‘મારું બાળક ગર્ભમાં મૃત્યુ પામે ત્યાં સુધી હું ગર્ભપાત માટે રાહ નહીં જોઉં’

કેટ કોક્સ

ઇમેજ સ્રોત, KATE COX

“સવાલ એ નથી કે મારે અલવિદા કહેવું પડશે. સવાલ એ છે કે ક્યારે કહેવું પડશે. આ ગર્ભાવસ્થાને લીધે જે પીડા અને વેદના થાય છે તે હું હવે સહન કરવા ઇચ્છતી નથી. મારું બાળક ગર્ભાશયમાં મૃત્યુ પામે ત્યાં સુધી કે મૃત દીકરીને જન્મ આપવા સુધી રાહ જોવા માંગતી નથી. હું એવા બાળકને જન્મ આપવા ઇચ્છતી નથી, જેનું આયુષ્ય કલાકો કે કેટલાક દિવસોનું જ હોય.”

કૅટ કોકસે આવા આક્ષેપ સાથે અમેરિકાના ટૅક્સસ રાજ્ય સામે ગયા મંગળવારે કેસ દાખલ કર્યો છે. રાજ્યના ગર્ભપાત-વિરોધી કડક કાયદા સંદર્ભે ગર્ભપાતની અપવાદરૂપે છૂટ આપવાની માગણી કૅટે કરી છે. કૅટના ગર્ભાશયમાં ઊછરી રહેલું શિશુ જીવી શકે તેમ ન હોવાનું નિદાન ડૉક્ટરોએ કર્યા પછી કૅટે આ પગલું લીધું છે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના જૂનમાં ‘રોડ વી. વેડ’ ચુકાદાને રદ કર્યો હતો. દેશમાં ગર્ભપાતને નાગરિકનો બંધારણીય અધિકાર આપતો આ પ્રતીકાત્મક ચુકાદો અદાલતે આપ્યા પછી ગર્ભપાતના હેતુ માટે કોર્ટનાં બારણાં ખખડાવ્યાં હોય તેવી પહેલી મહિલા કૅટ છે.

હાઈકોર્ટના નિર્ણયે ટૅક્સસ જેવા રિપબ્લિકન પક્ષ નિયંત્રિત રાજ્યોમાં ગર્ભપાત પર લગભગ સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો માર્ગ મોકળો કર્યો હતો.

મૂળ ડલાસનાં વતની કૅટ કોક્સ 31 વર્ષનાં છે અને તેમને 20થી વધુ સપ્તાહનો ગર્ભ છે. આ લડાઈમાં પ્રારંભે તેમનો વિજય થયો હતો, પરંતુ એ પછી એક સપ્તાહ પૂર્ણ ન થયું ત્યાં સુધીમાં તેમનો પરાજય થયો હતો.

તેમના વકીલોએ આ સોમવારે જણાવ્યું હતું કે કૅટે ગર્ભપાત કરાવવા માટે ટૅક્સસ છોડી દીધું છે. તેઓ અમેરિકામાં ગર્ભપાત સામે વધતા પ્રતિબંધોના વિરોધનું પ્રતીક બની ગયાં છે.

ભયાવહ નિદાન

ટ્રાવિસ કન્ટ્રી ફેમિલી કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

કોક્સની મોટી દીકરી માત્ર ત્રણ વર્ષની હતી અને દોઢ વર્ષના દીકરાને તેઓ સ્તનપાન કરાવતાં હતાં ત્યારે તેમને ખબર પડી હતી કે તેઓ ફરી ગર્ભવતી બન્યાં છે.

એ ઑગસ્ટ મહિનો હતો અને આ સમાચાર તેમના માટે આશ્ચર્યજનક હતા. કૅટ અને તેમના પતિ જસ્ટિન કોક્સ બન્ને ખુશ હતાં. કેસની વિગત અનુસાર, તેઓ કાયમ મોટો પરિવાર ઇચ્છતા હતા. જોકે, તેમની ખુશી જલદી ઓસરવા લાગી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑક્ટોબરમાં કરવામાં આવેલા બ્લડ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે કંઈક ખોટું છે. અલ્ટ્રાસાઉન્ડમાં જાણવા મળ્યું હતું કે ગર્ભમાં કરોડરજ્જૂ અને ગર્ભનાળ સહિતની અનેક પ્રકારની વિકૃતિઓ છે. 28 નવેમ્બરે ઍમ્નીઓસેન્ટીસના પરિણામ સાથે ચોક્કસ નિદાન થયું હતું કે ગર્ભમાં ટ્રાઈસોમી 18ની સમસ્યા છે.

તે ઍડવર્ડ્સ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય છે અને એક આનુવંશિક વિકાર છે. તેમાં રંગસૂત્ર 18ની બેને બદલે ત્રણ કૉપી હોય છે અને તેના કારણે વિકાસમાં ગંભીર વિલંબ થાય છે.

કેસની વિગત અનુસાર, કૅટના ડૉક્ટરોએ તેમને જણાવ્યું હતું કે તેમનું સંતાન જીવંત જન્મે અથવા થોડા દિવસ જીવી જાય તેવી કોઈ શક્યતા નથી. તેમણે ઉમેર્યું હતું કે પૂર્ણ સમયગાળા સુધી ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી કૅટ પર જીવનું જોખમ સર્જાઈ શકે છે અથવા તેમને વ્યંધત્વ આવી શકે છે.

કોર્ટના દસ્તાવેજો મુજબ, “પતિ-પત્ની અત્યંત દુઃખી થઈ ગયાં હતાં” અને તેમણે ગર્ભપાત કરાવવાનો નિર્ણય લીધો હતો.

તેમને જણાવવામાં આવ્યું હતું કે ગર્ભપાત બાબતે ટૅક્સસમાં કડક કાયદા છે અને ગર્ભ ધબકતો હશે ત્યાં સુધી રાજ્યમાં કોઈ ગર્ભપાત કરી આપશે નહીં. આ વાત તેમના માટે વધારે આઘાતજનક હતી.

તે ‘ધ હાર્ટબીટ લૉ’ તરીકે, ‘ટૅક્સસ હાર્ટબીટ ઍક્ટ’ અથવા ‘ટીએક્સ એસબી08’ તરીકે ઓળખાય છે. તે રિપબ્લિકન ગવર્નર ગ્રેગ એબટ દ્વારા મે-2021માં રોડ વી. વેડ પહેલાં અમલી બનાવવામાં આવ્યો હતો.

તેમાં છ સપ્તાહ પછીનો ગર્ભપાત કરી આપતા ડૉક્ટર સામે કેસ કરવાનો અધિકાર દરેક વ્યક્તિને આપવામાં આવ્યો છે. આ એ સમયગાળો હોય છે, જેમાં ઘણી સ્ત્રીઓને ખબર નથી હોતી કે તે ગર્ભવતી છે.

કોક્સના ડૉક્ટરોએ તેમને કહ્યું હતું, “તેમના હાથ કાયદાથી બંધાયેલા છે.” તેઓ ગર્ભની કાર્ડિયાક પ્રવૃત્તિ પર જ નજર રાખી શકે છે. એ પછી કૅટ કોક્સની ગર્ભપાતની પરવાનગી મેળવવા માટેની કાયદાકીય યાત્રા શરૂ થઈ હતી.

કૅટની કાયદાકીય યાત્રા

અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

કૅટ કોક્સે ગયા મંગળવારે કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલાં ‘ધ ડલાસ મૉર્નિંગ’ અખબારમાં પ્રકાશિત કૉલમમાં જણાવ્યું હતું, “હું મારા તથા મારા સંતાન માટે જે શ્રેષ્ઠ છે તે કરવાનો પ્રયાસ કરી રહી છું, પરંતુ ટૅક્સસ રાજ્ય અમને બન્નેને પીડા આપી રહ્યું છે.”

ટ્રેવિસ કાઉન્ટીના ન્યાયાધીશ માયા ગુએરા ગેમ્બલે કૅટને ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માટે આગળ વધવાની મંજૂરી ગુરુવારે આપી હતી.

તેમણે નોંધ્યું હતું, “શ્રીમતી કોક્સ માતા બનવા માગે છે અને આ કાયદો તેમના માતૃત્વ ગુમાવવાનું કારણ બની શકે છે, જે અકલ્પનીય છે. તેની મંજૂરી આપવી એ ન્યાયની નિષ્ફળતા હશે.” તેમણે પ્રક્રિયા હાથ ધરવા માટે 14 દિવસના સાવચેતીના ઉપાય જાહેર કર્યા હતા.

કૅટ તેમના પતિ સાથે કોર્ટની કાર્યવાહીમાં ઝૂમ મારફતે જોડાતાં હતાં. કોર્ટના આ નિર્ણયને લીધે તેઓ રડી પડ્યાં હતાં. તેમના વકીલના જણાવ્યા મુજબ, ગર્ભાવસ્થા સંબંધી તકલીફોને કારણે કૅટે તે અઠવાડિયે ચાર વખત હૉસ્પિટલે જવું પડ્યું હતું.

કોકસ દંપતીનું પ્રતિનિધિત્વ ‘સેન્ટર ફૉર રિપ્રોડક્ટિવ રાઈટ્સ’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક નાગરિક સંસ્થા છે, જે મહિલાઓનો નિર્ણય લેવાનો પાછો મેળવવા કાયદાકીય લડત આપી રહી છે.

હ્યુસ્ટનના પ્રસૂતિશાસ્ત્રી દામલા કાર્સન કૅટનાં ડૉક્ટર છે અને તેઓ ગર્ભપાતની પ્રક્રિયામાં આગળ વધશે તો તેમને સિવિલ અને ફોજદારી આરોપો સામે ટેમ્પરરી પ્રોટેક્શન મળશે.

ગર્ભપાત-વિરોધી સંગઠનો પણ તરત જ મેદાને પડ્યાં હતાં.

‘ટૅક્સસ રાઇટ ટુ લાઇફ’ સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું, “તમામ બાળકો કિંમતી હોય છે અને તેમનું જીવન ભલે ગમે તેટલું ટૂંકુ હોય, પણ કાયદાએ તેમનું રક્ષણ કરવું જોઈએ.”

સંગઠને ઉમેર્યું હતું કે કૅટ કોકસે ગર્ભપાત કરાવતાં પહેલાં પેરીનેટલ પેલિએટિવ કૅર લેવી જોઈએ.

એવી જ રીતે રિપબ્લિકન પાર્ટીની સૌથી રૂઢિચુસ્ત પાંખ ‘ધ ટૅક્સસ ગવર્નમેન્ટે’ ગર્ભપાત રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરી હતી.

ટૅક્સસના ઍટર્ની જનરલ કૅન પૅક્સટને ગુરુવારે મોડી રાતે ઉપરોક્ત ચુકાદા સામે ઉચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી. કૅન પૅક્સટન એક અતિ-રૂઢિચુસ્ત ખ્રિસ્તી છે અને તેમણે રાજ્યમાં ગર્ભપાતવિરોધી ઝૂંબેશ સહિતનાં અનેક અભિયાનનું નેતૃત્વ કર્યું છે.

પૅક્સટને વિનંતી કરી હતી કે “મનાઈ હુકમ અમલમાં હોય તે દરેક કલાકમાં વાદીઓ એમ માનતા હોય છે કે તેઓ ગર્ભપાત કરાવવા માટે સ્વતંત્ર છે.”

રાજ્યએ દાવો કર્યો હતો કે માતાનો જીવ જોખમમાં હોય ત્યારે ગર્ભપાતની છૂટ આપવાની જોગવાઈ સ્થાનિક કાયદામાં છે, પરંતુ કૅટ કોક્સના કિસ્સામાં આ અપવાદ લાગુ પડતો નથી. તેમણે ટૅક્સસની ત્રણ હૉસ્પિટલોને પત્રો મોકલ્યા હતા અને હૉસ્પિટલનો એકેય ડૉક્ટર ગર્ભપાત કરશે તો તેમની સામે કાયદાકીય પગલાં લેવાની ધમકી આપી હતી.

નવા અધ્યાયની શરૂઆત

અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

આ બધું ધ્યાનમાં લઈને રાજ્યની સર્વોચ્ચ અદાલતે કેસના અભ્યાસ દરમિયાન ઇમર્જન્સી ઍબોર્શનને અસ્થાયી ધોરણે અટકાવી દીધું હતું અને સોમવાર, 11 ડિસેમ્બરે તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

સાત પાનાના ચુકાદામાં રાજ્યની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કૅટ કોક્સ પર જીવનું જોખમ હોય તે કાયદા અનુસાર જરૂરી છે, પરંતુ તેમના ડૉક્ટરોએ આવું કશું જણાવ્યું નથી. ન્યાયાધીશોએ ચુકાદામાં લખ્યું હતું, “આ કાયદાઓ વિધાનસભા દ્વારા કરવામાં આવેલી નીતિની પસંદગીને પ્રતિબિંબિત કરે છે અને અદાલતોએ તે પસંદગીનો આદર કરવો જોઈએ.”

કૅટ કોક્સના વકીલોએ થોડા કલાકો પહેલાં જણાવ્યું હતું કે પોતે ક્યાં અને ક્યારે ગર્ભપાત કરાવશે તે જણાવ્યા વિના મહિલા ગર્ભપાત કરાવવા રાજ્યની બહાર ચાલ્યાં ગયાં છે.

‘રોડ વી. વેડ’ને રદ કરવા સાથે અમેરિકામાં ગર્ભપાતના કાયદાકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ઘણાં રાજ્યોના ડૉક્ટરોએ દલીલ કરી હતી કે ગર્ભાવસ્થાની ગંભીર સમસ્યા હોય તેવા કિસ્સામાં પણ આ પ્રતિબંધો ગર્ભપાતને અટકાવે છે.

આનું તાજેતરનું ઉદાહરણ કેન્ટુકીમાં ગયા અઠવાડિયે નોંધાયું હતું. કૅટ કોક્સનો કિસ્સો અત્યંત જોખમી ગર્ભાવસ્થા ધરાવતી મહિલાનો એવો પ્રથમ કેસ છે, જેમાં મહિલાએ અદાલતની પરવાનગી માગી હોય, જેથી ડૉક્ટરો પ્રતિબંધો અથવા ગુનાહિત પરિણામના ભય વિના જરૂરી કામગીરી કરી શકે.

ઑગસ્ટમાં એક ફેડરલ જજે એવો ચુકાદો આપ્યો હતો કે જેમના ગર્ભમાં જન્મજાત ખોડખાંપણ હોય એવી સ્ત્રીઓ માટે ટૅક્સસનો કાયદો બહુ આકરો છે.

એ જ સમયે ટૅક્સસ સુપ્રીમ કોર્ટ કૅટ કોક્સના કેસની વિચારણા કરી રહી હતી. તે રાજ્યનાં ગર્ભપાત સંબંધી નિયંત્રણોમાં તબીબી અપવાદોની મર્યાદાઓ સ્પષ્ટ કરવા અન્ય કાયદાકીય પગલાં બાબતે પણ વિચારી રહી હતી.

ઝુરાવસ્કી વિરુદ્ધ ટૅક્સસ નામનો કેસ 20 મહિલાઓ સંબંધી છે. એ મહિલાઓએ જણાવ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય જોખમમાં હોવા છતાં તેમને ગર્ભાવસ્થા ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવી હતી, કારણ કે કાયદાકીય અસ્પષ્ટતાને લીધે ડૉક્ટરો મહિલાની મેડિકલ કન્ડિશન ગંભીર હોવા છતાં “અત્યંત સાવધ” રહે છે.

નિષ્ણાતોના અર્થઘટન મુજબ, સોમવારના ચુકાદા સાથે ટૅક્સસની સર્વોચ્ચ અદાલતે એક માપદંડ સૂચવ્યો છે, જે કૅટ કોક્સ સહિતના બધા કેસમાં લાગુ થઈ શકે છે.

સત્તાવાર આંકડા અનુસાર, ટૅક્સસમાં સપ્ટેમ્બર-2023 સુધીમાં માત્ર 34 ગર્ભપાત નોંધાયા હતા. રોડ વી. વેડ ચુકાદો ઊલટાવાયો તેના પાંચ મહિના પહેલાં એ સંખ્યા 16,000 હતી.

તેનો અર્થ એ નથી કે ટૅક્સસની મહિલાઓએ તેમની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા કૅટ કોક્સની માફક રાજ્યની બહાર વિકલ્પોની શોધ ન કરી હોય.