બોલીવૂડની અભિનેત્રીઓ ડીપફેકનો ભોગ કેમ વધુ બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નૂર નાન્જી અને શ્રુતિ મેનન
- પદ, બીબીસી ન્યૂઝ
રશ્મિકા મંદાના, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ... આ તમામ અભિનેત્રીઓના ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
તેમના ચહેરાઓને કોઈ અન્ય વ્યક્તિના ચહેરા પર મૉર્ફ કરીને ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક સમયમાં ડીપફેક વીડિયોનું પ્રમાણ ભારતમાં અતિશય વધ્યું છે. જોકે, વિશ્વના અનેક દેશોમાં તે ઘણા લાંબા સમયથી ચાલે છે.
આ પ્રકારના ડીપફેક વીડિયો સેલિબ્રિટીઝને ટાર્ગેટ કરવા માટે વપરાય છે.
પરંતુ તેનો ભોગ બનેલા લોકો શું કહે છે? તેની શું અસર થાય છે?
અભિનેત્રીઓને કેમ ટાર્ગેટ કરાય છે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઍક્સપર્ટ આરતી સમાણી બીબીસી સાથે વાત કરતા કહે છે કે, “હોલીવૂડમાં આવા ઘણા વીડિયો દાવાનળની જેમ ફેલાઈ રહ્યા છે.”
નતાલી પૉર્ટમેન અને એમા વૉટસન પણ આ ડીપફેક વીડિયોનો ભોગ બની ચૂક્યાં છે.
સમાણી કહે છે કે, “ટેક્નૉલૉજીના તાજેતરના વિકાસને કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નકલી ઓડિયો અને વીડિયો સરળતાથી બનાવવામાં આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"છેલ્લા છ મહિનાથી એક વર્ષના સમયગાળામાં AI ટૂલ્સમાં પણ ઘણો સુધારો થયો છે."
આરતી સમાણીના મતે હવે ઘણાં બધાં સાધનો પણ ઉપલબ્ધ છે જે ઓછા ખર્ચે અને વાસ્તવિક સિન્થેટિક ફોટો બનાવી આપે છે.
તેઓ કહે છે, “ભારતનાં પણ કેટલાંક વિશિષ્ટ પાસાં છે. અહીંના યુવાનો મોટા ભાગે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સાથે જ દરેકને બોલીવૂડ અને સેલિબ્રિટી કલ્ચરમાં વધુ રસ છે. જેના કારણે અભિનેતાઓ, ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરીને ડીપફેક વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. તે ઝડપથી અને વ્યાપકપણે ફેલાય છે. આ સમસ્યા હજુ વધી રહી છે."
બોલીવૂડના કલાકારો શા માટે ટાર્ગેટ બન્યા છે તે અંગે પૂછવામાં આવતા સમાણીએ કહ્યું, “બોલીવૂડ સેલિબ્રિટી કન્ટેન્ટ એ આકર્ષક છે. તે જાહેરાતની આવકના રૂપમાં મોટી રકમ પણ જનરેટ કરે છે. બીજી બાબત એ છે કે જેઓ કન્ટેન્ટ જુએ છે તેમની જાણકારી વગર તેમનો ડેટા પણ ચોરાઈ જાય છે.”
ઘણી વખત અશ્લીલ વીડિયો માટે નકલી ફોટાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ડીપફેક વીડિયો કંઈ પણ કરી શકે છે એ વાત આપણે યાદ રાખવી જોઈએ.
ચિંતાઓ
27 વર્ષીય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ચહેરો પણ કોઈ અન્ય વ્યક્તિ સાથે મોર્ફ કરી દેવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.
ઑલ્ટ ન્યૂઝના ફેક્ટ ચેકરે એ શોધી કાઢ્યું હતું કે આ વીડિયો ડીપફેક વીડિયો છે.
આ વીડિયોને જોઈને રશ્મિકા મંદાનાએ કહ્યું હતું કે, આ ઘટના અતિશય ચિંતા ઉપજાવનારી છે. અને તેમણે વિનંતી પણ કરી હતી કે આ પ્રકારના વીડિયો ફેલાવવામાં ન આવે.

ઇમેજ સ્રોત, IAMRASHMIKA@X
અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ આ ડીપફેક વીડિયોનાં શિકાર બન્યાં છે.
પ્રિયંકા ચોપરાના ચહેરાને મૉર્ફ કરવાને બદલે, એક ઑડિયો ક્લિપ બનાવાઈ હતી અને તેને વીડિયોમાં ઉમેરવામાં આવી હતી જ્યાં તેઓ એક બ્રાન્ડનો પ્રચાર કરી રહ્યાં છે અને રોકાણના આઇડિયા આપી રહ્યાં છે.
અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આનો શિકાર બન્યાં છે. વીડિયોમાં તેમનો ફોટો એવી રીતે મૉર્ફ કરવામાં આવ્યો હતો કે જાણે તેઓ કૅમેરા સામે અશ્લીલ પૉઝ આપી રહ્યાં હોય.
એટલું જ નહીં કેટરિના કૈફને પણ ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. તેમના કેસમાં વીડિયો બનાવનાર લોકોએ ફિલ્મ ટાઇગર 3ના ટુવાલવાળાં દૃશ્યો લીધાં અને એક ડીપફેક વીડિયો બનાવ્યો.
માત્ર મહિલા કલાકારો જ નહીં, ઉદ્યોગપતિ રતન ટાટાનો વીડિયો પણ એક ડીપફેક વીડિયો તરીકે સામે આવ્યો છે. એ વીડિયોમાં રતન ટાટા રોકાણની સલાહ આપતા જણાય છે.
જોકે, મોટા ભાગે મહિલાઓ આ ટ્રેન્ડનો ભોગ બની રહી છે.
રિસર્ચ ફર્મ સેન્સિટી એઆઈનો અંદાજ છે કે 90થી 95 ટકા ડીપફેક વીડિયો અશ્લીલ હોય છે અને તે મહિલાઓને ટાર્ગેટ કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
વિપ્રોના ગ્લોબલ પ્રાઇવસી ઑફિસર ઇવાના બર્તોલેટ્ટી કહે છે કે, “આ ટ્રૅન્ડ ચિંતાજનક છે.”
તેઓ કહે છે, “ડીપફેક વીડિયો ખાસ કરીને મહિલાઓ માટે સમસ્યારૂપ છે. તેના દ્વારા પૉર્ન અને હિંસક તસવીરો બનાવવામાં આવી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે તેના માટે કેટલું મોટું બજાર ઉપલબ્ધ છે.”
“જોકે, આ પ્રકારની સમસ્યા કાયમથી અસ્તિત્વમાં રહી છે. ફર્ક માત્ર એટલો જ આવ્યો છે કે ટૂલ્સ હવે વધુ એડવાન્સ થયાં છે અને તેઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થયાં છે.”
આરતી સમાણી પણ આ વાત સાથે સહમત થતાં કહે છે કે, “ડીપફેકના કારણે મહિલાઓની ગરિમાનો ભંગ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.”
તેઓ કહે છે, “ઘણી વખત એવી ઘટનાઓ પણ બને છે કે જેમાં સુંદરતાને પ્રમાણભૂત ગણીને મહિલાઓના શરીરને બદનામ કરવામાં આવે છે. ડીપફેક્સ આ પરિસ્થિતિને વધુ આગળ લઈ જાય છે એવું લાગે છે. તેના કારણે મહિલાઓની ગરિમા ભંગ થાય છે.”
શું કાયદાકીય પગલાં લેવાં શક્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરમાં ડીપફેક વીડિયોના વધુ પડતા ફેલાવાને કારણે સરકાર અને ટેક કંપનીઓએ તેના પર યોગ્ય પગલાં લેવાં જોઈએ તેવી માગ ઊઠી છે.
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ રશ્મિકા મંદાનાનો વીડિયો વાઇરલ થયા બાદ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું, “ખતરનાક અને ખોટી માહિતીને ફેલાતી અટકાવવા માટે વ્યાપક પગલાં લેવાની જરૂર છે. ભારતીય આઇટીના નિયમોને અનુસરીને, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેમના યૂઝરો આ પ્રકારની ખોટી માહિતી તો પોસ્ટ કરી રહ્યા નથી ને?"
ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે સરકાર કાર્યવાહી પણ કરે તેવી શક્યતા છે.
ઇવાનાએ કહ્યું કે આ સમસ્યા ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં વ્યાપક છે અને વિશ્વના દેશોએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તેમણે કહ્યું, "માત્ર બોલીવૂડના કલાકારો જ નહીં, રાજનીતિ, બિઝનેસ અને અન્ય ક્ષેત્રોની હસ્તીઓ પણ આ ડીપફેકનો શિકાર બની રહી છે. પરંતુ વિશ્વના લોકશાહી દેશો ડીપફેકના પ્રભાવને લઈને ચિંતા કરવા લાગ્યા છે. તેઓ તેના માટે ચિંતિત છે કે તેમને કેવા પ્રકારનું નુકસાન કરશે."
તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ માટે જવાબદાર બનવાની જરૂર છે અને સંબંધિત સંસ્થાઓએ આવા ડીપફેક વીડિયોને વહેલી તકે શોધી કાઢવા અને તેને હઠાવવા માટે પગલાં લેવાં જોઈએ.
આરતી સમાણી કહે છે, "પુરુષોનો સહકાર પણ આ સમસ્યાના ઉકેલમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે."
તેમનું કહેવું છે કે, "પુરુષોના સમર્થનની પણ જરૂર છે. બહુ ઓછા લોકો આ ડીપફેક વીડિયો અંગે પ્રતિભાવ આપી રહ્યા છે. જેઓ તેમનો ભોગ બન્યા છે માત્ર તેઓ જ આના વિશે વાત કરી રહ્યા છે."












