‘બાળકોમાં કેમ વધી રહી છે અસ્થમાની સમસ્યા’, શું છે એનાં લક્ષણો-સારવાર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
“મારી દીકરી 9 મહિનાની હતી ત્યારે તાવ આવ્યો એટલે હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. પછી ડૉક્ટરે કહ્યું કે, એને અસ્થમા (દમ) છે. એ ક્ષણો મારા માટે ખૂબ જ કપરી હતી.”
સાત વર્ષની લૂલુઆ મિસ્ત્રીને અસ્થમાની સમસ્યા છે. તેમનાંં માતા શેરેબાનુ મિસ્ત્રીના આ શબ્દો છે. લૂલુઆને બાળપણથી અસ્થમા છે.
અસ્થમા (દમ)ની બીમારી વિશ્વમાં એક મોટી સમસ્યા છે. આ બીમારીનું પ્રમાણ માત્ર વિકસિત નહીં પણ વિકાસશીલ દેશોમાં પણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ અસ્થમાના દર્દીઓનું પ્રમાણ નોંધપાત્ર હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
બાળરોગ નિષ્ણાતો મુજબ ગુજરાતમાં દર 10માંથી 4-5 બાળકોમાં અસ્થમાની સમસ્યા જોવા મળે છે.
અસ્થમા એક મુખ્ય બિનચેપી રોગ છે, જે બાળકો અને વયસ્કોને અસર કરે છે તથા બાળકોમાં જોવા મળતી લાંબાગાળાની સૌથી વધુ સામાન્ય બીમારી છે.
વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર વિશ્વમાં વર્ષ 2019માં અંદાજે 26.2 કરોડ લોકોને અસ્થમા થયો હતો.

અસ્થમા અને લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images
WHO (વિશ્વ આરોગ્ય સંગઠન) અનુસાર ફેફસાંમાં નાના શ્વસનમાર્ગ સાંકડો થવાથી અને તેમાં બળતરા થવાને લીધે અસ્થમાનાં લક્ષણો જોવા મળે છે.
નાના શ્વસનમાર્ગની ફરતે આવેલા સ્નાયુઓ કડક થવાથી અને બળતરા થવાથી એ સંકોચાઈ જાય છે અને એમાંથી ઓછી હવા પસાર થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અસ્થમાનાં કેટલાંક લક્ષણો ક્યારેક ક્યારેક સમયના અંતરાલ સાથે આવે છે. રાત્રે અને કસરત કરતી વખતે લક્ષણો ગંભીર બને છે.
શું છે લક્ષણો :
- ખાંસી
- શ્વાસ ચઢવો
- શ્વાસ ટૂંકાવો
- છાતીમાં ભારેપણું
- અત્યંત થાકી જવું
વ્યક્તિ દર વ્યક્તિ અસ્થમાનાં કારણો અલગ અલગ હોય છે. જેમાં વાઇરલ ઇન્ફૅક્શન, ધૂળ, ધુમાડો, વાતાવરણમાં પલટો, પશુ-પક્ષીના પીંછા અને તીવ્ર સુંગધવાળા સાબુ તથા પરફ્યૂમના કારણે અસ્થમા ટ્રિગર થઈ શકે છે.

અસ્થમાની અસરો
ઘણીવાર અપૂરતા પ્રમાણમાં થતું અસ્થમાનું નિદાન દર્દીને સારવારથી વંચિત કરી દે છે. ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આવું થતું હોય છે.
જે વ્યક્તિની અસ્થમાની યોગ્ય સારવાર નથી થઈ તેમને ઊંઘમાં ખલેલ, દિવસ દરમિયાન થાક અને ધ્યાનકેન્દ્રિત કરવામાં સમસ્યા નડે છે. અસ્થમાનાં દર્દીઓને અને પરિવાર સ્કૂલ અથવા કામમાં ગેરહાજર રહેવા મજબૂર કરે છે. એના લીધે પરિવાર અને સમુદાય પર પણ એની આર્થિક અસરો સર્જાય છે.
જો લક્ષણો ગંભીર હોય, તો દર્દીને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવી પડે છે. અતિ ગંભીર કેસોમાં અસ્થમા મોતનું કારણ પણ બની શકે છે.

બાળકોમાં અસ્થમાની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વિશે 'નેશનલ અસ્થમા ટ્રેનિંગ પ્રોગ્રામ'ના નેશનલ ફાઉન્ડર ટ્રેઇનર ડૉ. કેતન શાહ સાથે બીબીસીએ વાતચીત કરી.
સુરતના પીડિયાટ્રિશિયન ડૉ. કેતન શાહ બાળકોમાં અસ્થમાના પ્રમાણ વિશે જણાવતા કહે છે, “વિશ્વમાં અસ્થમાનું પ્રમાણ વધતું જાય છે, ગુજરાતમાં દર 10માંથી 4-5 બાળકોમાં અસ્થમા જોવા મળે છે.”
“જે બાળકો પ્રિમચ્યૉર જન્મે છે, જે બાળકો આઈવીએફ દ્વારા પ્રિમચ્યૉર જન્મેલાં છે, જેમને કોઈ તકલીફ થતાં 1-2 વર્ષની વયમાં વેન્ટિલેટરની જરૂર પડી હોય, તેમને અસ્થમા થવાની શક્યતા વધુ હોય છે.”
“પછી 3થી 5 વર્ષનાં બાળકો જેમનાં ઘરોમાં ધુમાડાવાળું વાતાવરણ હોય, આજુબાજુ ઘંટી હોય, બાંધકામનું કામ ચાલતું હોય, તેઓ જે શહેરમાં રહેતાં હોય ત્યાં પ્રદૂષણ હોય, તો તેમને આ બધાં કારણસર પણ અસ્થમા થવાનું જોખમ વધી જાય છે.”
“વળી 5-6 વર્ષ અને એનાથી વધુ વયનાં બાળકો ખાસ કરીને જેમને વારસાગત ઍલર્જી થવાની શક્યતા હોય તેમને પૅસિવ સ્મોકિંગ, પ્રદૂષણ અને માતાપિતાને જો આંખ, ત્વચાની ઍલર્જી જેવી સમસ્યા હોય, તો તેમનાં બાળકોમાં અસ્થમા જોવા મળતો હોય છે. ઘરમાં પશુ-પક્ષીઓ હોય, તો એમના મળ-મૂત્ર અને વાળના લીઘે ઍલર્જી થવાથી પણ અસ્થમા થતો હોય છે. કેટલીક નિશ્ચિત સિઝન જેમકે શિયાળામાં પણ તેમને સમસ્યા થતી હોય છે.”
“જે બાળકોને માતાનું ધાવણ ન મળ્યું હોય અને બૉટલનું દૂધ પીધું હોય, તેમનામાં પણ અસ્થમાનું જોખમ 25 ટકા વધી જાય છે.”

નિદાન કઈ રીતે થાય છે?
ડૉ. શાહ અનુસાર, “અસ્થમાના નિદાન માટે કોઈ લૅબોરેટરી ટેસ્ટ નથી. એના માટે પહેલા ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક કરવું પડે છે. પછી સ્પાઇરોમૅટ્રી, બ્રિથ-ઑ-મિટર, લોહીમાં આઈજીઈના પ્રમાણની તપાસ વિગેરેથી બાળકમાં અસ્થમાનું નિદાન, મૉનિટરિંગ અને મૅનેજમેન્ટ થઈ શકે છે.”
“બાળક બે માળ ચઢે અને ખાંસી આવવા લાગે, જોરથી વધુ હસવાથી ખાંસી આવવા લાગે, શ્વાસ ચઢવા લાગે તો, બાળકને અસ્થમા હોઈ શકે છે. એટલે તબીબ પાસે જઈ ચૅકઅપ કરાવવું જોઈએ.”

અસ્થમાની સારવાર

ઇમેજ સ્રોત, DR KETAN SHAH
બાળકોમાં અસ્થમાની સારવાર વિશે વધુ જણાવતા ડૉ. શાહ ઉમેરે છે, “નવજાત બાળકોને કફ સિરપ જેવી સિરપ આપીને અસ્થમાની સારવાર થાય છે, જ્યારે 3-5 વર્ષનાં બાળકોને પંપ એટલે કે ઇન્હેલર આપવામાં આવે છે. એની દવાઓ પણ આવે છે. પરંતુ પંપ વધુ સારો ગણવામાં આવે છે. કેમકે એમાં દવાની માત્રા ઓછી હોય છે અને તે સીધી ફેફસામાં જાય છે, એટલે શક્ય હોય તો માતાપિતાએ તબીબ જો પંપ આપે તો, એ લેવો જોઈએ.”
“લાંબાગાળાની વાત કરીએ તો, બાળકોને 5-6 વર્ષ પછી અસ્થમા ઠીક થઈ જતો હોય છે. પરંતુ કેટલાક કેસ જેમાં એ એવા પરિવારમાંથી આવે છે, જેમને વારસાગત અસ્થમા અથવા ઍલર્જીની સમસ્યા રહેતી આવી છે, તેવાં બાળકોને ઠીક થવામાં સમય લાગી શકે છે. પણ સૌથી મહત્ત્વનું એ છેે,ક પરેજી પાળવી અને સમયસર દવા કે ઇન્હેલરની સારવાર લેવી.”

અસ્થમાનાં કારણો
- માતાપિતા કે ભાઈ-બહેનને અસ્થમા હોવો
- અન્ય ઍલર્જી
- શહેરીકરણ અને જીવનશૈલી
- જન્મ સમયે વાઇરલ ઇન્ફૅક્શન
- ધુમ્રપાનના સંપર્કમાં આવવું
- પ્રિમૅચ્યૉર જન્મ
- વાયુ પ્રદૂષણ
- કૅમિકલ્સ, ડસ્ટ, ધુમાડો
- બાળક અને વયસ્કમાં મેદસ્વીતા

‘મારી દીકરીને બાળપણથી જ અસ્થમા છે’

લૂલુઆ મિસ્ત્રી 9 મહિનાનાં હતાં ત્યારથી તેમને અસ્થમા છે. તેમનાં માતા શેરેબાનુ સુરતમાં પરિવાર સાથે રહે છે. બીબીસી સાથે તેમણે તેમના અનુભવ શૅર કર્યાં.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, “મારી દીકરીને બાળપણથી જ્યારે એ 9 મહિનાની હતી ત્યારથી દમની સમસ્યા છે. તાવ આવ્યો હતો અને ડૉક્ટરે કીધું કે હૉસ્પિટલમાં દાખલ કરવી પડશે. પછી ડૉક્ટરે કહ્યું કે એને અસ્થમા છે. ત્યારે સારવાર અર્થે પંપ આપ્યો હતો. હાલ પણ પંપ વાપરે છે અને બ્રિથ-ઑ-મિટર પણ છે.”
“મારી દીકરી 7 વર્ષની છે. સ્કૂલમાં વૅકેશન પછી લોકોને મળે તો, તબિયત ખરાબ થઈ જાય છે. જૂન-જુલાઈ મહિનામાં પહેલા એ બીમાર જ રહેતી. હવે થોડું સારું છે. તાજેતરમાં કાશ્મીર ગયા તો, આવ્યા પછી એક મહિનો બીમાર રહી.”
“એને પેટમાં દુખાવો શરૂ થાય એટલે ખ્યાલ આવી જાય કે અસ્થમા ટ્રિગર થયો છે. મારે બે બાળકો છે, એમાંથી એકને અસ્થમા છે. રાત્રે એ સૂઈ ન શકે અને જાગવું પડે એ ખૂબ જ પડકારજનક છે.”

બાળકોમાં અસ્થમાનું નિદાન અને પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
બાળકોમાં અસ્થમાની સમસ્યા વિશે બીબીસીએ એક અન્ય બાળરોગ નિષ્ણાત સાથે પણ વાત કરી.
બીબીસી સાથેની વાતચીતમાં સુરતના પિડિયાટ્રિક એસોસિયેશનના પ્રમુખ ડૉ. મનીષ શર્મા કહે છે કે, “બાળકોમાં અસ્થમાનું નિદાન નાની વયે જ કરી લેવું મહત્ત્વનું હોય છે. પરંતુ એની સામે પડકારો રહેલા છે. જેમ કે અસ્થમા માટે જે પલ્મૉનરી ફંક્શન ટૅસ્ટ કરવામાં આવે છે, તે બાળકો પર કરવી મુશ્કેલ છે. એમાં હવા ફૂંકવાની હોય છે, જે બાળકો મામલે મુશ્કેલ રહેતું હોય છે.”
“એટલે બાળકોમાં અસ્થમાનું ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક કરવું મુશ્કેલ હોય છે. સ્થૂળતાની જેમ અસ્થમામાં પણ ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારોનાં બાળકોમાં આનું પ્રમાણ સરખામણીએ વધુ છે. એમાં ખાનપાન અને જીવનશૈલી ઉપરાંત પ્રદૂષણનું પરિબળ પણ જવાબદાર રહેતું હોય છે.“
“બાળકમાં લક્ષણો કેવાં છે એના પરથી નિદાન કરવું પડે છે. સ્કૂલમાં જો બાળક કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લેતું હોય, ક્રિકેટ સહિતની રમતોમાં ભાગ લેવાથી જલ્દી શ્વાસ ચઢી જતો હોય, તો ડૉક્ટર પાસે ચૅકઅપ કરાવવું જોઈએ.”
ડૉ. શર્મા વધુમાં જણાવે છે, “અસ્થમા માઇલ્ડ, મૉડરેટ અને સિવિયર (ગંભીર) કૅટેગરીના હોઈ શકે છે. બાળકોના અસ્થમા મામલે અમે GINA (ગ્લૉબલ ઇનિશિયેટીવ ફૉર અસ્થમા) ની માર્ગદર્શિકા અનુસાર સારવાર અને નિદાન કરતા હોઈએ છીએ.”














