‘મને 12 વર્ષની વયે લગ્ન માટે 9 ડૉલરમાં વેચી દેવામાં આવી હતી’

બાળલગ્ન

ઇમેજ સ્રોત, YOUSEF ELDIN / BBC

    • લેેખક, મેઘા મોહન અને યુસુફ ઍલ્ડિન
    • પદ, બીબીસી 100 વુમન

તમારાનું લગ્ન 12 વર્ષની વયે કરી નાખવામાં આવ્યું હતું અને 13 વર્ષની વયે તેઓ માતા બની ગયાં હતાં. તમારાનો સમાવેશ વિશ્વની એવી દસ લાખ છોકરીઓમાં થાય છે, જેમનાં લગ્ન 18 વર્ષની વય પહેલાં જ કરી નાખવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં પ્રત્યેક પાંચમાંથી એક છોકરીનાં લગ્ન તે 18 વર્ષની થાય એ પહેલા કરી નાખવામાં આવતાં હોવાનો અંદાજ છે. જે દેશોમાં બાળલગ્નવિરોધી કાયદા છે એ દેશો પણ તેનો અમલ કરાવી શકતા નથી. જોકે, આફ્રિકાના મલાવીમાં પરિવર્તનના પ્રારંભિક સંકેત મળી રહ્યા છે.

અમે તમારાને ત્રીજી વખત મળ્યા ત્યારે કહેવામાં આવ્યું હતું કે તે વહેલી સવારે નજીકના ખેતરમાં કામ કરવા ગઈ હતી. એ સમયે 13 વર્ષની ગર્ભવતી તમારાને નવમો મહિનો ચાલતો હતો, પણ તેને આરામ નહોતો.

તમારા(તેનું અસલી નામ નથી)નો વીસેક વર્ષનો પતિ તેને છોડીને નાસી ગયો એ પછી તમારા તેમનાં કાકીની નાનકડી ઝૂંપડીમાં જમીન પર સૂતાં હતાં.

તમારાના પતિને સાંભળવા મળ્યું હતું કે તેનાં ગેરકાયદે લગ્ન બદલ તમારાને ઉગારવા માટે સોશિયલ સર્વિસના કર્મચારીઓ આવી રહ્યા છે. એ કર્મચારીઓ આવ્યા એ પહેલાં તમારાનો પતિ ભાગી છૂટ્યો હતો અને તમારાએ ચાલીને તેમનાં કાકીના ગામ સુધી પહોંચવું પડ્યું હતું.

લગ્ન માટે દાદીએ પૈસા ચૂકવી દીધા

બાળલગ્ન

ઇમેજ સ્રોત, YOUSEF ELDIN / BBC

તમારાના જીવનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. દક્ષિણ મલાવીના નેનો જિલ્લાના એક ગ્રામીણ ખેડૂત સમુદાયમાં જન્મેલાં તમારાનો પરિવાર, આ પ્રદેશના અન્ય 65 ટકા લોકોની માફક મલાવી સરકાર અનુસાર ગરીબીરેખા હેઠળના પરિવારો પૈકીનો એક હતો. મલાવી યુક્રેનનું વ્યાપારી ભાગીદાર છે અને યુક્રેનમાં યુદ્ધને કારણે ઘઉં અને ખાતરનો પૂરવઠો અટકી ગયો છે તથા ભાવમાં વધારો થયો છે.

તમારાનાં માતા-પિતા બીમારીને લીધે મૃત્યુ પામ્યાં પછી તેમના એકમાત્ર સંતાનનો કબજો દાદીએ સંભાળી લીધો હતો.

એક મહિના પછી તમારા એક દિવસે સ્કૂલમાંથી પાછાં આવ્યાં ત્યારે દાદીએ તેને ખાસ સમાચાર આપ્યા હતા. તમારા કહે છે, “દાદીએ મને કહ્યું હતું કે મારે લગ્ન કરી લેવાં પડશે. તેમણે મારાં લગ્ન માટે એક માણસ પાસેથી પૈસા પણ લઈ લીધા હતા.”

એ માણસ તમારાને અગાઉ ક્યારેય મળ્યો ન હતો. તેણે તમારા માટે દાદીને 15,000 મલાવિયન ક્વાચા (આશરે નવ ડૉલર) ચૂકવ્યા હતા.

તમારાનાં દાદીએ પરિવાર માટે મકાઈ ખરીદવા માટે એ પૈસા ખર્ચી નાખ્યા હતા અને એ માણસ અધીરો થઈ ગયો હતો. એ ઇચ્છતો હતો કે જે છોકરી માટે, તેની “પત્ની” માટે તેણે નાણાં ચૂકવ્યાં હતાં એ સ્કૂલ છોડીને તેની સાથે રહે.

મલાવીમાં બાળલગ્નની પરિસ્થિતિ

મલાવીમાં બાળલગ્ન 2017થી ગેરકાયદે જાહેર કરાયાં છે, પરંતુ એ દેશમાં લાંબા સમયથી સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય છે અને તમારાના સમુદાય જેવા ગ્રામ્ય સમુદાયમાં બાળલગ્નની પ્રથા ચાલુ છે. મલાવીમાં આશરે 85 ટકા લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે.

'ગર્લ્સ નોટ બ્રાઇડ્સ' નામના સ્વૈચ્છિક સંગઠનના જણાવ્યા અનુસાર, મલાવીમાં 40 ટકાથી વધુ છોકરીઓનાં લગ્ન તે 18 વર્ષની થાય એ પહેલાં કરી નાખવામાં આવે છે.

તમારા કહે છે, “જીવવું મુશ્કેલ બની ગયું હતું, કારણ તે એ માણસ મોટી ઉંમરનો હતો. હું જ્યારે પણ કશુંક ખોટું કરું ત્યારે એ બટકાં ભરીને મારું શારીરિક શોષણ કરતો હતો.”

કોઈ સોશિયલ સર્વિસ વિભાગને માહિતગાર કર્યો એ પહેલાં ત્રણ મહિના સુધી તમારા તેની સાથે રહ્યાં હતાં. પછી તમારાને સ્કૂલે પાછી મોકલાવાનો પ્રબંધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તમારાના ધ્યાનમાં આવ્યું હતું કે તેને થોડા મહિનાથી માસિક આવ્યું નથી. એ સમયે તમારા 12 વર્ષનાં હતાં અને ગર્ભવતી થયાં હતાં.

બાળલગ્ન અંગે જાગૃતિ

બાળલગ્ન

ઇમેજ સ્રોત, YOUSEF ELDIN / BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તમારાનાં કાકીની ઝૂંપડીથી લગભગ 100 કિલોમિટર દૂર મોઝામ્બિકની સરહદ પાસે એક નાનકડી ઝળકતી લીલી ઇમારતમાંથી મલાવીયન પૉપ સંગીત સંભળાય છે. તે સ્થાનિક રેડિયો સ્ટેશન રેડિયો 'મઝાટી'ની ઓફિસ છે.

20 વર્ષની વયની ગ્લેમરસ યુવતીઓનું એક જૂથ રેડિયો સ્ટુડિયોમાં એકઠું થયું છે અને પ્રસારણની તૈયારી કરતાં સ્મિત સાથે તેમના માઇક્રોફોન ઍડજસ્ટ કરી રહી છે.

કાર્યક્રમની સંચાલિકા ચિકોન્ડી કુફાટા બોલે છેઃ “હેલો, હેલો, ટિચેઝે આતસિકાના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ કાર્યક્રમ આપણાં જેવી સુંદર છોકરીઓને અસર કરતી સમસ્યાઓની ચર્ચા કરવાનો એક મંચ છે.”

કુફાટા અને સહ-સંચાલિકા લ્યુસી મોરિસ અંગ્રેજી તથા ચિચેવા ભાષામાં વારાફરતી વાતો કરતાં રહે છે.

ચિચેવા ભાષામાં કાર્યક્રમના નામનો અર્થ થાય છેઃ ચાલો, વાતો કરીએ. આ સાપ્તાહિક કાર્યક્રમના પ્રાયોજક AGE Africa છે. આ એક સ્વૈચ્છિક સંગઠન છે, જે ગ્રામીણ અને અસહાય છોકરીઓને શિક્ષણ માટે સહાય કરે છે. આ કાર્યક્રમ સમગ્ર મલાવીમાં 40 લાખ શ્રોતાઓ સુધી પહોંચે છે. તેના મોટા ભાગના શ્રોતાઓ તમારા જેમ ગ્રામીણ સમુદાયની મહિલાઓ છે.

આજનો વિષય બાળલગ્ન છે.

મોરિસ કહે છે, “અહીં એક મુખ્ય કારણ ગરીબી છે. અહીં મોટા ભાગના પરિવારો ગરીબ છે. માતા-પિતા તેમનાં સંતાનોની સંભાળ રાખવા સક્ષમ નથી. તેથી શ્રેષ્ઠ ઉપાય છોકરીનાં લગ્ન કરી નાખવાનો હોય છે. છોકરીઓ તેમનું ભરણપોષણ કરી શકે તેવા મોટી ઉંમરના પુરુષો સાથે લગ્ન કરે છે.”

કોઈ ગીત વગાડતાં પહેલાં આ મહિલાઓ તેમના શ્રોતાઓને વૉટ્સએપ મારફત કૉમેન્ટ્સ પાઠવવા પ્રોત્સાહિત કરે છે.

“તમારે દરેક બાબત માટે હવે સ્કૂલે જવું જરૂરી છે.”

“તમે વહેલામાં વહેલી તકે સ્કૂલે પાછા જાઓ તો સારું.”

“વહેલાં લગ્ન કરવાં એ સારી બાબત નથી.”

મોરિસ કહે છે, “છોકરીઓ શિક્ષિત હોય અને તેમના અધિકારોથી વાકેફ હોય તો બાળલગ્ન અટકાવવા કોની મદદ માગવી એ જાણી શકે. એ અમારા મિશનનો પહેલો હિસ્સો છે, જ્યારે છોકરીઓ પાસે વાત કરાવવી, તેમને કથાઓ શૅર કરવી અને જાણવું તે બીજો હિસ્સો છે.”

માઉન્ટ મુલાન્જેની તળેટીમાં આવેલા તેમના ગામ ગુલુમ્બામાં માત્ર મહિલાઓ માટેની એક લિસનિંગ ક્લબ છે. બીજા એક પ્રશંસક સ્થાનિક સરપંચ બેન્સન ક્વેલાની છે. અલબત, તેમને લિસનિંગ ક્લબમાં બોલાવવામાં આવતા નથી એ અલગ વાત છે. શ્રીમાન ક્વેલાનીના કહેવા મુજબ, તેઓ છોકરીઓને સ્કૂલમાં અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે અને છોકરીની વય 18 વર્ષથી ઓછી હોય તો તેના લગ્ન માટે આશિર્વાદ આપતા નથી.

પરિવર્તન

બાળલગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્રસંઘ ચિલ્ડ્રન્સ ફંડ યુનિસેફના જણાવ્યા અનુસાર, આજે જીવંત આશરે 6.5 કરોડ મહિલાઓને તેઓ 18 વર્ષની થઈ એ પહેલાં પરણાવી દેવામાં આવી હતી.

દક્ષિણ એશિયામાં વિશ્વની કુલ પૈકીની 40 ટકાથી વધુ બાળવધુઓ છે. એ પછી 18 ટકા સાથે સબ-સહારન બીજા ક્રમે છે.

સહાય સંસ્થા 'વર્લ્ડ વિઝન'ના જણાવ્યા અનુસાર, વિશ્વમાં આશરે 21 ટકા છોકરીઓનાં લગ્ન બાળપણમાં જ કરી નાખવામાં આવે છે.

'ગર્લ્સ નોટ બ્રાઈડ્ઝ'ના જણાવ્યા અનુસાર, એશિયા અને આફ્રિકામાં છેલ્લા એક દાયકામાં બાળલગ્નના દરમાં ઘટાડો થયો છે, પરંતુ લૅટિન અમેરિકા અને કેરેબિયનમાં છેલ્લાં 25 વર્ષથી કોઈ પ્રગતિ થઈ નથી.

બે સપ્તાહ પહેલાં મિશેલ ઓબામા, અમલ ક્લૂની તથા મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સની મલાવીની મુલાકાતના પછી પ્રમુખ લાઝારસ ચકવેરાએ બાળલગ્ન પર પૂર્ણવિરામ મૂકવાની રાષ્ટ્રીય વ્યૂહરચના માટે વધુ ભંડોળ ફાળવવાની જાહેરાત કરી હતી.

ત્રણ વગદાર પરોપકારી મહિલાઓ પણ દેશમાં કાર્યરત છે. દાખલા તરીકે, મિશેલ ઓબામાનું 'ગર્લ્સ ઑપોર્ચ્યુનિટી અલાયન્સ' AGE Africaને સમર્થન આપી રહ્યું છે, જ્યારે અમલ ક્લૂનીની 'વેજિંગ જસ્ટિસ ફૉર વીમેન' પહેલ ગ્રામ્ય છોકરીઓને તેમના અધિકારથી માહિતગાર કરવા 'વીમેન લૉયર્સ ઍસોસિએશન ઑફ મલાવી'ને સમર્થન આપી રહ્યું છે. મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ મહિલા આરોગ્ય સુધારના પ્રોજેક્ટ્સ માટે ભંડોળ આપે છે. તેમાં કિશોરાવસ્થામાં બાળકોને જન્મ આપતી છોકરીઓનો પણ સમાવેશ થાય છે.

સ્વૈચ્છિક સંગઠનના જણાવ્યા મુજબ, બાળલગ્નના કિસ્સામાં સામેલ થવું સોશિયલ સર્વિસીસ માટે હજુ પણ અસામાન્ય બાબત છે, પરંતુ કેટલાક સ્થાનિક નેતાઓનું વલણ બદલાઈ રહ્યું હોય તેવું લાગે છે.

2020માં 'સંયુક્ત રાષ્ટ્રસંઘ પોપ્યુલેશન ફંડ'ના એક અભિયાન પછી, મલાવાની 100થી વધુ પરંપરાગત વડાઓએ તેમના સમુદાયમાં પરંપરાગત લગ્ન સામે લડવાનું વચન આપ્યું હતું. તેમ છતાં કોઈ પરિવાર તેની દીકરીને નાની વયે કોઈ વૃદ્ધ સાથે લગ્ન કરી નાખે તો તેઓ લાચાર બની જાય છે.

તમારા જ્યાં રહે છે તે નેનો જિલ્લાના બે વડાએ અમને જણાવ્યું હતું કે તેમના સમુદાયમાં બાળલગ્ન ગુપ્ત રીતે થતાં નથી એ વાત તેઓ ખાતરીપૂર્વક કહી શકે તેમ નથી.

2,000થી વધુ લોકોના સમુદાયના વડા જોન જુવાએ કહે છે, “કેટલીકવાર માતા-પિતા અમારો સંપર્ક કરે છે, પરંતુ અમે તેમને પ્રોત્સાહન કે છૂટ આપતા નથી. કેટલીકવાર માતા-પિતા ભારપૂર્વક કહે છે કે તેમની છોકરી લગ્ન માટે તૈયાર છે, પરંતુ અમે તેની વયની પુષ્ટિ કરવા માટે તેમની હેલ્થ પાસપોર્ટ બૂક માગીએ છીએ.”

1,000થી વધુ લોકોના સમુદાયના વડા જ્યોર્જ મ્ફોન્ડા કહે છે, “બાળલગ્ન થતાં જ નથી એવું અમે નથી કહેતા. અમે એમ કહીએ છીએ કે ગુપ્ત રીતે બાળલગ્ન કરવામાં આવે છે.”

સવાલ એ થાય કે ગુપ્ત રીતે કરવામાં આવતા બાળવિવાહ રોકવાની જવાબદારી કોની છે?

જોન જુવા કહે છે, “સમુદાયના વડા તરીકે, પરિવારના સમર્થન સાથે એ અમારી જવાબદારી છે.”

તમારાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. એક પુરુષે સાયકલ ચલાવીને તમારાને સુવાવડ માટે સ્થાનિક દવાખાનામાં પહોંચાડી હતી. એ માણસને 'પીપલ સર્વિંગ ગર્લ્સ એટ રિસ્ક' નામના મલાવીના એક નાનકડા સ્વૈચ્છિક સંગઠને પૈસા ચૂકવ્યા હતા. આ સંગઠન તમારા તથા તેમનાં કાકીની સારસંભાળ નિયમિત રીતે રાખે છે.

તમારાને સુવાવડમાં સદભાગ્યે કોઈ તકલીફ થઈ ન હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, યુવા મહિલાઓ તથા કિશોરીઓમાં મૃત્યુનું મુખ્ય કારણ સગર્ભાવસ્થા અને બાળજન્મની જટિલતા હોય છે. તેથી લોકો તમારા માટે ચિંતિત હતા.

પીપલ સર્વિંગ ગર્લ્સ એટ રિસ્કના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાલેબ એનગોમ્બા કહે છે, “તમારા ઘરે પાછી આવી ગઈ છે અને તેની તથા સંતાનની તબીયત સારી છે. દીકરાના જન્મથી તેનો પરિવાર બહુ ખુશ છે.”

તેઓ ઉમેરે છે, “તમારાને તેના સમુદાય તથા કાકીનો ટેકો મળ્યો છે, પરંતુ ખરું કામ હવે શરૂ થાય છે. તમારા સ્કૂલમાં ફરી અભ્યાસ શરૂ કરે તે સારી વાત છે, પરંતુ તેણે સંતાનને પણ સંભાળવાનું છે. હવે શું થશે તે ખબર નથી.”

તમારાએ બીબીસીને જણાવ્યું હતું કે તેનો દીકરા પ્રિન્સ પાસેથી સૌથી મોટી આશા તે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરે એવી છે.

તમારાનાં કાકી ફળો અને શાકભાજીનો સ્ટોલ ચલાવે છે. તેમાંથી તેમને દર મહિના 50 ડૉલર કરતાં ઓછી કમાણી થાય છે. એ સ્ટોલ તેમની ઝૂંપડીથી થોડા ડગલાં દૂર છે. તમારા શક્ય હોય ત્યારે કાકીને મદદ કરે છે અને સખીઓને મળે છે. સ્ટોલ પર ઘણી છોકરીઓ તેમના પરિવાર માટે જરૂરી ફળ-શાકભાજી ખરીદવા આવે છે.

અમે છેલ્લીવાર મુલાકાત લીધી ત્યારે ગામની કમસેકમ બે સગર્ભા છોકરીઓને શાકભાજી ભરેલા હાથ સાથે ઘરે જતાં પહેલાં તમારાનું અભિવાદન કરતાં જોઈ હતી.