક્તિને આ બોગસ મેડિકલ કૉલેજ પર શંકા ન જાય તે માટે બી કે રાવતે BEHMGUJARAT.COM નામથી એક વેબસાઇટ પણ તૈયાર કરી હતી. જેથી ડિગ્રી મેળવનાર વ્યક્તિને ડિગ્રી બોગસ હોવાની શંકા ન જાય.

રશેષ અને બી કે રાવત ડૉક્ટર પાસેથી રજિસ્ટ્રેશન માટે દર વર્ષે 1500 અને ઍસોસિયેશન ફીના નામે 1500 આમ મળીને 73 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. આ 73 હજાર રૂપિયામાં ડૉક્ટરને પ્રૅક્ટિસ કરવાની જવાબદારી પોતાના રિસ્ક પર રહેતી હતી.

બીજી સ્કીમમાં ડિગ્રી લેનાર વ્યક્તિ પાસેથી 70 હજાર રૂપિયામાં BEMSની ડિગ્રી આપવામાં આવતી હતી અને 5000 રૂપિયા અલગથી પ્રોટેક્શન અને માર્ગદર્શન માટે લેવામાં આવતા હતા. દર મહિને પાંચ હજાર રૂપિયા આપનાર વ્યક્તિને આ બંને દ્વારા પ્રોટેકશન આપવામાં આવશે તેવું કહેવામાં આવતું હતું.

રશેષ ગુજરાતી (વચ્ચે)

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, રશેષ ગુજરાતી (વચ્ચે)

જો કોઈ ડિગ્રી લેનાર વ્યક્તિ આ બંને સ્કીમમાંથી કોઈપણ સ્કીમમાં સામેલ થવા ન માંગે અને માસિક 3000 અને 5000 રૂપિયા ન આપે તો ડિગ્રી લેનારને ધમકાવવા માટે ઈરફાન ઇસ્માઈલ સૈયદ અને શોભેસિંહ નામની બે વ્યક્તિઓને પણ રાખવામાં આવી હોવાની કબૂલાત કરવામાં આવી હતી.

બોગસ કૉલેજના સંચાલકો દ્વારા નકલી ડૉક્ટરોને પોલીસ અને આરોગ્ય વિભાગનો ડર બતાવવામાં આવતો હતો.

રશેષ ગુજરાતીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, જો કોઈ ડૉક્ટર પૈસા આપવાની ના પાડે તો તેને ધમકી આપવામાં આવતી હતી. નકલી ડૉક્ટરને કહેવામાં આવતું હતું કે, તેના વિશેની માહિતી પોલીસ કે આરોગ્ય વિભાગને આપવામાં આવશે અને ડિગ્રી રદ કરી દેવામાં આવશે. આ ધમકીના આધારે દર મહિને પાંચ હજાર રૂપિયાની ખંડણી ડિગ્રી લેનારા બોગસ ડૉક્ટરો પાસેથી ઉઘરાવવામાં આવતી હતી.

રશેષની પૂછપરછ બાદ સુરત પોલીસની ટીમે અમદાવાદ જઈને બી કે રાવત એટલે કે ભુપેન્દ્ર સુરજભાન રાવતની ધરપકડ કરી હતી.

તેમની પૂછપરછમાં સામે આવ્યું કે ડૉક્ટર રશેષ સાથે તેમની મુલાકાત રાજીવ ગાંધી ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ કૉલેજમાં થઈ હતી. આ કૉલેજમાં જ બંનેએ સાથે મળી આ બોગસ કોર્સ ઊભો કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. આ માટે રશેષ ગુજરાતી બી કે રાવતને 30 ટકા કમિશન પણ આપતો હતો. સુરત પોલીસ અનુસાર અત્યાર સુધીમાં 1400 થી 1500 લોકોનું રજીસ્ટ્રેશન BEMSની ડિગ્રી માટે કરવામાં આવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.