આસામ સામૂહિક બળાત્કાર મામલો : બજારો બંધ, સુરક્ષા માટે મહિલાઓ રસ્તા પર, આરોપીના ગામમાં જનાજાને મનાઈ

ઇમેજ સ્રોત, MD SALIM
- લેેખક, દિલીપ કુમાર શર્મા
- પદ, બીબીસી માટે, ગૌહટીથી
આસામના નગાંવ જિલ્લાનો ધીંગ વિસ્તાર ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે 2018માં આ નાના શહેરની દોડવીર હિમા દાસે આઈએએએફ વર્લ્ડ અંડર – 20 ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આ રેકર્ડ બનાવનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં.
છેલ્લા બે દિવસથી ધીંગની મહિલાઓ એક કિશોરી પર થયેલા કથિત સામૂહિક બળાત્કારના વિરોધમાં ગુસ્સા અને આક્રોશ સાથે રસ્તા પર ઊતરી છે.
શહેરની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. સડક પર સેંકડોની સંખ્યામાં બેસેલી મહિલાઓ હાથમાં બૅનર – પોસ્ટરો લઈને સરકાર પાસેથી સુરક્ષાની માગ કરી રહી છે.
'હમેં ન્યાય ચાહીએ, મહિલાઓ કો સુરક્ષા દો, સ્ટોપ રેપ, કિલ રેપિસ્ટ' – જેવા નારા સાથેનાં પ્લેકાર્ડ મહિલાઓના હાથમાં છે. આ નારાઓએ તેમની અંદરના એ યોદ્ધાઓને જગાવી દીધો છે, જે પોતાના સમ્માન અને સુરક્ષા માટે કોઈની સાથે પણ લડી શકે છે.
આ મહિલાઓ ઉપરાંત કેટલાંક જાતિ સંગઠનો તેમજ વિદ્યાર્થી સંગઠનના સભ્યો પણ અપરાધીઓ સામે કડક સજાની માગ સાથે ધરણા પર બેઠા છે.
આ ઘટનામાં ભોગ બનનાર કિશોરીને ન્યાય અપાવવાની માગ સાથે રાજ્યનાં વિવિધ શહેરોમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ધીંગ પોલીસ મથકમાં નોંધાવાયેલી એફઆઈઆર અનુસાર કથિત બળાત્કારની આ ઘટના ગત 22 ઑગષ્ટે, ગુરુવારે સાંજે સાડા છ વાગ્યા આસપાસ બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાળામાં અભ્યાસ કરતી પીડિત કિશોરી ગુરુવારે સાંજે ટ્યુશનમાંથી ભણીને પોતાની સાઇકલ પર ઘરે પાછી ફરી રહી હતી ત્યારે એક સૂમસામ રસ્તા પર ત્રણ યુવકોએ તેના પર કથિત રીતે હુમલો કર્યો હતો અને પછી તેમણે કથિત રીતે બળાત્કાર કર્યો હતો.
પોલીસના જણાવ્યાનુસાર ત્રણેય આરોપી ઘટના પછી છોકરીને અડધી બહોશ અવસ્થામાં છોડીને ભાગી ગયા હતા. કેટલાંક સ્થાનિક લોકોએ તેને હૉસ્પિટલ પહોંચાડી હતી. હાલ તે છોકરી નગાંવની મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ છે.
પોલીસ કસ્ટડીમાં એક આરોપીનું મોત

ઇમેજ સ્રોત, MD SALIM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દરમ્યાન કથિત સામૂહિક બળાત્કારની ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપીનું શનિવારે પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હતું.
પોલીસનો દાવો છે કે આરોપીને શનિવારે સવારે ઘટનાસ્થળે લઈ જવાયો હતો, જ્યાં તેણે કથિત રીતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રયાસમાં જ તે એક તળાવમાં પડ્યો અને ડૂબી જતાં તેનું મોત થયું હતું.
24 વર્ષના આરોપીનું નામ તફઝ્ઝુલ ઇસ્લામ જણાવાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કિશોરી સાથે થયેલા કથિત ત્રણ બળાત્કારીઓ પૈકીનો એક હતો.
તળાવમાંથી તેનું શબ બહાર લાવવામાં આવ્યું ત્યારે તેના બંને હાથ હાથકડીથી બંધાયેલા હતા.
આ ઘટનાનો વિરોધ કરી રહેલી ધીંગ ક્ષેત્ર નારી સુરક્ષા સમિતિની અગ્રણી તુલિકા બોરાએ કહ્યું હતું, “અમારા વિસ્તારની મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી અને સુરક્ષા આપવામાં સરકાર – વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યાં છે.”
“વિદ્યાર્થિની સાથે થયેલી ઘટના પછી અહીંની મહિલાઓ ડરેલી છે. છોકરીને ન્યાય મળવો જ જોઈએ. અમે આ ઘટનાની ન્યાયિક તપાસ ઇચ્છીએ છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે શાંત બેસવાનાં નથી.”
આ ઘટના વિશે પીડિત કિશોરીના એક સંબંધીએ જણાવ્યું હતું, “છોકરીના બાળપણમાં જ તેની માતાનું અવસાન થઈ ગયું હતું. ગામમાં દાદા-દાદી સાથે રહીને તે અભ્યાસ કરે છે. તેના પિતા ગૌહાટીમાં કામ કરે છે અને જ્યારે ઘટના બની તે રાતે ગામ પાછા ફર્યા હતા.”
“તે અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્યુશન માટે બીજે ગામ જતી હતી. તે દિવસે પણ તે બપોરે ઘરેથી નીકળી હતી, સાંજે છ વાગ્યા સુધી તે ઘરે પાછી ન ફરી તો પરિવારના લોકોએ તેને શોધવાનું શરૂ કર્યું હતું. ઘટના પછી તે જે ઠેકાણેથી મળી હતી તે જગ્યા તેના ગામ તરફ જતી મુખ્ય સડક પાસે છે.”
પરિવાર ઇચ્છે છે કે પોલીસ બાકીના બે અન્ય આરોપીને પણ પકડે જેથી તેમને સજા મળી શકે. તેમનું કહેવું છે કે, “નહીં તો લોકો એવા ફફડાટમાં જ રહેશે કે તેમની છોકરીઓ સાથે પણ આવું કંઈક થઈ શકે છે.”
આ રિપોર્ટમાં પીડિત કિશોરીના પરિવારજનોનું નામ હઠાવી દેવામાં આવ્યું છે. ભારતીય કાયદા મુજબ બળાત્કારનો ભોગ બનેલી છોકરીના પરિવારની ઓળખને જાહેર કરવાની મંજૂરી નથી હોતી.
ઘટના પછી અજંપાભર્યો માહોલ

ઇમેજ સ્રોત, INDRESWAR NATH
પોલીસે જણાવ્યાનુસાર ઘટના પછી ધીંગ શહેરના અંદરના કેટલાંક વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ છે.
સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા બળો ગોઠવી દેવાયાં છે. અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસ સતત તપાસ કરી રહી છે.
નગાંવ જિલ્લાના પોલીસ અધિક્ષક સ્વપ્નિલ ડેકાએ આ ઘટના વિશે બીબીસીને જણાવ્યું, “આ ઘટનામાં કુલ ત્રણ લોકોએ કિશોરી પર બળાત્યાર કર્યાનો આરોપ છે. પોલીસે જે કેસ નોંધ્યો છે, એમાં આરોપીઓ સામે પોક્સો એટલે કે યૌન શોષણથી બાળકોનું સંરક્ષણ કરતા કાયદા તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.”
ઘટનાના આરોપી તફઝ્ઝુલ ઇસ્લામના પરિવારના લોકોએ પોલીસ કસ્ટડીમાં થયેલા મોત સામે સવાલ ઊભા કર્યા છે.
આરોપીનાં માતાએ મીડિયા સમક્ષ કહ્યું, “પોલીસ જ્યારે મારા દીકરાને ઘરેથી લઈને આવી હતી ત્યારે તે સારી સ્થિતિમાં હતો, તો પછી પોલીસ કસ્ટડીમાં તે કેવી રીતે મરી ગયો? પોલીસે રાતે તેને મારીને તળાવમાં ફેંકી દીધો અને સવારે મને શબની ઓળખ માટે બોલાવી હતી.”
જોકે, પોલીસ અધિક્ષક ડેકાએ કહ્યું, “આરોપીની પૂછપરછ કર્યા પછી તેને એ સ્થળે લઈ જવાયો હતો જ્યાં અપરાધ થયો હતો.”
તેમણે મીડિયા સાતે વાત કરતાં કહ્યું, “આરોપીની પૂછપરછ પછી શનિવારે રાતે અંદાજે ત્રણેક વાગ્યે તેને અપરાધ થયો હતો ત્યાં લઈ જવાયો હતો, પણ આ દરમિયાન અમારા બે સિપાઈઓ પાસેથી હાથકડી છોડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો અને પાસેના તળાવમાં પડી ગયો હતો.”
એ વખતે ત્યાં અંધારું હતું. અમારા જવાનોએ તેને તાત્કાલિક શોધવાનો પ્રયાસ કર્યો હતો.એસડીઆરએફને પણ તેની જાણ કરવામાં આવી હતી. તળાવમાં તપાસ દરમિયાન તેનું શબ મળ્યું હતું. આ ઘટનામાં અમારા એક સિપાઈને હાથમાં પણ વાગ્યું હતું.”
દરમિયાન, આરોપીના ગામના લોકોએ ઘોષણા કરી છે કે તેઓ આરોપીના પરિવારનો સામાજિક બહિષ્કાર કરશે. આરોપીના ગામ લોકોએ શનિવારે એક બેઠક યોજીને સામૂહિક નિર્ણય લીધો હતો કે તફઝ્ઝુલના શબને પોતાના ગામના કબ્રસ્તાનમાં દફનાવવા નહીં દે.
આ નિર્ણય સામે તફઝ્ઝુલના પરિવારજનોએ દુખ પ્રગટ કરતાં કહ્યું હતું કે, હજી તફઝ્ઝુલ સામેનો આરોપ કોર્ટમાં સાબિત થયો નથી. તેથી તેના જનાજા માટે જમીન ન આપવી તે અન્યાય છે.
આ વિશે પૂછતાં પોલીસ અધિક્ષક ડેકાએ કહ્યું હતું કે આરોપીના ગામ લોકોએ જે નિર્ણય લીધો છે તે વિશે તેમને પણ જાણ થઈ છે.
તેમણે કહ્યું હતું કે, “આવા સંજોગોમાં પોલીસ 72 કલાક રાહ જુએ છે. સામાન્ય રીતે પોસ્ટમૉર્ટમ પછી શબ પરિવારને સોંપી દેવામાં આવે છે. જો 72 કલાક સુધી કોઈ શબ ન સ્વીકારે તો પોલીસે જ તેની અંતિમવિધિ કરવી પડે છે.”
મુખ્ય મંત્રીનું નિવેદન સાંપ્રદાયિકતા સાથે કેમ જોડાઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના વિશે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ જે નિવેદન આપ્યું હતું તેને કેટલાંક લોકો સાંપ્રદાયિક ગણાવી રહ્યા છે.
આ કથિત બળાત્કારની ઘટના પછી તેમણે કહ્યું હતું કે, "જે અપરાધીઓએ ધીંગની એક હિંદુ કિશોરી પર જઘન્ય અપરાધનું સાહસ કર્યું છે તે કાયદાથી બચી શકશે નહીં. લોકસભા ચૂંટણી પછી એક વિશેષ સમુદાય ખૂબ સક્રિય થયો છે. ભાષાના આધારે હિંદુઓમાં ફૂટ પડાવવાના પ્રયાસોથી પણ સતર્ક રહેવું જોઈએ."
મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી આસામમાં આ પ્રકારની 22 ઘટનાઓ થઈ છે. આ 23મી છે.
તેમણે કહ્યું, "લોકસભા ચૂંટણી પછી વિકૃત માનસિકતા ધરાવતા કેટલાક લોકોને આવી ઘટનાઓ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઘટનાની તપાસ માટે મેં પોલીસ વડાને મોકલ્યા છે."
મુખ્ય મંત્રીએ કહ્યું હતું, "જે વિસ્તારોમાં અમારા સ્વદેશી (ખિલોંજીયા) લોકો લઘુમતીમાં છે ત્યાં અમારા લોકોએ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. અમારા લોકો બંગાળી – મારવાડી તેમજ હિંદીભાષીઓની ચિંતા કરે છે, પણ અમારા મિત્ર કોણ છે અને દુશ્મન કોણ એ લોકો સમજવા નથી ઇચ્છતા."
મુખ્યમંત્રીના નિવેદન પર થઈ રહેલી ટિકા ટિપ્પણ
મુખ્ય મંત્રીના આ નિવેદનની કેટલાંય રાજકીય સંગઠનોએ ટીકા કરી છે. તેમના નિવેદનને કેટલાંય સ્થાનિક છાપાંએ પહેલા પાને સ્થાન આપ્યું છે.
મુખ્ય મંત્રીના આ નિવેદન વિશે ધીંગ વિધાનસભા પરથી સતત ત્રણ વખત ચૂંટાયેલા એઆઈયુડીએફના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામે બીબીસીને જણાવ્યું, "અપરાધીના કોઈ ધર્મ કે જાતિ નથી હોતા. જેણે પણ આ જઘન્ય અપરાધ કર્યો હોય તેને કડક સજા મળે. પણ મુખ્ય મંત્રીએ ઘટનાના કેટલાંક કલાકોમાં જ મુસલમાનોને દુશ્મન ઠેરવી દીધા હતા."
તેમણે વધુમાં કહ્યું, "આ પ્રકારના નિવેદન આસામના શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલ માટે યોગ્ય નથી. જે લોકો આ ઘટના સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમનો ઉદ્દેશ મહિલા સુરક્ષા અને પીડિત વિદ્યાર્થીનીને ન્યાય અપાવવાનો છે. મુખ્ય મંત્રી હિંદુ મતોના ધ્રુવીકરણ માટે આ પ્રકારની વાતો કરી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું, “આરોપીના ગામ લોકોએ તેના જનાજામાં જવાની ના પાડી દીધી છે. તેઓ આવું કરીને સમાજના દરેક લોકોને એવું જણાવવા માગે છે કે બળાત્કાર જેવા જઘન્ય અપરાધમાં સામેલ લોકોને મોત પછી પણ જમીન નહીં મળે. મુસલમાન સમાજ દોષિતો માટે કડક સજા ઇચ્છે છે જેથી પીડિત કિશોરીને ન્યાય મળી શકે.”
દરમિયાન, મુખ્ય મંત્રી સરમા આ ઘટના સંદર્ભે સતત નિવેદન આપી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું હતું કે, “તમે મારો ત્રણ વર્ષનો રૅકર્ડ જોઈ લો. જે જઘન્ય અપરાધ કોલકાતામાં થયો, તેવો જો આસામમાં થયો હોય તો અમારી સરકાર તરત જ ન્યાય કરી દે છે. રાજ્યનો વિપક્ષ મારી આ નીતિની ટીકા કરે છે, પણ મને કોઈ ફરક નથી પડતો. દીકરીઓની સુરક્ષામાં કોઈ સમાધાન નહીં થાય.”
પીડિત કિશોરીના ગામના પ્રધાન મુકુલ કલિતા પણ હાલના માહોલમાં આવું જ કંઈક કહે છે.
તેમણે કહ્યું, “ધીંગ વિસ્તારના લોકો પીડિત કિશોરી માટે ન્યાય ઇચ્છે છે. આ ઘટના પછી મહિલાઓના મોરચા સાથે જે પણ નાગરિક સંગઠનો વિરોધ કરી રહ્યાં છે, તેમનો હેતુ ફક્ત મહિલાઓની સુરક્ષા તેમજ પીડિત કિશોરીને ન્યાય અપાવવાનો છે.”
તેમણે ઉમેર્યું, "અમારા વિસ્તારમાં એક સક્રિય સ્પ્રે ગેંગ છેલ્લા કેટલાંક મહિનાઓથી લૂંટફાટ અને મહિલાઓની સાથે દુર્વ્યવહાર કરી રહી છે. ગામ લોકોએ તેની ફરિયાદ પણ પ્રશાસનને કરી હતી. જેને કારણે જુલાઈ મહિનામાં પ્રશાસને ધીંગ પલીસ મથકના પ્રભારી સામે પગલાં લઈને તેમની બદલી કરી દીધી હતી. છતાં 22 ઑગષ્ટે બળાત્કારની આ ઘટના બની. અમારા વિસ્તારની કોઈ પણ વ્યક્તિ સાંપ્રદાયિક માહોલ બગાડવા નથી ઇચ્છતી. અમે ફક્ત મહિલાઓની સુરક્ષા ઇચ્છીએ છીએ."
પોલીસ અધીક્ષક ડેકાના જણાવ્યા મુજબ ધીંગ શહેરના ત્રણ કીલોમીટર અંદરના વિસ્તારમાં માહોલ તણાવભર્યો છે.
તેથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષાદળ વધારવામાં આવ્યા છે. પીડિત કિશોરીનો ઇલાજ જિલ્લા હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે. એસપીએ જણાવ્યા મુજબ પીડિતાનું સ્વાસ્થ્ય હવે સારું છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












