ડેનમાર્કમાં મહિલાઓનાં ગર્ભાશયમાં જબરજસ્તી ડિવાઇસ લગાડવાની ભયાવહ કહાણી

ડેનમાર્ક
ઇમેજ કૅપ્શન, 1970માં જન્મનિયંત્રણ રણનીતિ અંતર્ગત નાયા લિબથના ગર્ભાશયમાં કોએલ ફીટ કરવામાં આવી હતી
    • લેેખક, ઍડ્રિયન મરી
    • પદ, બીબીસી ન્યૂઝ
લાઇન
  • ડેનમાર્કમાં 1960 અને 1970ના દાયકામાં બની હતી ઘટના
  • આદિવાસી ઇનુઇટ મહિલાઓની જાણ બહાર કરાયું હતું કુટુંબનિયોજન
  • નાનકડી બાળકીઓથી લઈને મહિલાઓના ગર્ભાશયમાં લગાવાયા હતા આઈયુડી
  • વર્ષો બાદ ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડે આ મુદ્દે તપાસ કરવાની સહમતિ દર્શાવી
લાઇન

ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડે સત્તાવાર રીતે ઐતિહાસિક કુટુંબનિયોજન પ્રણાલી વિશે બે વર્ષ લાંબી તપાસ શરૂ કરવા સહમતિ દર્શાવી છે.

ડેનમાર્કના ડૉક્ટરો પર આરોપ છે કે તેમણે આદિવાસી ઇનુઇટ ગ્રીનલૅન્ડર્સ પર ઘણાં વર્ષો સુધી આ પ્રણાલીનો ઉપયોગ કર્યો છે.

1960 અને 70ના દાયકામાં હજારો ઇનુઇટ મહિલાઓ અને યુવતીઓમાં અંતર્ગર્ભાશયી ડિવાઇસ (આઈયુડી) લગાવ્યા હતા, જેને સામાન્ય રીતે કોએલ નામથી ઓળખવામાં આવે છે.

આ ગર્ભનિરોધક ડિવાઇસને મહિલાઓના ગર્ભાશયમાં લગાવવામાં આવતા હતા, જેથી તેમને ગર્ભધારણ કરવાથી રોકી શકાય.

જે મહિલાઓ અને યુવતીઓના ગર્ભમાં આ આઈયુડી લગાવવામાં આવ્યા હતા તેમાંના એક મહિલા નાયા લિબથ પણ છે.

આ 1970ના દાયકાની વાત છે, જ્યારે નાયા અંદાજે 13 વર્ષના હતા. ત્યારે તેમને એક ડૉક્ટરે રૂટીન સ્કૂલ તપાસ દરમિયાન સ્થાનિક હૉસ્પિટલમાં જવા કહ્યું. જ્યાં તેમના ગર્ભાશયમાં કોએલ નાખી દેવામાં આવ્યું.

તેઓ કહે છે, "મને નહોતી ખબર કે આ શું છે, મને જણાવવામાં પણ આવ્યું નહોતું અને મારી સહમતિ પણ લેવાઈ નહોતી."

નાયા તે સમયે ગ્રીનલૅન્ડના પશ્ચિમ તટ પર આવેલા એક નાનકડા શહેર માનિત્સૉકમાં રહેતાં હતાં.

તેઓ જણાવે છે, "હું ડરી ગઈ હતી. હું મારા પરિવારજનોને પણ ન જણાવી શકી. હું તે સમયે કુંવારી હતી. મેં ક્યારેય કોઈ યુવકને કિસ પણ કરી નહોતી."

નાયા હાલ 60 વર્ષનાં છે. તેઓ એ લોકોમાંથી એક છે, જેમણે આ મુદ્દે સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો.

"મને યાદ છે કે એક ડૉક્ટર સફેદ કોટમાં હતા અને કદાચ ત્યાં નર્સ પણ હતી. જ્યાં પગ ફેલાવવાના હોય છે, ત્યાં એક ધાતુની વસ્તુ મેં જોઈ હતી. એ ડરામણું હતું. ડૉક્ટર જે ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા હતા એ મારા જેવા બાળકના શરીર માટે ઘણા મોટા હતા. એવું લાગ્યું કે એક ભારે ચપ્પુ મારી અંદર ભોંકી દેવામાં આવ્યું હોય."

line

4500થી વધુ મહિલાઓને લગાવવામાં આવ્યા હતા આઈયુડી

ડેનમાર્ક

ઇમેજ સ્રોત, NAJA LYBERTH

ઇમેજ કૅપ્શન, પોતાના ઘરમાં યુવાવસ્થામાં નાયા

નાયા કહે છે કે તેમના પરિવારજનોની પણ અનુમતિ લેવાઈ ન હતી અને તેમની સાથે ભણતી અન્ય કેટલીક વિદ્યાર્થિનીઓને પણ હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. પણ તેમણે એ મુદ્દે કોઈ વાત કરી ન હતી, કારણ કે તે ચોંકાવનારું હતું.

તેમણે બાદમાં એક ફેસબુક ગ્રૂપ બનાવ્યું, જેમાં મહિલાઓ પોતાના અનુભવ રજૂ કરી શકે અને એ આઘાતમાંથી બહાર નીકળવા માટે એકબીજાની મદદ કરી શકે. તેમાં 70થી વધુ મહિલાઓ જોડાયાં.

સ્પિગાલકૅમ્પેનિયન (કોએલ કૅમ્પેન) નામના એક પૉડકાસ્ટમાં તાજેતરમાં એવી નોંધ સામે આવી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ગ્રીનલૅન્ડમાં 1966થી 1970 વચ્ચે અંદાજે 4500 મહિલાઓ અને યુવતીઓમાં આઈયુડી અથવા તો કોએલ પ્રત્યારોપિત કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા 1970ના મધ્ય સુધી ચાલુ હતી.

આ તમામ કિસ્સામાં એ સ્પષ્ટ નથી કે તેમાંથી કેટલા કિસ્સામાં સહમતિ લેવામાં આવી હતી અને કેટલામાં લેવાઈ ન હતી.

પ્રભાવિત થયેલાઓમાં 12 વર્ષની બાળકીઓનો પણ સમાવેશ થાય છે. જેમાંથી ઘણાં મહિલાઓએ સાર્વજનિક રીતે કહ્યું છે કે તેમને આ વિશે યોગ્ય રીતે માહિતગાર કરવામાં આવ્યાં નહોતાં. કેટલાંક મહિલાઓ બાળકો પણ પેદા કરી ન શક્યાં અને એ માટે તેઓ કોએલને જવાબદાર ઠેરવે છે.

નાયા કહે છે, "ઘણી મહિલાઓએ મારો સંપર્ક સાધ્યો. એમ લાગે છે કે જેટલી યુવાવસ્થામાં આ કોએલ લગાવવામાં આવ્યા હતા, તેટલી જ વધુ મુશ્કેલીઓ યુવતીઓને પડતી હતી. આ ઘણું દુખદ છે."

આનાગુઆક પૉલ્સન જ્યારે 16 વર્ષનાં હતાં ત્યારે તેમને આ કોએલ લગાવવામાં આવ્યું હતું. જોકે, તે સમયે તેઓ ગ્રીનલૅન્ડમાં નહીં પરંતુ ડેનમાર્કની જમીન પર હતાં. 1974માં તેઓ ગ્રીનલૅન્ડમાં બાળકો માટે બનાવવામાં આવેલી બૉર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં હતાં.

ડેનમાર્ક
ઇમેજ કૅપ્શન, આનાગુઆક પૉલ્સન કહે છે કે તેમણે કોએલના કારણે ઘણી તકલીફો સહન કરવી પડી છે

તેઓ કહે છે, "પ્રક્રિયા પહેલાં તેમણે મને કાંઈ ન પૂછ્યું અને મને કોઈ આઇડિયા ન હતો કે કોએલ શું હોય છે."

તેઓ વર્ષમાં માત્ર એક વખત પોતાના ઘરે જઈ શકતાં હતાં અને એ સ્પષ્ટ છે કે તેમના પરિવારજનો પાસેથી પણ કોઈ અનુમતિ લેવામાં આવી ન હતી. આનાગુઆક એ દુખ વિશે કહે છે કે 17 વર્ષની ઉંમરમાં તેઓ પોતાના ઘરે ગ્રીનલૅન્ડ પાછાં ફર્યાં તો તેમણે કોએલ હટાવી દીધી હતી.

રડતાંરડતાં 64 વર્ષીય આનાગુઆક કહે છે, "મને લાગે છે કે તે સમયે મારા પાસે કોઈ વિકલ્પ ન હતો અને હું તેને સ્વીકાર કરી શકતી નથી."

તેઓ જણાવે છે, "જો આ ગ્રીનલૅન્ડની જગ્યાએ ડૅનિશ મહિલાઓ હોત તો કેવી પ્રતિક્રિયા આપતી?"

ગ્રીનલૅન્ડ કે ડેનમાર્કમાં કુટુંબનિયોજન કાર્યક્રમને લઈને ઘણી ઓછી જાણકારી છે અને તેને લગતા અહેવાલોથી લોકોને આંચકો લાગ્યો છે અને આક્રોશ પણ વધ્યો છે.

ડેનમાર્કના સ્વાસ્થ્ય વિભાગ તરફથી કરવામાં આવેલા ગર્ભાવસ્થા રોકવાની સર્જરીઓની હવે એક કમિટી તપાસ કરશે.

સ્વાસ્થ્ય વિભાગ પર આરોપ છે કે 1960થી લઈને 1991 વચ્ચે ગ્રીનલૅન્ડ અને ડેનમાર્કના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી સ્કૂલોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

line

ડેનમાર્કની વસાહત હતું ગ્રીનલૅન્ડ

ડેનમાર્ક

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રીનલૅન્ડની સરકારે 1992માં ડેનમાર્કથી સ્વાસ્થ્ય નીતિને પોતાની પાસે લઈ લીધી હતી.

ડેનમાર્કના સ્વાસ્થ્યમંત્રી માઉનુસ હ્યૂનિકેએ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે તપાસ બાદ ખબર પડશે કે આ પ્રકારની પ્રથા કયાં કારણસર શરૂ કરવામાં આવી હતી અને આ કેવી રીતે થયું?

તેમણે જણાવ્યું કે તેઓ ઘણી અસરગ્રસ્ત મહિલાઓને મળ્યા. તેમણે કહ્યું, "શારીરિક અને ભાવનાત્મક રીતે પીડા આજે પણ અનુભવી શકાય છે."

ગ્રીનલૅન્ડ એ ડેનમાર્કની વસાહત હતું અને 1953માં તે એક સ્વતંત્ર દેશ બન્યો હતો.

ત્યાર બાદ વ્યાપક આધુનિકીકરણ યોજનાઓ આવી, જેનાથી વધુ સારી સ્વાસ્થ્ય દેખભાળ અને રહેવાની સ્થિતિની શરૂઆત થઈ હતી. આયુષ્યદર વધ્યો અને બાળમૃત્યુદરમાં ઘટાડો થયો.

વીડિયો કૅપ્શન, એક ઑનલાઇન કમ્યૂનિટી પર ગુપ્ત રીતે શેર થઈ રહી છે વાંધાજનક તસવીરો અને વીડિયો.... - INDIA
line

ઘણા લોકો પ્રક્રિયાનું કરે છે સમર્થન

ડેનમાર્ક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગર્ભાવસ્થા રોકવા માટે વપરાતું આઈયુડી

કોપનહૅગન યુનિવર્સિટીના ઇતિહાસકાર સોએરેન રડ કહે છે કે તેનાથી અન્ય પડકારો ઊભા થયા છે અને ગ્રીનલૅન્ડની નાનકડી વસતીમાં ઝડપથી વધારો થયો છે અને 1970માં કે લગભગ બમણી થઈ ગઈ હતી.

રડનું માનવું છે કે કોએલને આંશિક રીતે નાણાકીય જરૂરિયાતોને કારણે લાવવામાં આવ્યું હતું, વસાહતી કારણ પણ તેની પાછળ જવાબદાર છે.

તેઓ કહે છે, "તેનો મુખ્ય હેતુ વધી રહેલી વસતીને કાબૂમાં રાખવાનો હતો અને ઘરો તેમજ સામાજિક કલ્યાણ યોજનાઓ પ્રદાન કરવાના પડકારોનો સામનો કરવાનો હતો."

બીજી ચિંતા યુવા એકલાં માતાઓનું ઊંચું પ્રમાણ હતું, જેણે તેમને કુટુંબનિયોજન તરફ પ્રેરિત કર્યા.

રડ કહે છે કે ડૉક્ટરોએ કોએલની પ્રક્રિયા વિશે અનેક જર્નલમાં લખ્યું છે અને તેને સફળ ગણાવ્યું છે. રેકૉર્ડ દર્શાવે છે કે જન્મદર થોડાં વર્ષોમાં અડધો થઈ ગયો હતો.

નૂકમાં રહેતાં કૅટરીન જૅકબસન જ્યારે 12 વર્ષનાં હતાં ત્યારે તેમના ગર્ભાશયમાં કોએલ લગાડવામાં આવ્યું હતું. તેમને યાદ છે કે એક સંબંધીની ગર્લફ્રેન્ડ તેમને 1974માં ડૉક્ટર પાસે લઈ ગઈ હતી.

ડેનમાર્ક
ઇમેજ કૅપ્શન, કૅટરીન

લગભગ બે દાયકા સુધી તેમના ગર્ભાશયમાં કોએલ હતું, જેના કારણે તેમણે દુખાવો અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 30 વર્ષની ઉંમરે તેમણે ગર્ભાશય કઢાવવું પડ્યું હતું.

તેઓ કહે છે, "મારા જીવન પર તેની મોટી અસર થઈ. મેં એ વિશે ક્યારેય કોઈને કહ્યું નહોતું, કારણ કે મને હંમેશાં લાગતું હતું કે આ બધું માત્ર મારી સાથે જ થયું છે."

આજનું આઈયુડી એક નાનકડા 'ટી' આકારનું ડિવાઇસ હોય છે, જે 1960ના દાયકાની શરૂઆતમાં 'એસ' આકારનું હતું અને ઘણું મોટું હતું.

નૂકસ્થિત ક્વીન ઇનરિડ્સ હૉસ્પિટલના સ્ત્રીરોગ વિશેષજ્ઞ એવિયાયા સિગ્સટલ કહે છે, "ક્યારેય ગર્ભધારણ ન કર્યું હોય તેવા ગર્ભાશયમાં આઈયુડી લગાડવામાં આવે તો ઘણો દુખાવો થાય છે અને પુષ્કળ લોહી વહે છે. આ સિવાય સંક્રમણની શક્યતા પણ વધુ રહે છે."

1990 અને 2000ના દાયકામાં તેમની અને તેમના સહકર્મીઓ પાસે એવાં ઘણાં દર્દીઓ આવ્યાં જે ગર્ભધારણ કરી શકતાં ન હતાં અને તેમને ખ્યાલ ન હતો કે તેમનાં ગર્ભાશયમાં કોએલ છે.

તેઓ કહે છે કે આ પ્રકારના દર્દીઓની સંખ્યા વધારે ન હતી પરંતુ તે સામાન્ય બાબત નથી.

તેઓ કહે છે, "કેટલાક કિસ્સામાં અમને એ મહિલાઓના ગર્ભાશયમાંથી આઈયુડી મળી આવ્યા, જેમણે ગર્ભપાત કરાવ્યો હોય અને બાદમાં તેમને કહ્યા વગર લગાવી દેવામાં આવ્યા હતા."

line

ગ્રીનલૅન્ડમાં ડેનમાર્કના ભૂતકાળને લઈને વિવાદ

ડેનમાર્ક

ઇમેજ સ્રોત, Reuters

ગ્રીનલૅન્ડના માનવાધિકાર કાઉન્સિલ પ્રમાણે આ મામલે પરિવારના જીવન અને ગોપનીયતાની સમજૂતીનું ઉલ્લંઘન થયું છે.

કાઉન્સિલના ચૅરપર્સન કિવિયક લૂસ્ટન કહે છે, "તે એક જનસંહાર હતો કે કેમ તે જાણવા માટે તેની ઊંડાણપૂર્વક તપાસની આવશ્યક્તા છે. અમે આ વિશે માત્ર કોઈ રિપોર્ટ ઇચ્છતા નથી."

ગ્રીનલૅન્ડનાં સ્વાસ્થ્યમંત્રી મિમી કાર્લસન કહે છે કે આ તપાસમાં ગ્રીનલૅન્ડને સામેલ કરવાથી ખબર પડશે કે હકીકતમાં શું થયું હતું.

આ કારણથી ડેનમાર્કના ગ્રીનલૅન્ડ સાથેના ભૂતકાળના સંબંધોને સંડોવતા વધુ વિવાદો ઊભા થયા છે, જે તપાસ હેઠળ છે.

માર્ચમાં ડેનમાર્કે માફી માગીને છ ઇનુઇટ લોકોને વળતર આપવાની જાહેરાત કરી હતી. 1950માં એક સામાજિક પ્રયોગ અંતર્ગત આ લોકોને તેમના પરિવારો પાસેથી છીનવીને ડેનમાર્ક મોકલવામાં આવ્યા હતા.

ઉનાળામાં ગ્રીનલૅન્ડની સંસદે એક પ્રસ્તાવ પર મતદાન કર્યું હતું, જે અંતર્ગત 1953 બાદ ડેનિશ સંસ્થાનવાદની તપાસ માટે એક અલગ કમિશનની સ્થાપના કરવામાં આવશે.

ગર્ભનિરોધક પ્રક્રિયાથી જે મહિલાઓ પ્રભાવિત થઈ તેમના માટે કાઉન્સેલિંગે ઑફર આપી છે, પરંતુ અનાગુઆક જેવાં મહિલાઓ માને છે કે વળતર મળવું જોઈએ.

તેઓ કહે છે, "હું જાણું છે કે એવી ઘણી સ્ત્રીઓ છે જેમને બાળકો નથી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન