પુરુષોની ભાઈબંધી અને સ્ત્રીઓનાં બહેનપણાંમાં શું ફરક હોય છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નોર્બેર્ટો પરેડેસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

તમારા કેટલા મિત્રો છે? તેઓ કેટલા સારા કે નજીકના છે? તમારા સ્ત્રી કે પુરુષ દોસ્તની પસંદગી તમે કરો છો? તમારી દોસ્તી દીર્ઘ કાળની છે કે ટૂંકા સમયની?

પ્રખ્યાત બ્રિટિશ મનોવિજ્ઞાની, નૃવંશશાસ્ત્રી, ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાની અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એમિરેટ્સ રોબિન ડનબરે દોસ્તીનો અભ્યાસ કરવામાં વર્ષો ગાળ્યાં છે.

સ્તન્ય પ્રાણીઓની વર્તણૂકના આ નિષ્ણાત સૌપ્રથમ કથિત 'ડનબર નમ્બર' બનાવવા માટે વિખ્યાત છે. ડનબર નમ્બર્સનું પ્રમાણ માણસમાં 150 હોય છે. તે એક એવી સંખ્યા છે જે "એ વ્યક્તિઓની જ્ઞાનાત્મક મર્યાદાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમની સાથે સ્થિર સંબંધ જાળવી શકાય."

‘ફ્રેન્ડશિપ’, ‘ધ સાયન્સ ઑફ લવ’ અને ‘ધ ઓડિસી ઑફ હ્યુમેનિટી’ સહિતનાં 20થી વધું પુસ્તકોના આ લેખક સાથે બીબીસીએ પુરુષ તથા સ્ત્રીની દોસ્તી વચ્ચેના ફરક અને તેની સાથે સંકળાયેલી રૂઢિગત માન્યતાઓમાં સાચું શું છે એ બાબતે વાત કરી હતી.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીઃતમે કહો છો કે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે દોસ્તી અલગ-અલગ હોય છે. આ તફાવત શું છે?

રોબિન ડનબરઃ મુખ્ય તફાવત તેમના સંબંધની તીવ્રતામાં હોય છે. સ્ત્રીઓ વચ્ચેની દોસ્તી લાગણીઓની રીતે બહુ પ્રબળ હોય છે. એ તેમની વચ્ચેના સંબંધને અત્યંત ગાઢ બનાવે છે.

મહિલાઓની મિત્રતા ફ્રેન્ડ સર્કલને બદલે વ્યક્તિગત મૈત્રી પર વધારે આધારિત હોય છે, જ્યારે પુરુષોમાં ફ્રેન્ડ્ઝ ક્લબ બનાવવાનું વલણ હોય છે.

સ્ત્રીઓ વચ્ચેની દોસ્તી સામાન્ય રીતે સેન્ટર ઍન્ડ સ્પોક મૉડલ જેવી હોય છે. તેમાં કેન્દ્રમાંની સખી સાથે દરેક મહિલાને ચોક્કસ પ્રકારની મિત્રતા હોય છે. ગ્રૂપમાંની અન્ય સખીઓ સાથે પણ એવું જ હોય તે જરૂરી નથી.

બીજી તરફ પુરુષોનાં મિત્ર વર્તુળ વધારે સંકલિત હોય છે. તેમાં દરેક પુરુષ બીજા પુરુષનો દોસ્ત હોય છે, પરંતુ સંબંધની ગુણવત્તા અને તીવ્રતા ઓછી હોય છે.

મહિલા અને પુરુષ મૈત્રીમાંથી શું ઇચ્છતા હોય છે? સૌથી અગત્યનું શું છે?

મહિલાઓ માટે એક વ્યક્તિ તરીકે તમે કોણ છો, એ વધારે મહત્ત્વનું છે. તમે શું છો, તે નહીં. બીજી તરફ પુરુષો તમે કઈ ક્લબના છો તે વધુ ધ્યાનમાં લેતા હોય છે. તમે કોણ છો, તેની તેમને ખાસ દરકાર હોતી નથી. આ અર્થમાં પુરુષો વચ્ચેની દોસ્તી થોડી રહસ્યમય હોય છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દોસ્તોની આ ક્લબ શું હોય છે?

તેમનામાં ક્લબ સાથે જોડાયેલા હોવાની હકીકત સૌથી વધારે મહત્ત્વપૂર્ણ લાગે છે. તે જ દોસ્તીને વ્યાખ્યાયિત કરે છે. ઘણા પુરુષો તેમના મિત્રો વિશે બહુ ઓછું જાણતા હોય છે, પરંતુ પોતે એક જ ક્લબનો હિસ્સો હોવાનું સ્વીકારતા હોય છે.

બડ્ડી ક્લબ્ઝ બહુ અનૌપચારિક હોય છે અને તે પુરુષોની દોસ્તીની કેઝ્યુઅલ પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. એવી ક્લબમાં સામેલ હોવું એ પણ ઘણીવાર પ્રાસંગિક હોય છે. તેઓ એવા દોસ્તો હોય છે, જેઓ સાથે ફૂટબોલ રમે છે અથવા દર શુક્રવારે રાતે સાથે દારૂ પીવા જાય છે.

આ ક્લબમાં જોડાવા માટે ખાસ કોઈ યોગ્યતાની જરૂર પડતી નથી. તમે ટેબલ પર ઢોળ્યા વિના બીયર પી શકો છો? જો તમે એવું કરી શકતા હો તો તમે અમારી ક્લબનો હિસ્સો બની શકો છો.

સ્ત્રીઓ તેમની લાગણી અને અનુભૂતિ બાબતે વધુ વાત કરતી હોય છે, એવું કહેવામાં આવે છે. પુરુષો કેવી વાતો કરે છે?

પુરુષો તેમની લાગણી વિશે બહુ વાત કરતા નથી. સ્ત્રીઓથી વિપરીત તેઓ, આજુબાજુની પ્રવૃત્તિઓ સાથે વધુ સંકળાયેલા હોય છે. તેથી જ સ્ત્રીઓ વચ્ચેની મૈત્રી ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોય છે.

પુરુષોના ફ્રેન્ડ્ઝ ગ્રૂપમાં થતી પ્રવૃતિને આધારે તેનો ઘાટ ઘડાય છે. આ સંદર્ભમાં પુરુષો હાસ્ય દ્વારા મૈત્રીનું બંધન બાંધે છે, જ્યારે સ્ત્રીઓમાં વાતચીત તથા લાગણી દ્વારા મૈત્રી ગાઢ થાય છે.

તેથી જ સ્ત્રીઓ, તેમણે ગઈકાલે શું વાત કરી હતી તે ચોકસાઈથી કહી શકે છે, જ્યારે પુરુષો એક જ ટેબલ પર બેઠા હોવા છતાં કશું યાદ રાખી શકતા નથી.

તમે એવું કહો છો કે પુરુષો માટે મિત્રની શારીરિક હાજરી વધારે જરૂરી હોય છે?

હા. પુરુષો માટે એ જરૂરી હોય છે. તેઓ એકમેકને જુએ તે જરૂરી હોય છે. તેઓ એકમેકને લાંબા સમય સુધી ન મળે તો દોસ્તી વરાળ થઈ જાય છે. આવું હંમેશાં બનતું નથી, પણ ઘણીવાર બને છે.

સ્ત્રીઓ વચ્ચેનું સખીપણું, તેઓ એકમેકને લાંબા સમય સુધી ન મળે તો પણ ટકી રહે છે, કારણ કે તેઓ એકમેકની સાથે વાત કરવાના અથવા સંપર્કમાં રહેવાના પ્રયાસ કરે છે.

પુરુષોમાં આવું જોવા મળતું નથી. તેનો અર્થ એ નથી કે પુરુષોની મિત્રતા ટકતી નથી. તેમની વચ્ચેની દોસ્તી કેટલીક સ્ત્રીઓ વચ્ચેની મૈત્રી કરતાં પણ લાંબો સમય ટકી રહેતી હોય છે.

કોઈ સ્ત્રીની બહેનપણી કાયમ માટે બીજા દેશમાં જાય અને તેઓ એકમેકને મળી શકે તેમ ન હોય તો તેઓ સોશિયલ મીડિયા અથવા ફોન દ્વારા મૈત્રી જાળવી રાખવાના પ્રયાસ કરે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પુરુષનો મિત્ર કાયમ માટે પરદેશ જાય તો તેમની દોસ્તી મૂરઝાઈ જાય?

અન્યત્ર સ્થાયી થઈ ગયેલા મિત્રો સાથે પુરુષો નિયમિત રીતે સંપર્ક જાળવતા નથી, પરંતુ તે મિત્રને બદલે બીજાને દોસ્ત બનાવે છે. દાખલા તરીકે, જીમી દર શુક્રવારે રાતે ડ્રિંક્સ માટે બારમાં જતા એક ફ્રેન્ડ્ઝ ગ્રૂપનો સભ્ય છે, પરંતુ તે થાઈલેન્ડમાં સ્થાયી થવા જાય છે.

આ પરિસ્થિતિમાં જીમી સાથે સંપર્કમાં રહેવાને બદલે અન્ય મિત્રો એકમેક સાથે એવી વાતો કરે છે કે “જીમી મહાન હતો, પરંતુ તે થાઈલેન્ડ ચાલ્યો ગયો. મને લાગે છે કે પીટર સારી વ્યક્તિ છે. જીમી આપણી સાથે નથી ત્યારે આપણે પીટરનો સમાવેશ ગ્રૂપમાં કરવો જોઈએ.”

સમયની સાથે બધું બદલાતું રહે છે. ચોક્કસ વય પછી કેટલાક પુરુષો મિત્રવર્તુળ છોડી દેતા હોય છે અને એક દોસ્તની સાથે જ સંબંધ રાખતા હોય છે. તેઓ સાથે ખાવા-પીવા, હરવા-ફરવા જાય છે અને શ્રેષ્ઠ મિત્રો બની જાય છે.

અન્યત્ર ગયેલા દોસ્ત સાથે સંપર્ક જાળવી રાખવાની સ્થિતિ આજે પણ ખરાબ છે?

ઘણા લોકો કદાચ હજુ પણ સઘન સંવાદ કરતા નથી. એક અદ્ભુત ફોટોગ્રાફ અખબારો અને સામયિકોમાં ઘણીવાર જોવા મળે છે. તેમાં બે વૃદ્ધ ગ્રીક લોકો દારૂના પીઠાની બહાર ટેબલ પર બેઠેલા છે. સૂર્ય ચમકી રહ્યો છે. તેઓ ચૂપચાપ બેઠા રહે છે અને વચ્ચે-વચ્ચે દારૂ અથવા કોફીની ચૂસકી લેતા રહે છે. હું કાયમ કહું છું કે આ ફોટોગ્રાફ એકમેકની સાથે વાતચીત કરી રહેલા બે પુરુષનો છે.

તમે એમ કહો છો કે પુરુષો સામાજિક રીતે આળસુ હોય છે?

નિશ્ચિત રીતે આળસુ હોય છે. ઘણા વૃદ્ધ પુરુષો તેમની પત્નીની સખીઓનાં અથવા પત્નીની સખીઓનાં પાર્ટનર્સનાં મિત્ર વર્તુળમાં આખરે જોડાય છે. તેનું કારણ કદાચ એ છે કે સ્ત્રીઓ સામાજિક રીતે વધારે સક્રિય હોય છે.

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ સામાજિક કાર્યક્રમો વધારે યોજે તેવી શક્યતા હોય છે, પછી ભલે તે ડીનર હોય કે બીજું કંઈ પણ. પત્નીઓ દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમોમાં હાજરી આપતા પુરુષો ઘણીવાર તેમનું પોતાનું મિત્ર વર્તુળ જરૂર બનાવે છે, પરંતુ તેઓ મહિલાઓના પતિ અથવા પાર્ટનર હોવાને લીધે એકમેકની સાથે જોડાયેલા રહે છે એ હકીકત છે. આ બધું સંપૂર્ણપણે પરિસ્થિતિગત હોય છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વૃદ્ધાવસ્થામાં દોસ્ત હોવા કેટલું જરૂરી છે?

આપણે દોસ્તો શા માટે હોવા જોઈએ તેના કારણોની વાત કરીએ. એ પૈકીનું એક કારણ નૈતિક તથા સામાજિક સમર્થન અને મદદની જરૂરિયાત છે. સારા મિત્રો એક પ્રકારનું રક્ષાકવચ બનતા હોય છે અને આર્થિક મદદગાર પણ. એ ઉપરાંત દોસ્તીના સ્વાસ્થ્ય વિષયક લાભ પણ છે.

ગુણવત્તાયુક્ત દોસ્તો અને દોસ્તોની સંખ્યા તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું શ્રેષ્ઠ પ્રમાણ છે. ઘણાં અભ્યાસનાં તારણો અનુસાર, તમારે ચાર દોસ્ત તો હોવા જ જોઈએ.

ચાર પાક્કા દોસ્ત હોવા જોઈએ કે માત્ર દોસ્ત હોય તો ચાલે?

પાક્કા દોસ્તો. તેમાં પરિવારજનોનો પણ સમાવેશ થાય છે. વય વધે તેમ આપણે પરિવારને વધારે અગ્રતા આપીએ છીએ.

દોસ્તીથી માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે એવું કહેવાય છે.

મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારીએ તો દોસ્તોને લીધે ડિપ્રેશનમાં સરી પડવાનું જોખમ નહીંવત્ થઈ જાય છે. આપણે દોસ્તો સાથે વિવિધ પ્રવૃત્તિ કરીએ છીએ, વાતો કરીએ છીએ, હસીએ છીએ, દુઃખદ વાતો કરીએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ, ખાઈએ છીએ. આ બધાથી એન્ડોર્ફિન સિસ્ટમ સક્રિય થાય છે. તે પીડાને અંકુશમાં રાખતા મગજના હિસ્સામાં સક્રિય થાય છે.

તે તમને જબરો ભાવનાત્મક ટેકો આપે છે. તેનાથી સુખની, શાંતિની, આત્મવિશ્વાસની અનુભૂતિ થાય છે.

તમે ડિપ્રેશનમાં સરી પડો ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ ડિપ્રેસ થઈ જાય છે અને તમે બીમારીનો, ખાસ કરીને વાઇરસ તથા બેક્ટેરિયાનો ભોગ બનો છો, કારણ કે તમારું શરીર તેમની સામે અસરકારક રીતે ઝીંક ઝીલી શકતું નથી. આખરે તમારી પાસે થોડા મિત્ર હોય કે તમારો કોઈ દોસ્ત જ ન હોય તો તમારું આયુષ્ય ટૂંકાઈ જાય છે.

રેડ લાઇન
રેડ લાઇન