યુનિફાઇડ પેન્શન સ્કીમ શું છે, જેને સરકારે મંજૂરી આપી દીધી

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images
કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કિમને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે પત્રકારપરિષદ ભરીને આ માહિતી આપી હતી.
વૈષ્ણવે કહ્યું, "દેશભરમાં કામ કરતા સરકારી કર્મચારીઓની સામાજિક સુરક્ષા અંગે ચિંતાના સ્વર ઊઠતાં રહ્યા છે અને પેન્શન તેનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. સરકારી કર્મચારીઓ દેશભરમાં લોકોની સેવા કરે છે તથા તેના કારણે સમાજની એક વ્યવસ્થા ચાલે છે તથા સમાજમાં તેમનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે."
વૈષ્ણવના કહેવા પ્રમાણે, નેશનલ પેન્શન સ્કીમમાં (એનપીએસ) સુધાર અંગે માંગ થઈ રહી હતી. સરકારે વિચારણાના અંતે યુપીએસ લાવવાનો નિર્ણય કર્યો છે.
આવતા વર્ષે પહેલી એપ્રિલથી લાગુ થનારી આ યોજનાને કારણે 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે, એમ પણ વૈષ્ણવે ઉમેર્યું હતું. કર્મચારીઓ પાસે એનપીએસ અથવા યુપીએસ સ્વીકારવાનો વિકલ્પ પણ રહેશે.
સોમનાથન સમિતિએ કરી હતી ભલામણ

ઇમેજ સ્રોત, Getty Images
યુપીએસને મંજૂરી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજનાથી કર્મચારીઓની ગરિમા તથા આર્થિકસુરક્ષા સુનિશ્ચિત થશે. સોશિયલ મીડિયા ઉપર તેમણે લખ્યું :
"દેશની પ્રગતિ માટે કઠોર પરિશ્રમ કરનારા તમામ કર્મચારીઓ ઉપર ગર્વ છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ આ કર્મચારીઓની ગરિમા તથા આર્થિક સુરક્ષાને સુનિશ્ચિત કરશે. આ પગલું તેમનાં કલ્યાણ તથા સુરક્ષિત ભવિષ્ય માટે અમારી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે."
શનિવારે અશ્વિની વૈષ્ણવે કહ્યું, "વડા પ્રધાને પૂર્વ નાણાસચિવ ડૉ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં આ અંગે વિચાર કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું હતું. જેણે લગભગ દરેક રાજ્ય, શ્રમિક સંગઠનો સાથે વાત કરી હતી. આ સિવાય તેમણે અન્ય દેશોમાં પ્રવર્તમાન સિસ્ટમને પણ સમજી હતી. એ પછી તેમણે યુપીએસની ભલામણ કરી, જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે."
વૈષ્ણવના કહેવા પ્રમાણે, નવી યોજનામાં કર્મચારીઓ ઉપર કોઈ ભાર નહીં પડે. અગાઉ કર્મચારી અને કેન્દ્ર સરકાર 10-10 ટકા ફાળો આપતા હતા. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પોતાનો ફાળો વધારીને 14 ટકા કરી દીધો હતો. હવે, સરકાર પહેલી એપ્રિલ 2025થી 18.5 ટકા અંશદાન આપશે. ત્યાં સુધીમાં આ અંગેના નિયમ બનાવવાનું કામ થઈ જશે. વૈષ્ણવના કહેવા પ્રમાણે, યુનિફાઇડ પેન્શન યોજનામાં મુખ્ય પાંચ વાતો આ મુજબ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેન્શનની મુખ્ય પાંચ વાતો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઓછામાં ઓછું 50 ટકા પેન્શન
અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે, "કર્મચારીઓની માગ હતી કે તેમને એક નિશ્ચિત રકમ પેન્શન તરીકે મળવી જોઈએ. આ તેમની વ્યાજબી માગ હતી. "
નવી યોજના હેઠળ કર્મચારીને તેની નિવૃત્તિ પહેલાંના છેલ્લા 12 મહિના દરમિયાનના સરેરાશ બૅઝિક પગારના 50 ટકા રકમ મળશે. આ માટે તેણે 25 વર્ષ નોકરી કરી હોવી જોઈએ.
10 વર્ષથી વધુ, પરંતુ 25 વર્ષ કરતાં ઓછી નોકરી કરી હોય તો આ રકમ પણ એ હિસાબે જ નક્કી થશે.
ચોક્કસ રકમનું ફૅમિલી પેન્શન
જો કોઈ કર્મચારીનું સેવાકાળ દરમિયાન મૃત્યુ થાય તો પરિવારને (પત્ની) 60 ટકા પેન્શન મળશે.
ઓછામાં ઓછું નક્કી પેન્શન
જે કર્મચારીએ 10 વર્ષ સુધી નોકરી કરી હશે, તેને દર મહિને ઓછામાં ઓછું રૂપિયા 10 હજારનું પેન્શન મળશે.
મોંઘવારી મુજબ વ્યવસ્થા
કર્મચારી તથા ફૅમિલી પેન્શનને મોંઘવારી સાથે જોડવામાં આવશે. મતલબ કે કર્મચારીઓના પેન્શનને મોંઘવારીના સૂચકાંક સાથે જોડી દેવામાં આવશે. મોંઘવારીમાં આ રાહત ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસિઝ ફૉર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સના ઇન્ડૅક્સ ઉપર આધારિત છે. હાલમાં આ વ્યવસ્થા વર્તમાન કર્મચારીઓ માટે લાગુ છે.
નોકરી છોડતી વખતે રકમ
કર્મચારી નોકરી છોડે એટલે તેને ગ્રૅચ્યુઇટી સિવાય કર્મચારીએ જેટલા છમાસિક ગાળા પૂર્ણ કર્યા હોય, એટલી સેવાનો મૂળ પગાર તથા મોંઘવારી ભથ્થાનો 10મો ભાગ આપવામાં આવશે. તેનાથી કર્મચારીઓના નિર્ધારિત પેન્શન ઉપર કોઈ અસર નહીં પડે.
યુપીએસ ઉપર ઉઠ્યા સવાલ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાની માગ કરી રહેલા સંગઠન નેશનલ મૂવમૅન્ટ ફૉર ઑલ્ડ પેન્શન સ્કીમના રાષ્ટ્રીય વડા વિજયકુમાર બન્ધુએ સરકારની નવી જાહેરાત ઉપર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે જૂની પેન્શન યોજનાનો વિકલ્પ આપવા સામે સરકારને શું વાંધો છે.
બીબીસી હિંદીના સહયોગી ચંદન યાદવ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જો સરકાર નવી પેન્શન સ્કીમ તથા યુપીએસની વચ્ચે વિકલ્પ આપી શકે છે, તો જૂની પેન્શન સ્કીમનો (ઓપીએસ) વિકલ્પ આપવા સામે શું વાંધો છે? જો યુપીએસમાં બૅઝિક (પગારના) 50 ટકા આપી શકે છે, તો ઓપીએસમાં પણ 50 ટકા જ આપવાના થતા હતા."
નેશનલ મિશન ફૉર ઑલ્ડ પેન્શન સ્કીમના રાષ્ટ્રીય અધ્યક્ષ મંજિત પટેલે સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે નવી વ્યવસ્થા એનપીએસ કરતાં પણ ખરાબ હશે. તેમણે લખ્યું :
"સરકારે પોતાનો ફાળો વધારીને 18.5 ટકા કરી નાખ્યો છે. 25 વર્ષ નોકરી કરનારાઓને 50 ટકા, એટલે કે જૂની યોજના જેટલું જ પેન્શન આપવામાં આવશે. જેમની નોકરી એથી ઓછી હશે, તેમને રૂ. 10 હજાર તથા ડીએ આપશે અને આપણો (કર્મચારીનો) 10 ટકા ફાળો પણ રાખી લેશે. માત્ર છેલ્લા છ મહિનાનો પગાર પાછો આપશે."
"આનો મતલબ એ છે કે તે એનપીએસ કરતાં પણ ખરાબ હશે, કારણ કે જે લોકો આટલી લાંબી નોકરી કરશે, તેમને યુપીએસ કરતાં એનપીએસમાં વધુ લાભ મળ્યો હોત, ત્યારે કોઈ યુપીએસ શા માટે સ્વીકારે? કોઈપણ સ્થિતિમાં અમે સરકારને અમારો હિસ્સો ખાવા નહીં દઈએ. સરકારે નિવૃત્તિ સમયે જીપીએફની જેમ અમારી રકમ પરત કરવી પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












