અજમેર સામૂહિક બળાત્કાર કાંડ : ન્યાય મેળવવા પીડિતાએ કરેલી 32 વર્ષની પ્રતીક્ષાની કહાણી

વર્ષ 1992માં રાજસ્થાનમાં બળાત્કારની ઘટનાનાં કેટલાક આરોપી

ઇમેજ સ્રોત, Santosh Gupta

ઇમેજ કૅપ્શન, વર્ષ 1992માં રાજસ્થાનમાં ઘટેલી બળાત્કારની ઘટનાના કેટલાક આરોપી
    • લેેખક, ચેર્લીન મોલ્લાન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

“મારું હૃદય પીડાથી છલોછલ છે. એક ઘટનાએ મારું જીવન કેવી રીતે બરબાદ કરી નાખ્યું એ આજે પણ વિચારું છું ત્યારે રડી પડું છું.”

1992નું વર્ષ હતું. સુષ્મા (અસલી નામ નથી) 18 વર્ષનાં હતાં. એ વખતે એક પરિચિત પુરુષ તેમને વીડિયો ટેપ જોવાને બહાને ત્યજી દેવાયેલા એક ગોદામમાં લઈ ગયો હતો. ત્યાં છથી સાત શખ્સોએ સુષ્માને બાંધીને તેમના પર બળાત્કાર કર્યો હતો અને એ કૃત્યના ફોટા પાડ્યા હતા.

એ પુરુષો રાજસ્થાનના અજમેર શહેરના સમૃદ્ધ, વગદાર પરિવારોના હતા.

સુષ્મા કહે છે, “તેમણે મારા પર બળાત્કાર કર્યો હતો. એ પૈકીના એક પુરુષે મને લિપસ્ટિક ખરીદવા 200 રૂપિયા આપ્યા હતા. મેં તે પૈસા લીધા ન હતા.”

સુષ્મા પર બળાત્કાર કરનાર પુરુષોને ગયા સપ્તાહે, 32 વર્ષ પછી, અદાલતે દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

સુષ્મા કહે છે, “આજે હું 50 વર્ષની છું અને મને આખરે ન્યાય મળ્યો હોય તેવું લાગે છે, પરંતુ મેં જે ગુમાવ્યું છે તે બધું પાછું લાવી શકાતું નથી.”

સુષ્માના જણાવ્યાં મુજબ, તેમની સાથે જે બન્યું હતું તેના કારણે તેમણે વર્ષો સુધી સમાજની નિંદા અને મહેણાં-ટોણા સહન કર્યાં હતાં અને પતિને સુષ્માને ભૂતકાળની ખબર પડી ત્યારે તેમના છૂટાછેડા થયા હતા.

સુષ્માનો સમાવેશ એ 16 પીડિતાઓમાં થાય છે, જે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ હતી. તેમના પર અજમેર શહેરમાં વિવિધ સ્થળોએ શક્તિશાળી પુરુષોના એક જૂથે બળાત્કાર કર્યો હતો અને તેમને બ્લૅકમેઇલ કરવામાં આવી હતી. આ કેસ એક જંગી કૌભાંડ બની ગયો હતો અને તેનો જોરદાર વિરોધ થયો હતો.

કોર્ટે આ કેસના 18માંથી છ આરોપીઓને ગયા સપ્તાહે આજીવન કેદની સજા ફરમાવી હતી. સજા પામેલા ગુનેગારોમાં નફીસ ચિશ્તી, ઇકબાલ ભટ, સલીમ ચિશ્તી, સૈયદ જમીર હુસેન, ટારઝન ઉર્ફે નસીમ અને સુહેલ ઘનીનો સમાવેશ થાય છે.

સજા પામેલા ગુનેગારોએ તેમના ગુનાની કબૂલાત કરી નથી. તેમના વકીલોએ કહ્યું છે કે તેઓ ઉચ્ચ અદાલતમાં ચુકાદા સામે અપીલ કરશે.

સવાલ એ થાય કે બાકીના 12 આરોપીઓનું શું થયું?

મહિલાઓને લઈ જવા માટે સુઝૂકી વાનનો ઉપયોગ કરવામાં આવતો હતો

ઇમેજ સ્રોત, Santosh Gupta

ઇમેજ કૅપ્શન, મહિલાઓને લઈ જવા માટે સુઝૂકી વાનનો ઉપયોગ કરવામાં આવતો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ પૈકીના આઠને 1998માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ચારને ઉચ્ચ અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા અને અન્યોની સજા ઘટાડીને 10 વર્ષની કરવામાં આવી હતી.

બાકીના ચાર પૈકીના એક આરોપીએ આત્મહત્યા કરી હતી. અન્ય એકને 2007માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એક આરોપીને સંબંધિત કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. એક આરોપી હજુ પણ ફરાર છે.

આ કેસ વિશે રિપોર્ટ કરી ચૂકેલા અને અદાલતમાં ફરિયાદ પક્ષના સાક્ષી બનેલા પત્રકાર સંતોષ ગુપ્તા સવાલ કરે છે, “શું તમે 20 ઑગસ્ટના ચુકાદાને ન્યાય કહી શકો?”

સુપ્રીમ કોર્ટના વકીલ રેબેકા જ્હોને પણ આવો જ વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ કેસના “ન્યાયમાં વિલંબ એ અન્યાય સમાન છે.”

“આ ચુકાદો એ સમસ્યા તરફ ઇશારો કરે છે, જે કાયદાકીય પ્રણાલીથી ઘણી દૂર સુધી વિસ્તરેલી છે. આપણો પિતૃસત્તાક સમાજ તૂટી ગયો છે. આપણે માનસિકતામાં ફેરફાર કરવાની જરૂર છે, પરંતુ તેમાં કેટલો સમય લાગશે?”

ફરિયાદ પક્ષના વકીલ વીરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આરોપીઓએ પીડિતોને છેતરવા, ધમકાવવા અને લલચાવવા માટે તેમની શક્તિ તથા પ્રભાવનો ઉપયોગ કર્યો હતો.

તેમણે પીડિતાઓ કઢંગી હાલતમાં હોય તેવા ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા અને વીડિયો બનાવ્યા હતા. તેનો ઉપયોગ તેમણે પીડિતાઓને બ્લૅકમેઇલ કરવા અથવા વધુ પીડિતાઓને લાવવા માટે કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું, “એક ઘટનામાં એક આરોપીએ તેમની પરિચિત વ્યક્તિને પાર્ટીમાં બોલાવી હતી અને તેમને દારૂ પીવડાવ્યો હતો. પછી તેના કઢંગી હાલતમાં ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા અને તેને ધમકી આપી હતી કે જો એ તેની સ્ત્રી મિત્રોને નહીં લાવે તો તેના ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવશે. આ રીતે આરોપીઓને પીડિતાઓ મળતી રહી હતી.”

આરોપીઓ મજબૂત રાજકીય સંબંધો ધરાવતા હતા

આરોપીઓ મજબૂત રાજકીય અને સામાજિક સંબંધો ધરાવતા હતા. આરોપીઓ પૈકીના કેટલાક શહેરની પ્રખ્યાત દરગાહ સાથે સંકળાયેલા હતા.

પત્રકાર સંતોષ ગુપ્તાએ કહ્યું હતું, “એ સમયે અજમેર નાનું ગામ હતું અને તેમાં આરોપીઓ બાઇક અને કારમાં ફરતા હતા. કેટલાક લોકો તેમનાથી ડરતા હતા, કેટલાક તેમની નજીક જવા ઇચ્છતા હતા અને કેટલાક તેમના જેવા બનવા માગતા હતા.”

ગુપ્તાના કહેવા મુજબ, આરોપીઓની તાકાત અને સંપર્કોને કારણે આ કેસ મહિનાઓ સુધી દબાયેલો રહ્યો હતો, પરંતુ આ ફોટોગ્રાફ્સ જ્યાં ડેવલપ કરવામાં આવ્યા તે સ્ટૂડિયોમાં કામ કરતા હતા તે લોકો અને પોલીસ કર્મચારીઓ આ મામલે શું થઈ રહ્યું છે તેનાથી વાકેફ હતા.

આરોપીઓએ ઝડપેલા કેટલાક ફોટોગ્રાફ્સ એક દિવસ પત્રકાર ગુપ્તા પાસે પહોંચ્યા હતા. તે નિહાળીને ગુપ્તા ખળભળી ઉઠ્યા હતા.

તેમણે કહ્યું હતું, “શહેરના કેટલાક શક્તિશાળી લોકો નિર્દોષ યુવતીઓ સાથે ઘૃણાસ્પદ કૃત્યો કરી રહ્યા હતા અને તેના પુરાવા પણ હતા, પરંતુ પોલીસ કે લોકો તરફથી કોઈ મોટી પ્રતિક્રિયા આવી ન હતી.”

પત્રકાર ગુપ્તાએ આ બાબતે કેટલાક અહેવાલ લખ્યા હતા, પરંતુ તેનાથી આ ઘટના વ્યાપકપણે બહાર આવી ન હતી.

ગુપ્તાના કહેવા મુજબ, એક દિવસ તેમના અખબારે “હિંમતભર્યો નિર્ણય લીધો હતો.” એક ફોટો પ્રકાશિત કર્યો હતો, જેમાં એક યુવતી કમર સુધી નગ્ન હતી. તેના સ્તનને બે પુરુષો પંપાળતા હતા. એ પૈકીનો એક પુરુષ કૅમેરા સામે જોઈને સ્મિત કરતો હતો. યુવતીનો ચહેરો ઝાંખો કરી નાખવામાં આવ્યો હતો.

આ અહેવાલથી શહેરમાં આઘાતનું મોજું ફરી વળ્યું હતું. લોકો રોષે ભરાયા હતા અને ઘટનાના વિરોધમાં અજમેર શહેર દિવસો સુધી બંધ રહ્યું હતું. લોકોનો ગુસ્સો સમગ્ર રાજસ્થાનમાં આગની જેમ ફેલાયો હતો.

"તેમણે મારું બધું જ છીનવી લીધું હતું"

વર્ષ 1992માં એક સ્થાનિક સમાચારપત્રની હેડલાઇન "બ્લૅકમેલ કાંડ : અજમેર બંધ રહ્યું"

ઇમેજ સ્રોત, Santosh Gupta

ઇમેજ કૅપ્શન, વર્ષ 1992માં એક સ્થાનિક સમાચારપત્રની હેડલાઇન "બ્લૅકમેલ કાંડ : અજમેર બંધ રહ્યું"

વીરેન્દ્રસિંહ રાઠોડે કહ્યું હતું, “આખરે સરકાર તરફથી નક્કર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે બળાત્કાર અને બ્લૅકમેઇલનો કેસ નોંધ્યો હતો તથા તેની તપાસ રાજ્યના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગને સોંપવામાં આવી હતી.”

વીરેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, આરોપીઓની વિલંબથી ધરપકડ, બચાવ પક્ષ દ્વારા કથિત વિલંબની પ્રયુક્તિઓ, કાર્યવાહી માટે પૈસાના અભાવ અને ન્યાય વ્યવસ્થાના પ્રણાલીગત મુદ્દાઓ સહિતના અનેક કારણસર આ કેસ 32 વર્ષ સુધી લંબાયો હતો.

ગયા સપ્તાહે દોષિત ઠેરવવામાં આવેલા છ આરોપીઓ સામે પોલીસે 1992માં પ્રારંભિક આરોપો દાખલ કર્યા હતા. તેઓ ફરાર હોવાને કારણે છટકી ગયા હતા.

વીરેન્દ્રસિંહ રાઠોડ માને છે કે તે એક ભૂલ હતી, કારણ કે 2002માં પોલીસે છ આરોપીઓ સામે આરોપો દાખલ કર્યા ત્યારે પણ તેઓ ફરાર હતા. એ પૈકીના બેની 2003માં, એકની 2005માં અને વધુ બેની 2012માં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે છેલ્લો એક 2018માં પકડાયો હતો.

દરેક વખતે એક આરોપીની ધરપકડ થાય ત્યારે અદાલતી કાર્યવાહી નવેસરથી શરૂ થતી હતી. બચાવ પક્ષ પીડિતાઓને અને ફરિયાદ પક્ષના સાક્ષીઓને જુબાની આપવા માટે બોલાવતો હતો.

વીરેન્દ્રસિંહ રાઠોડે કહ્યું હતું, “સાક્ષીઓ જુબાની આપતા હોય ત્યારે કાયદા હેઠળ આરોપીને કોર્ટમાં હાજર રહેવાનો અધિકાર છે અને બચાવ પક્ષને તેમની ઉલટતપાસ કરવાનો પણ અધિકાર છે.”

આ કારણે પીડિતાઓ તેમના ભૂતકાળના આઘાતને વારંવાર યાદ કરવાની ભયાનક પરિસ્થિતિમાં મૂકાતી હતી.

વીરેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, પીડિતાઓ હવે તેમના આયુષ્યના 40 અને 50ના દાયકામાં છે. એ પીડિતાઓ કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશ સામે ચીસો પાડતી હતી અને પૂછતી હતી કે તેમના પર બળાત્કાર થયાનાં વર્ષો પછી પણ તેમને શા માટે કોર્ટમાં ઘસેડવામાં આવી રહી છે.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પોલીસ માટે સાક્ષીઓને શોધવાનું પડકારજનક બની ગયું હતું.

વીરેન્દ્રસિંહ રાઠોડે કહ્યું હતું, “ઘણા લોકો આ કેસ સાથે જોડાવા ઈચ્છતા ન હતા, કારણ કે તેઓ જીવનમાં આગળ વધી ગયા હતા. એક આરોપી અત્યારે પણ ફરાર છે. તેની ધરપકડ થશે અથવા દોષિત સાબિત થયેલા ગુનેગારો ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે તો પીડિતાઓ અને સાક્ષીઓને ફરીવાર કોર્ટમાં જુબાની આપવા બોલાવવામાં આવશે.”

સુષ્મા ત્રણ પીડિતાઓ પૈકીનાં એક હતાં. તેમની જુબાનીએ છ આરોપીઓને દોષિત ઠેરવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સુષ્માએ જણાવ્યું હતું કે તેઓ તેમની અગ્નિપરીક્ષા બાબતે મીડિયા સાથે વાત કરી રહ્યાં છે, કારણ કે તેઓ સત્ય બોલી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું, “મેં મારી કથા ક્યારેય બદલી નથી. આ લોકોએ મારી સાથે આવું કર્યું ત્યારે હું યુવાન અને નિર્દોષ હતી. તેમણે મારું બધું જ છીનવી લીધું હતું. મારી પાસે ગુમાવવાં જેવું હવે કંઈ નથી.”

(પીડિતાનું નામ બદલવામા આવ્યું છે. ભારતીય કાયદાઓ બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવાની મંજૂરી આપતા નથી)

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.