જીવિત બાળકને મૃત બતાવવા મામલે તપાસના આદેશ

બાળકની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, REUTERS/ZOHRA BENSEMRA

ઇમેજ કૅપ્શન, મેક્સ હોસ્પિટલમાં એક જીવિત બાળકને મૃત બતાવી પરિવારને સોંપાયું હતું
    • લેેખક, માનસી દાશ
    • પદ, બીબીસી હિંદી

દિલ્હીના શાલીમાર બાગ સ્થિત મેક્સ હોસ્પિટલમાં એક મોટી લાપરવાહી સામે આવી છે.

આરોપ છે કે હોસ્પિટલે જીવિત બાળકને મૃત બતાવી પરિવારજનોને સોંપ્યું હતું.

પરિવારનો આરોપ છે કે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા બાદ તેમને ખબર પડી કે બાળકના શ્વાસ ચાલી રહ્યા છે.

તેમનો આરોપ છે કે હોસ્પિટલની લાપરવાહીનાં કારણે બાળકનું મૃત્યુ થઈ ગયું હોત.

તમને આ પણ વાંચવું ગમશે

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે આ મામલાની તપાસના આદેશ આપી દેવાયા છે.

તેમણે કહ્યું છે કે સરકાર 72 કલાકની અંદર આ મામલે પ્રાથમિક રિપોર્ટ સોંપશે અને એક અઠવાડીયાની અંદર ફાઇનલ રિપોર્ટ જાહેર કરી દેવાશે.

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું નિવેદન
ઇમેજ કૅપ્શન, આ મામલા સાથે સંકળાયેલા ડૉક્ટરને રજા પર મોકલી દેવાયા

બીબીસીએ હોસ્પિટલના સ્ટાફ સાથે વાત કરવા પ્રયાસ કર્યો પરંતુ હોસ્પિટલમાં કોઈ સાથે સંપર્ક સાધી શકાયો નથી.

એક નિવેદનમાં હોસ્પિટલે NDTVને જણાવ્યું છે કે, "22 અઠવાડીયાના પ્રીમેચ્યોર બેબીને જ્યારે તેના પરિવારજનોને સોપવામાં આવ્યું હતું ત્યારે તેના શરીરમાં કોઈ હરકત જોવા મળી ન હતી."

"આ ઘટના બાદ અમે પણ આશ્ચર્યમાં છીએ અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે."

હોસ્પિટલનું કહેવું છે કે, "મામલા સાથે સંકળાયેલા ડૉક્ટરને રજા પર મોકલી દેવાયા છે."

"અમે બાળકના પરિવાર સાથે સંપર્કમાં છીએ અને તેમની મદદ કરી રહ્યા છીએ."

line

પીડિત પરિવારના આરોપ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANDREW MATTHEWS/PA WIRE

ઇમેજ કૅપ્શન, 30 તારીખની સવારે 7:30 કલાકે વર્ષાએ બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો

પ્રતાપ વિહાર કિરાડીના રહેવાસી પ્રવીણે તેમની દીકરી વર્ષાનાં લગ્ન નાંગલોઈ નજીક નિહાલ વિહારમાં રહેતા આશિષ સાથે કર્યા હતા.

તેમના દીકરી વર્ષા ગર્ભવતી હતાં અને તેમને પીતમપુરાની એક હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

કેટલીક શારીરિક જટીલતાઓના કારણે હોસ્પિટલમાં વર્ષાને મેક્સ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે રેફર કરાયાં હતાં.

28 તારીખની બપોરે 12 કલાકે તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

30 તારીખની સવારે 7:30 કલાકે વર્ષાએ બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો.

બાળકોના નાના પ્રવીણે બીબીસીને જણાવ્યું, "અમને કહેવામાં આવ્યું હતું કે ત્યાં સારા અને પ્રોફેશનલ ડૉક્ટર્સ છે અને ઇલાજ સારો થશે."

"અમે પૈસા તરફ ન જોયું અને દીકરીને લઇને મેક્સ હોસ્પિટલ જતા રહ્યા હતા."

line

'બાળકને ત્રણ મહિના વેંટિલેટર પર રાખવા કહેવાયું'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દીકરાનું વજન 655 ગ્રામ હતું જ્યારે દીકરીનું વજન 585 ગ્રામ હતું

તેમણે આગળ જણાવ્યું, "ડૉક્ટરના કહેવા અનુસાર અમે બહારથી ઇંજેક્શન મગાવ્યા અને હોસ્પિટલે પણ તેના સ્ટોકમાંથી ઘણાં ઇંજેક્શન આપ્યા. ડૉક્ટર કહેતા રહ્યા કે વર્ષાની તબિયતમાં સુધારો આવ્યો છે."

"અચાનક 29મીની રાત્રે આશરે સાડા આઠ કલાકે ડૉક્ટરે જણાવ્યું કે વર્ષાને ખૂબ વધારે બ્લીડીંગ થઈ રહ્યું છે અને તત્કાલ ડિલીવરી કરાવવી પડશે. આગામી દિવસે સવારે ઓપરેશન હાથ ધરાયું."

પ્રવીણ જણાવે છે કે બાળકોનાં જન્મ બાદ ડૉક્ટરે જણાવ્યું હતું કે નવજાત બાળકીનું મૃત્યુ થયું છે અને બીજા નવજાત બાળકનો શ્વાસ હજુ ચાલી રહ્યો છે.

તેમનો આરોપ છે કે હોસ્પિટલે લગભગ ત્રણ મહિના માટે બાળકને વેન્ટિલેટર પર રાખવા કહ્યું હતું.

પરિવારે આર્થિક અસમર્થતા બતાવતા કહ્યું કે તેઓ બીજી કોઈ હૉસ્પિટલમાં બાળકનો ઇલાજ કરાવશે.

line

'અમે સ્મશાન ઘાટ જઈ રહ્યા હતા'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SPL

ઇમેજ કૅપ્શન, હોસ્પિટલે બન્ને બાળકોને અલગ અલગ પાર્સલની જેમ પરિવારને સોંપ્યા હતા

પ્રવીણનું કહેવું છે કે થોડા કલાકોમાં તેમને જણાવવામાં આવ્યું કે બીજા બાળકનું પણ મૃત્યુ થયું છે.

તેઓ કહે છે, "હોસ્પિટલે બન્ને બાળકોને અલગ અલગ પાર્સલ જેવાં બનાવીને અમને આપી દીધાં હતાં. તેમણે એક પૉલીથીનમાં નાખી બાળકોને અમને સોંપ્યાં હતાં."

"અમે બાળકોને મૃત સમજીને તેમને લઇને સ્મશાન ઘાટ જઈ રહ્યા હતા."

"લગભગ બેથી અઢી કિલોમીટર આગળ ચાલ્યા કે મારી પાસે જે પાર્સલ હતું તેમાં મને કોઈ હરકત જોવા મળી. ગાડી રોકીને પેકેટ ખોલ્યું તો બાળક જીવિત હતું."

તેઓ કહે છે કે બાળકોનું પેકિંગ જોઈને તેઓ હેરાન થઈ ગયા હતા. બાળકોને પાંચ ગડીમાં લપેટવામાં આવ્યાં હતાં.

પહેલાં કપડાં પછી પૉલીથીન, ફરી કપડાં, ફરી પૉલીથીન અને ફરી કપડાંમાં બાળકોને પેક કરાયાં હતાં.

તેઓ જણાવે છે કે બાળકને પીતમપુરાની અગ્રવાલ હોસ્પિટલમાં દાખલ કરાયું છે અને હાલ સ્થિતિ ઠીક છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, LYNNE CAMERON/PA WIRE

ઇમેજ કૅપ્શન, હોસ્પિટલે લગભગ ત્રણ મહિના માટે બાળકને વેન્ટિલેટર પર રાખવા કહ્યું હતું

પ્રવીણ જણાવે છે કે ત્યારબાદ તેમની પાસે મેક્સ હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો જે વર્ષાને ડિસ્ચાર્જ કરવા સંબંધિત હતો.

પૂછપરછ કરતા નર્સે જણાવ્યું કે બે ડૉક્ટરોએ બાળકોને મૃત ઘોષિત કર્યા હતા.

શાલીમાર બાગ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારી ઋષિપાલ સિંહે બીબીસીને જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનમાં IPCની ધારા 308 (ગ્રીવિયસ ઇન્જરી) અંતર્ગત કેસ દાખલ કરાયો છે.

પોલીસ હવે આ મામલે હોસ્પિટલની બેદરકારીની તપાસ કરશે અને દિલ્હીની મેડિકલ કાઉન્સિલને પણ આ અંગે સૂચિત કરાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો