ગર્ભવતીને સમય પહેલાં ડિલિવરી થવાના સંકેત શું છે? પ્રિમૅચ્યૉર બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
ડિલિવરીના નિયત સમય પહેલાં થતા બાળકના જન્મ (પ્રિમૅચ્યૉર બર્થ)ને લીધે સર્જાતી સમસ્યાઓ પાંચ વર્ષથી ઓછી વયના બાળકોનાં મૃત્યુનું મુખ્ય કારણ છે.
2020માં 1.30 કરોડથી વધુ બાળકો અથવા પ્રત્યેક દસમાંથી એક બાળકનો પ્રીમૅચ્યૉર બર્થ થયો હતો.
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, 2019માં વિશ્વના દરેક દેશમાં પાંચ વર્ષથી ઓછી વયના લગભગ નવ લાખ બાળકો અકાળ જન્મ સંબંધી સમસ્યાને લીધે મૃત્યુ પામ્યાં હતાં.
પ્રિમૅચ્યૉર બેબી કોને કહેવાય?
ગર્ભાવસ્થાના 37 સપ્તાહ પૂર્ણ થાય તે પહેલાં જીવંત જન્મેલા બાળકને પ્રીટર્મ બેબી કહેવામાં આવે છે.
ગર્ભાવસ્થાનો સમયગાળો પૂર્ણ થવાના સમયના આધારે પ્રીટર્મ બેબીની કેટલીક પેટા-શ્રેણી પણ નક્કી કરવામાં આવી છે.
ગર્ભાવસ્થાના 28 સપ્તાહથી ઓછા સમયમાં જન્મેલા બાળકને ઍકસ્ટ્રીમ પ્રીટર્મ, 28થી 32થી ઓછા સપ્તાહ સમયમાં જન્મેલા બાળકને વેરી પ્રીટર્મ, જ્યારે 32થી 37 સપ્તાહ દરમિયાન જન્મેલા બાળકને મધ્યમથી લેટ પ્રીટર્મ બાળક ગણવામાં આવે છે.
બાળક નિયત સમય કરતાં જેટલું વહેલું જન્મે તેટલું વધારે જોખમ તેના પર હોય છે. બાળકનો અકાળ જન્મ વૈશ્વિક સમસ્યા છે. દરેક વર્ષે અનેક બાળકો નિયત સમય કરતાં વહેલાં જન્મે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અકાળ જન્મ શા માટે થાય છે?

ઇમેજ સ્રોત, ANDREW MATTHEWS/PA WIRE
બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવાના જણાવ્યા મુજબ, અકાળ જન્મનું સૌથી સામાન્ય કારણ ગર્ભાવસ્થાની એક સમસ્યા, ગર્ભ પટલનું ફાટી જવું છે.
બીજાં કારણોમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે.
ચેપ
માતાના સ્વાસ્થ્યની પ્રી-ઍક્લેમ્પસિયા (એવી સ્થિતિ જેમાં માથામાં જોરદાર દુખાવો થાય છે, દૃષ્ટિ સંબંધી સમસ્યા સર્જાય છે અને ઊલટી થાય છે), ગર્ભાશયની ગ્રીવાની નબળાઈ.
માતાએ એકથી વધુ બાળકોને જન્મ આપ્યો હોય
બાળકોનાં અકાળ જન્મ બાબતે સંશોધન કરતી બ્રિટનની સખાવતી સંસ્થા ટોમીસએ શોધી કાઢ્યું છે કે, કેટલીક મહિલાઓમાં સર્વિક્સ (યોનિ અને ગર્ભાશય વચ્ચેની કનેલ) ગર્ભાવસ્થા દરમિયાન નિયત સમય કરતાં વહેલી ખુલી જતી હોય છે. તે બાળકના અકાળ જન્મનું કારણ બને છે.
ટોમીસ પ્રીટર્મ બર્થ સર્વેલન્સ ક્લિનિકના સંચાલક અને પ્રસૂતિશાસ્ત્રના પ્રોફેસર ઍન્ડ્રુ શેનાના જણાવ્યા અનુસાર, પ્રિમૅચ્યૉર બર્થને રોકવા માટે ગર્ભાશય ગ્રીવા અથવા સર્કલેજ પર ટાંકા લગાવવા જેવા ઉપચાર કરવામાં આવે છે. સર્વાઈકલ સ્ટીચમાં ગર્ભાશય ગ્રીવાની ચારે તરફ ટાંકા લગાવવામાં આવે છે.
કવેળાની પ્રસવ પીડાના લક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર શેનાનું કહેવું છે કે પ્રસવ પીડા શરૂ થયાનું પ્રારંભિક સંકેતોથી જાણી શકાય છે. તે નૉર્મલ ડિલિવરી પૂર્વેનાં લક્ષણો જેવાં જ હોઈ શકે છે.
તેમાં યોનિમાંથી મોટા પ્રમાણમાં પાણી વહેવાનો સમાવેશ થાય છે. બીજાં લક્ષણોમાં ગર્ભાશયનું નિયમિત સંકોચન, કેટલાક સ્રાવ અને રક્તસ્રાવનો પણ સમાવેશ થાય છે.
તેમણે કહ્યું હતું, "તેમાં મોટાભાગે પ્રતિક્રિયાશીલ કાળજી લેવાની હોય છે. કોઈ મહિલાના ગર્ભાશયનું નિયમિત સંકોચન થતું હોય તો તેના બાળકની દેખભાળની સુવિધાયુક્ત જગ્યાએ તેને પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ."
"કેટલીક દવાઓ બાળકના નિયત સમય પહેલાં જન્મમાં મદદ કરે છે. મેગ્નિશિયમ બાળકના મગજનું રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે અને બાળકનાં ફેંફસાંને બળવતર બનાવવા તથા શ્વાસ લેવામાં થતી મુશ્કેલી અટકાવવા માતાને સ્ટેરૉઇડ્ઝ આપી શકાય."
પ્રિમૅચ્યૉર બાળકના જીવતા રહેવાનો દર

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, પ્રીટર્મ બર્થ વૈશ્વિક સમસ્યા છે અને આવા મોટાભાગના કિસ્સા દક્ષિણ એશિયા તથા સબ-સહારન આફ્રિકામાં બને છે.
નિયત સમય પહેલાં જન્મેલા બાળકના બચવાનો દર દરેક દેશમાં અલગ-અલગ હોય છે.
દાખલા તરીકે, ઓછી આવક ધરાવતા દેશોમાં જન્મતાં પ્રીટર્મ બાળકો (28 સપ્તાહ પહેલાં) પૈકીના 90 ટકા બાળકો જન્મના થોડા દિવસમાં જ મૃત્યુ પામે છે, જ્યારે ઊંચી આવક ધરાવતા દેશોમાં આવા 10 ટકાથી ઓછાં બાળકો મૃત્યુ પામે છે.
જોકે, બચી ગયેલાં પ્રીટર્મ બાળકોએ આજીવન વિકલાંગતાનો સામનો કરવો પડે છે. તેમાં શીખવાની અક્ષમતા અને દૃષ્ટિ તથા શ્રવણ સંબંધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. ગર્ભમાં બાળકનું શરીર પૂર્ણપણે વિકસીત ન થયું હોવાને કારણે આ સમસ્યાઓ સર્જાય છે.
પ્રિમૅચ્યૉર બેબીઝ, ખાસ કરીને જેમનો જન્મ નિયત સમય કરતાં બહુ વહેલો થયો હોય અને જન્મ સમયે જેમનું વજન એક કિલોથી 1.3 કિલો હોય તેમના પર આરોગ્યસંબંધી જટિલ સમસ્યાઓ અને વિકલાંગતાનું જોખમ સૌથી વધારે હોય છે.
પ્રિમૅચ્યૉર બાળકની સંભાળ કેવી રીતે લેવી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાળકનો જન્મ ગર્ભાવસ્થાના 24 સપ્તાહની આસપાસ થયો હોય તો તે જીવંત રહેવાની શક્યતા હોય છે, પરંતુ આવાં બાળકોની સંભાળ નવજાત શિશુઓ માટેની સુવિધા ધરાવતા હોસ્પિટલમાં લેવી જરૂરી હોય છે.
આવાં બાળકો જીવંત રહે તે સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબના ઉપકરણો હોવાં જરૂરી છે.
ઇન્ક્યુબેટર નવજાત શિશુઓ માટેના યુનિટમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઉપકરણ છે. તે અદલ ગર્ભાશય જેવું હોય છે અને પ્રિમૅચ્યૉર બેબીના વિકાસ માટે સલામત સ્થાન પ્રદાન કરવા માટે તેને બનાવવામાં આવે છે.
વેન્ટિલેટર નવજાત શિશુને ઑક્સિજનનો નિરંતર પ્રવાહ અને દબાણ પ્રદાન કરે છે. નવજાત શિશુ પોતાની મેળે શ્વાસ લઈ શકતું નથી તેથી આ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે.
મૉનિટરનો ઉપયોગ હૃદયની ગતિ, બ્લડ પ્રેશર અને ઑક્સિજન લેવલના સંકેતો પર નજર રાખવા માટે કરવામાં આવે છે.
ઇન્ટ્રાવિનસ ડ્રિપ્સનો ઉપયોગ રક્તવાહિનીઓ મારફત બાળકના શરીરમાં પ્રવાહી અથવા દવાઓ પહોંચાડવા માટે કરવામાં આવે છે.
ફીડિંગ ટ્યૂબનો ઉપયોગ શિશુના નાક કે મોઢા મારફત આહાર આપવા માટે કરવામાં આવે છે.
ઇન્ફ્યુઝન પમ્પ્સનો ઉપયોગ શિશુને પોષણ, પ્રવાહી અથવા બ્લડ પ્રોડક્ટ્સ અને દવા આપવા માટે કરવામાં આવે છે.
અમ્બિલિકલ કૅથેટરનો ઉપયોગ શિશુના શરીરમાં દવાઓ અથવા પોષણ પહોંચાડવા માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ બ્લડ પ્રેશર માપવા અને રક્તમાં ચોક્કસ ગેસીસનું પ્રમાણ જાણવા માટે પણ કરવામાં આવે છે.
ત્વચાથી ત્વચાનો સંપર્ક

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંગઠને ગયા વર્ષે બહાર પાડેલા નવા માર્ગદર્શક નિયમોમાં જણાવવામાં આવ્યું હતું કે બાળકના જન્મ પછી તરત જ, તેની સંભાળ લેતી વ્યક્તિ સાથેનો ત્વચાથી ત્વચાનો સંપર્ક શરૂ થઈ જવો જોઈએ. તેને કાંગારુ પેરન્ટ કેર કહેવામાં આવે છે.
આમ કરવાથી માતા-પિતા અને બાળક બન્નેને શાંતિ અને આરામ મળે છે. તેનાથી બાળકના હૃદયના ધબકારા અને શ્વાસ નિયંત્રિત થાય છે તેમજ ગર્ભાશયની બહારના જીવનમાં શિશુને શારીરિક રીતે વધુ અનુકૂલન સાધવામાં મદદ મળે છે.
તેનાથી પાચક રસો અને આહાર ઉત્તેજિત થાય છે તથા તે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે.
એક અભ્યાસ બાદ વિશ્વ આરોગ્ય સંગઠને માર્ગદર્શક નિયમો બહાર પાડ્યા હતા. તે અભ્યાસના તારણ મુજબ, માતા-પિતા શિશુના જન્મ પછી તરત જ ત્વચાથી ત્વચાનો સંપર્ક શરૂ કરી દે તો દર વર્ષે દોઢ લાખ જિંદગી બચાવી શકાય.












