બાળકો જુઠ્ઠું શા માટે બોલે છે? ખોટું બોલે તો સજા કરવી જોઈએ કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કે. સગુણ
- પદ, બીબીસી તમિલ

- બાળકોની જુઠ્ઠું બોલવાની આદત પાછળ તેમના માતા-પિતા પણ જવાબદાર હોય છે
- બાળકો તેમના માતા-પિતા અને પરિવારમાંથી પણ ઘણું બધું શીખતા હોય છે
- દરેક માતા-પિતા તેમનું બાળક પ્રમાણિક વ્યક્તિ બને એવું ઈચ્છતા હોય છે

બાળપણમાં મારાં માતા-પિતાએ મને અનેક રીતે સજા કરી હતી. મોટા ભાગના કિસ્સામાં મને જુઠ્ઠું બોલવા બદલ સજા કરવામાં આવી હતી.
દરેક વખતે સજા થાય એ પછી હું વધુ સારી રીતે ખોટું કેમ બોલવું અને બીજી વખત ઠપકામાંથી કઈ રીતે બચવું તેની યોજના બનાવતો હતો.
મને ખોટું બોલવા છતાં તેની સજામાંથી બચવામાં સફળતા પણ મળી હતી. આપણા પૈકીના લગભગ બધાએ આવું કર્યું હશે. પોતાનાં માતા-પિતા, શિક્ષકો અને દોસ્તો સામે આ રીતે ખોટું બોલતાં ઘણાં બાળકો આપણે જોયાં હશે.
બાળકો તેમનાં માતા-પિતા પાસેથી ખોટું બોલતાં શીખતાં હોય છે અને જુઠ્ઠું બોલવાની તેમની આદત માટે તેમનાં માતા-પિતા જ જવાબદાર હોય છે, એવું મનોચિકિત્સક શિવપાલને કહ્યું ત્યારે મને આશ્ચર્ય થયું હતું.
મનોચિકિત્સક ગૌતમ દાસે કહ્યું હતું કે "બાળકો તેમનાં માતા-પિતાને જુઠ્ઠું બોલતા જોઈને જુઠ્ઠું બોલતાં શીખતાં હોય છે. માતા-પિતા તેમનાં સંતાનોની અપેક્ષા સંતોષી નથી શકતાં ત્યારે તેઓ ખોટું બોલવાનું શરૂ કરે છે."
તમામ માતા-પિતા ઇચ્છતાં હોય છે કે તેમનું સંતાન પ્રામાણિક વ્યક્તિ બને. તેથી પોતાનું સંતાન ખોટું બોલે છે એવી ખબર પડે ત્યારે મોટા ભાગનાં માતા-પિતા તેને ગંભીર બાબત ગણે છે.
અલબત્ત, ખોટું બોલવા બદલ માતા-પિતા બાળકો પર ગુસ્સે થાય પછી પણ બાળકો ખોટું બોલવાનું ઓછું કરતા નથી, પણ વધારે ખોટું બોલતા થાય છે.
ડૉ. શિવપાલને કહ્યું હતું કે "માતા-પિતા તેમના સંતાનને ખોટું બોલવા બદલ સજા કરે પછી સંતાન, ગળે ઊતરી જાય તેવું ખોટું કઈ રીતે બોલવું એ વિચારવાનું શરૂ કરે છે, જેથી બીજી વખત પકડાઈ ન જવાય. બાળકોને જુઠ્ઠું બોલવા બદલ સજા કરવાથી તેઓ ખોટું બોલતાં અટકતાં નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. ગૌતમ દાસના જણાવ્યા મુજબ, આવી સજા ઘણી વાર બાળક દ્વારા જુઠ્ઠું બોલવાની શરૂઆતનું કારણ બને છે. શિક્ષકો હોમવર્ક ન કરવા બદલ બાળકને સજા કરે અને તેની જાણ બાળકનાં માતા-પિતાને થાય ત્યારે તેઓ તેમના સંતાનને ઠપકો આપે છે. એ પછી બીજી વખત હોમવર્ક ન કર્યું હોય ત્યારે માતા-પિતા તરફથી ઠપકો ન મળે એટલા માટે બાળક ખોટું બોલે છે.
ડૉ. ગૌતમ દાસે કહ્યું હતું કે "બાળકને સજા કરવાથી તેનામાં પરિવર્તન આવતું નથી. વાસ્તવમાં સાચું શું છે, યોગ્ય શું છે તેનું માર્ગદર્શન તેમને આપવું જોઈએ."

દર્પણ જેવાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images
બાળકો દ્વારા બોલવામાં આવતા જૂઠ બાબતે આપણે વાત કરીએ ત્યારે સૌથી પહેલો સવાલ એ થાય કે વાસ્તવમાં જૂઠ શું છે?
ડૉ. શિવપાલનના જણાવ્યા મુજબ, જૂઠ બે પ્રકારનાં હોય છે. પહેલો પ્રકાર કંઈક કરવું અને તે છુપાવવું અથવા કશુંક કરવા છતાં એમ કહેવું કે એ તો મેં કર્યું જ નથી. જેઓ આ પ્રકારનું જૂઠ બોલે છે તેમને સજામાંથી બચી જવાનો લાભ મળે છે.
બીજા પ્રકારનું જૂઠ સર્વસામાન્ય છે. તેમાં ક્યાંય જુઠ્ઠું બોલવું જરૂરી નથી હોતું, પરંતુ ખોટું બોલવું એ આદત બની જાય છે. તેઓ વગર કારણે, સ્વાભાવિક રીતે જુઠ્ઠું બોલે છે.
લોકો બન્ને પ્રકારનું જૂઠ બોલતા હોય છે અને તે સામાન્ય બાબત છે.
ડૉ. શિવપાલના જણાવ્યા અનુસાર, ઘણી વાર બાળકો તેમનાં માતા-પિતા, વડીલોની પ્રવૃત્તિ જોઈને ખોટું બોલતાં શીખે છે. બાળકો તો દર્પણ જેવાં હોય છે. તેઓ તેમના પરિવારના પુખ્ત વયના લોકોના વર્તનને આધારે ઘણું કરતા હોય છે અને જુઠ્ઠું બોલવું એ આવા વર્તનનો એક હિસ્સો છે.
તેમણે ઉમેર્યું હતું કે "બાળકો પહેલાં તેમનાં માતા-પિતા, પરિવારજનો પાસેથી જૂઠ બોલતાં શીખે છે અને આગળ જતાં શિક્ષકો પાસેથી. એ પછી અન્ય લોકોના વર્તનમાંથી તેઓ શીખે છે."
"બાળક શિક્ષકો કે સહપાઠીઓ પાસેથી જૂઠ બોલતાં શીખ્યું હોય, પરંતુ ઘરના લોકો પોતાના વર્તન દ્વારા બાળકોને સમજાવે કે જૂઠ બોલવું અયોગ્ય છે તો એ વાત બાળકના મનમાં ઊંડે સુધી નોંધાઈ જાય છે."
"પોતે ન કરવાનું કામ કર્યું છે અને એ વાત પિતાને જણાવશો નહીં એવું બાળક માતાને કહે અને માતા એવું જ પિતાને કહે તેની અસર પણ બાળક પર થાય છે."
આપણા બધાના પરિવારમાં આવું થતું હોય છે. આ બધું નિહાળતું બાળક એવું પણ કહી શકે કે તેણે જે સમયે હોમવર્ક કરવાનું હતું એ કર્યું નથી અને એમાં કોઈ ભૂલ કરી નથી.
ડૉ. શિવપાલને કહ્યું હતું કે "ધીમે-ધીમે બાળક એવું માનવા લાગે છે કે આમ કહેવું ખોટું નથી. બહારની દુનિયા સાથેના તેના વ્યવહારમાં પણ આ વાત ઝળકશે."

બાળકોની કલ્પનાને બહાર લાવે છે 'જૂઠ'

ઇમેજ સ્રોત, Getty Images
બાળસાહિત્યના લેખક અને બાળકો સાથે લાંબા સમયથી કામ કરતા વિષ્ણુપુરમ સર્વનને કહ્યું હતું કે "વાસ્તવમાં બાળકોને સાચા અને ખોટા વચ્ચેના ભેદની ખબર હોતી નથી. બાળક માટે ટ્રેન અને રમકડાની ટ્રેન બન્ને સમાન વસ્તુ છે. તું આટલું કરીશ તો હું તને કશું ખરીદી આપીશ અને ઘરે સમયસર પાછા નહીં આવો તો હું આમ કરીશ, એવાં માતા-પિતાનાં ખોટાં વચન વડે બાળકોને જૂઠનો પરિચય થાય છે."
"માતા-પિતા તેમના સંતાનને કશુંક વચન આપે છે અને તેનું પાલન નથી કરી શકતા ત્યારે જુઠ્ઠું બોલે છે. બાળક હોમવર્ક કરીને સ્કૂલે નથી જતું ત્યારે તેના વર્તનમાં પણ એ જ બાબત પ્રતિબિંબિત થાય છે."
"એ ખોટું છે તે શરૂઆતમાં તેમને સમજાતું નથી. તેઓ એવું માનતા થઈ જાય છે કે વચન પાળી ન શકીએ ત્યારે બહાનાબાજી કરવી યોગ્ય છે. આપણને તે ખોટું લાગે છે. આપણને એવું લાગે છે કે બાળકો આપણને છેતરવાનો પ્રયાસ કરી રહ્યાં છે."
વિષ્ણુપુરમ સર્વનને ઉમેર્યું હતું કે બાળકો આવું વર્તન ન કરે તેવું આપણે ઇચ્છતા હોઈએ તો આપણે જ બાળકોને, આપણે પાલન ન કરી શકીએ તેવાં વચન આપવાનું બંધ કરવું જોઈએ. આપણે એવાં જ વચનો આપવાં જોઈએ, જેનું પાલન તત્કાળ નહીં તો થોડા સમય પછી જરૂર કરી શકાય.
બીજી તરફ બાળકોનાં જુઠ્ઠાણાં માટે તેમની કલ્પના પણ કારણભૂત હોય છે.
સાચી રીતે જુઠ્ઠું બોલવા માટે જુઠ્ઠાણું કહેનારે તેને સાચી વાત ગણાવીને વાર્તાલાપ સતત ચાલુ રાખવો જોઈએ. તેમાં ક્યાંક વિક્ષેપ સર્જાય તો તેનું જુઠ્ઠાણું પકડાઈ જાય છે.
"સામેની વ્યક્તિ જાણી ન શકે એટલી ચાલાકીપૂર્વક બાળકો ખોટું બોલી શકતા નથી. તેનું જુઠ્ઠાણું ક્યારેક તો પકડાઈ જ જાય છે. એ પછી બાળકનો વ્યવહાર સત્યગામી બની જાય છે."
બાળકો જે કારણો આપે છે તે અવ્યવહારુ હોય છે. શ્રેણીબદ્ધ કારણોમાં કોઈક તબક્કે તે સાચું કહી જ દે છે. બાળક જે કારણો આપે છે તેમાં તેની કલ્પનાશક્તિ જબરદસ્ત રીતે પ્રગટ થાય છે. જુઠ્ઠું બોલવાથી તેમની કલ્પનાશક્તિ વિસ્તરે છે.
એ કલ્પનામાં વિહારનો આનંદ માણવાની સાથે માતા-પિતાએ બાળકો સાથે ધીરજપૂર્વક લાંબી વાતચીત કરવી જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ. બાળકને પોતાને જ બોલવા દેવું જોઈએ.
વિષ્ણુપુરમ સર્વનને કહ્યુ હતું કે "એ પછી ખબર પડે કે બાળક ખોટું બોલી રહ્યું છે ત્યારે ધમકાવવું, અટકાવવું ન જોઈએ. તેને ઠપકો ન આપવો જોઈએ. એવું કરશો તો બીજી વખત પકડાઈ ન જવા એટલા માટે બાળક વધુ ચાલાકીપૂર્ણ જુઠ્ઠાણું રચવા પ્રેરાશે."

ખોટું બોલવું અપરાધ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. શિવપાલનના જણાવ્યા મુજબ, માતા-પિતાએ તેમના સંતાનને જૂઠને અપરાધ ગણવું ન જોઈએ, જેથી તે ખોટું છે એ સંતાનને જાતે સમજાય. બાળક ખોટું બોલ્યું હોય ત્યારે તેને દોષિત હોવાનો અનુભવ થાય એવો વ્યવહાર ન કરવો જોઈએ.
ખાસ કરીને બાળકોને કલાકો સુધી બેસાડીને શિખામણો આપ્યા કરવાથી તે કશું સમજવાનું નથી. બાળકો તેમનાં માતા-પિતા, પરિવારના વ્યવહારમાંથી ઘણું શીખતાં હોવાથી માતા-પિતા, પરિવારે બાળક માટે દૃષ્ટાંતરૂપ વર્તન કરવું જોઈએ.
ડૉ. શિવપાલને કહ્યું હતું કે "બાળક ખોટું ન બોલે એવું આપણે ઇચ્છતા હોઈએ તો સૌપ્રથમ આપણે જ ખોટું ન બોલવું જોઈએ. તેમને કહેવું જોઈએ કે જુઠ્ઠું બોલવું ખોટું છે. એવું ન કરો. બાળકોને સામે માતા-પિતાનું વર્તન એવું હોવું જોઈએ કે બાળક જુઠ્ઠું બોલવા બદલ ખેદ અનુભવે. માતા-પિતા, વડીલોનું વર્તન, બાળક જુઠ્ઠું બોલવા ન પ્રેરાય એવું હોવું જોઈએ."
તેમણે ઉમેર્યું હતું કે "માતા-પિતા બન્નેએ સાચું બોલવું જોઈએ અને બાળક સમક્ષ પ્રામાણિક વર્તન કરવું જોઈએ. બાળકોની આદત સજા દ્વારા બદલી શકાતી નથી."
"બાળક આઠ વર્ષનું થાય ત્યાં સુધી માતા-પિતાએ તેનું માર્ગદર્શન કરવું જોઈએ. આઠથી પંદર વર્ષ સુધીના બાળક માટે માતા-પિતાએ સલાહકાર તરીકે વર્તન કરવું જોઈએ. સંતાન 15 વર્ષથી મોટી વયનું થાય ત્યારે માતા-પિતાએ તેમના સાથી બનવું જોઈએ. માતા-પિતાએ માર્ગદર્શક, સલાહકાર અને દોસ્ત બનવું જોઈએ."
"માતા-પિતાએ તેમનાં સંતાનો સાથે વય મુજબ વર્તન કરવું જરૂરી છે. નાની વયનું સંતાન ખોટું બોલે ત્યારે તેને સમજાવવું જોઈએ કે તે અયોગ્ય છે. એ ઉપરાંત જુઠ્ઠું બોલવાના માઠા પરિણામની જાણકારી પણ સંતાનને આપવી જોઈએ."
ડૉ. ગૌતમ દાસે કહ્યું હતું કે "સંતાન 15 વર્ષની વયના પાર કરે ત્યાર પછી તેના સાથી બનો. એ વયે સંતાનો કોઈ વાત સાંભળવા તૈયાર ન હોય તો પણ માતા-પિતાએ તેમની ઢાલ બનવું જોઈએ. એક તબક્કે સંતાનને હકીકત જરૂર સમજાશે. શિક્ષા બાળકને જુઠ્ઠું બોલતાં અટકાવે છે, પરંતુ તે કાયમી ઈલાજ નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













