દારુણ ગરીબીનો સામનો કરતાં બાળકો સફળતા કેવી રીતે મેળવે છે?

- લેેખક, આદર્શ રાઠૌર
- પદ, બીબીસી માટે
ગંગા સહાય મીણાનો જન્મ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના એક નાનકડા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો.
તેમનું બાળપણ ખૂબ મુશ્કેલીઓમાં વીત્યું. સ્થિતિ એવી હતી કે પેટ ભરીને ખાવાનું મળવું પણ સરળ નહોતું. ક્યારેક પાડોશીઓને ત્યાંથી લાવેલી છાશથી કઢી બનતી હતી. ક્યારેક મરચાની ચટણી સાથે રોટલી ખાવી પડતી હતી. તો ક્યારે ડુંગળીની સાથે.
સરકારી સ્કૂલ-કૉલેજોમાં અભ્યાસ કર્યા બાદ તેઓ એમ.એ. કરવા દિલ્હી આવી ગયા. અહીં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં પ્રવેશ લીધો અને આજે એ જ ભારતીય ભાષા કેન્દ્રમાં તેઓ ઍસોસિએટ પ્રોફેસર છે. તેઓ જેએનયુમાં સૌથી ઓછી ઉંમરે ઍસોસિએટ પ્રોફેસર બન્યા હતા.
કંઈક એવી જ કહાણી હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાનાં સંગીતાની પણ છે. તેમણે માતા-પિતાની સાથે મેળામાં બંગડી અને રમકડાં વેચ્યાં, જેનાથી પરિવારનું ગુજરાન ચાલી શકે અને અભ્યાસનો ખર્ચો પણ નીકળી શકે.
કૉલેજ બાદ આગળનો અભ્યાસ કરવા હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલય, શિમલા આવ્યાં તો એ જ દરમિયાન પિતાને કૅન્સર થઈ ગયું. તેઓ અભ્યાસની સાથે પિતાની સારવાર માટે શિમલા અને ચંદીગઢ વચ્ચે દોડાદોડી કરતાં રહ્યાં. આ દરમિયાન જ હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના કૉલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની કૅડર માટેની જાહેર પરીક્ષા પણ પાસ કરી દીધી.
ગંગા સહાય મીણા અને સંગીતા બન્ને માટે અહીં સુધીની મુસાફરી સરળ નહોતી. તેના માટે તેમણે ખૂબ મહેનત કરી. અનેક સામાજિક-આર્થિક પડકારો સર કર્યા ત્યારે આ સ્થાન હાંસલ કર્યું.
આપણને આપણી આસપાસ આવાં અનેક ઉદાહરણો જોવાં મળે છે કે બાળપણમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ વેઠનારા લોકો આગળ જઈને સફળતાની કહાણી લખે છે. કોઈ રમતમાં નામ કમાય છે, તો કોઈ વહીવટી અધિકારી બને છે. કોઈ વૈજ્ઞાનિક બની જાય છે, તો કોઈ સફળ વેપારી બની જાય છે.
આવું કેવી રીતે થાય છે, આ સવાલનો સીધો કોઈ જવાબ નથી. પણ એક મોટા સંશોધનથી સામે આવેલાં રસપ્રદ પરિણામો આ વિષય પર પ્રકાશ પાડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સહયોગ અને સહારો આપનારા સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑક્સફર્ડ યુનિવર્સિટીની 'યંગ લાઇવ્સ' રિસર્ચ ટીમે 20 વર્ષો સુધી ભારત, વિયેતનામ, પેરુ અને ઈથિયોપિયાનાં 12 હજાર બાળકોનો અભ્યાસ કર્યો.
આ અભ્યાસમાં મુશ્કેલ પરિસ્થિતિઓને હરાવીને સફળ થયેલાં બાળકોમાં કેટલીક સમાનતાઓ જોવા મળી. કેટલાંક સમાન કારણો હતાં, જેના કારણે તેઓ અન્યોની સરખામણીમાં આગળ વધી શક્યાં.
સંશોધનમાં પહેલું કારણ એ સામે આવ્યું કે મુશ્કેલીઓને પાર કરનારાં બાળકોનાં જીવનમાં કોઈ તો એવું હતું જે તેમની સાથે હતું, જેના કારણે સમયાંતરે તેમને સહયોગ અને આધાર મળ્યો.
બ્રિટનના લેખક અને કવિ લેમ સિસેનું બાળપણ આશ્રયસ્થાનોમાં વીત્યું. તેમને એકથી બીજા આશ્રયસ્થાનમાં મોકલવામાં આવતા હતા અને આજે તેઓ એક સફળ અને પ્રસિદ્ધ વ્યક્તિ છે.
તેઓ કહે છે, "મારી પાસે પરિવાર નહોતો અને તેના કારણે મને એ સમજવાની તક મળી કે એક બાળક માટે મદદ કરનારા અને સહાયતા આપનારા સંબંધો કેટલા મહત્ત્વના હોય છે."
સિસે માટે આ ભૂમિકા એ સામાજિક કાર્યકર્તાએ નિભાવી, જેને તેમની સારસંભાળની જવાબદારી સોંપાઈ હતી. પણ તે સમયે તેમને એ બાબતનો અહેસાસ નહોતો.
સિસે કહે છે, "એ કોઈ રોલ મૉડલ જેવા નહોતા, તે મિત્ર જેવા પણ નહોતા, પણ તેનાથી વિશેષ હતા. એ મારી ભાવનાત્મક સ્થિતિ પર નજર રાખતા હતા અને એ જ વાત મારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ."


ઇમેજ સ્રોત, Getty Images
સંશોધનમાં જાણવા મળ્યું કે બાળકોને આગળ વધારવામાં નાની નાની વસ્તુઓ ખૂબ મહત્ત્વની બની રહે છે. જેમ કે માતાપિતા અને બાળકોના સંબંધો હૂંફાળા હોવા જોઈએ.
સાથે જ શરૂઆતનાં વર્ષોમાં બાળકોને વાંચન દ્વારા શિક્ષણ આપવું અને તેમની સારસંભાળ કરવી ખૂબ જ મહત્ત્વનું હોય છે.
જેએનયુમાં ઍસોસિએટ પ્રોફેસર ગંગા સહાય મીણા કહે છે કે તેમનાં માતાપિતા અભણ હતાં. પણ શિક્ષણનું મહત્ત્વ સમજતાં હતાં.
તેઓ કહે છે, "નાના ખેડૂતોનાં ઘરમાં ઘણું કામ હોય છે. ખેતરમાં જવું પડે, પશુઓની સારસંભાળ રાખવી પડે. પણ પરિવારે ક્યારેય મારા પર ભારણ ન આપ્યું. જેટલી થઈ શકે એટલી હું મદદ કરતો. મારી બહેનની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. મોટે ભાગે તે મારા ભાગનું કામ પણ કરી લેતી. જેથી હું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો હતો."
સંગીતાના જીવનમાં આ ભૂમિકા તેમના પિતાની રહી. તેઓ જણાવે છે કે તેમના પિતા ડૉક્ટર બનવા માગતા હતા. પણ પારિવારિક કારણોને લીધે સ્કૂલનો અભ્યાસ પણ પૂરો ન કરી શક્યા. પણ તેઓ નહોતા ઇચ્છતા કે તેમનાં બાળકોને કોઈ સમસ્યા આવે.
સંગીતા કહે છે, "જે વર્ષે પપ્પાએ મારું ઍડમિશન પહેલા ધોરણમાં કરાવ્યું હતું એ જ વર્ષે તેમણે પણ ધોરણ બારમાની બોર્ડની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ ફરીથી પરિવારનું પેટ ભરવામાં લાગી ગયા. જ્યારે ગ્રેજ્યુએશન બાદ હું એમ.એ. કરવા માગતી હતી ત્યારે પરિવાર પાસે રૂપિયા ન હતા. છતાં પપ્પાએ મને એમ.એ. કરવા યુનિવર્સિટીમાં મોકલી."

સલામતીના વિશ્વાસનો સથવારો

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્સફર્ડ યુનિવર્સિટીની રિસર્ચ ટીમ 'યંગ લાઇવ્સ'ના સંશોધન મુજબ, મુશ્કેલીના સમયમાંથી નીકળીને સફળ થતાં બાળકોના જીવનમાં બીજી મહત્ત્વપૂર્ણ બાબત હતી- સેફ્ટી નેટ એટલે કે 'સુરક્ષાતંત્ર'ની ઉપસ્થિતિ.
સુરક્ષાતંત્ર એટલે કે એવી વસ્તુ કે વ્યવસ્થા, જેના પર તમે કોઈ મુશ્કેલ સ્થિતિમાં ફસાયા બાદ પણ તમારી સલામતી માટેનો ભરોસો કરી શકો છો.
બ્રિટનમાં થયેલાં કેટલાંક સંશોધનો જણાવે છે કે ગરીબીની બાળક પર ખરાબ અસર પડે છે. પાંચ વર્ષની ઉંમર સુધી ગરીબીમાં ઉછરેલા બાળકોમાં જોવા મળ્યું છે કે તેઓ નવા શબ્દો શીખવાની બાબતમાં અંતિમ 10 ટકામાં હતાં.
‘યંગ લાઇવ્સ’ને જાણવા મળ્યું કે ઈથિયોપિયા અને પેરુમાં જે બાળકોને ભોજન વગેરે સ્વરૂપમાં સરકારી મદદ મળી હતી, તેઓ 12 વર્ષની ઉંમરના થયાં ત્યાં સુધીમાં તેમની યાદશક્તિ અને વિચારવા-સમજવાની ક્ષમતા એવાં બાળકો કરતાં ઘણી સારી હતી, જેમને આ મદદ મળી નહોતી.
જે પરિવાર જેટલો વધુ અસુવિધામાં રહ્યો, તેનાં બાળકો પર એટલી જ ખરાબ અસર પડી.
અમેરિકામાં થયેલા એક નાનકડા સંશોધનમાં પણ આવું જ જોવા મળ્યું. આ સંશોધનમાં એ અભ્યાસ કરાયો કે શહેરના સૌથી ગરીબ પરિવારોને આર્થિક સહાયતા આપવાથી તેનાં બાળકો પર શું અસર પડી.
એક જૂથમાં સામેલ પરિવારોને દર મહિને 20 ડૉલર અપાયા. જ્યારે અન્ય જૂથના પરિવારોને 333 ડૉલરની મદદ અપાઈ.
આ પરિવારનાં બાળકો જ્યારે એક વર્ષનાં થઈ ગયાં તો તેમના મગજને સ્કેન કરાયું. જે પરિવારોને વધુ આર્થિક મદદ મળી હતી એ બાળકોનાં મગજનો એ ભાગ વધુ સક્રિય હતો, જે ભાષાઓ અને નવી બાબતો શીખવા સાથે જોડાયેલો છે.
અહીં ગરીબ પરિવારોને અપાતી સરકારી સહાય અથવા આર્થિક મદદને સેફ્ટી નેટ કહી શકાય. વર્લ્ડ બૅન્ક અનુસાર સેફ્ટી નેટ કાર્યક્રમ પરિવારોને આર્થિક, પ્રાકૃતિક અને અન્ય મુશ્કેલીઓથી બચાવે છે.


ઇમેજ સ્રોત, Getty Images
ગંગા સહાય મીણા પણ માને છે કે આ રીતના સોશિયલ સેફ્ટી નેટ કાર્યક્રમોથી મળતી મદદ નબળા વર્ગનાં બાળકોને આગળ વધારવામાં સહાયતા કરે છે.
તેઓ પોતાનું ઉદાહરણ આપતા તે કહે છે " જ્યારે હું બી.એ.ના છેલ્લાં વર્ષમાં હતો ત્યારે પિતાજીનું નિધન થઈ ગયું હતું. ઘર પર દેવું હતું. પરિવાર મને આગળ ભણાવી શકે તેવી સ્થિતિમાં નહોતો. પરંતું જેએનયુમાં પસંદગી પ્રક્રિયા પારદર્શી છે. અને ફી પણ ઓછી છે. ત્યાર બાદ યુજીસી પાસેથી ફેલોશીપ મળતા મારે અભ્યાસ માટે પરિવાર પર આશ્રિત ન રહેવું પડ્યું."
તેઓ ઉમેરે છે કે, "સરકાર તરફથી સામાજિક આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકોને શિક્ષણ અને રોજગારમાં મદદ માટેના ઍફર્મેટિવ ઍક્શનનો પણ ઘણો ફાયદો મળે છે. એમ. ફિલ.માં મારી પસંદગી અનુસૂચિત જનજાતિ માટેની અનામત શ્રેણીમાં થઈ હતી. પણ એમ.ફિલ.ની ઍન્ટ્રન્સ ટૅસ્ટમાં મારી પસંદગી બિનઅનામત વિભાગમાં થઈ હતી. જો મને એમ એમાં તક ન મળતી તો હું એમ.ફિલ. સમયે સારું પ્રદર્શન કેવી રીતે કરી શકત. "
એવો જ અનુભવ સંગીતાનો પણ રહ્યો.
તેઓ કહે છે, "એમ. એ. બાદ એમ.ફિલ. કરવું મારા માટે સરળ નહોતું. ખબર હતી કે ઘરના લોકો હવે વધુ રૂપિયા આપી શકે તેમ નથી. મેં એ આશામાં નેશનલ એલિજિબિલિટી ટૅસ્ટ NET આપી કે જુનિયર રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ) મળવાથી થોડી મદદ થઈ જશે. જેઆરએફ મેળવવા માટે હું મેરિટ લિસ્ટમાં દોઢ ટકાથી રહી ગઈ હતી. પણ નેટનાં મેરિટના આધારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તરફથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય ફેલોશિપમાં મારો નંબર આવી ગયો. અને મને ખૂબ મદદ મળી."

વિશ્વાસ અપાવવો અને બીજી તક આપવી

ઇમેજ સ્રોત, Getty Images
‘યંગ લાઇવ્સ’ના સંશોધનથી સામે આવેલી ત્રીજી મહત્ત્વપૂર્ણ વાત 'બીજી તક' મળવી હતી.
જો મુશ્કેલીના સમયમાં અભ્યાસ કરી રહેલાં બાળકો પર વિશ્વાસ મૂકાય અને તેમનો આત્મવિશ્વાસ વધારાય તો તેઓ આગળ વધવાં માટે પ્રોત્સાહિત થાય છે. બ્રિટનના કવિ લેમ સિસ કહે છે "ઉછેર ક્યાંય પણ થઈ રહ્યો હોય, બાળકો માટે એ વસ્તુ મળવી ખૂબજ મહત્ત્વપૂર્ણ હોય છે, જે તેમને ખૂબ જ પસંદ હોય."
તેઓ કહે છે, " બાળપણમાં હું ઇચ્છતો હતો કે કોઈ મને સમજે. કોઈને બીજી તક આપવાનો અર્થ છે કે તમે તેને સમજી રહ્યાં છો. હું જ્યારે 13 વર્ષનો હતો તો મને બાળ આશ્રયના એક શિક્ષકે કવિતાઓનું પુસ્તક આપ્યું હતું. પણ એ માત્ર એક પુસ્તક જ નહોતું. મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે મને પુસ્તક આપવા લાયક સમજવામાં આવ્યો. હું નસીબદાર હતો કે આ પુસ્તક મળ્યું કારણ કે મને કવિતાઓ ખૂબ પસંદ હતી."
સંગીતા માટે એ સમય ખૂબ જ મુશ્કેલ થઈ ગયો હતો. જ્યારે એમ.ફિલ. કરતા સમયે તેમને ખબર પડી કે પિતાને કૅન્સર થઈ ગયું છે, તો તેમની સામે આ સંકટ ઊભું થઈ ગયું કે તેઓ અભ્યાસ અને કારકિર્દીની પસંદગી કરે કે પિતા અને પરિવારને સંભાળે,
તેઓ કહે છે " મેં સારવાર માટે પિતાને શિમલા બોલાવી લીધા. ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને પીજીઆઈ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ચંડીગઢ લઈ જવા પડતા હતા. પછી જ્યાં રહેતા હતા ત્યાં પાણીની સમસ્યા હતી. તો જમવાનું બનાવવા માટે પણ દૂરથી પાણી લાવવું પડતું હતું. એ સમયે લાગ્યું કે હવે તો નહીં થઈ શકે. પણ મારા ગાઇડે મને હિંમત આપી અને કહ્યું કે પહેલા પિતાજીનું ધ્યાન રાખો."
નબળી પૃષ્ઠભૂમિથી આવવાને કારણે બાળકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો આત્મવિશ્વાસનો અભાવ હોય અને એ દરમિયાન પ્રોત્સાહન ન મળે તો તેમનું મનોબળ તૂટી શકે છે.
પ્રોફેસર ગંગા સહાય મીણા પણ યાદ કરે છે, "જેએનયુમાં પ્રવેશ મેળવ્યો તો લાગ્યુ કે અહીં તો લોકો કેટલી સારી ભાષા બોલે છે. ઘણી નિરાશા થઈ. પણ બાદમાં સેમેસ્ટરના માર્ક્સ આવ્યા તો ક્લાસમાં સૌથી પહેલા JRF માટે મારી પસંદગી થઈ અને આગળ વધવાની તક મળી. જેએનયુનો માહોલ એવો હતો કે જ્યાં સિનિયર વિદ્યાર્થીઓ ઘણી મદદ કરતા હતા. આ સિવાય જ્યારે જ્યારે મેં સારું કર્યું ત્યારે મારા અધ્યાપકોએ મને ખૂબ પ્રોત્સાહિત કર્યો અને નિરાશાથી બચાવ્યો."
લેમ સિસેની કવિતાનો એક અંશ છે
I'm not defined by darkness confined in the night.
Each dawn I am reminded I am defined by lights.
જેનો અર્થ કંઈક એવો છે કે
રાતમાં કેદ થયેલો અંધકાર મારી ઓળખ નહીં આપે
પ્રત્યેક પરોઢે મારી અનુભૂતિ કહે, પ્રકાશ આપશે મારો પરિચય
આ પંક્તિઓ સમર્પિત છે એ દરેક બાળકને જે મુશ્કેલીઓના અંધકારમાંથી નીકળીને સફળતાના પ્રકાશને પોતાનો પરિચય બનાવવાની ક્ષમતા રાખે છે.














