માતાપિતા તેમનાં બાળકો વચ્ચે ભેદ રાખે તો બાળકના મન પર શી અસર થાય?

ઇમેજ સ્રોત, EMMANUEL LAFONT
- લેેખક, ફાતિમા ફહરીન
- પદ, બીબીસી હિન્દી માટે
તમે તમારા પરિવારમાં, આસપાસ પડોશમાં કે સંબંધીઓમાં એવું જરૂર સાંભળ્યું હશે કે ‘મારાં મમ્મી-પપ્પા મને પ્રેમ નથી કરતા, બહેનને કરે છે, ભાઈને કરે છે.’
એકથી વધારે બાળકો હોય તેવા મોટા ભાગના પરિવારોમાં કોઈ ને કોઈ બાળક આવી ફરિયાદ જરૂર કરે છે.
દિલ્હીના રહેવાસી એવા 26 વર્ષીય રશ્મિ (નામ બદલ્યું છે) કહે છે, “અમે પાંચ ભાઈ-બહેન છીએ. મારાં માતા-પિતા અમને પ્રેમ કરે છે પરંતુ તેઓ અમારા પાંચમાંથી ઉંમરમાં વચ્ચેના ભાઈ સાહિલ તરફ વધુ સારું વલણ ધરાવે છે. અમને ઠપકો આપે છે કે અમને માર પણ પડે છે. પરંતુ તેઓ સાહિલને ક્યારેય આવું કરતા નથી. સાહિલને ખાવા-પીવા, મુસાફરી કરવી ગમે બાબતમાં ક્યારેય એડજસ્ટ કરવું પડતું નથી.”
તેનું કારણ પૂછતા રશ્મિ કહે છે કે, “મારો ભાઈ બાળપણમાં બહુ બીમાર રહેતો હતો. આ જ કારણ છે કે તેને હજુ પણ અશક્ત માનવામાં આવે છે. તેથી જ ઘરના દરેક નિર્ણયમાં સાહિલની ઇચ્છા ચોક્કસ સામેલ હોય છે.”
પટણામાં રહેતા 45 વર્ષીય સરવર કહે છે, "હું અને મારા બે ભાઈઓ અભ્યાસમાં સરેરાશ હતા, પરંતુ અમારા ઉંમરમાં વચ્ચેના ભાઈને દુનિયામાં કોઈ રસ જ ન હતો. તે આખો દિવસ પુસ્તકોમાં જ મગ્ન રહેતો હતો. આ જ કારણ હતું કે તે મારાં માતાપિતાનો પ્રિય પુત્ર હતો. તેની સલાહ લેવી, તેના ખાવાપીવાથી માંડીને કપડાં વગેરે પર માતાપિતાનું સંપૂર્ણ ધ્યાન રહેતું હતું. મને અને બીજા ભાઈઓને આ વાત પર બહુ ગુસ્સો આવતો હતો.”

એક બાળક પ્રત્યે વધુ પ્રેમ હોય છે

ઇમેજ સ્રોત, EMMANUEL LAFONT
મોટા ભાગનાં માતા-પિતા કદાચ આ વાતને સ્વીકારતા ન હોય પરંતુ એક સંશોધન મુજબ માતાપિતા માટે એક બાળક તરફ ઝુકાવ હોવો સામાન્ય વાત છે.
આમ કરવાથી માત્ર પારિવારિક જીવનમાં જ ફરક નથી પડતો પરંતુ ક્યારેક તે નુકસાનકારક પણ હોઈ શકે છે અને તેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે.
લગભગ 65 ટકા પરિવારોમાં આ પ્રકારનું વલણ જોવા મળે છે. આ સંશોધનમાં ઘણી વિવિધ સંસ્કૃતિઓ અને દેશોમાં અભ્યાસ કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બાબતને બાળકોમાં ભાવનાત્મક સમસ્યાઓ માટે એક મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે.
મનોવૈજ્ઞાનિકો તેને પૅરેન્ટલ ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ નામ આપે છે. તેને ટૂંકમાં પીડીટી પણ કહેવામાં આવે છે.

બાળકો પર અસર

ઇમેજ સ્રોત, EMMANUEL LAFONT
અમેરિકાની નૉર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીના સાયકૉલૉજીના પ્રોફેસર લૉરી ક્રેમર કહે છે, "ઘણા લોકોનો એ અનુભવ છે કે માતા-પિતા તેમના કરતાં તેમના અન્ય ભાઈ કે બહેનને વધુ પસંદ કરે છે."
ઘણી વખત એક જ પરિવારનાં બાળકોના અનુભવો પણ અલગ-અલગ હોય છે. કેટલાંક બાળકોને આ વાતનો ખ્યાલ આવે છે અને કેટલાંકને નથી આવતો.
પરંતુ પરિવારમાં જે બાળકને એવું લાગવા લાગે છે કે તેના માતા-પિતા તેના કરતાં અન્ય ભાઈ કે બહેનને વધુ માન-સન્માન આપે છે તો તેની બાળક પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેની અસર જીવનભર રહી શકે છે.
સંશોધનો દર્શાવે છે કે જે બાળકોને આ પ્રકારનો અનુભવ થાય છે તેમનામાં આત્મવિશ્વાસ ઓછો જોવા મળે છે. તેઓ બાળપણમાં જ થનારી ચિંતા અને હતાશાનો શિકાર બને છે, ક્યારેક તેમનું પોતાનું વર્તન અને વ્યવહાર પણ જોખમી બની જાય છે.

કેવો પ્રભાવ પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચીનના વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં શોધી કાઢ્યું છે કે બાળપણમાં માતા-પિતા દ્વારા કરવામાં આવતા ભેદભાવની એક અસર એ પડે છે કે તે બાળકો કિશોરાવસ્થામાં મોબાઇલ ફોનના વ્યસની બની જાય છે.
માતાપિતાનું આ વલણ જીવનભર ભાઈ-બહેનના સંબંધોને નુકસાન પહોંચાડે છે.
બીબીસીએ આ વિશે ત્રણ અલગ-અલગ નિષ્ણાતો સાથે વાત કરી.
મૅક્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, સાકેતના ડિપાર્ટમેન્ટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ બિહેવિયરલ સાયન્સના ડાયરેક્ટર ડૉ. સમીર મલ્હોત્રા કહે છે, "કેટલીક વાર જ્યારે અમુક બાળકો બીમાર રહે છે, ત્યારે મોટા ભાગનાં માતાપિતાનું ધ્યાન બીમાર બાળક તરફ જ રહે છે. બાળક હૉસ્ટેલમાં રહે છે અને જ્યારે તે લાંબા સમય પછી ઘરે આવે છે ત્યારે માતા-પિતા તે જ બાળકની સંભાળ લેવાનું શરૂ કરે છે. તેથી અન્ય બાળકને લાગે છે કે તેને ઓછી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જોકે, હકીકતમાં એવું નથી હોતું. માતાપિતા માટે બધાં બાળકો સમાન હોય છે.
ડૉ.મલ્હોત્રાના મતે મોટા ભાગના સંજોગોમાં આ વાત બાળકની માનસિક સ્થિતિ પર પણ આધાર રાખે છે.
તેઓ કહે છે, "જો એક બાળક થોડું બગડેલું હોય અને બીજું થોડું સારું વર્તન કરતું હોય, તો માતા-પિતા સારી રીતે ચાલતા બાળકનું ઉદાહરણ આપે છે. બાળકનું હૃદય ખૂબ નાજુક હોય છે તેથી જો માતા-પિતા ગુસ્સામાં પણ કંઈક કહી દે તો તે બાળકના હૃદય પર છાપ છોડી જાય છે.”

'ઉપેક્ષિત' બાળકોમાં નકારાત્મક અસરો

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ.સમીર મલ્હોત્રા કહે છે કે આની ઘણી વાર બાળકો પર ઘણી નકારાત્મક અસર પડે છે. જેમ કે...
- હીન ભાવનાથી પીડાઇ શકે છે
- ઊંઘની ગોળીઓનું વ્યસની થઈ શકે છે
- ઝડપથી ગુસ્સો કરી શકે છે
- ચીડિયું બની શકે છે
- ધ્યાન આકર્ષિત કરવા માટે તોડફોડ કરી શકે છે
- હતાશા અને ચિંતાથી પીડિત થઈ શકે છે
- પોતાને જ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે
દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં કામ કરી ચૂકેલા મનોવિજ્ઞાની ડૉ. શેખ બશીર કહે છે, "ભારત એક પિતૃસત્તાત્મક સમાજ છે. ભારતમાં માતાપિતા દ્વારા બાળકો વચ્ચે ભેદભાવ કરવાનું સૌથી મોટું કારણ લિંગભેદ છે. ઘણાં ઘરોમાં છોકરાઓ કરતાં છોકરીઓને ઓછી પસંદગી આપવામાં આવે છે. શિક્ષણથી લઈને દરેક નિર્ણયમાં લૈંગિક ભેદભાવ સામેલ છે.
જોકે, ડૉ. શેખ એમ પણ કહે છે કે ઘણાં ઘરોમાં વિપરીત કિસ્સો જોવા મળે છે, જ્યાં માતા-પિતા છોકરીઓ તરફ વધુ વલણ ધરાવે છે.
અન્ય કારણોનો ઉલ્લેખ કરતાં ડૉ. શેખ કહે છે, "બાળકો વચ્ચેનું અંતર ઘટવાને કારણે ભાઈ-બહેન હરીફ બની જાય છે. આવી સ્થિતિમાં બાળકને લાગે છે કે અમે તો સમાન છીએ તો મારા પર ઓછું ધ્યાન કેમ આપવામાં આવી રહ્યું છે.
ભારતમાં ચામડીના રંગને કારણે પણ પૂર્વગ્રહ જોવા મળે છે.
જો એક બાળક કાળું અને એક થોડું ગોરું હોય તો રંગને કારણે એક બાળકને ઓછું અને બીજાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.
ડૉ. શેખના કહેવા પ્રમાણે, 'પ્રિય બાળક'ને ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તે કહે છે, "એ બાળકો હંમેશાં વખાણ સાંભળવા ટેવાયેલાં હોય છે. પરંતુ જ્યારે પછીથી તેમને વખાણ ન સાંભળવા મળે તો તેમનામાં ઘણી આડઅસરો જોવા મળે છે. તેના કારણે તેમના અંગત, વ્યાવસાયિક જીવન, પ્રેમજીવન અને લગ્નજીવનને પણ અસર કરી શકે છે.”

માતાપિતાની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર લૉરી ક્રેમરના જણાવ્યા અનુસાર, આ માટે પરિવારમાં સંવાદ સૌથી મહત્ત્વપૂર્ણ છે.
તેઓ કહે છે કે જેવી માતાપિતાને એ વાતની ખબર પડે છે કે તેમનાં બાળકોમાંથી કોઈ એકને લાગે છે કે તેના માતાપિતા તેની અવગણના કરે છે અને બીજા ભાઈ કે બહેનને વધુ મહત્ત્વ આપે છે, તો માતાપિતાએ એ બાળક સાથે તરત જ વાત કરવી જોઈએ.
માતાપિતાએ બાળકને જણાવવું જોઈએ કે આવું બિલકુલ નથી અને જો આવું હોય તો પણ તેનું કોઈ ખાસ કારણ છે. જેમ કે કદાચ તેમનો કોઈ ભાઈ કે બહેન કોઈ ચોક્કસ રોગથી પીડિત હોય અને તેને ખાસ કાળજીની જરૂર હોય.
પ્રૉફેસર ક્રેમર માને છે કે સંવાદ જાળવીને આ મુદ્દાનો ઉકેલ શોધી શકાય છે.
માતાપિતાના શિક્ષણ પર કામ કરતી રિદ્ધિ દેવરા કહે છે કે માતાપિતાએ ક્યારેય આ વાક્યનો ઉપયોગ ન કરવો જોઈએ કે ‘જો તારો ભાઈ કે બહેન આવું કરે છે, તો તારે પણ એમ કરવું જોઈએ.’
તેમના મતે સમાન માતાપિતાનાં બાળકો વચ્ચેના પરસ્પર સંબંધમાં માતાપિતા સૌથી મોટી ભૂમિકા ભજવે છે.
તેઓ કહે છે કે માતાપિતાએ તેમનાં દરેક બાળકો સાથે તેમના પ્રથમ બાળકની જેમ જ વ્યવહાર કરવો જોઈએ.
દેવરા કહે છે કે માતાપિતાએ સમજવું જરૂરી છે કે દરેક બાળક ખાસ છે. તેને એક અલગ વ્યક્તિ તરીકે જુઓ, અન્ય બાળકો સાથે તેની સરખામણી કરીને ન જુઓ.
તેઓ કહે છે કે, "મોટાં બાળકોને એવું ન સમજાવો કે તેઓ ઉંમરમાં મોટા છે એટલે બધી જવાબદારી તેમના પર છે. તમે તમારી વસ્તુઓ શેર કરો. તમે મોટા છો એટલે તમે આમ કરો. આવું કરવાથી મોટા બાળકને એવી લાગણી થઈ શકે છે કે માત્ર મને જ શા માટે દબાવવામાં આવે છે?"














