એમપૉક્સ કોરોનાથી કેવી રીતે અલગ છે? જાણો પાંચ મહત્ત્વની વાતો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડોરકાસ વંગિરા, કેરોલાઈન કિયામ્બો
- પદ, બીબીસી આફ્રિકા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એમપૉક્સ એટલે કે મંકીપૉક્સ બાબતે વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત કરી ત્યારે એક સવાલ સમગ્ર વિશ્વમાં પૂછવામાં આવ્યો હતો કે શું એમપૉક્સ નવો કોરોના છે?
વિજ્ઞાનીઓ અને સ્વાસ્થ્ય નિષ્ણાતોનો જવાબ છેઃ ના. આવું નથી, પરંતુ લોકોની ચિંતા વાજબી છે.
યુરોપમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રાદેશિક નિદેશક ડૉ. હાન્સ ક્લૂગેએ કહ્યું હતું, “એમપૉક્સ નવો કોરોના નથી. સામાન્ય લોકો માટે તેનું જોખમ ઓછું છે.”
તેમણે ઉમેર્યું હતું, “એમપૉક્સ પર કેવી રીતે નિયંત્રણ મેળવવાનું છે તેની અમને ખબર છે. યુરોપમાં તેને ફેલાતો કેવી રીતે રોકવાનો છે, તે વિશે પણ અમે જાણીએ છીએ.”
કોરોના અને એમપૉક્સ બન્ને બીમારી વાઇરસને કારણે થાય છે, પરંતુ બન્નેનાં લક્ષણમાં મોટો ફરક છે અને તેના ફેલાવાની રીત પણ અલગ છે.
કેન્યાની આગાખાન યુનિવર્સિટી હૉસ્પિટલના પ્રોફેસર રોડને એડમ જણાવે છે કે બન્ને બીમારી વચ્ચે સમાનતાથી વધારે ભિન્નતા છે.
આ અહેવાલમાં અમે આપને એવી પાંચ બાબતો વિશે જણાવીશું કે એમપૉક્સ કોરોનાથી કેવી રીતે અલગ છે અને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
એમપૉક્સ નવો વાઇરસ નથી

કોરોનાની જેમ એમપૉક્સ નવો વાઇરસ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમપૉક્સ અગાઉ મંકીપૉક્સ નામે ઓળખાતો હતો. આ બીમારી 1958થી અસ્તિત્વમાં છે. તેનો વાઇરસ સૌથી પહેલાં ડેનમાર્કનાં વાંદરાંમાં જોવા મળ્યો હતો.
આ વાઇરસના સપાટામાં માણસ આવ્યો હોય તેવો પહેલો કેસ 1970માં ડીઆર કોન્ગોમાં જોવા મળ્યો હતો. ત્યારથી આ વાઇરસ પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં અનેક વાર ફેલાયો છે.
એમપૉક્સ બાબતે વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત સૌથી પહેલાં 2022માં કરવામાં આવી હતી. આ વાઇરસ અત્યાર સુધીમાં 70 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
કોરોનાનો પહેલો કેસ 2019માં ચીનના વુહાનમાં નોંધાયો હતો અને કોરોના ટૂંક સમયમાં જ વૈશ્વિક મહામારી બની ગયો હતો.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે બન્ને વાઇરસને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આપણે એમપૉક્સ બાબતે કોરોના કરતાં વધારે જાણીએ છીએ.
એમપૉક્સ ચેપી નથી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એમપૉક્સ કોરોનાની જેમ ચેપી વાઇરસ નથી.
બન્ને બીમારી નજીકના સંપર્કને કારણે ફેલાય છે, પરંતુ કોરોના વધારે ઝડપથી ફેલાય છે, કારણ તે ઍરબૉર્ન છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ, કોરોના કોઈ વ્યક્તિના ઉઘરસ ખાવાથી, છીંકવાથી, બોલવાથી કે અસરગ્રસ્ત સાથે બેસવાથી પણ ફેલાય છે.
બીજી તરફ એમપૉક્સ તેનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિ સાથે બહુ નજીકથી સંપર્કમાં આવવાને કારણે ફેલાય છે. સંક્રમિત વ્યક્તિની ચામડીને સ્પર્શવાથી, તેની સાથે શારીરિક સંબંધ બાંધવાથી, સંક્રમિત વ્યક્તિના પલંગ પર સૂવાથી કે તેણે પહેરેલા કપડાનો ઉપયોગ કરવાથી એમપૉક્સનો ચેપ લાગે છે.
લાંબો સમય એકમેકની સામે બેસીને વાત કરવાથી પણ એમપૉક્સ વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકે છે.
કોરોનાનાં મુખ્ય લક્ષણ તાવ, શરદી તથા ગળામાં ખરાશ હતાં, જ્યારે એમપૉક્સનાં મુખ્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર, ગળામાં સોજો અને શરીર પર ચાઠાં પડવાનો સમાવેશ થાય છે.
ડિસેમ્બર, 2019થી ઑગસ્ટ, 2023 સુધીમાં કોરોનાના 76 કરોડથી વધારે કેસ નોંધાયા હતા.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ, મે, 2022થી અત્યાર સુધીમાં એમપૉક્સના સમગ્ર વિશ્વમાં લગભગ એક લાખ કેસ નોંધાયા છે.
આફ્રિકા સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા મુજબ, એમપૉક્સના લગભગ 18910 કેસ નોંધાયા છે અને 600થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.
વૅક્સિન ઉપલબ્ધ છે

એમપૉક્સની વૅક્સિન પહેલાંથી જ ઉપલબ્ધ છે.
કોરોનાના કિસ્સામાં સૌથી મોટો પડકાર એ હતો કે તેની વૅક્સિન બનાવવાની હતી, તેનું પરીક્ષણ કરવાનું હતું અને પછી મંજૂરી મળ્યા બાદ કોરોના પર કાબૂ મેળવવાનો હતો, પરંતુ એમપૉક્સથી લોકોને બચાવવા માટે વૅક્સિન પહેલાંથી જ ઉપલબ્ધ છે.
એમપૉક્સ સ્મૉલપૉક્સ જેવો છે. વૅક્સિન મારફત તેના નિરાકરણની વ્યવસ્થા 1980માં જ થઈ ગઈ હતી.
જે વૅક્સિન વડે સ્મૉલપૉક્સ મટાડવામાં આવે છે તે જ વૅક્સિન એમપૉક્સના દર્દીઓને પણ બચાવી રહી છે. ખાસ કરીને 2022માં આ બીમારી ફેલાઈ હતી ત્યારે.
પ્રોફેસર એડમ કહે છે, “તે 100 ટકા રક્ષણ આપતી નથી. આ બીમારી 2022માં યુરોપ અને ઉત્તર અમેરિકામાં ફેલાઈ ત્યારે વૃદ્ધો માટે તેનું જોખમ ઓછું હતું. તેનું કારણ એ હતું કે વૃદ્ધોને અગાઉ ક્યારેક સ્મૉલપૉક્સ વૅક્સિન આપવામાં આવી હશે.”
સ્મૉલપૉક્સ વૅક્સિન પર આધારિત એમપૉક્સ વૅક્સિન એમવીએ-બીએન વૅક્સિન નામે ઓળખાય છે.
વૅક્સિન ઉત્પાદક કંપની બાવેરિયન નોર્ડિકે 2022માં આ વૅક્સિનના દોઢ કરોડથી વધારે ડોઝની સપ્લાય કરી હતી. તે વૅક્સિન 76 દેશોમાં મોકલવામાં આવી હતી.
કોરોનાની માફક ઝડપથી સ્વરૂપ બદલતો નથી
સમય સાથે વાઇરસ બદલાતો હોય છે, પરંતુ કોરોના જેવા કેટલાક વાઇરસ બહુ ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી લેતા હોય છે.
એમપૉક્સની બાબતમાં આવું નથી

તેનું કારણ એ છે કે એમપૉક્સ ડીએનએ વાઇરસથી થાય છે, પરંતુ કોરોના આરએનએ વાઇરસથી થાય છે.
અમેરિકન સોસાયટી ઑફ માઇક્રોબાયૉલૉજીના જણાવ્યા મુજબ, ડીએનએ વાઇરસ, આરએનએ વાઇરસ જેટલી ઝડપથી પોતાનું સ્વરૂપ બદલતા નથી.
એમપૉક્સના બે સ્ટ્રેન અથવા સ્વરૂપ છેઃ ક્લેડ-વન અને ક્લેડ-ટુ. સાર્સ કોવ-ટુ વાઇરસથી 20થી વધારે ક્લેડ છે.
અત્યારે એમપૉક્સનો ચેપ ફેલાઈ રહ્યો છે તે ક્લેડ-વન વાઇરસથી ફેલાઈ રહ્યો છે. તેને ક્લેડ-વન બી પણ કહેવામાં આવે છે.
ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં ગ્લોબલ હેલ્થ રિસર્ચના પ્રોફેસર ટ્રુડી લેંગ કહે છે, “કલેડ-વન બીના મામલામાં અમને એવું જોવા મળી રહ્યું છે કે મોટા ભાગના કિસ્સામાં તે શારીરિક સંબંધોને કારણે ફેલાઈ રહ્યો છે, પરંતુ તે વ્યક્તિઓ વચ્ચેના સંપર્કને કારણે પણ ફેલાઈ રહ્યો છે. માતા-સંતાનોમાં, બાળકોથી બાળકોમાં કે પછી બાળકોની સારસંભાળ કરવાને કારણે તે ફેલાઈ રહ્યો છે.”
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિજ્ઞાનીઓનું કહેવું છે કે વન બી સ્ટ્રેન અન્ય સ્ટ્રેનની સરખામણીએ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે કે કેમ એ તેઓ જાણતા નથી.
લૉકડાઉન કે વૅક્સિન- ફરજિયાત નથી

એમપૉક્સને વૈશ્વિક બીમારી ગણાવીને કટોકટી જાહેર કરવામાં આવી એટલે પરિસ્થિતિ 2020 જેવી તો નહીં થઈ જાયને, તેવો ડર ઘણા લોકોને હતો.
એ વખતે સમગ્ર વિશ્વમાં લૉકડાઉન કરવામાં આવ્યું અને સીમાઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. લોકોએ નોકરી ગુમાવી હતી અને પરિસ્થિતિ અત્યંત વિકટ બની ગઈ હતી.
જોકે, એમપૉક્સના કિસ્સામાં એવું નથી.
છેલ્લાં બે વર્ષમાં એમપૉક્સ આફ્રિકાના 16 દેશોમાં ફેલાયો છે, પરંતુ આફ્રિકા સીડીસીએ કોઈ સરહદ બંધ કરવાની કે લૉકડાઉનની વાત કરી નથી.
આફ્રિકા સીડીસીના ડિરેક્ટર જનરલ ડૉ. જિન કાસિયાના કહેવા મુજબ, લોકોનું આવાગમન રોકવું પડે કે માલસામાનનું પરિવહન અટકાવવું પડે તેવા કોઈ પુરાવા અત્યાર સુધીમાં મળ્યા નથી.
ડૉ. જિનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી બધું જેમ ચાલતું હતું એવી જ રીતે ચાલતું રહેશે. તેના સામના માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આપાતકાલીન કાર્યક્રમોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. માઈક પણ રિયાન સાથે સહમત છે.
ડૉ. માઈક કહે છે, એમપૉક્સ એક એવો વાઇરસ છે, જેને યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈને નિયંત્રિત કરી શકાય છે.
એમપૉક્સ તુલનાત્મક રીતે સામાન્ય વાઇરસ છે અને લોકો બેથી ચાર સપ્તાહમાં સ્વસ્થ થઈ જાય છે. અલબત્ત, કેટલાક લોકોની હાલત બગડે છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
એમપૉક્સનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિ સાથે જોડાયેલી ચીજોનો સંપર્ક કરવાથી દૂર રહીને તમે આ વાઇરસથી બચી શકો છો.
જખમ કે દાણાને સ્પર્શ કર્યા બાદ હાથ ધોઈને, સેનિટાઇઝરનો ઉપયોગ કરીને તમે તેનાથી બચી શકો છો.
પ્રોફેસર રોડનેના કહેવા મુજબ, એમપૉક્સથી બચવામાં વૅક્સિન બહુ મદદરૂપ સાબિત થઈ રહી છે એ અમે જાણીએ છીએ.
અમારી પાસે બહેતર સાધનો છે અને એક ઓછો ફેલાતો વાઇરસ છે. તેથી એમપૉક્સ વાઇરસ કોરોના જેવી મહામારી બનશે તેવું લાગતું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












