'હું એવા સંતાનના શોકમાં જીવું છું, જેનું ક્યારેય અસ્તિત્વ જ ન હતું'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સિમોન મચાડો
- પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ

- ગિસેલ રામોસ ડી સિક્વેરા નામનાં 21 વર્ષનાં મેકઅપ આર્ટિસ્ટે તેમના જીવનમાં સૌથી વધુ મુશ્કેલ ઘટનાઓ પૈકીની એકનો સામનો 2019ના અંતમાં કરવો પડ્યો હતો
- ગિસેલે કહ્યું હતું કે "હું બધી બાબતોથી ભયભીત હતી અને મારા પીરિયડ્ઝ અટકી ગયા ત્યારે મારી માનસિક હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી, કારણ કે હું એ પુરુષના સંતાનને જન્મ આપવા ઇચ્છતી ન હતી. અમારો સંબંધ સ્વસ્થ ન હતો."
- ગિસેલ ઘરમાં જ પૂરાયેલાં રહેતાં હતાં એ દિવસોમાં પેટ વધવા અને સ્તનોમાં દુખાવા જેવા સંભવિત ગર્ભાવસ્થાના વધુ તીવ્ર સંકેતો દેખાવા લાગ્યા હતા
- તેમણે ગર્ભાવસ્થાને સ્વીકારી લીધી હતી. તેમણે ડાયપર, પગરખાં ખરીદ્યાં હતાં અને ભાવિ સંતાન માટે નામ પણ પસંદ કરી લીધું હતું- દીકરો આવે તો બર્નાન્ડો અને દીકરી આવે તો ઝો
- એ પછી તેમણે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમની ગણતરી મુજબ, તેમને પાંચમો કે છઠ્ઠો મહિનો ચાલતો હતો

ગિસેલ રામોસ ડી સિક્વેરા નામનાં 21 વર્ષનાં મેકઅપ આર્ટિસ્ટે તેમના જીવનમાં સૌથી વધુ મુશ્કેલ ઘટનાઓ પૈકીની એકનો સામનો 2019ના અંતમાં કરવો પડ્યો હતો. તેમનાં માતા-પિતા અલગ થઈ રહ્યાં હતાં અને તેઓ અપમાનજનક સંબંધમાં બંધાયેલાં હતાં.
ગિસેલે જણાવ્યું હતું કે તેઓ અલગ થઈ ગયાં હતાં અને એકલાં રહેલા લાગ્યાં હતાં. જોકે. એ પછીના મહિનાઓ સરળ ન હતા. તેમનો તેમના ભૂતપૂર્વ પાર્ટનર સાથે ફરી સંબંધ બંધાયો હતો.
ગિસેલ એ પૂર્વે તેમના પાર્ટનરને મળ્યાં હતાં ત્યારે તે તેમના પર હુમલો કરવાની તૈયારીમાં હતો. એ પળે જ ગિસેલે સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો.
જોકે, થોડાં સપ્તાહ પછી તેમના પીરિયડ્ઝ લેટ થયા હતા (માસિક મોડું આવ્યું હતું) તેથી ગિસેલના શંકા થઈ હતી કે તેઓ ગર્ભવતી છે.
ગિસેલે કહ્યું હતું કે "હું બધી બાબતોથી ભયભીત હતી અને મારા પીરિયડ્ઝ અટકી ગયા ત્યારે મારી માનસિક હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી, કારણ કે હું એ પુરુષના સંતાનને જન્મ આપવા ઇચ્છતી ન હતી. અમારો સંબંધ સ્વસ્થ ન હતો."

ઇમેજ સ્રોત, ARCHIVO PERSONAL
ગિસેલના જણાવ્યા મુજબ, એ પરિસ્થિતિમાં તેમને પારાવાર ચિંતા થતી હતી, ગભરાટ થતો હતો. એ કારણે તેઓ ઘરની બહાર નીકળતા ડરતાં હતાં.
ગિસેલ ઘરમાં જ પૂરાયેલાં રહેતાં હતાં એ દિવસોમાં પેટ વધવા અને સ્તનોમાં દુખાવા જેવા સંભવિત ગર્ભાવસ્થાના વધુ તીવ્ર સંકેતો દેખાવા લાગ્યા હતા.
ગિસેલે કહ્યું હતું કે "મેં બે વખત પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવ્યો હતો અને બન્ને વખત તે પૉઝિટિવ હતો. મારાં સ્તનને સોજો આવી ગયો હતો. મને પેટમાં બેબીના હલનચલનનો અનુભવ થતો હતો. મને ખાતરી થઈ ગઈ હતી કે હું ગર્ભવતી છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગિસેલના જણાવ્યા મુજબ, થોડાં સપ્તાહ પછી તેમણે ગર્ભાવસ્થાને સ્વીકારી લીધી હતી. તેમણે ડાયપર, પગરખાં ખરીદ્યાં હતાં અને ભાવિ સંતાન માટે નામ પણ પસંદ કરી લીધું હતું- દીકરો આવે તો બર્નાન્ડો અને દીકરી આવે તો ઝો.
એ પછી તેમણે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમની ગણતરી મુજબ, તેમને પાંચમો કે છઠ્ઠો મહિનો ચાલતો હતો.
ગિસેલે કહ્યું હતું કે "હું ગર્ભવતી નથી અને મારા પેટમાં ગર્ભ જ નથી એવું ડૉક્ટરે કહ્યું ત્યારે મારા પર આભ તૂટી પડ્યું હતું. એવું લાગતું હતું કે મોટું ગાબડું પડ્યું છે અને પરામર્શ દરમિયાન ડૉક્ટરે મને જે કહ્યું હતું તેનાથી વિશેષ કશું મેં સાંભળ્યું જ નથી."

પીડાનો સામનો

ઇમેજ સ્રોત, Getty Images
પોતે ગર્ભવતી નથી એ વાતનો સ્વીકાર કર્યા વિના ગિસેલ ઘરે પાછાં ફર્યાં હતાં. તેમણે એવું ધાર્યું હતું કે ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન કોઈ ભૂલ કરી છે. એ પછી તેમણે આ સંભાવના બાબતે તપાસ શરૂ કરી હતી.
ગિસેલે કહ્યું હતું કે "ડૉક્ટરનું નિદાન ખોટું હોય તેવા અનેક કિસ્સા મને ઇન્ટરનેટ પર વાંચવા મળ્યા હતા. ઘણા કિસ્સામાં અલ્ટ્રાસાઉન્ડમાં બાળક દેખાતું ન હોવા છતાં ગર્ભ તો હતો જ. મારા કિસ્સામાં પણ આવું બન્યું હશે એવું હું માનવા લાગી હતી."
એ દિવસો દરમિયાન ગિસેલ એક દોસ્તની મદદને કારણે એવું સ્વીકારતાં થયાં હતાં કે તેમની સગર્ભાવસ્થા મનોવૈજ્ઞાનિક હતી. જે બાળકનું ક્યારેય અસ્તિત્વ જ ન હતું એ ગુમાવવા બદલ તેઓ દુઃખી થઈ ગયાં હતાં.
ગિસેલે કહ્યું હતું કે "તે ખરેખર શોક હતો. ગર્ભપાત થયાની અને બાળક ગુમાવ્યાની લાગણી હતી. આજે પણ હું અરીસામાં જોઉં છું અને રડવાનું મન થાય છે. કેટલીક વાર હું અજાણતાં જ મારા પેટ પર હાથ ફેરવતી રહું છું, પણ હું શું કરું છું તેનો ખ્યાલ આવે છે ત્યારે હું રડી પડું છું."
તબીબી અને મનોવૈજ્ઞાનિક સહાય વડે ગિસેલ તે પીડામાંથી બહાર આવવાનો અને જીવનમાં આગળ વધવાના પ્રયાસ કરતા રહે છે.
ગિસેલે કહ્યું હતું કે "હું હજુ પણ જીવંત છું અને કશુંક ગુમાવ્યાની પીડામાંથી બેઠી થવાનો પ્રયાસ કરું છું, કારણ કે મારી બીજો કોઈ વિકલ્પ નથી."

સ્યુડોસાયસિસ અથવા મનોવૈજ્ઞાનિક ગર્ભાવસ્થા

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા જણાવે છે કે પ્રત્યેક 22,000 પ્રેગ્નેન્સીમાંથી કમસે કમ એક સ્યુડોસાયસિસ અથવા મનોવૈજ્ઞાનિક ગર્ભાવસ્થા હોય છે.
તે સોમેટોફોર્મ્સ તરીકે ઓળખાતી શ્રેણીબદ્ધ બીમારીનો એક ભાગ છે. એવી શારીરિક સ્થિતિ, જે કોઇ જૈવિક કારણ વગર સર્જાય છે.
બીબીસી સાથેની વાતચીતમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ પ્રકારની બીમારી માનસિક વેદનાને કારણે થાય છે. પીડા આવાં લક્ષણો સ્વરૂપે પ્રગટ થાય છે. જેમ કે બાળક વિનાની ગર્ભાવસ્થા.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મનોવૈજ્ઞાનિક ગર્ભાવસ્થામાં પરીક્ષણો પ્રેગ્નેન્સી પૉઝિટિવ હોવાનું સૂચવે છે, કારણ કે માનસિક ફેરફાર હોર્મોનલ વિક્ષેપ સર્જતા હોય છે.
બ્રાઝિલની આલ્બર્ટ આઈન્સ્ટાઈન, સાઓ લુઈઝ અને પ્રો મેટ્રે હોસ્પિટલોમાં કામ કરતાં સ્ત્રીરોગ નિષ્ણાત કાર્લોસ મોરેસે કહ્યું હતું કે "આવા દર્દીઓ ઉબકા, માસિકમાં વિલંબ અને પેટના ફૂલવા જેવા ગર્ભાવસ્થાના તમામ લક્ષણો અનુભવતા હોય છે, કારણ કે હોર્મોન્સની તમામ ક્રિયા પર આપણા મગજનો અંકુશ હોવાથી આવા ફેરફાર આકાર પામે છે અને સ્ત્રીઓ માનવા લાગે છે કે તેઓ પ્રેગ્નેન્ટ છે."
સાઓ પાઉલોની ફેડરલ યુનિવર્સિટી ખાતે રેસિડેન્ટ મનોચિકિત્સક તરીકે કાર્યરત ડેનિયન એચ એડમોનીએ કહ્યું હતું કે "કોઈ માનસિક વિકારના પરિણામે થતા હોર્મોનલ ફેરફારને લીધે આવાં લક્ષણો આકાર પામે તે શક્ય છે."
ભાવનાત્મક રીતે નબળા હોય તેવા દર્દીઓમાં અને ગર્ભાવસ્થાથી ડરતી હોય તેવી તથા ગર્ભવતી થવાની ઝંખના હોય તેવી સ્ત્રીઓમાં સ્યુડોસાયસિસ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
મનોવૈજ્ઞાનિક ગર્ભાવસ્થામાં મોટા ભાગે તબીબી પરીક્ષણો એવું દર્શાવતા હોય છે કે સ્ત્રી ગર્ભવતી નથી, પરંતુ સ્ત્રીને ખાતરી હોય છે તે પ્રેગ્નેન્ટ છે.
કાર્લોસ મોરેસે કહ્યું હતું કે "પોતે પ્રેગ્નેન્ટ નથી એવું સ્વીકારવું આ સ્ત્રીઓ માટે મુશ્કેલ હોય છે. તેઓ પ્રેગ્નેન્ટ નથી તે દર્શાવતા પરીક્ષણના તારણ અમે રજૂ કરીએ છીએ ત્યારે સ્ત્રીઓ તે સ્વીકારતી નથી, પણ એવું માને છે કે પરીક્ષણ જ ખોટું છે."
આ એક મનોવૈજ્ઞાનિક વિકાર હોવાથી તેની સારવાર પણ સ્ત્રીરોગ નિષ્ણાત, મનોવિજ્ઞાની અને મનોચિકિત્સક એમ વિવિધ ડૉક્ટરોએ સાથે કરવી પડે છે. જેથી સ્ત્રીને સમજાય કે શું થયું છે અને સ્યુડોસાયસિસને કારણે સર્જાયેલી વેદનામાંથી તેને શક્ય તેટલી રાહત આપી શકાય.
ધ ઍસોસિયેસન બ્રાઝિલિયન સાયકિયાટ્રીના પ્રમુખ એન્ટોનિયો ગેરાલ્ડો દ સિલ્વાએ કહ્યું હતું કે "આવા કિસ્સામાં શારીરિક બાબતોનું કામ સ્ત્રીરોગ નિષ્ણાત સંભાળે છે, મનોચિકિત્સક આ સિન્ડ્રોમના કારણોની તપાસ કરે છે, જ્યારે મનોરોગ ચિકિત્સા દ્વારા દર્દીની સારવાર કરવામાં આવે છે."
તેમણે ઉમેર્યું હતું કે "આ સિન્ડ્રોમને રોકવાનો કોઈ ઉપાય નથી. તેથી સ્ત્રીઓએ આવી પરિસ્થિતિમાં સપડાઈ ન જવાય એ માટે માનસિક સ્વાસ્થ્ય પરત્વે અતિ સાવધ રહેવું જરૂરી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













