ઑસ્ટ્રેલિયાની કોર્ટને પુછાયો સવાલ, 'મહિલાઓ કોણ હોય છે?' આવ્યો ઐતિહાસિક ચુકાદો

ટ્રાન્સજેન્ડર, મહિલા, પુરુષ, સેક્સ, લિંગ, સમાનતા, અધીકાર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ટ્રાન્સજેન્ડર મહિલા રોક્સેન ટિકલની અરજી પર અદાલતે ચુકાદો સંભળાવ્યો હતો.

ઑસ્ટ્રેલિયાની એક ફેડરલ અદાલતે ઐતિહાસિક ચુકાદો સંભળાવતાં જણાવ્યું કે મહિલાઓ કોણ હોય છે.

ઑસ્ટ્રેલિયાની અદાલતે આ ચુકાદો એક ટ્રાન્સજેન્ડર મહિલાની અરજી પર સુનાવણી દરમ્યાન સંભળાવ્યો હતો.

સોશિયલ મીડિયા ઍપ્લિકેશન પર લિંગઆધારિત ભેદભાવની ફરિયાદ તેમણે પોતાની અરજીમાં કરી હતી. તેમનો આરોપ હતો કે માત્ર મહિલાઓ માટે બનેલી એક સોશિયલ મીડિયા ઍપ્લિકેશને તેમને પુરુષ ગણીને પ્લૅટફૉર્મ પરથી બાકાત કરી દીધાં હતાં

ઑસ્ટ્રેલિયન ફેડરલ કોર્ટે કહ્યું હતું કે ટ્રાન્સજેન્ડર મહિલા રોક્સેન ટિકલ સાથે સીધી રીતે કોઈ ભેદભાવ નથી થયો પણ આડકતરી રીતે તેઓ ભેદભાવનો ભોગ બન્યાં છે.

વિવાદ શું છે?

ટ્રાન્સજેન્ડર, મહિલા, પુરુષ, સેક્સ, લિંગ, સમાનતા, અધીકાર

ઇમેજ સ્રોત, GOOGLE/FACEBOOK

ઇમેજ કૅપ્શન, 'ગીગલ ફૉર ગર્લ્સ' નામની એક સોશિયલ મીડિયા ઍપ ફક્ત મહિલાઓ માટે છે, જ્યાં પુરુષોને ઍન્ટ્રી નથી.

લૈંગિક ઓળખના મામલામાં અને ખાસ તો મહિલા એટલે કોણ એવા વિવાદાસ્પદ મામલે આ ચુકાદો ઐતિહાસિક ગણવામાં આવે છે.

2021માં ટિકલે 'ગીગલ ફૉર ગર્લ્સ' નામની એક સોશિયલ મીડિયા ઍપ ડાઉનલૉડ કરી હતી. જે માત્ર મહિલાઓ માટે બનાવાઈ હતી. એ ઍપ પર પુરુષોને મનાઈ હતી. જેથી મહિલાઓ એક સુરક્ષિત ઍપમાં મોકળાશપૂર્વક પોતાની વાતો અને અનુભવ વહેંચી શકે.

એના પર સભ્યપદ મેળવવા માટે અન્ય કોઈ મહિલાની જેમ જ ટિકલે પણ પોતે મહિલા છે એના પુરાવા રૂપે એક સેલ્ફી અપલૉડ કરવી પડી હતી.

એ ઍપ પર અપલૉડ થયેલી તમામ સેલ્ફીની તપાસ લિંગ ઓળખવા માટેના એક વિશેષ સોફ્ટવેર મારફતે થાય છે જેથી પુરુષોને ઍપથી બહાર રાખી શકાય.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, સાત મહિના પછી ઍપે ટિકલને પુરુષ માનીને તેનું સભ્યપદ રદ કરી દીધું હતું. જેની સામે ટિકલે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે મહિલાઓને મળતા તમામ અધીકારોનાં તેઓ કાયદાકીય હકદાર છે અને એ રીતે તેઓ આ મામલે તે લૈંગિક ભેદભાવનો ભોગ બન્યાં છે.

એની સામે ટિકલે સોશિયલ મીડિયા ઍપનાં સીઈઓ(ચીફ ઍક્ઝિક્યુટીવ ઑફીસર) સોલ ગ્રોવર સામે કેસ કરીને બે લાખ ઑસ્ટ્રેલિયન ડૉલરનું વળતર માગ્યું હતું.

મનમાં ગભરાટ, ચિંતા અને આત્મહત્યાના વિચારો માટે તેણે ઍપની સતત ગેરસમજને જવાબદાર ઠેરવી હતી.

પોતાના આરોપનામામાં તેણે આરોપ મૂક્યો હતો કે, "આ કેસમાં ગ્રોવરનાં નિવેદન મારાં માટે પરેશાની તેમજ હતોત્સાહ કરનારાં, શરમજનક તેમજ ઠેંસ પહોંચાડનારાં રહ્યાં છે. જેને લીધે લોકોએ મારા માટે નફરતભરી કૉમેન્ટો કરી હતી."

જોકે, ઍપની કાયદાકીય ટીમે સમગ્ર મામલે લિંગની એક જૈવિક અવધારણાના તર્કને આગળ ધરીને ટિકલને પુરુષ ગણીને ફક્ત મહિલાઓ માટે બનાવાયેલા આ પ્લૅટફૉર્મના ઉપયોગની મંજૂરી ન આપવાની વાતને કાયદાકીય રીતે વાજબી ઠેરવી હતી. પરંતુ જજ રૉબર્ટ બ્રોમવીચે આ તર્કને રદિયો આપતાં પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, "સેક્સ પરિવર્તનશીલ છે અને જરૂરી નથી કે દ્વી ધ્રુવીય – બાઇનરી હોય."

કોર્ટના ચુકાદા પર ટિકલે કહ્યું હતું કે, "કોર્ટના આદેશથી સ્પષ્ટ છે કે મહિલાઓ કોઇ પણ ભેદભાવથી સુરક્ષિત છે અને આ ચુકાદો ટ્રાન્સજેન્ડર અને અન્ય લોકોના હિતમાં હશે."

ગ્રોવરે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, "ચુકાદો અમારી તરફેણમાં ન આવ્યો એ દુર્ભાગ્યની વાત છે પણ મહિલાઓના અધિકારની લડાઈ ચાલુ રહેશે."

લિંગઆધારિત ભેદભાવના મામલે કોઈ અદાલતમાં સુનાવણી થઈ હોય એવો ઑસ્ટ્રેલિયામાં આ પહેલો કેસ છે. આ કેસથી એની પણ ખબર પડે છે કે કેવી રીતે ટ્રાન્સ સમાવિષ્ટ વિરુદ્ધ સેક્સ-આધારિત અધિકાર જેવા તીખા મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે.

'બધા મને મહિલા જ ગણે છે'

ટ્રાન્સજેન્ડર, મહિલા, પુરુષ, સેક્સ, લિંગ, સમાનતા, અધીકાર

ઇમેજ સ્રોત, GRATA FUND

ઇમેજ કૅપ્શન, મિડીયાએ જે પ્રકારે આ કેસની સુનાવણીની નોંધ લીધી છે તે જોતાં એવું માની શકાય કે આ કેસનો વિશ્વના અન્ય દેશો પર પ્રભાવ જોવા મળશે.

ટિકલનો જન્મ પુરુષ તરીકે જ થયો હતો પણ 2017થી તેઓ લિંગપરિવર્તન કરાવીને એક મહિલા સ્વરૂપે રહે છે.

અદાલતમાં પુરાવા રજૂ કરતાં ટિકલે કહ્યું હતું કે, "આ કેસ સુધી બધાએ તેમની સાથે એક મહિલા તરીકે વ્યવહાર કર્યો હતો." પણ ગ્રોવરનું માનવું છે કે જન્મજાત લિંગ બદલીને કોઈ વ્યક્તિ લિંગપરિવર્તન કરાવીને પોતાની જાતિ બદલી ન શકે.

વળતી દલીલમાં ટિકલનાં વકીલ જ્યૉર્જિયા કોસટેંલો કેસીએ કહ્યું હતું કે, "જન્મ વખતે જે પુરુષ હતા અને લિંગ-પરીવર્તનની સર્જરી પછી જે મહિલા તરીકે જીવન વિતાવે તો તેમને તમે સ્ત્રી તરીકે કેમ નથી સ્વીકારતા?"

"પુરુષોના ચહેરા પર હોય તેવા વાળથી છૂટકારો મેળવે છે. ચહેરો બદલાય છે, પોતાના વાળ વધારીને લાંબા કરે છે. મહિલાની જેમ જ મેક અપ કરે છે, એવાં કપડાં પણ પહેરે છે. પોતાનો પરિચય એક મહિલા તરીકે જ આપે છે અને મહિલા તરીકે જ પોતાને રજૂ કરે છે. ત્યાં સુધી કે મહિલાઓના ચેન્જિંગ રૂમનો જ ઉપયોગ કરે છે, પોતાની જન્મતારીખનો દાખલો પણ બદલી નાખે છે, છતાં પણ તમે તેમને મહિલા કેમ નથી ગણતાં?"

ગ્રોવરનો જવાબ હતો – નહીં.

તેમણે એમ પણ કહ્યું હતું કે, "ટિકલનો જન્મ પુરુષ તરીકે થયો હતો તેથી તેમને મહિલા તરીકે સંબોધશે નહીં."

ગ્રેવર સ્વઘોષિત 'ટ્રાન્સ ઍક્સ્ક્લુઝનરી રેડિકલ ફેમિનીસ્ટ' - ટીઈઆરએફની વિચારધારાથી પ્રભાવિત છે, જે ટ્રાન્સવિરોધી ગણવામાં આવે છે.

સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ગ્રોવરે લખ્યું હતું કે, "મને એ માણસ કોર્ટમાં લઈ જઈ રહ્યો છે, જે છે તો પુરુષ પણ મહિલા હોવાનો દાવો કરે છે. કારણ કે તે એક મહિલાઓ માટે બનેલી ઍપમાં જોડાવા માગે છે."

આ ઍપ શરૂ કરવા અંગે તેમણે જણાવ્યું હતું હતું કે 'હોલિવૂડમાં સ્ક્રિન રાઇટર તરીકે કામ કરતાં-કરતાં સોશ્યલ મીડિયા પર મહિલાઓ વિરુદ્ધ પુરુષોની અપમાનજનક કૉમેન્ટોથી ચિંતિત થઈને તેમણે 2020માં મહિલાઓ માટે ખાસ ગીગલ ફોર ગર્લ્સ નામની ઍપ બનાવી હતી.'

તેમણે એવું પણ કહ્યું હતું કે 'તેઓ ફ્કત મહિલાઓ માટે એક સુરક્ષિત ઍપ બનાવવા માગતાં હતાં'

તેમણે કહ્યું હતું કે," કાયદાકીય જોગવાઈને કારણે ટિકલ મહિલા હોઈ શકે છે પણ બાયોલોજિકલી તો તેઓ એક પુરુષ જ છે અને રહેશે. અમે આ વલણ મહિલઓની સુરક્ષા તેમજ જમીન પરની સચ્ચાઈના રૂપે લીધું છે જે કાયદામાં પણ દેખાવું જોઈએ."

ગ્રોવરે કહ્યું હતું કે, "તેઓ આ કેસમાં ફેડરલ કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટમાં જશે."

દીવાદાંડીરૂપ કેસ

ટ્રાન્સજેન્ડર, મહિલા, પુરુષ, સેક્સ, લિંગ, સમાનતા, અધીકાર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ફક્ત મહિલાઓ માટે બનેલી ઍપનાં સીઈઓ સોલ ગ્રોવર કહે છે કે, તેઓ ફક્ત મહિલાઓ માટે એક સુરક્ષિત ઍપ બનાવવા ઇચ્છતાં હતાં.

આ મામલે આવેલા ચુકાદાની અસર વિશ્વના અન્ય દેશોમાં લૈંગિક ઓળખ તેમજ લિંગઆધારિત અધિકારોના કેસમાં એક કાયદાકીય મિસાલ પૂરી પાડી શકે તેમ છે.

અદાલતમાં ગીગલના વકીલોનો તર્ક હતો કે ઑસ્ટ્રેલિયા સંયુક્ત રાષ્ટ્રમાં મંજૂર 'કન્વેન્શન ઑન ધ ઍલિમિનેશન ઑફ ઑલ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિમિનેશન અગેઇન્સ્ટ વુમન'(સીઈડીએડબલ્યુ) સંધિ પર સહમતી આપનારો દેશ છે. તેથી ઑસ્ટ્રેલિયાને એક લિંગ વિશેષ માટે બનેલા પ્લૅટફૉર્મ પર મહિલઓના અધિકારોની રક્ષા કરવા માટે બાધ્ય કરે છે.

મહિલાઓ પ્રત્યે ભેદભાવને રોકવા તેમજ તેમના અધિકારોને સુનિશ્ચિત કરવાના હેતુસર સંયુક્ત રાષ્ટ્રમાં સીઈડીએડબલ્યુ સંધિ 1979માં મંજૂર થઈ હતી.

તેથી આ મામલે ટિકલની તરફેણમાં આવેલા ચુકાદાની અસર ભારત, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા સહિત સંધિ પર સહી કરનારા 189 દેશો પર અસર થશે.

આંતરરાષ્ટ્રીય સંધિઓનું ભાષાંતર કરતી વખતે કોઈ પણ દેશની અદાલત મોટા ભાગે એ વાત પર ધ્યાન આપે છે કે અન્ય દેશોએ સંબંધિત મામલે કેવું વલણ અપનાવ્યું હતું.

મીડિયાએ જે પ્રકારે આ કેસની સુનાવણીની નોંધ લીધી જોતાં એવું માની શકાય કે આ કેસનો વિશ્વના અન્ય દેશો પર પ્રભાવ જોવા મળશે. અને જો આવા કેસ વધશે તો ઑસ્ટ્રેલિયા કોર્ટનો આ ચુકાદો અન્ય દેશોમાં પણ આ પ્રકારના મામલામાં દૃષ્ટાંતરૂપ રહેશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.