ગુજરાત: 'હું બે વાર અનાથ થયો, હવે છ બાળકનો બાપ છું'

ભોલેનાથ માંડલ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, ભોલેનાથ માંડલ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“હું જન્મ્યો ત્યારે કોલકાતાના એક બગીચામાં મારાં માતાપિતાએ મને છોડી દીધો હતો. પોલીસે મને અનાથાલયમાં મૂકી દીધો. હું ત્યાંથી ભાગી ગયો અને સર્કસમાં કામ કરવા લાગ્યો. સિંહ સાથેના મારા શો જોઈ એક નિઃસંતાન દંપતીએ મને દત્તક લઈ લીધો. મેં લગ્ન કર્યાં, દીકરીઓને મોટી કરી પછી મને રક્તપિત્ત થયો એટલે મને ઘરમાંથી કાઢી મૂક્યો, આમ હું ફરી અનાથ થઈ ગયો.”

63 વર્ષીય ભોલેનાથ માંડલનો જન્મ 15મી ઑગસ્ટના રોજ થયો હતો. ભોલેનાથ માંડલ પ્રાંતિજના આઈ. પી. મિશન ચર્ચમાં છેલ્લાં 20 વર્ષથી અનાથ બાળકોની સેવા કરે છે.

તેઓ કહે છે, “અત્યારે ગુજરાતના અનાથાલયમા રહું છું અને છ બાળકોને પાલવું છું. હવે હું ફરી બાપ થયો છું.

આઈ. પી. મિશન ચર્ચમાં અનાથ બાળકો, રક્તપિત્તના દર્દીઓ હોય કે વૃદ્ધાશ્રમના વૃદ્ધો હોય, તમામ એમને ભોલેનાથ નહીં પરંતુ ‘મામુ'ના હુલામણા નામથી જ બોલાવે છે.

63 વર્ષે પણ સ્ફૂર્તિ ધરાવતા ભોલેનાથ માંડલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “મને ખબર નથી કે જિંદગી મારી પાસેથી કઈ બાબતનો બદલો લેતી હતી કે એક મુસીબતમાંથી માંડ છુટકારો થાય ત્યાં બીજી મુસીબત આવીને ઊભી જ હોય. હું જન્મ્યો ત્યારે મારાં માતાપિતા મને કોલકાતાના એક બગીચામાં મૂકીને જતાં રહ્યાં હતાં. હું જે અનાથાશ્રમમાં હતો ત્યાંના સંચાલકે મને કહ્યું હતું કે, 15મી ઑગસ્ટના દિવસે હું કોલકાતાના નાનકડા બગીચામાંથી મળ્યો હતો.”

“એક દિવસનો હતો એટલે પોલીસે મને દવાખાનામાં દાખલ કર્યો ત્યાર બાદ મને કોઈ લેવા ન આવ્યું એટલે હું આખરે આશ્રમમાં રહ્યો. હું 8 વર્ષનો હતો, દુનિયા જોયેલી નહીં, મારી સાથે અનાથાશ્રમમાં 15-16 વર્ષના બીજા ત્રણ છોકરાઓ હતા તે કહેતા હતા કે બહારની દુનિયા મજાની છે. ચાલ ભાગી જઈએ. મને કઈ ખબર નહોતી પડતી એટલે હું એમની સાથે ભાગી ગયો. અમે 4 જણા દિવસભર કામ માટે રખડતા રહ્યા અને રાત્રે રેલવે સ્ટેશન પર ભૂખ્યા પેટે સૂઈ ગયા.”

“હું સાવ નાનો હતો એટલે મને કોઈ કામ આપતું નહોતું. પેલા 3 જણા જેમને કામ મળી ગયું હતું, તેઓ મને છોડી ને જતા રહ્યા. હું દિવસભર ભૂખ્યો રહ્યો. સ્ટેશન પર ટ્રેન આવે અને કોઈ પોતાનું બાકી રહેલું ખાવાનું છોડીને જતું રહે એ હું ખાઈ લેતો. ખાવા ન મળે તો રેલવે સ્ટેશનની બહાર લારી પાસે કે નાની હોટલ પાસે કોઈ એઠું ખાવાનું છોડીને જાય એ ખાઈ લેતો.”

ગ્રે લાઇન

'સર્કસમાં હું સિંહ જોડે સૂઈ જતો'

ભોલેનાથ માંડલ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ભોલેનાથ કહે છે, “એક વાર હું એઠું ખાતો હતો ત્યારે એક હોટલમાલિક મને જોઈ ગયા અને મને બોલાવ્યા પછી મને ખાવાનું આપ્યું. તેઓ મને રોજ ખાવાનું આપતા હતા. હું તેમની હોટલ બંધ થાય એટલે ટેબલ નીચે સૂઈ જતો હતો. મને રહેવા અને ખાવાની જગ્યા મળી ગઈ હતી. હોટેલના માલિક મને કોઈ કામ માટે કહેતા ન હતા પણ હું જાતે જ વાસણ સાફ કરવાનું કામ કરતો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

“હોટલમાં રહેતા મહિના જેટલો સમય થયો હશે અને એક દિવસ મારાથી કાચના વાસણની કેટલીક પ્લેટ તૂટી ગઈ અને હોટલના માલિક ગુસ્સે થતાં તેમણે મને બે થપ્પડ મારી દીધી. હું ગુસ્સામા હોટલ છોડીને જતો રહ્યો. ચાલતો ચાલતો જતો હતો, ત્યાં એક સર્કસનો તંબુ દેખાયો જેમાં સંતાઈને હું ઘૂસી ગયો. હું સાવ નાનો હતો અને સર્કસમાં કામ કરવાવાળી છોકરીઓના તંબુમાં સંતાઈ ગયો હતો. સવારે છોકરીઓએ મને જોયો એમાં બે છોકરી બંગાળી હતી. તેમણે મને પૂછ્યું કે કેવી રીતે અહીં આવ્યો છે? તો મેં કહ્યું કે હું અનાથ છું અને અનાથાશ્રમમાંથી ભાગી ગયો છું.”

ભોલેનાથ માંડલ સર્કસમાં કામ મળ્યું એ અનુભવ વર્ણવતા કહે છે કે, “એ છોકરીઓએ મારી સર્કસના મૅનેજર સાથે મુલાકાત કરાવી. મૅનેજર બિહારના હતા. તેમણે સર્કસના માલિકને વાત કરી. સર્કસના માલિકને મારી દયા આવી, કારણ કે તેમને પણ બે બાળકો હતા. પણ હું નાનો હતો એટલે મને કામ શું આપવું? જેથી એમણે મને કામની ના પાડી પણ સર્કસમાં કામ કરતી છોકરીઓએ કહ્યું કે, હું તેમનો સામાન સાચવીશ અને પોપટ સહિતના પક્ષીઓનું ધ્યાન રાખીશ એના બદલામાં અમારા પગારમાંથી છોકરાના (મારા) રહેવા-જમવાનો ખર્ચ આપજો.”

“તેમણે મને પોપટ સાચવવાનું અને છોકરીઓના મૅકઅપનો સામાન સાચવવાનું કામ સોંપ્યું. બીજી બાજુ દિવસભર સર્કસનો મૅનેજર લોકેશ મને પગ દબાવવા બદલ અને એની માલિશ કરવાનાં કામ સોંપતો તથા કાયમ ડરાવતો કે માલિકને ફરિયાદ કરી સર્કસમાંથી કઢાવી મૂકીશ. હું બીકના લીધે મારું રોજનું કામ કર્યાં પછી ગુલામની જેમ કામ કરતો હતો. એક વાર અમારા સર્કસનો પોપટ માંદો પડી ગયો. અમારા સર્કસના માલિકનો પ્રિય પોપટ હતો એટલે માલિક આવ્યા અને મને જોઈને કહ્યું કે કંઈ તકલીફ નથી ને? મેં મૅનેજર લોકેશ મારી પાસે ગુલામની જેમ કામ કરાવતો હોવાની વાત કરી. જેથી માલિકે લોકેશને ધમકાવ્યો.”

“થોડા દિવસમાં જ બીમાર પોપટ મરી ગયો એટલે મારાથી નારાજ મૅનેજરે મને વાઘ અને સિંહની રખેવાળી કરવાનું કામ સોંપી દીધું. તેમને એમ હતું કે હું વાઘ અને સિંહ જોઈને ગભરાઈને ભાગી જઈશ પણ હું સિંહ જોડે રાત્રે સૂઈ ગયો. સવારે રિંગમાસ્ટરે મને સિંહ જોડે સૂતેલો જોયો તો મને કહ્યું કે સિંહ જોડે બીક નથી લાગતી? મેં કહ્યું મારાં માબાપ મને મરવા માટે છોડી ગયા હતા, ભગવાને મને બચાવ્યો છે. ભગવાનની ઇચ્છા હશે તો જીવાડશે નહિતર સિંહ ખાઈ જશે.”

ગ્રે લાઇન

'મને મહારાષ્ટ્રના દંપતીએ દત્તક લીધો'

ભોલેનાથ માંડલ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

સર્કસમાં કામ કરતા કરતા ભોલેનાથ રિંગમાસ્ટર બનાવામાં રસ ધરાવવા લાગ્યા હતા.

તેમના એ દિવસો વિશે જણાવતા તેઓ કહે છે કે, “સર્કસમાં રિંગમાસ્ટરને હું ગમી ગયો એટલે તેઓ મને રોજ સિંહ અને વાઘને જમવા કેવી રીતે અપાવું એ શીખવાડતા હતા. ચોમાસાના દિવસોમાં એક દિવસ રિંગમાસ્ટર ખૂબ બીમાર હોવાથી મેં વાઘ અને સિંહને ખાવાનું આપ્યું. કેમ કે એ તો કોઈના હાથનું ખાવાનું ખાતા જ નહોતા. પરંતુ મેં ખાવા આપ્યું તો એમણે ખાઈ લીધું હતું. કદાચ હું રોજ રિંગમાસ્ટરની સાથે જતો હતો એટલે મારા હાથથી ખાધું હશે. અહીં કામ કરતા કરતા મારી ઉંમર 10 વર્ષની થઈ ગઈ.”

“સર્કસના માલિકે મને કહ્યું કે, હું જોકરનો રોલ કરું અથવા દોરડાથી કૂદવાના ખેલ કરું, પણ મને સર્કસમાં રિંગમાસ્ટર બનવું હતું એટલે રિંગમાસ્ટર જોડે ટ્રેનિંગ લેતો હતો. અમારા સર્કસમાં રિંગ માસ્ટરના કહેવાથી એક નવો ખેલ ઉમેરાયો હતો. જેમાં હું સિંહની સાથે સૂઈ જતો અને સિંહની ઉપર સવારી કરતો. પાંજરામાંથી સિંહ બહાર આવે ત્યારે એની સાથે રમત કરતો હતો. આ ખેલ બહુ વખણાયો અને રિંગમાસ્ટરની સાથે સાથે હું પણ વાઘ-સિંહના કરતબ કરતો થઈ ગયો.”

“એક દંપતી અમારું સર્કસ જોવા આવ્યું હતું. તેમને હું વાઘ અને સિંહ સાથે રમતો હતો એટલે પસંદ પડી ગયો. તેમણે અમારા સર્કસના માલિક સાથે વાત કરીને મને દત્તક લઈ લીધો. એ નિઃસંતાન ખેડૂત દંપતી મહારાષ્ટ્રનું હતું, જેમની સાથે હું ખેતી કરતો હતો. ત્યાંના એક ગામડામાં અમે રહેતા હતા. તેમણે મારા લગ્ન કરાવ્યાં અને થોડા સમયમાં એમનું અવસાન થયું.”

“તેમના ઘરના લોકોએ જમીન લઈ લીધી અને હું મારી પત્ની મોના સાથે ફરી બેઘર થઈ ગયો. અમે કોલકાતા પરત આવી ગયાં હતાં. અહીં એક સર્કસમાં મને રિંગમાસ્ટરની નોકરી મળી ગઈ, ત્રણ દીકરીનો જન્મ થયો અને એ સમયમાં જ સર્કસમાં પ્રાણી નહીં રાખવાનો સરકારનો નવો કાયદો આવી ગયો હોવાથી રિંગમાસ્ટર તરીકેની મારી નોકરી જતી રહી.”

“હું ભણેલો નહોતો. અમે કામની શોધમાં બાળકોને લઈને મુંબઈ આવ્યા. મુંબઈમાં કામ મળી ગયું, ઘર સંસાર સારો ચાલતો હતો. હું દિવસભર મજૂરી કરતો હતો.”

ગ્રે લાઇન

સ્વાસ્થ્યની સમસ્યાએ જીવનને ફરી ધમરોળ્યું

ભોલેનાથ માંડલ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

કોલકાતાથી મુંબઈ આવ્યા પછી ભોલેનાથ માંડલના જીવને ફરીથી એક વળાંક લીધો. તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ ગઈ.

આ દરમિયાન તેમને ટીબી થયો હતો, તેમની દીકરીઓ મોટી થઈ રહી હતી. તેમનાં પત્ની અને દીકરી ભરતગૂંથણ અને સિવણકામ કરી આર્થિક મદદ કરતાં.

તેઓ કહે છે, “મારી બે દીકરી માટે એકસાથે માગું આવ્યું અને બંનેનાં લગ્ન નક્કી કર્યાં પણ એ સમયે મને રક્તપિત્ત થયો. મારી બે આંગળી કાપવી પડી. હૉસ્પિટલથી એક મહિના પછી મને રજા મળતાં હું ઘરે ગયો ત્યારે મને ચોખ્ખું કહી દેવામાં આવ્યું કે મારી રક્તપિત્તની બીમારીની ખબર દીકરીના સાસરામાં પડી જશે તો એમનાં લગ્ન તૂટી જશે. એમ કહીને મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. હું ફરી અનાથ થઈ ગયો.”

“મારી આ દશા જોઈને એક મિત્રે મને 500 રૂપિયા આપ્યા અને કહ્યું કે ગુજરાતમાં રક્તપિત્તના રોગી માટે આશ્રમ ચાલે છે, ત્યાં કદાચ મને આશ્રય મળી શકે છે.”

ભોલેનાથ કહે છે કે, “ગુજરાતમાં 4-5 વાર સર્કસમાં આવ્યો હતો એટલે 2003માં ટ્રેનમાં બેસીને ગુજરાત આવ્યો. કાલુપુર રેલવે સ્ટેશનની બહાર મફત ભોજનાલયમાં જમીને (મારી પાસે પ્રાંતિજ પહોંચાય એટલું બસ ભાડું હતું) હું એટલે પ્રાંતિજ આવ્યો. અહીંના ચર્ચના ફાધર રમેશ તડવીએ મારી વાત સાંભળી અને કહ્યું કે અમારે ત્યાં અનાથ બાળકો છે એમને સમયસર જમાડવાની જવાબદારી સંભાળો અને રહો.”

“હાલ મારી પાસે આશ્રમનાં 6 અનાથ બાળકો છે. હું તેમને રોજ જમાડું છું. રમતો રમાડું છું, ક્રિકેટ અને ગોળાફેંક શીખવું છું. અમારે ત્યાંનાં બાળકો સ્ટેટ લેવલે ગોળાફેંક રમ્યા છે. હું અહીં આવનાર દરેક બાળકને કહું છું કે એ સારો અભ્યાસ કરે. મારી જેમ અભણ ન રહે. 20 વર્ષમાં 60 જેટલાં બાળકો મારી સાથે રહ્યાં છે. બધા ભણીને કામધંધે લાગ્યા છે.”

આજે પણ ઘણાં લોકો 'મામુ'ને મળવા આવે છે, કોઈ ટ્રૅક પેન્ટ અને ટીશર્ટ લાવે, તો કોઈ અહીંનાં અનાથ બાળકો માટે પુસ્તક અને બીજી વસ્તુ લાવે છે.

“પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આ અનાથ બાળકોને મારી જેમ એક વાર ઘર આપીને ફરી અનાથ ન કરતો.”

ગ્રે લાઇન

અનાથ બાળકોના 'મામુ'

ભોલેનાથ માંડલ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ભોલેનાથ માંડલ વિશે આઈ. પી. મિશન ચર્ચના ફાધર રમેશ તડવી બીબીસીને કહે છે, “અમારી પાસે ભોલેનાથ આવ્યા ત્યારે એમની હાલત ખરાબ હતી. માનસિક રીતે ભાંગી ગયા હતા, કારણ કે લોહી-પાણી એક કરીને એમણે ઘરસંસાર વસાવ્યો હતો અને તેમને ખુદને જ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. અમે કાઉન્સિલરની મદદથી એમનો આત્મવિશ્વાસ ફરી લાવ્યા. જીવન એક બીમારીથી પૂરું નથી થતું એ સમજાવ્યું એટલે એમનો રસનો વિષય અનાથ બાળકોની સારસંભાળનો હતો. જેથી અમે એમને એ કામ સોંપ્યું.”

“હવે માત્ર અનાથ બાળકો જ નહીં પણ મારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ લોકોની પણ તેઓ સેવા કરે છે. છ અનાથ બાળકોને પોતાની સાથે રૂમમાં રાખે છે અને એમને નિયમિતરૂપે ભોજન આપી સ્કૂલે મોકલે છે. 20 વર્ષથી અમારી સાથે છે. હવે તેઓ પોતાનું જીવન આ અનાથ બાળકો માટે જ વાપરવાના છે.”

ભોલેનાથની ત્રણેય દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે. પણ એની ભોલેનાથને જાણ નથી કરાઈ.

20 વર્ષથી પત્નીથી અલગ રહી રહેતાં ભોલેનાથનાં પત્નીનો 21 દિવસ બાદ ટેલિફોન પર સંપર્ક થઈ શક્યો. પરંતુ તેમણે ભોલેનાથ વિશે કોઈ પણ વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

રેડ લાઇન
રેડ લાઇન