સંતાનોની લાખ સતામણી છતાં માતાપિતા કેમ તેને તરછોડતાં નથી?

માતાપિતા અને સંતાનો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આદર્શ રાઠૌર
    • પદ, બીબીસી હિન્દી માટે

“પરિવારમાં કોઈ હવે બાકી નથી કે જેની સાથે તેણે મારપીટ ન કરી હોય. એક વાર તેણે તેની માતાને એટલું ખરાબ રીતે માર્યું હતું કે તેના હાથના હાડકામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. હું તેને રોકવા ગયો તો તેણે મારા માથા પર પણ ડંડાથી હુમલો કરી દીધો.”

શિમલા પાસેના એક ગામડામાં રહેતા ધર્મવીર (નામ બદલેલું છે) જણાવે છે કે તેમનો નાનો પુત્ર ઘણી વાર દારૂ પીને હિંસક થઈ જાય છે.

ધર્મવીર કહે છે, “પહેલાં બધું બરાબર હતું પણ કૉલેજ ગયા બાદ તે બદલાઈ ગયો. વારંવાર તે દારૂ પીને ઘરે આવતો અને જો અમે તેને કંઈ કહેતા તો એ હોબાળો કરતો. એક વાર તેણે મારી પત્ની પાસે પૈસા માગ્યા અને તેણે ન આપ્યા તો તેને ધક્કો મારીને પાડી દીધી. મને ખબર પડી તો મેં તેને ઘરેથી નીકળી જવા કહ્યું હતું.”

પરંતુ ધર્મવીરે બે દિવસ પછી જ એક સંબંધીના ઘરે રોકાયેલા પોતાના પુત્રને પાછો બોલાવી લીધો.

તેઓ સમજાવે છે કે, “મેં વિચાર્યું હતું કે એ બિચારો ક્યાં ભટકશે. થોડા મહિનાઓ સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તેણે દારૂ પીને અમને માર મારવાનું શરૂ કર્યું. અમે શરમથી ચૂપ રહ્યા. તેણે ન તો પોતાનો અભ્યાસ પૂરો કર્યો કે ન તો કોઈ કામ શોધ્યું.”

“એ એટલો બદનામ થયો કે તેનાં લગ્ન પણ ન થયાં. હવે તે 45 વર્ષનો થઈ ચૂક્યો છે અને મારા પેન્શન પર નિર્ભર છે. તેના વ્યવહારથી કંટાળીને મારો મોટો પુત્ર અને પત્ની પણ અમારાથી અલગ થઈ ગયાં હતાં.”

“હવે તો અમારી પણ ઉંમર થઈ ગઈ છે. મને ખબર નથી કે પછી તેનું શું થશે.”

ધર્મવીર જેવા કેટલાય માતા-પિતા છે જે તેમનાં સંતાનો તરફથી તેમને મળી રહેલાં તણાવ, સતામણી અને શોષણથી મુક્તિ ઇચ્છે છે.

એમને એ વાતનો ખ્યાલ છે કે ખતરનાક બની ગયેલા આ સંબંધને તોડવો જરૂરી છે પરંતુ તેઓ આ પગલું ભરી શકતા નથી.

બીબીસી

‘અતૂટ’ બંધન

માતાપિતા અને સંતાનો

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માતા-પિતા અને બાળકોના સંબંધને પ્રેમનું એવું અતૂટ બંધન માનવામાં આવે છે કે જે દરેક સુખ-દુ:ખમાં જળવાઈ રહે છે. પરંતુ કેટલાંક માતા-પિતાને આ સંબંધો જાળવી રાખવામાં મુશ્કેલીઓ પડતી હોય છે.

કેટલાંક માતા-પિતાના જીવનમાં એવો તબક્કો પણ આવે છે કે જેમાં તેઓ ભારે મન સાથે આ સંબંધોને તોડવાનો નિર્ણય કરી લે છે.

સંતાનો તેમનાં માતા-પિતા સાથે બોલવાનું બંધ કરી દે એવા કિસ્સાઓ તો હવે ખૂબ જોવા મળે છે.

માતા-પિતા પણ તેમનાં સંતાનો સાથે બોલવાનું બંધ કરી દે છે પણ કેટલાંક સંશોધનો એવું દર્શાવે છે કે આવા મામલાઓ ખૂબ ઓછા સામે આવે છે.

બ્રિટિશ સામાજિક સંસ્થા 'સ્ટૅન્ડ અલોન' દ્વારા 2015માં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, બાળકોથી અલગ થયેલાં માતા-પિતામાંથી માત્ર પાંચ ટકા લોકો જ એવા હતા જેમાં માતા-પિતાએ જ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

અને એ લોકોએ કહ્યું કે આવો નિર્ણય લેવો એ તેમના માટે ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક છે. આ નિર્ણયે તેમને એકલતા અને અકળામણ તરફ પણ ધકેલી દીધા છે.

લ્યુસી બ્લેક એ યુનિવર્સિટી ઑફ ધ વૅસ્ટ ઑફ ઇંગ્લૅન્ડ, બ્રિસ્ટલમાં મનોવિજ્ઞાનના સિનિયર લેક્ચરર છે અને તેઓ ઍસ્ટ્રેન્જમૅન્ટ (સંબંધ વિચ્છેદન) વિષયનાં નિષ્ણાત છે.

તેઓ કહે છે કે, "જે માતા-પિતા તેમનાં સંતાનો સાથે સંબંધ તોડી નાખે છે તેઓ સંશોધનોમાં જવલ્લે જ ભાગ લે છે અને સાંસ્કૃતિક મુખ્ય પ્રવાહમાં પણ ભાગ લેતા નથી. કારણ કે સમાજની દૃષ્ટિએ આ એટલું સ્વીકાર્ય નથી એટલે લોકો ટીકાના ડરથી તેમના અનુભવો શેર કરવાનું ટાળે છે."

બીબીસી ગુજરાતી

જવાબદારીનો બોજ

માતાપિતા અને સંતાનો

ઇમેજ સ્રોત, Getty Images

જે કારણોથી માતા-પિતા તેમનાં સંતાનો સાથેના સંબંધો તોડે છે લગભગ એ જ કારણોથી સંતાનો પણ તેમનાં માતા-પિતા સાથે સંબંધો તોડતા હોય છે.

એ કારણોમાં મુખ્યત્વે પારિવારિક વિવાદો, નશો કરવાની લત, વિચારધારામાં ફર્ક, ખરાબ વ્યવહાર વગેરે સામેલ છે. પરંતુ સંતાનોની સરખામણીમાં માતા-પિતા માટે આ સંબંધો તોડવા એટલો સરળ નિર્ણય હોતો નથી.

લખનૌમાં લગભગ બે દાયકાથી કાઉન્સેલિંગ કરનાર સાયકોલૉજિસ્ટ રાજેશ પાંડે તેનું કારણ સમજાવતા કહે છે કે, “માતાપિતા પાસેથી સામાજિક રીતે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમનાં બાળકોને બિનશરતી પ્રેમ કરે અને તેમની સંભાળ રાખે.”

તેઓ કહે છે, “માતાપિતા બાળકોને જન્મ આપે છે, તેઓ તેમને મોટા કરે છે. માનસિક રીતે તેમને લાગે છે કે બાળકને આગળ લઈ જવાની જવાબદારી આપણી જ છે. જ્યારે બાળકના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તેને હંમેશાં માતાપિતા પાસેથી કંઈક ને કંઈક મળ્યું છે, તેણે પોતે કંઈ આપ્યું નથી હોતું. આવી સ્થિતિમાં તે એટલું જોડાણ નથી અનુભવી શકતા કે જેટલું માતા-પિતા અનુભવી શકે છે.

“માતાપિતા તેમના બાળકમાં તેમનું ભવિષ્ય જુએ છે. જ્યારે સંતાનો તેમના પોતાના ભવિષ્યને જુએ છે ત્યારે તેમની પ્રાથમિકતાઓ અલગ હોય છે. જેમ કે કારકિર્દી, પૈસા, સફળતા વગેરે વગેરે. માતા-પિતા પણ તેમની પ્રાથમિકતામાં છે પરંતુ તેઓ કદાચ પહેલા ક્રમે નથી. પરંતુ માતા-પિતા હંમેશાં બાળકને પ્રાથમિકતામાં પહેલો ક્રમ આપે છે."

કદાચ આ જ કારણ છે કે જ્યારે બાળકો તેમને પરેશાન કરે છે, દુઃખી કરે છે, ત્યારે પણ માતાપિતા તેમને છોડી શકતા નથી.

બીબીસી ગુજરાતી
માતાપિતા

ઇમેજ સ્રોત, Getty Images

ધર્મવીર અને તેમનાં પત્ની તેમના પુત્રના હિંસક વ્યવહાર છતાં પણ તેની સાથે રહે છે. તેઓ કહે છે કે અમે ઘણી વાર અલગ થઈને મોટા પુત્ર પાસે જવાની યોજના બનાવી પરંતુ એ વિચારીને ન ગયા કે પછી આ નાના પુત્રનું શું થશે.

બ્રિટનની કૅન્ટ યુનિવર્સિટીમાં સાયકોલૉજીના પ્રવક્તા જેનિફર સ્ટોરીએ અન્ય વ્યક્તિઓ સાથે કરવામાં આવેલી હિંસાનું અધ્યયન કર્યું છે.

તેઓ કહે છે, “મને એવો એક પણ કિસ્સો યાદ નથી કે જેમાં માતા કે પિતા તેમના બાળક સાથે સંબંધ તોડવા માગતા હોય. લગભગ દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે ઉત્પીડન અને શોષણ બંધ થાય પરંતુ સંબંધ જળવાઈ રહે.”

આવી પરિસ્થિતિઓમાં માતાપિતા, બાળકો અને તેમની આસપાસના લોકો માટે પણ વાસ્તવિકતા સ્વીકારવી સરળ હોતી નથી.

લ્યુસી બ્લેક કહે છે, “આપણે માતાપિતા પાસેથી ખૂબ અપેક્ષાઓ રાખીએ છીએ. કદાચ ભગવાન જેટલી જ. આપણે ઇચ્છીએ છીએ કે તેઓ બિનશરતી પ્રેમ કરતા રહે. પરંતુ તેનાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પછી તમે એવી પણ અપેક્ષા રાખવા લાગો છો કે તેઓ તમારું દરેક પ્રકારનું વર્તન સ્વીકારે. માનસિક અને આર્થિક શોષણ પણ સ્વીકારે.”

બીબીસી ગુજરાતી

સામાજિક માળખું

સામાજિક દબાણ

ઇમેજ સ્રોત, Getty Images

અમૅન્ડા હૉલ્ટે ‘કિશોરો દ્વારા માતા-પિતાની સતામણી કરવી’ એ વિષય પર ‘અડૉલસેન્ટ ટુ પેરેન્ટ અબ્યૂઝ: કરન્ટ અંડરસ્ટેન્ડિંગ ઇન રિસર્ચ, પૉલિસી ઍન્ડ પ્રેક્ટિસ’ નામે એક પુસ્તક લખ્યું છે.

તેઓ સમજાવે છે કે, “સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માતાપિતા જ શક્તિશાળી હોય છે. પરંતુ જેમ જેમ સંતાન મોટું થાય છે તેમ પરિસ્થિતિ બદલાવા લાગે છે. લોકોને ખ્યાલ નથી હોતો કે સંતાનો પણ પોતાનાં માતા-પિતાને ટોર્ચર કરી શકે છે અને એટલી હદે કરી શકે છે કે સંબંધ તોડી નાખવો પડે. આ પણ એક કારણ છે કે માતા-પિતા સંબંધ તોડવાનો નિર્ણય લેતા અચકાય છે.”

અમૅન્ડા હૉલ્ટના જણાવ્યા અનુસાર, માતાપિતા તેમનાં સંતાનો સાથે જૈવિક, કાનૂની અને સામાજિક બંધન ધરાવે છે. તમે વાત કરવાનું બંધ કરી દો તો પણ આ બંધનો રહે છે. તેમને તોડવા ખૂબ મુશ્કેલ છે.

મનોવૈજ્ઞાનિક રાજેશ પાંડે કહે છે, “ભારતમાં કદાચ એક લાખમાં માત્ર એક કે બે માતા-પિતા એવાં હશે જે બાળકથી અલગ થઈ શકશે, કારણ કે આપણી સંસ્કૃતિ અને સમાજમાં તેને પાપ તરીકે જોવામાં આવે છે. આપણું સામાજિક માળખું તેને સ્વીકારતું નથી."

બીબીસી ગુજરાતી

સકારાત્મક માહોલ જરૂરી

માતાપિતા અને બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

ઘણી વાર સંતાનોની સફળતા અને નિષ્ફળતાને તેમનાં માતાપિતા સાથે જોડવામાં આવે છે. આવી સ્થિતિમાં જો આવા સંતાન સાથે સંબંધ તોડવાનો વારો આવે છે, તો તેઓ શરમ અનુભવે છે અને પોતાને દોષિત માનવા લાગે છે.

તેના કારણે તેઓ એકલતાનો શિકાર બની શકે છે અને ક્યારેક પોતાના મિત્રો અને સંબંધીઓથી પણ દૂર થઈ જાય છે.

લ્યુસી બ્લેક કહે છે, “બાળકોથી અલગ થવું તેમના જીવનનાં ઘણાં પાસાંને અસર કરી શકે છે. એવા બહુ ઓછા લોકો હોય છે જે એ માતા-પિતા પ્રત્યે સમજણ અને સહાનુભૂતિ દર્શાવી શકે છે જેઓ સંબંધ તોડવાની પહેલ કરે છે. આ એક અલગ પ્રકારનું દુઃખ છે, કારણ કે તેમને લાગે છે કે તેમનું જીવન ખાલી અને અર્થહીન બની ગયું છે. પરિણામે, તેઓ પરિવારના અન્ય સભ્યો અને મિત્રો સાથેના સંબંધો પણ તોડી શકે છે.”

નિષ્ણાતો કહે છે કે આવા સંબંધોમાંથી બહાર આવી રહેલાં માતા-પિતા માટે સમાજમાં એવું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે જ્યાં તેઓ એકલતા ન અનુભવે. ખાસ કરીને તહેવારો કે જન્મદિવસ જેવા ખાસ પ્રસંગોએ.

'સ્ટૅન્ડ અલોન' સંશોધન એ પણ કહે છે કે અલગ રહેતા લોકો આ દિવસોમાં વધુ લાગણીશીલ અને ભાવુક થઈ જતા હોય છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી