'મને છોકરામાં કોઈ રસ નહોતો', ડિંપલ અને મનીષાએ ગુરુદ્વારામાં લગ્ન કરતાં કેમ વિવાદ થયો?

- લેેખક, ગગનદીપસિંહ જસ્સોવાલા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યું છે, ત્યારે પંજાબમાં એક LGBTQ કપલે તાજેતરમાં લગ્ન કરી લીધાં અને વિવાદ પણ થયો.
ખુદ માટે પુલ્લિંગ આધારિત ઓળખનો ઉપયોગ કરનાર 27 વર્ષીય ડિંપલ અને તેમનાથી નાની 21 વર્ષની મનીષાએ સામાજિક બંધનો તોડીને લગ્ન કરી લીધાં. સામાન્ય રીતે આવાં સમલૈંગિક લગ્ન માટે પરિવાર વિરોધ કરતા હોય છે. પણ અહીં આ લગ્ન પરિવારની સહમતીથી કરવામાં આવ્યાં.
ડિંપલ મનસા જિલ્લાનાં છે અને મનીષા બઠિંડા જિલ્લાનાં છે.
ડિંપલ અને મનીષાનાં લગ્ન 18 સપ્ટેમ્બર 2023ના દિવસે બઠિંડાના એક ગુરુદ્વારામાં શીખ રીત રિવાજ મુજબ કરાયાં.
ડિંપલ મુજબ તેઓ ઊંચી જાતિનાં જાટ શીખ પરિવારનાં છે. જ્યારે મનીષા દલિત હિન્દુ સમુદાયનાં છે.
ડિંપલનું કહેવું છે કે તેમના પ્રેમમાં જાતિ અને ધર્મની કોઈ અસર નથી.
જોકે, હવે આ લગ્ન પર વિવાદ ઊભો થઈ ગયો છે અને શ્રી અકાલ તખ્ત સાહિબે બન્ને છોકરીનાં લગ્ન કરાવનારા ગ્રંથી, રાગી જત્થા અને ગુરુદ્વારા કમિટીના કામ પર પૂર્ણતઃ પ્રતિબંધ લગાવી દીધો છે.
બીબીસીએ મનસામાં ડિંપલ અને મનીષા સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ટૉમબૉય હૅરકટની સાથે શર્ટ અને પૅન્ટ પહેરનારા ડિંપલ એ ક્ષણને યાદ કરે છે. તેમણે પોતાનાં માતાપિતાને કહ્યું હતું કે તેમને છોકરાઓમાં કોઈ રસ નથી, માત્ર છોકરીઓમાં રસ છે.
તેમનાં માતાપિતાએ તેમની ખુશીમાં જ ખુશી માનીને તેમનું સમર્થન કર્યું.
મનીષા કહે છે કે "મેં ડિંપલ સાથે લગ્ન કરવાની ઇચ્છા મારી માતા સમક્ષ વ્યક્ત કરી. પહેલાં તો તેમણે ઈનકાર કરી દીધો. પણ આખરે મેં માતાને મનાવી લીધાં. બાદમાં મારાં મમ્મીએ મારા પપ્પા સાથે આ અંગે ચર્ચા કરી. તેઓ આખરે લગ્ન માટે તૈયાર થઈ ગયા."
ભારતે 2018માં સમલૈંગિક શારીરિક સંબંધને ગુનાની શ્રેણીમાંથી હટાવી લીધા. પણ સમલૈંગિક લગ્નને હજી પણ સત્તાવાર રીતે માન્યતા નથી મળી.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે સમલૈંગિક લગ્નને કાયદાકીય રીતે માન્ય રાખવાને સમર્થન કરતી 21 અરજી પર વિચાર કર્યો છે અને આવનારા સમયમાં આ અંગે નિર્ણય કરાશે.
2012માં ભારત સરકારે સમલૈંગિકોની વસ્તી 25 લાખ હોવાનો અંદાજ લગાવ્યો હતો.

પ્રેમકહાણી કેવી રીતે શરૂ થઈ?

ડિંપલે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.
તેઓ કહે છે કે નાનપણથી જ તેમનું આકર્ષણ છોકરાઓની જગ્યાએ છોકરીઓ તરફ હતું.
તેમનાં માતાપિતાએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ ક્યારેય છોકરાઓ પ્રત્યે આકર્ષિત ન થયાં.
ડિંપલ જીરકપુરમાં કપડાંનો વેપાર કરે છે.
તેઓ કહે છે કે "2017માં મને પંજાબની રાજધાની ચંદીગઢથી 12 કિલોમીટર દૂર આવેલા શહેર જીરકપુરમાં નોકરી મળી હતી. મને મારા જેવા જ મિત્રો મળ્યાં જે મારી સ્થિતિને સમજતાં હતાં. વીડિયો જોઈને પણ તેમને જાણકારી મળી."
ડિંપલ પોતાનાં માતાપિતાનાં એકમાત્ર સંતાન છે. તેમણે એક વાર લિંગપરિવર્તન અંગે વિચાર્યું અને ડૉક્ટરની સલાહ લીધી. જોકે, તેમનાં માતાપિતા આ નિર્ણયની વિરુદ્ધમાં હતાં, કારણ કે તેઓ ભારતમાં આ પ્રક્રિયાનાં પરિણામોને લઈને ચિંતિત હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
ડિંપલ યાદ કરતાં કહે છે કે "હું એક છોકરી સાથે પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતી. અમે 2023માં અલગ થઈ ગયાં. કારણ કે અમારી વચ્ચે ઘણા મતભેદ હતા. હું ત્રણથી ચાર મહિના સુધી બીજી છોકરીઓની સાથે રિલેશનશિપમાં હતી. પણ તે સફળ ન થયું."
તેમણે જણાવ્યું કે મનીષા તેમની સાથે કામ કરતી હતી.
ડિંપલ કહે છે "મને અહેસાસ થયો કે મનીષા મારા માટે સારી પાર્ટનર હોઈ શકે છે. તેને પણ મારો સાથ સારો લાગતો હતો અને અમારી લાંબી વાતચીત થતી હતી. આથી અમે નજીક આવી ગયાં. મનીષા અને મેં એક મહિના પહેલાં સત્તાવાર રીતે લગ્ન કરી લીધાં."
મનીષાએ બીએના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે.
મનીષાનું કહેવુ છે કે ડિંપલે તેમની રિલેશનશિપનાં ત્રણ ચાર વર્ષ બાદ જ ફોન પર પ્રપોઝ કરી દીધું અને તેમણે ખુશી ખુશી સ્વીકાર પણ કરી લીધું.
મનીષા આગળ કહે છે, ''એક છોકરીને એવા જીવનસાથીની જરૂર હોય છે જે તેને સમજે. તેનું સન્માન કરે, તેમને પ્રેમ કરે અને તેમની સાથે એક બાળક જેવો વ્યવહાર કરે.''

કેવી રીતે કરાઈ લગ્નની વાત?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વરની ભૂમિકા નિભાવનારાં ડિંપલ પરંપરાગત છોકરા-છોકરીની ધાર્મિક વિધિ અનુસાર મનીષા સાથે લગ્ન કરવાં માટે તેમની જાન બઠિંડા લઈને આવ્યાં.
ડિંપલ અને મનીષાએ કહ્યું કે તેમનાં લગ્નમાં અંદાજે 70 સંબંધી અને મિત્રો સામેલ થયા હતા.
લગ્ન પહેલાં ડિંપલે પોતાનાં માતા-પિતાને મનીષા અંગે કહ્યું અને આ રીતે મનીષાએ પણ પોતાનાં માતાપિતાને ડિંપલ અંગે જણાવ્યું.
મનીષા કહે છે કે "વર અને કન્યાનાં માતાપિતા બાદમાં મનસા અને બઠિંડા શહેરમાં એકબીજાનાં ઘરે ગયાં અને લગ્નની તારીખ નક્કી કરી. તારીખ હતી 18 સપ્ટેમ્બર."
ડિંપલના પિતા જગતારસિંહ અને માતા કુલદીપકોરે પોતાની દીકરીના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી.
તેમનું કહેવું છે કે અમે ક્યારે પણ અમારી દીકરીને તેની મરજી વિરુદ્ધ કોઈ છોકરા સાથે લગ્ન કરવા મજબૂર નથી કરી.
શીખ પરિવારના હોવાથી ડિંપલ શીખ રીત-રિવાજથી લગ્ન કરવાં માગતાં હતાં. તેમણે પોતાની ઓળખ છુપાવ્યા વગર ગુરુદ્વારા સાહિબના ગ્રંથીનો સંપર્ક કર્યો.
લગ્નમાં ડિંપલ શીખ વરની જેમ પાઘડી અને ઝભ્ભો-લેંઘો પહેરીને આવ્યાં.
ડિંપલ એ વાત પર ભાર આપે છે કે અનેક લોકો સવાલ કરે છે કે બન્ને છોકરીઓ એકબીજા સાથે શું કરશે.
આ અંગે ડિંપલ કહે છે "જીવનમાં સેક્સ જ બધું નથી, પ્રેમ છે. અમે બાળક પેદા કરવા અથવા અથવા દત્તક લેવા મેડિકલ વિકલ્પ અંગે વિચારીશું."

લગ્ન બાદ થયો વિવાદ

જ્યારે આ લગ્ન સાર્વજનિક થયાં તો કેટલાક ધાર્મિક નેતાઓએ ડિંપલ અને મનીષાનાં લગ્ન સામે વાંધો દર્શાવ્યો અને ગુરુદ્વારાના ગ્રંથી હરદેવસિંહને સમલૈંગિક લગ્ન કરાવવા બદલ માફી માગવા માટે મજબૂર કર્યા.
બાદમાં ગ્રંથીને પદ પરથી હટાવી દીધા. ગ્રંથી હરદેવસિંહનું કહેવું છે કે તેઓ ઓળખી ન શક્યા કે બન્ને છોકરીઓ છે, કારણ કે એક છોકરીએ પાઘડી પહેરી હતી.
ડિંપલે દાવો કર્યો કે તેમનાં લગ્નમાં કોઈ અપવિત્રતા નથી.
તેઓ સવાલ ઉઠાવે છે કે લોકો વિદેશ જવાના બહાને ગુરુદ્વારામાં ખોટાં લગ્ન કરે છે, જેને તેઓ ધર્મનું ખરું અપમાન માને છે. ત્યારે કોઈ વિરોધ કેમ નથી થતો?
ડિંપલ કહે છે ''અમે ગુરુદ્વારા સાહિબમાં બધું જ જણાવ્યું હતું અને અમારું ઓળખપત્ર પણ આપ્યું હતું.''
બઠિંડાના વરિષ્ઠ પોલીસ કૅપ્ટન ગુલનીતસિંહ ખુરાનાએ બીબીસીને કહ્યું કે પોલીસમાં કોઈ ફરિયાદ નથી નોંધાવાઈ.
તેઓ કહે છે, ''ભારતના સર્વોચ્ચ ન્યાયાલય અનુસાર સમલૈંગિક વિવાહ કોઈ ગુનો નથી.''
બીજી બાજુ શીખ ધર્મની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, ધાર્મિક ધોરણોના સંભવિત ઉલ્લંઘનની તપાસ કરી રહી છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનાં વકીલ તનુબેદીનું કહેવું છે કે સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટમાં વિચાર ચાલી રહ્યો છે.
તેમણે કહ્યું કે મુખ્ય મુદ્દો એ છે કે તાજેતરમાં આપણી પાસે હિન્દુ મૅરેજ ઍક્ટ અને સ્પેશિયલ મૅરેજ એક્ટ છે. માન્ય લગ્ન માટે એક શરત એ છે કે એક વ્યક્તિ પુરુષ અને બીજી વ્યક્તિ મહિલા હોવી જોઈએ. હાલ કોઈ પણ કાયદો સમલૈંગિક લગ્નને માન્યતા નથી આપતો.
તેમણે કહ્યું "સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા નથી. તેથી તેઓ પોતાના લગ્ન સંબંધિત નાગરિક અધિકારો, જેમ કે પતિપત્નીની એકબીજા પ્રત્યે પોતાની જવાબદારી, સંપત્તિના અધિકારનો લાભ નથી લઈ શકતા. પણ પુખ્ત વયના લોકોનાં સમલૈંગિક લગ્ન એ કોઈ ગુનો નથી."
સમલૈંગિક લગ્ન કરીને તેઓ કોઈ ગુનો નથી કરી રહ્યા.
તનુ બેદી કહે છે, "જો કોઈ કાયદાકીય ગુના જેવી સ્થિતિ થાય તો કાયદાકીય રીતે પતિપત્નીની જેમ તેઓ કોર્ટમાં નહીં જઈ શકે."
તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે લિવ ઈન રિલેશનશિપને માન્યતા આપી છે અને ભરણપોષણ ખર્ચ સહિતના અધિકારો પણ આપ્યા છે.
કાયદો વ્યવસ્થા કરે તો સમલૈંગિક લગ્નનાં યુગલોને પણ સમાન અધિકાર મળી શકે છે.

અકાલ તખ્તની કાર્યવાહી

આ અંગે શ્રી અકાલ તખ્તના જત્થેદાર રઘુબીરસિંહે પોતાનો આદેશ સંભળાવ્યો છે.
શ્રી અકાલ તખ્તના જત્થેદાર જ્ઞાની રઘુબીરસિંહે આ સમલૈંગિક લગ્નને અપ્રાકૃતિક અને શીખ નિયમોથી વિરુદ્ધ ગણાવ્યાં છે. તેમણે ગુરુગ્રંથ સાહિબના સાક્ષીમાં બે છોકરીઓનાં થયેલાં આ લગ્નને ગંભીર અને નૈતિક ધાર્મિક ઉલ્લંઘન ગણાવ્યું છે.
તેમણે કહ્યું, ''આ કાર્યમાં સામેલ ગુરુદ્વારા સાબિહના મુખ્ય ગ્રંથી હરદેવસિંહ, ગ્રંથી અજાયબસિંહ, રાગી સિકંદરસિંહ, તબલાવાદક સતનામસિંહ અને ગુરુદ્વારા કમિટીનાં બધાં કાર્યોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ કર્યો છે.''
જત્થેદાર જ્ઞાની રઘુબીરસિંહે કહ્યું કે બે છોકરીનાં લગ્ન ન માત્ર શીખ નૈતિકતાથી વિપરીત છે પરંતુ અપ્રાકૃતિક પણ છે.
તેમણે આ કાર્યને લઈને વિશ્વભરના ગુરુદ્વારા વ્યવસ્થાપન સમિતિઓ, ગ્રંથી, રાગી અને પ્રચારકોને પણ સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે.
તેમણે કહ્યું કે વિશ્વભરના શીખોને પોતાનું દરેક કાર્ય શીખ નૈતિકતા અનુસાર કરવું જોઈએ.
આનંદ કારજાનું સંચાલન કરનારા ગ્રંથી હરદેવસિંહનું કહેવું છે કે તેઓ અકાલ તખ્તના દરેક નિર્ણયનો સ્વીકાર કરશે.
અકાલ તખ્તના જત્થેદારને 18 સપ્ટેમ્બર 2023ના દિવસે બઠિંડામાં બે છોકરીનાં લગ્ન મુદ્દે એક ધાર્મિક ઉપ-સમિતિ બનાવવા અને આ મુદ્દાનો વહેલી તકે નિકાલ કરવાનું પણ કહેવાયું છે.
આ મુદ્દે શિરોમણિ ગુરુદ્વારા વ્યવસ્થાપન કમિટીએ લગ્ન કરાવનારા ગ્રંથી અને અન્ય લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે.
એસજીપીસીના મૅનેજર જસપાલસિંહે કહ્યું કે તેમણે પોતાની તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ અકાલ તખ્ત જત્થેદાર જ્ઞાની રધુબીરસિંહને મોકલી દીધો છે.














