મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓનું જાતીય શોષણ, કોડવર્ડ પણ નક્કી : રિપોર્ટમાં શું બહાર આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિંદી માટે
કેરળ હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશની આગેવાનીવાળી કમિટીએ કહ્યું કે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં “કાસ્ટિંગ કાઉચ”નાં મૂળ ખૂબ જ ઊંડાં છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ ઉદ્યોગમાં અલગ-અલગ સ્તરે પ્રવેશ મેળવવા માટે “સમજૂતી” અને “ઍડજસ્ટમૅન્ટ” જેવા શબ્દોનો ઉપયોગ કોડવર્ડ તરીકે કરવામાં આવે છે.
આ બંને શબ્દોનો અર્થ છે કે મહિલાએ “સેક્સ ઑન ડિમાન્ડ” માટે તૈયાર રહેવું જોઈએ.
ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ જેવી પ્રચલિત ધારણાનો ફાયદો ઉઠાવવા માટે ફિલ્મ બનાવતા લોકોની તરફથી નવા લોકોને મોકો આપતી વખતે કંઈક આવા જ સંકેતો આપવામાં આવે છે.
જે લોકો આ ફંદામાં ફસાય છે તેમને ‘કોડ નંબર’ આપવામાં આવે છે.
કેરળ સરકારે ન્યાયાધીશ હેમાની આગેવાનીવાળી કમિટીના રિપોર્ટ જમા થયા સાડા ચાર વર્ષ પછી જાહેર કર્યો.
290 પેજના આ રિપોર્ટમાં 44 પેજ ગાયબ છે, કારણ કે તેમાં મહિલાઓએ પોતાનું જાતીય શોષણ કરનાર પુરુષોનાં નામ જણાવ્યાં હતાં.
રિપોર્ટમાંથી હટાવવામાં આવેલા એક ભાગ પછી તરત જ જાતીય શોષણનો શિકાર થયેલી એક મહિલાનો ઉલ્લેખ છે. આ મહિલાએ તે વ્યક્તિ સાથે પતિ અને પત્ની તરીકે ભૂમિકા ભજવવી પડી અને ગળે લગાવવું પડ્યું જે વ્યક્તિએ એક દિવસ પહેલાં જ તેણીનું જાતીય શોષણ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, “આ ખૂબ જ ભયાવહ હતું. શૂટિંગ દરમિયાન મહિલા સાથે જે બન્યું તેને કારણે તેમના ચહેરા પર ગુસ્સો અને નફરતના ભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. માત્ર એક શૉટ માટે 17 રીટેક લેવાની જરૂર પડી હતી. દિગ્દર્શકે આ કારણે મહિલાની ટીકા કરી હતી.”
કમિટીનું ગઠન 2017માં થયું હતું
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, “ફિલ્મ ઉદ્યોગમાં એક સામાન્ય માન્યતા છે કે મહિલાઓ સિનેમા ઉદ્યોગમાં પૈસા કમાવા માટે આવે છે અને તે કોઈ પણ વસ્તુ માટે આત્મસમર્પણ કરી દેશે. ફિલ્મમાં કામ કરતા પુરુષો એ વાતની કલ્પના પણ નથી કરી શકતા કે મહિલાઓ કળા અને અભિનય પ્રત્યે પોતાના જુસ્સાના કારણે ફિલ્મ ઉદ્યોગમાં આવે છે. જોકે, માન્યતા એવી છે કે મહિલાઓ પૈસા અને ઓળખાણ મેળવવા માટે આવે છે અને ફિલ્મમાં એક મોકો મેળવવા માટે કોઈ પણ પુરુષ સાથે સૂઈ જશે.”
વુમન ઇન સિનેમા કલેક્ટિવ (ડબ્લ્યુસીસી)એ તત્કાલીન મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનને મેમોરેન્ડમ આપીને ફિલ્મ ઉદ્યોગની સ્થિતિ પર અભ્યાસ કરવાની માગ કરી હતી ત્યારે વર્ષ 2017માં જસ્ટિસ હેમા કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું.
આ મેમોરેન્ડમ એ ઘટના બાદ આપવામાં આવ્યું હતું જેમાં એક જાણીતી અભિનેત્રીનું તેમની જ કારમાં કેટલાક પુરુષોએ જાતીય શોષણ કર્યું હતું.
આ કમિટીમાં વરિષ્ઠ અભિનેત્રી ટી શારદા અને કેરળનાં પૂર્વ પ્રિન્સિપાલ સેક્રેટરી કેબી વાલ્સાલાકુમારીને સામેલ કરવામાં આવ્યાં હતાં.
વર્ષ 2017માં બનેલી ડબ્લ્યુસીસી જાગરૂકતા અને નીતિમાં ફેરફાર થકી ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓની જાતીય (જેન્ડર) સમાનતા માટે કામ કરે છે.
ડબ્લ્યુસીસીની સભ્ય એ મહિલાઓ છે જે મલયાલમ ઉદ્યોગમાં કામ કરે છે.
કમિટીના સભ્યોને લાગે છે કે તેમની ચિંતાઓ અંતે સાચી પુરવાર થઈ. તેમણે સરકાર સામે કાર્યવાહીની માગણી કરી છે.
ડબ્લ્યુસીસીનાં સભ્ય અને મલયાલમ ફિલ્મોના ઍવૉર્ડ વિજેતા ઍડિટર બીના પૉલે બીબીસીને કહ્યું, “વર્ષોથી અમે કહીએ છીએ કે ઉદ્યોગમાં સિસ્ટમિક સમસ્યા છે. આ રિપોર્ટ તે વાતને પુરવાર કરે છે.”
“જાતીય શોષણ તે પૈકીનું એક છે. અમને હંમેશાં કહેવામાં આવતું કે આ પ્રશ્નો ઉઠાવીને તમે માત્ર તકલીફો ઊભી કરો છો. આ રિપોર્ટ દર્શાવે છે કે સ્થિતિ અમે વિચારતા હતા તેનાથી પણ ખરાબ છે.”
'માફિયારાજ'

ઇમેજ સ્રોત, Getty Images
નિવૃત્ત ન્યાયાધીશ હેમા કમિટીનો રિપોર્ટ, બહુભાષી ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓના કામની સ્થિતિ અને જાતીય શોષણને લઈને પ્રકાશિત થનાર પ્રથમ રિપોર્ટ છે.
રિપોર્ટની સૌથી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કદાચ આ છે. “સામે રાખવામાં આવેલા પુરાવા પ્રમાણે, ફિલ્મ ઉદ્યોગમાં જાતીય શોષણ આશ્ચર્ચજનક રીતે સામાન્ય છે. આ ઉપરાતં જાતીય શોષણ કોઈ પણ પ્રકારની રોકટોક વગર થઈ રહ્યું છે.”
“ઘણી મહિલાઓએ પુરુષો દ્વારા થતાં શોષણનાં ઑડિયો, વીડિયો ક્લીપ અને વૉટ્સઍપ મૅસેજના સ્ક્રીનશૉટ પુરાવા તરીકે આપ્યાં હતાં.”
એક “મુખ્ય અભિનેતા”એ કમિટીને જણાવ્યું કે ફિલ્મ ઉદ્યોગમાં એક તાકતવર લૉબી છે જે એક “માફિયાની રીતે” કામ કરે છે અને આ લૉબી કંઈ પણ કરી શકે છે. ત્યાં સુધી કે આ લૉબી જાણીતા દિગદર્શકો, નિર્માતાઓ, અભિનેતા, અભિનેત્રીઓ કે કોઈપણ વ્યક્તિને પ્રતિબંધિત કરી શકે છે પછી “તે પ્રકારનો પ્રતિબંધ ગેરકાયદેસર જ કેમ ન હોય.”
કમિટીને મૌખિક અને દસ્તાવેજો સાથે પુરાવા આપવામાં આવ્યા કે કેટલાક અભિનેતા, નિર્માતા, ડિસ્ટ્રિબ્યુટર અને દિગ્દર્શક જે બધા જ પુરુષો છે અને તેમને મોટા પાયે પ્રસિદ્ધિ અને પૈસા બંને કમાઈ લીધાં છે. મલાયલમ ફિલ્મ ઉદ્યોગ સંપૂર્ણપણે આ લોકોના કબજામાં છે.
“ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકોએ અમને ભારપૂર્વક કહ્યું કે કેટલાક લોકોને ફિલ્મ ઉદ્યોગમાંથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે, જેમાં ખ્યાતનામ અભિનેતા પણ છે અને તેમનાં નામ પણ આપ્યાં હતાં.”
ફિલ્મ ઇતિહાસકાર ઓકે જૉનીએ બીબીસી હિંદીને જણાવ્યું, “મલયાલમ ફિલ્મ ઉદ્યોગ દેશમાં ઉપસ્થિત બીજી ભાષાઓના ફિલ્મ ઉદ્યોગની તુલનામાં સૌથી નાનો છે. જોકે, આ ઉદ્યોગ ખૂબ જ બદનામ છે. આ બહુ કુખ્યાત છે, જે મહિલા અને લોકોનો વિરોધી છે.”
જૉનીની વાત મહિલા કલાકારોને મળતા ઓછા વળતરના મામલામાં પણ કમિટીનાં તારણોની પુષ્ટિ કરે છે.
વળતર મામલે કોઈ પણ એવી રીત નથી જેના પર કોઈ સવાલ કરી શકે અથવા કાયદાકીય મદદ લઈ શકે, કારણ કે કોઈ કૉન્ટ્રાક્ટ પર સહી કરવામાં આવતી નથી.
કમિટીએ જણાવ્યું કે કેવી રીતે કેટલાક ફિલ્મ દિગ્દર્શક ન્યૂડ સીન અથવા અંગપ્રદર્શન મામલે અભિનેત્રીઓ સાથે કરેલા પોતાના વાયદાથી પલટી ગયા હતા.
મહિલાઓએ જ્યારે તે કામ છોડી દીધું તો ત્રણ મહિના કામ કરવા છતાં તેમને વળતર આપવામાં ન આવ્યું. મહિલાઓએ કહ્યું કે શૂટિંગ દરમિયાન તેઓ હોટલમાં પણ અસુરક્ષિત અનુભવતા હતાં.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું, “નશામાં ધૂત લોકો દરવાજો એટલો ખખડાવતા કે કેટલીક વખત એવું લાગતુ કે દરવાજો તૂટી જશે અને પુરુષ બળજબરીથી તેમના (મહિલાઓ) રૂમમાં ઘૂસી જશે.”
જુનિયર કલાકારો સાથે ગુલામો જેવું વર્તન

ઇમેજ સ્રોત, Getty Images
જુનિયર કલાકારો અને હેર સ્ટાઇલિસ્ટની સ્થિતિ તો અત્યંત ખરાબ છે. જુનિયર કલાકારો સાથે “ગુલામો જેવું વર્તન” કરવામાં આવે છે.
તેમને સેટ પર ટૉઇલેટ જેવી સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી અને સવારે નવ વાગ્યાથી રાતે બે વાગ્યા સુધી કામ કરાવવામાં આવે છે. કેટલાક અપવાદોને બાદ કરતાં ભોજન પણ આપવામાં આવતું નથી.
હેર સ્ટાઇલિસ્ટ અને મેકઅપ આર્ટિસ્ટની કામ કરવાની સ્થિતિ અત્યંત ખરાબ છે, કારણ કે તેમનાં યુનિયનોએ કામકાજની સ્થિતિ અને વળતરને લગતી બાબતોનું નિયંત્રણ કરતા કાયદાનો ભંગ કર્યો હતો.
રિપોર્ટમાં નોંધાયેલાં નિવેદનો પ્રમાણે, ફિલ્મ ઉદ્યોગમાં એક જ નિયમ છે. જે લોકો “યસમૅન કે યસવુમન નથી” માફિયા તેમને પ્રતિબંધિત કરી શકે છે.
ડબ્લ્યુસીસીને કેટલાક સભ્યોને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આ જ સંગઠને ફિલ્મ ઉદ્યોગમાં કામની સ્થિતિ અંગે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા.
બીના પૉલે કહ્યું, “(ફિલ્મ) ઉદ્યોગમાંથી લોકોને બહાર કરવાનું એક વલણ છે, કારણ કે લોકો આ હકીકતનો સામનો કરવા માગતા નથી કે અમે સવાલ કરીએ. આ કારણે જ કેટલાક સભ્યોએ મુશ્કેલ સ્થિતિનો સામનો કર્યો.”
કમિટીએ ફિલ્મ ઉદ્યોગ ચલાવવા માટે એક કાયદો અને એક એવા ટ્રાઇબ્યૂનલનું ગઠન કરવાની સલાહ આપી છે જેની આગેવાની મહિલા ન્યાયાધીશ કરે. જેથી મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું

ઇમેજ સ્રોત, Getty Images
વિપક્ષના ગઠબંધન યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટે (યુડીએફ) રિપોર્ટ જાહેર થતાંની સાથે જ સરકાર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષે કહ્યું કે રિપોર્ટ મોડો જાહેર કરવામાં આવ્યો અને ગુનાહિત મામલા માટે જવાબદાર લોકોની વિરુદ્ધ કોઈ કાર્યવાહી શરૂ ન કરી.
મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને જવાબ આપ્યો કે સરકારે કમિટીની કેટલીક સલાહોને પહેલાંથી જ લાગુ કરી દીધી છે.
મહિલાઓનું શોષણ કરનાર લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત પર વિજયને કહ્યું કે જો કોઈ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવશે તો સરકાર તે ફરિયાદ પર તરત જ કાર્યવાહી કરશે.
ઍસોસિયેશન ઑફ મલયાલમ મૂવી આર્ટિસ્ટે (એએમએમએ) સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી.
ઍસોસિયેશન અધિકારીઓએ આ રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી પ્રતિક્રિયા આપવાની વાત કરી છે.
'કેરળમાં આ કેવી રીતે થઈ શકે છે?'

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, કેરળ જેવા રાજ્યમાં આ કેવી રીતે થઈ શકે છે, જ્યાંની ફિલ્મોને ફિલ્મ વિવેચકો અને દર્શકોની પણ પ્રશંસા મળી ચૂકી છે.
મલયાલમ ફિલ્મ ઉદ્યોગ પર રિપોર્ટ કરનાર જાણીતા ફિલ્મ વિવેચક અન્ના એમએમ વેટ્ટીકાડ પાસે આ સવાલનો જવાબ છે.
તેમણે કહ્યું, “મલયાલમ ફિલ્મ ઉદ્યોગ કેરળની એક નાની દુનિયા છે, એક એવું રાજ્ય જ્યાં ખૂબ જ પ્રગતિશીલતા અને અત્યંત પિતૃસત્તા બંને એક સાથે હાજર છે. આ મલયાલી ફિલ્મમાં પણ જોવા મળે છે. પિતૃસત્તા વિશે કેટલીક ખૂબ જ સરસ ભારતીય ફિલ્મો મલયાલમમાં બની છે. જોકે, આ ઉદ્યોગ ખૂબ જ ખરાબ ફિલ્મો પણ બનાવે છે.”
“આ સ્થિતિમાં કોઈ નવાઈની વાત નથી કે સ્ત્રી-દ્વેષી લોકો સિનેમા જેવા રચનાત્મક ક્ષેત્રની માન્યતાનો ફાયદો ઉઠાવે છે અને મહિલાઓનું શોષણ કરે છે. જોકે, આ જ ઉદ્યોગમાંથી સમાનતા માટે એક અભૂતપૂર્વ અભિયાન પણ ઊભું થયું છે જે કોઈ બીજા વ્યવસાય, ફિલ્મ ઉદ્યોગ કે ભારતના બીજા ક્ષેત્રમાં જોવા મળ્યું નથી.”
પરિવર્તનની કોઈ આશા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મ “ધી ગ્રેટ ઇન્ડિયન કિચન”ના દિગ્દર્શક જો બેબીએ બીબીસી હિંદીને કહ્યું, “થોડોક ફેરફાર થઈ રહ્યો છે. જોકે, જેન્ડરને કારણે આ પરિવર્તનમાં ઘણી તકલીફો આવી રહી છે. સુધારા કરવાનો આ યોગ્ય સમય છે. ફિલ્મ ઉદ્યોગે આ મામલે એકઠા થઈને લડવું પડશે.”
બીના પૉલ આ મામલે એકદમ સ્પષ્ટ છે કે “તરત જ કોઈ પરિવર્તનની આશા રાખવી ખોટી છે. મને લાગે છે કે સૌથી પહેલા વર્તનમાં ફેરફાર આવવો જોઈએ, જેની ઝડપ ખૂબ જ ધીમી છે. જોકે, આ વાતને સુનિશ્ચિત કરવા માટે એક સિસ્ટમ બનાવી શકાય છે, જેથી મહિલાઓ સુરક્ષિત અનુભવે. આ વાત બીજા લોકોને ફિલ્મ ઉદ્યોગમાં આવવા માટે પ્રોત્સાહિત કરશે.”
અન્ના એમએમ વેટ્ટીકાડે બીબીસી હિંદીને કહ્યું, “મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં જે લોકો પિત્તૃસતાત્મક ઢાંચાને કન્ટ્રોલ કરે છે તે લોકોએ મહિલાઓના અધિકાર આંદોલનને અવગણવાના ઘણા પ્રયત્નો કર્યા. જોકે, ડબ્લ્યુસીસીએ ખૂબ જ બહાદુરી દેખાડી અને તેને લોકોનું સમર્થન મળ્યું. આથી આશા રાખી શકાય કે હેમા કમિટીનો રિપોર્ટ એક સકારાત્મક પરિવર્તન માટે રસ્તો દેખાડી શકે છે.”
તેમણે કહ્યું, “સામાજિક અને સંસ્થાગત પ્રગતિ ક્યારેય રાતોરાત થતી નથી. રસ્તો હજુ લાંબો છે. જોકે, કમિટી સામે હાજર રહેલા ઉદ્યોગ જગતના કેટલાક લોકો અને મીડિયામાં બીજા કેટલાક લોકોની પ્રતિક્રિયા આવી છે તેમનું વલણ રક્ષણાત્મક જોવા મળ્યું છે. તેમને સ્થિતિમાં થઈ રહેલા ફેરફારનું ભાન થઈ રહ્યું છે. આ અસહજતા એક સકારાત્મક સંકેત છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












