સ્તનપાન કરાવતી વખતે માતાઓએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
સ્તનપાન કરાવતી વખતે માતાઓએ કઈ મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેમણે કેવો આહાર લેવો જોઈએ, કેવી આદતો ટાળવી જોઈએ અને માતાઓએ આ સમયગાળામાં કેવા શારીરિક તથા માનસિક પડકારો સામનો કરવો પડે છે આ બધા સવાલોના જવાબ મેળવવા માટે અમે પ્રસૂતિશાસ્ત્રીઓ તેમજ આહારશાસ્ત્રીઓ સાથે વાત કરી હતી.
બાળક માટે માતાના દૂધના મહત્ત્વની વાત કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. અમૃતા હરિએ કહ્યું હતું, "જન્મના પ્રથમ દિવસથી માંડીને છ મહિના સુધી શિશુને જરૂરી તમામ પોષક તત્ત્વો માતાના દૂધમાંથી મળી રહે છે. આ સમયગાળા દરમિયાન સ્તનપાન જરૂરી છે."
6થી 12 મહિના દરમિયાન માતાના દૂધમાં બાળક માટે જરૂરી પોષક તત્ત્વોનો અડધો હિસ્સો હોય છે. આ સમયગાળામાં બાળકને નક્કર ખોરાક આપવાનું શરૂ કરવામાં આવે છે.
માતાનું દૂધ એકથી બે વર્ષની વયનાં બાળકોને જરૂરી પોષક તત્ત્વોનો ત્રીજો હિસ્સો પૂરો પાડે છે. કેટલાક લોકો માને છે કે સ્તનમાં દૂધનું ઉત્પાદન સ્તનના કદના આધારે થતું હોય છે, પરંતુ અમૃતા હરિએ જણાવ્યું હતું કે માતાના સ્તનમાંથી દૂધના સ્રાવને સ્તનના કદ સાથે કોઈ સંબંધ નથી.
વિશ્વ સ્તનપાન સપ્તાહ-2024ની થીમ ‘ક્લોઝિંગ ધ ગેપ- સપોર્ટ ફૉર ઑલ’ છે. સ્તનપાનના મહત્ત્વ અને બાળકના સ્વાસ્થ્યને ઉજાગર કરવા માટે આ અભિયાન પહેલીથી સાતમી ઑગસ્ટ સુધી યોજાય છે.

સ્તનદુગ્ધના ત્રણ તબક્કા

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટરના જણાવ્યા મુજબ, બાળકના જન્મ પછી સ્તનદુગ્ધના ઉત્પાદનના ત્રણ તબક્કા હોય છે.
જન્મના બેથી પાંચ દિવસ પછી કોલોસ્ટ્રમ દૂધનો સ્રાવ થાય છે. બીજા અને પાંચમા દિવસથી બીજા સપ્તાહ સુધી સંક્રમિત દૂધનો સ્રાવ તથા બીજા અથવા ત્રીજા સપ્તાહ પછી પરિપકવ દૂધનો સ્રાવ થાય છે.
કોલોસ્ટ્રમ દૂધ અને પરિપકવ દૂધ વચ્ચેનો ફરક એ છે કે સામાન્ય સ્તનદુગ્ધની સરખામણીએ કોલોસ્ટ્રમ દૂધ પીળા રંગનું હોય છે. તેમાં કોલેસ્ટ્રોલ, ન્યુક્લિયોસાઇડ્સ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન એ (આઈજીએ) જેવાં ઍન્ટીબોડીઝ હોય છે, જે બાળકને કોઈ પણ ચેપથી બચાવવામાં મદદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માતાના દૂધમાં 80 ટકા પાણી, (બે ટકા કાર્બોહાઇડ્રેટ્સ, બે ટકા પ્રોટીન સહિતના) 12 ટકા સૉલિડ્સ અને બાળકને પાચન માટે જરૂરી તમામ પોષક તત્ત્વો હોય છે.
તેથી નવજાત શિશુને પ્રથમ છ મહિના દરમિયાન આહાર માટે માત્ર માતાનું દૂધ જ જરૂરી હોય છે. અન્ય કોઈ ખોરાકની જરૂર હોતી નથી.
ડૉ. અમૃતા હરિએ કહ્યું હતું, "બાળક ભૂખ્યું હોય ત્યારે તેને યોગ્ય રીતે સ્તનપાન કરાવવામાં આવે તો તેને પાણી આપવાની જરૂર રહેતી નથી."
સ્તનપાનનો સમયગાળો
જીવનના પ્રથમ છ મહિના માટે સ્તનપાન જરૂરી છે. એક વર્ષ સુધી સ્તનપાન બાળક માટે આરોગ્યપ્રદ છે.
એકથી બે વર્ષ સુધી સ્તનપાન બહુ જ આરોગ્યપ્રદ હોય છે.
નોકરી કરતી મહિલાઓ સામાન્ય રીતે માતાના દૂધને બૉટલમાં ભરીને ફ્રીજમાં રાખે છે અને બાળક ભૂખ્યું થાય ત્યારે એ બૉટલમાંથી દૂધ પીવડાવે છે, પરંતુ તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે દૂધ સામાન્ય તાપમાન પર રહેવું જોઈએ અને બાદમાં તે બાળકને પીવડાવવું જોઈએ. ઠંડા દૂધથી બાળકના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સ્ટોરિંગ અને ફીડિંગની આ પ્રક્રિયા ખોટી નથી, પરંતુ આ પદ્ધતિને કારણે પોષણની ગુણવત્તા થોડી ઘટવાની શક્યતા હોય છે.
તેથી માતાઓએ તેમનું સંતાન એક વર્ષનું ન થાય ત્યાં સુધી તેને અગ્રતા આપવી જરૂરી છે.
સ્તનમાંથી ઓછા દુગ્ધસ્રાવનાં કારણો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડિપ્રેશનને કારણે દૂધનો પુરવઠો ઘટવાની શક્યતા હોય છે. એ સિવાય ઓછા બ્રેસ્ટ ટિશ્યુઝ, હોર્મોનલ અસંતુલન અથવા ખૂબ ઓછું વજન પણ કારણભૂત હોઈ શકે. દાખલા તરીકે માતાનું શારીરિક વજન 35 કિલોથી ઓછું હોય તો સ્તનમાંથી દુગ્ધનો સ્રાવ ઓછો થઈ શકે છે.
હાઇપોથાઇરૉડિઝમ અને હોર્મોનલ સમસ્યાઓ જેવા રોગો પણ આ માટે કારણભૂત હોઈ શકે છે.
એ ઉપરાંત બાળકને જન્મ આપતી વખતે માતાને કમળો થયો હોય કે અન્ય કોઈ ચેપ લાગ્યો હોય તો ડૉક્ટર્સ તેમને સ્તનપાન ન કરાવવાની સલાહ આપે છે. જોકે, આવા કિસ્સાનું પ્રમાણ માત્ર એક ટકા છે.
સ્તનપાન દરમિયાન માતા અને બાળક વચ્ચે ત્વચાથી ત્વચાના સંપર્કનો સંબંધ બંધાય છે. બાળકના વિકાસ માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સમયગાળામાં બાળક માતા સાથે સલામતી અનુભવે છે. તેનાંથી બાળકના શારીરિક તથા માનસિક વિકાસમાં ઘણી મદદ મળે છે.
સ્તનપાન કરાવતી માતાએ શું જાણવું જોઈએ
સ્તનપાન કરાવતી વખતે માતાએ તેના સંતાનને કેવી રીતે પકડી રાખવું જોઈએ તેની વાત ડૉ. અમૃતા હરિએ કરી હતી.
સ્તનપાન હંમેશાં બેસીને કરાવવું જોઈએ.
બાળકને યોગ્ય રીતે પકડી રાખવું જોઈએ.
સૂતા હો ત્યારે બાળકને સ્તનપાન ન કરાવવું જોઈએ. તેનાથી બાળકને અસુવિધા થઈ શકે છે.
બાળકને સ્તનપાન કરાવ્યા પછી તેને માતાએ ખભા પર સૂવડાવવું જોઈએ અને ઓડકાર આવે એટલા માટે તેની પીઠ થપથપાવવી જોઈએ.
બાળકના જન્મ પછીના પ્રથમ છ મહિના માતા માટે સૌથી મુશ્કેલ સમયગાળો હોય છે. કેટલાંક બાળકો આખી રાત ઊંઘતા નથી હોતાં. તેથી તેમની માતાઓને પણ ઊંઘની સમસ્યા થઈ શકે છે.
સારી ઊંઘ એ માતાની મૂળભૂત જરૂરિયાત છે. અપૂરતી ઊંઘ માતાને શારીરિક તેમજ માનસિક એમ બન્ને રીતે અસર કરી શકે છે. ખાસ કરીને ડિપ્રેશન પ્રકારની સમસ્યા સર્જાય છે. આ સમયગાળા દરમિયાન માતાને તેમના પતિ તથા પરિવારજનોનો સહકાર મળે તે બહુ જ જરૂરી છે.
આવી આદતો પાડવી જોઈએ
સ્તનપાનના સમયગાળામાં માતાઓએ નીચે મુજબની મહત્ત્વની બાબતોનું અનુસરણ કરવું જોઈએ.
દિવસમાં ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવા જેવી સરળ કસરતો કરવી જોઈએ.
તમારી પાસે સમય હોય ત્યારે સૂવું અને આરામ કરવો મહત્ત્વપૂર્ણ છે.
બાળક ઊંઘતું હોય ત્યારે માતાએ પણ આરામ કરવો જોઈએ. અન્ય કોઈ કામમાં વ્યસ્ત ન રહેવું જોઈએ.
તમારે તમારા મનને ખુશ રાખવું જોઈએ.
કેટલીક માતાઓ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને પોસ્ટપાર્ટમ સાયકોસિસ પ્રત્યે સંવેદનશીલ હોય છે.
તમને જે ગમતું હોય તે કરવું જોઈએ.
બાળકને બન્ને સ્તનમાંથી વારાફરતી સ્તનપાન કરાવવું જોઈએ.
આવી આદતો ટાળવી જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક માતાઓને ધૂમ્રપાન અને શરાબપાન જેવી આદતો હોય છે. આ પ્રકારની આદતો ધરાવતી માતાઓએ બાળકને સ્તનપાન કરાવતી વખતે કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? ડૉ. અમૃતા હરિએ તેમના માટે કેટલાક જરૂરી સૂચનો કર્યાં છે.
સગર્ભાવસ્થાના સમયથી માંડીને સ્તનપાનના સમય સુધી ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડી દેવું ઈચ્છનીય છે.
તમે ધૂમ્રપાન કરતા હો તો પણ સ્તનપાન કરાવી શકો, પરંતુ તમારા બાળકને પેટમાં દુખાવો, છાતીમાં ઇન્ફેક્શન અને શ્વસન સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા છે.
ધૂમ્રપાન કરતી માતાઓ ધૂમ્રપાન કર્યાના ઓછામાં ઓછા બે કલાક પછી જ સ્તનપાન કરાવી શકે.
ગર્ભાવસ્થાના સમયગાળાથી સ્તનપાનના સમય સુધી આલ્કોહોલનું સેવન પણ ટાળવું જોઈએ.
માતા દ્વારા આલ્કોહોલનું સેવન માતાના દૂધને અસર કરે છે. તે બાળક માટે ઊંઘ અને વૃદ્ધિ સંબંધી સમસ્યા સર્જી શકે છે.
જેઓ દારૂ છોડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ ઓછામાં ઓછા બેથી ત્રણ કલાકના અંતરાલ બાદ જ સ્તનપાન કરાવી શકે છે.
જોકે, બાળકના સર્વોત્તમ હિતને ખાતર ધૂમ્રપાન તથા આલ્કોહોલનું સેવન સદંતર છોડવાની સલાહ સ્ત્રીરોગ ચિકિત્સકો આપે છે.
સ્તનદુગ્ધની કાર્યક્ષમતા અને વધારે સ્રાવ માટેનો આહાર

ઇમેજ સ્રોત, Getty Images
પોષણશાસ્ત્રી ડૉ. પ્રતિભા સ્તનપાન કરાવતી માતાઓએ સ્તનદુગ્ધની કાર્યક્ષમતા વધારવા અને પર્યાપ્ત પ્રમાણમાં દૂધના ઉત્પાદન માટે જે આહાર કરવો જોઈએ તેની વાત કરે છે.
સ્તનપાન કરાવતી માતાએ પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ફેટ ધરાવતો આહાર કરવો જોઈએ. ફેટ પ્લાન્ટ્સમાંથી મેળવવી જોઈએ. આપણે તેને ફેટ કહીએ છીએ. માંસાહારી ખોરાકમાંથી મેળવવામાં આવતી ફેટ કોલેસ્ટ્રોલ હોય છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું જોઈએ. તેમાં 90 ટકા પ્રોટીન વનસ્પતિ આધારિત અને 10 ટકા માંસાહર પર આધારિત હોવું જોઈએ.
એ ઉપરાંત તમામ પોષક તત્ત્વો સાથેનો સંતુલિત આહાર કરવો જોઈએ. તમામ વિટામિન્સ તથા મિનરલ્સથી ભરપૂર આહાર લેવો જોઈએ. પુષ્કળ શાકભાજી, ફળો અને પૂરતા પ્રમાણમાં કઠોળનો તેમાં સમાવેશ કરવો જોઈએ. આ મૂળભૂત જરૂરિયાત છે.
સ્તનદુગ્ધમાંના પોષક તત્ત્વો બાળક માટે કેમ જરૂરી છે
ડૉ. પ્રતિભાના જણાવ્યા મુજબ, બાળકના જીવનના પ્રથમ છ મહિના દરમિયાન સ્તનદુગ્ધ પોષક તત્ત્વો અને ઍન્ટીઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે.
ડૉ. પ્રતિભાએ કહ્યું હતું, "બાળકોમાં ટૂંકા અથવા લાંબા ગાળાના ચેપ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રોકવા માટે પણ માતાનું દૂધ જરૂરી છે."
આહાર સંબંધી અંધશ્રદ્ધા ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં, પરંતુ શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં પણ પ્રવર્તે છે. મૂળવાળા શાકભાજી અથવા પાલક વગેરેનો આહાર બાળક માટે ગેસ્ટ્રિક સમસ્યાનું કારણ બની શકે છે. હકીકતમાં આ વાત સાચી નથી.
સ્તનદુગ્ધની ગુણવત્તા અને ઘનતા બહેતર બનાવવા માટે ફેટ એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. તેથી પૂરતા ચરબી, પ્રોટીન અને પ્રવાહીયુક્ત ખોરાક લેવો જરૂરી છે. તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો માતાના દૂધની ગુણવત્તામાં વધારો થાય છે.
સ્તનદુગ્ધનું ઉત્પાદન વધારતો ખોરાક
સ્તનદુગ્ધના પર્યાપ્ત ઉત્પાદન માટે સ્તનપાન કરાવતી માતાની માનસિક સ્થિતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમે તમારા ગાયનેકોલૉજિસ્ટ દ્વારા સૂચવવામાં આવેલા લેક્ટોગોગ્સ ફૂડ્સ, દવાઓ કે સપ્લિમેન્ટ્સ લેતા હો તો પણ બધું ગૌણ છે. સ્તનદુગ્ધની માત્રાનો આધાર સ્તનપાન કરાવતી માતાના મૂડ પર હોય છે. દૂધનું પ્રમાણ હોર્મોન સ્રાવની માત્રા પર આધારિત હોય છે. તેથી માતાની માનસિક સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સ્તનદુગ્ધની ગુણવત્તા સુધારવા માટે પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે.
આપણે જોયું છે કે પૂરતા પ્રમાણમાં ખોરાક ન લેતી માતાઓ પણ કેટલીકવાર તેમના સંતાનને પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવતી હોય છે.
સ્તનદુગ્ધના ઉત્પાદનને ખોરાક સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ સ્તનદુગ્ધની ગુણવત્તા અને આહાર વચ્ચે ખાસ સંબંધ છે, એમ ડૉ. પ્રતિભાએ જણાવ્યું હતું.
સ્તનપાન કરાવતી માતાઓમાં ભય અને અંધશ્રદ્ધા

ઇમેજ સ્રોત, Getty Images
ગાયનેકોલૉજિસ્ટ ડૉ. નિત્યાએ પ્રથમ વખત માતા બનતી સ્ત્રીઓમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને સમસ્યાઓની વાત કરતી વખતે પોતાના બે અનુભવ શેર કર્યા હતા.
પ્રથમ ઘટનામાં માતાને એવો ડર હતો કે તે સ્તનપાન કરાવશે તો તેનાં સ્તન ઢળી પડશે. તેથી તેણે બાળકને સ્તનપાન કરાવવાનું સંપૂર્ણપણે ટાળ્યું હતું. શરૂઆતમાં એ માતાએ સ્તનદુગ્ધના ઓછા સ્રાવનું કારણ આપ્યું હતું, પરંતુ શ્રેણીબદ્ધ કાઉન્સેલિંગ સત્રોમાં હાજરી આપ્યા બાદ તેમણે ધીમે ધીમે સત્ય કહેવાનું શરૂ કર્યું હતું. તેમણે કબૂલ્યું હતું કે તેમણે આવું ઑનલાઇન વાંચ્યું હતું અને સ્તનપાન કરાવશે તો તેના સ્તન ઢળી પડશે, એવી ગેરસમજને કારણે પોતાના સંતાનને સ્તનપાન કરાવવાનું ટાળ્યું હતું.
ડૉ. નિત્યાએ કાઉન્સેલિંગ દરમિયાન સ્તનપાનના મહત્ત્વ અને બાળકને માતાના દૂધથી થતા સ્વાસ્થ્ય વિષયક લાભો તેમને સમજાવ્યા હતા. સ્તનપાન કરાવવાથી સ્તન ઢળી પડતાં નથી, પરંતુ સ્તન ઢળી પડવા માટે વય અને આનુવંશિકતા જવાબદાર હોય છે. એમ ડૉ. નિત્યાએ જણાવ્યું હતું.
બીજા કિસ્સામાં વધુ પડતા સ્તનદુગ્ધની ફરિયાદ સાથે એક મહિલાએ ડૉ. નિત્યાનો સંપર્ક કર્યો હતો. એ મહિલાએ જણાવ્યું હતું કે બાળકને સ્તનપાન કરાવ્યા પછી તરત જ ઝડપથી દૂધનો ફરી સ્રાવ થાય છે.
બીજા બાળકનો જન્મ થયો ત્યારે માતાએ પોતાના સ્તનદુગ્ધનું ઉત્પાદન બંધ કરાવવા ડૉ. નિત્યાને કહ્યું હતું. એ માતાનું કહેવું હતું કે પ્રથમ બાળકના જન્મ વખતે તેમને સૌથી ખરાબ અનુભવ થયો હતો.
ડૉ. નિત્યાએ તે માતાને સ્તનપાન સંબંધી કેટલીક ટેકનિક્સ અને બાળકને કઈ રીતે સ્તનપાન કરાવવું તે જણાવ્યું હતું. સ્તનપાન કરાવતી વખતે બાળકને કેવી રીતે પકડવું જોઈએ અને સ્તનપાનની ઝડપને કેવી રીતે નિયંત્રિત કરવી જોઈએ તે જણાવ્યું હતું.
બાળકના સ્વાસ્થ્ય માટે તેના જીવનના પ્રથમ છ મહિના માટે માતાનું દૂધ બહુ જ જરૂરી હોય છે. તેથી સમસ્યા ધરાવતી માતાઓને ધરપત આપવી અને સ્તનપાનનું મહત્ત્વ સમજાવવું જરૂરી છે, એમ જણાવતાં ડૉ. નિત્યાએ ઉમેર્યું હતું કે સ્તનપાનના સમયગાળામાં માતાઓને માનસિક અથવા ભાવનાત્મક ટેકાની જરૂર પડતી હોય છે.
પોતાના બાળકને સ્તનપાન કરાવતી વખતે જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેની વાત બીબીસી સાથે કરતાં એક અનામ નોકરિયાત મહિલાએ એક ઘટના જણાવી હતી. એ મહિલા ઑફિસના સમયગાળા દરમિયાન તેના સંતાનને યાદ કરતી હતી ત્યારે તેના સ્તનમાંથી દૂધનો સ્રાવ થતો હતો.
ડૉ. નિત્યાએ આ ઘટના સંદર્ભે કહ્યું હતું, "સ્તનદુગ્ધનો વધારે પડતો સ્રાવ અને લીકેજ બહુ સ્વાભાવિક તથા સામાન્ય છે."
"તેનાથી કોઈએ શરમાવું ન જોઈએ. તેને લીધે કપડાં પર ડાઘ પડી શકે અથવા દુર્ગંધ આવી શકે. તેને ટાળવા માટે તમે વધારાના અન્ડરવેર કે નર્સિંગ બ્રાનો ઉપયોગ કરી શકો છો."
"સમાજમાં કોઈએ પણ તેને ખોટી રીતે જોવું જોઈએ નહીં. કોઈક કશું ખોટું કહેશે એ વાતે માતાએ ડરવું ન જોઈએ. આ બાબતને સમાજમાં નૉર્મલાઇઝ કરવી જોઈએ."
"એ ઉપરાંત દરેક માતાની શારીરિક અથવા માનસિક તબીબી સહાય અલગ-અલગ હોઈ શકે છે. તેથી માતાને મદદની જરૂર હોય તો તેમણે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ."












